ઉદ્યોગસાહસિકતા : “જોખમ ઉઠાવવાની ક્ષમતા”

Facebooktwitterredditpinterestlinkedinmail

હિરણ્ય વ્યાસ

જોખમ ઉઠાવવાની આવડત

નવઉદ્યોગસાહસિકોને ધંધાઉદ્યોગની સ્થાપના તથા વિકાસનું અધિક મહત્વનું પરિબળ હોય તો તે ‘જોખમ ઉઠાવવાની ક્ષમતા’ છે. વર્તમાન હરિફાઇપુર્ણ માહોલમાં હર કોઇ વ્યક્તિ માટે જોખમ ઉઠાવવાની આવડત વિકસાવવી એ અનિવાર્ય છે. ડર જ્ન્મજાત લાગણી નથી બલ્કે વ્યક્તિમાં પાછળથી વિકસેલ પરિબળ છે કેટલાક અનુભવ ભયનો અહેસાસ કરાવે છે. જોખમને ટાળવાનાં જોઇએ, કે જોખમ ઉઠાવવામાં આવડત વિનાનાં આંધળૂકિયાં પણ કરાય નહીં. જોખમપર સઘળી બાબતોનો ખ્યાલ રાખી આવડતથી સંભાળવો રહે અને સફળતા માટે પ્રયત્ન કરવો જોઇએ. જોખમ હાથ ધરવા સંદર્ભે સામાન્યત: નીચે મુજબ અભિગમ જોવા મળે છે.

1. જોખમ ટાળનાર (Risk Avoider), યા
2. જોખમ ઉઠાવનાર Risk Taker

સમાજમાં જોખમ ટાળનારાનો તોટો નથી. જોખમ તો ઉપાડશે નહી અને પાછા જોખમ ઉપાડનારને ‘શા માટે જોખમ ઉપાડો છો?’ તેવી બીનજરુરી સલાહ પણ આપતા રહે છે. આપણે નક્કી કરીએ કે આપણો સમાવેશ શેમાં થાય છે? જોખમ ટાળનાર યા જોખમ ઉપાડનાર? જોખમ ટાળનાર કમ્ફર્ટ ઝોનવાળી વ્યક્તિ છે. કમ્ફર્ટ ઝોન એ બીન ઉપજાઉ-ખરાબાની જમીન છે, જ્યાં કશું જ થતું નથી. આપણો વિકાસ અટકી ગયો છે. જીવન જેમ છે તેમ ચાલે જાય છે તો સ્વીકારજો કે તમને કમ્ફર્ટ ઝોન સદી ગયો છે. જોખમની સાથે પુરસ્કાર સંકળાયેલ છે તો કંઈ કર્યાનાં સારા વળરરૂપ પ્રતિફળ મેળવવું હશે તો જોખમ ઉઠાવવું પડશે.

જોખમ અને અને તેનાં પ્રતિફળને મુલવીને હાથ ધરવામાં આવે છે. જોખમ ઉઠાવવામાં પણ ત્રણ સ્તર જોવા મળતા રહે છે.

1.. અધિક જોખમ ઉઠાવનાર High Risk Taking

2. નિમ્નતમ જોખમ ઉઠાવનાર Law Risk Taking

3. મધ્યમસર જોખમ ઉઠાવનાર Moderate Risk Taking

ઉદ્યોગસાહસિકોમાટે મધ્યમસરનું જોખમ ઉઠાવવું અત્યંત જરુરી તથા અધિક મહત્વનું પરિબળ છે, જે થકી ધંધા-ઉદ્યોગમાં આગળ વધારી રહે છે. મધ્યમસરનું જોખમ પડકારભર્યુ હોય છે અને સંતોષ પ્રેરે છે. નિમ્નતમ જોખમ ઉઠાવનાર એ જોખમ ટાળનાર સમાન જ છે.

