





બીરેન કોઠારી
‘સાધુઓને પામર, ધુતારા, ચોર, મફતખોર અને વહેમ પોષનારા કહી હીણવનારા આધુનિકોને તેમ જ દાક્તર ઈજનેરોને મેં જોયા છે, જે પારકે ઘેર પોતાનાં બુદ્ધિવિજ્ઞાનની લાયરી કરતા હોય છે. પણ પોતાના ફરજંદની માંદગી વેળાએ બધું જ્ઞાનવિજ્ઞાન કોરે મેલી ભુવાજતિને ઘેર દોડે છે. અને મંત્રેલ દોરાધાગા માંદાના ઓશીકા તળે મૂકતાં, અગર તો સંધ્યા વીત્યે ચાર રસ્તાના ચોકમાં મેરા કંકુનાં કુંડાળાં કરી ભાતબાકળા ને મંત્રેલ લીંબુ કાપીને મૂકી આવતાં અચકાતાં નથી; જેથી અંધારે જતા આવતાનો પગ તેમાં પડી બાબર-હુમાયુ ન્યાયે પોતાના દીકરાની માંદગી પેલા રસ્તે ચાલનારને ફાળે ટ્રાન્સફર થાય!’ આ લખાણ સાધુઓના બચાવમાં નહીં, ભણેલા ગણાતા વર્ગની માનસિક પોકળતા દર્શાવવા માટે લખાયેલું છે. તે બીજા કોઈએ નહીં, ખુદ રામકૃષ્ણ મિશનના સાધુ અને ગુજરાતીના અગ્રણી ગણાતા ગદ્યકાર સ્વામી આનંદે લખ્યું છે. નહીં નહીં તોય પચાસેક વર્ષ જૂનું લખાણ છે.
વીસમી સદી પછી બેઠેલી એકવીસમી સદીને આધુનિકતાનો પર્યાય કહી શકાય એ હદે લોકોનાં જીવનધોરણ અને જીવનશૈલીમાં ફેરફાર થયા. ઈન્ટરનેટના આગમને અનેક બાબતોને નવેસરથી