જોખમને તક સાથે પણ સંબંધ છે. વ્યક્તિ યા સંસ્થાએ નક્કી કરવાનું રહે કે દરેક સફળતા યા નિષ્ફળતામાં છુપાયેલી સંભાવનાને કેટલા પ્રમાણમાં જોખમ સાથે ઝડપી લેવાય.

તક ત્રણ પ્રકારે આવે છે.
1. અતિરિક્ત (Additive) – અતિરિક્ત એવી તક છે જે સંસ્થા પાસે જે સાધનો છે, તેનો ઉપયોગ કરે છે. ધંધાની ખાસીયતો બદલાતી નથી. બીજું બધું પડતું મૂકી નવું બનાવવાનો પ્રયત્ન કરાતો નથી. જોકે આના પરિણામો મર્યાદિત મળે છે. મસાલા બનાવતી કંપની, અલગ અલગ પ્રકારના મસાલા વિક્સાવે તો તે ચાલવાની સંભાવના પણ વિશેષ રહે છે. જોખમની શક્યતા પ્રમાણમાં ઓછી હોય છે. સારી ચાલતી ફાર્મા કંપનીઓ સપ્લીમેન્ટ પ્રોડક્ટનાં ઉત્પાદન હાથ ધરી અધિક બીઝનેસ ઉભો કરી લેતા જોવા મળેલ છે. અહીં જોખમનું પ્રમાણ નીમ્ન રહે છે.

2. પુરક (Complimentary) – પુરક તક સંસ્થાકીય માળખામાં ફેરફાર માંગી લે છે. પોતાનાં સાધનોમાં વધારો કરવાનો રહે, નવું જ્ઞાન, નવા નોલેજ વર્કર, નવા નિયમો અને પ્રોસિજરોની જરૂર પડે. જોખમનું પ્રમાણ ઊંચું રહેશે. કપડાં ધોવાનો ડિટર્જન્ટ બનાવતી કંપની કોસ્મેટીક પ્રોડક્ટનો વિચાર કરે ત્યારે આ પ્રકારે તક ઉભી થાય છે.
3. હરણફાળ (Breakthrough) –
હરણફાળ (બ્રેકથ્રૂ)’ તકમાં જોખમની માત્રા ખૂબ વધારે હોય છે. નવા રિસોર્સ ભેગા કરવા પડશે. સમય, નાણાં, એનર્જી વધારે જોઈશે. સંસ્થાનું સ્ટ્રક્ચર બદલવું પડશે. રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગમાંથી કેલેન્ડરો હટાવી સ્ટોપ-વોચ મૂકવી પડશે. પ્રતિભાશાળી નોલેજ વર્કરને શોધવા અને સાચવવા પડશે. ભૂતકાળની ભૂલોમાંથી શીખવું પડશે. ખાસ કરીને જ્યારે કંપની ક્યારે પોતાના ધંધાનાં વૈવિધ્યીકરણ માટે અલગ પ્રકારના ધંધાને જ હાથમાં લે છે ત્યારે બ્રેક-થ્રુ પ્રકારની તક સાથે આગળ વધે છે.

જોખમો પણ ચાર પ્રકારનાં હોય :

1. જોખમ જે ઉઠાવી શકાય.
2. જોખમ જેનો સ્વીકાર કરી શકાય.
3. જોખમ જે ઉઠાવવામાં ખતરો છે.
4. જોખમ જે ન ઉઠાવવામાં ખતરો છે.

દવા બનાવનારી કંપની નવી દવા ન બનાવે તો તે બિનઅસરકારક અને ખતરનાક સાબિત થઈ શકે છે. બીજો કોઈ ઉદ્યોગ આવું જોખમ ઉઠાવી ન શકે. જોખમો ઉઠાવતી સંસ્થાએ વિચારવું પડશે કે કંપની ઉપર એની કેવી અસર થશે? નવું જોખમ વર્તમાન પરિસ્થિતીને લઇ ન ડુબે તે ખાસ જરુરી.

હરણફાળ જેવું જોખમ ઉઠાવ્યા બાદ પુરતી સફળતા મળી શકશે કે કેમ? ખૂબ ધ્યાનથી તકોનું પૃથક્કરણ કરી એનો સ્વીકાર કરવાનો નિર્ણય લેવો જોઈએ. જોખમ ઓછું કરવાને બદલે તકને સફળતામાં તબદીલ કરવા ઉપર વધારે ધ્યાન આપવું એ ડહાપણભર્યુ છે.

જો જોખમ ઉઠાવવાનું નક્કી કરો તે તમારા બિઝનેસ સાથે સમગ્ર જીવન ઉપર અસર કરશે. એને અલગથી કે એકાકીપણે જોવી જોઇએ જોઇએ નહી. જોખમ ઉઠાવવાની સાથે જરુરી રીસોર્સ એકત્રીત કરો. પ્રતિભાશાળી જ્ઞાન કાર્યકર્તાને સોંપો કરો. વ્યાવસાયિક તેમજ સ્વ-સંચાલિત વાતાવરણ ઉભું કરો. જ્ઞાન, માહિતી અને અનુભવનાં ઝડપી આદાન પ્રદાનની પ્રક્રિયાઓ વિક્સાવો. જેથી જોખમનાં ધાર્યા પરિણામ આવી શકે, સફળતા સાંપડી શકે.

જોખમ માટે ઉક્તિ છે કે “મહાન માણસો જોખમ લે છે, સારા માણસો ઇચ્છે છે કે તેમણે વારંવાર ઘણું જોખમ ઉપાડેલ હોત.” તો માત્ર સારા માણસ બની ન રહેતા, નાના જોખમ ઉપાડી કંઇક ખાસ કરવાનો અભિગમ રાખીએ. જોખમ હંમેશા મોટું લો, જીતી જશો તો કેપ્ટ્ન બની જશો અને હારી જશો તો સલાહકાર. જોખમ ઉઠાવીએ જીતીએ, કેપ્ટન બનીએ, ખાસ તો આપણે સૌ માત્ર સલાહકાર બનતા અટકીએ.

શું ઉંમર અને જોખમને સંબંધ ખરો?

કદાચ જોખમ લેવાની આવડત ઉંમર પર હાવી થતી હશે નહી કે જોખમ ઉંમર પર હાવી થતું હોય ! સામાન્યત: જેમ જેમ માણસની ઉંમર વધતી જાય તેમ તેમ એના માટે જોખમ લેવાનું વધારે અઘરું બનતું જાય છે. પરંતુ જોખમ માણસનાં જીવનમાં રોમાંચ ઉભો કરે છે.

“મારા કેસમાં એનાથી ઊલટું છે. ઉંમરની સાથે મારી જોખમ ઊઠાવવાની વૃત્તિ પણ મજબૂત બનતી જાય છે. – અનિલ કપૂર.”

માણસ જેટલી અધિક સુરક્ષા ઇચ્છે એટલું પોતાના જીવન પરથી નિયંત્રણ ગુમાવતો જાય છે.

પ્રવર્તમાન અનિશ્ચિતતાથી ભરપુર વૈશ્વિક માહોલમાં દરેક વ્યક્તિએ તથા સંસ્થાએ જોખમો ઉઠાવવાની તૈયારી રાખવી આવશ્યક છે. આપણી પાસે બે જ વિકલ્પ છે. જોખમ લેતા રહો યા તક ગુમાવો. તો યોગ્ય તક સાથે વિકસતા રહીએ. જ્યારે તમે ડર છોડી દો છો ત્યારે જીવન મર્યાદા વિહીન બની જાય છે.

*****

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર:
મો.: 98254 33104 Email: hiranyavyas@gmail.com
Web. www.hiranyavyas.yolasite.com
Face Book Community: https://www.facebook.com/groups/735774343154133/ *****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *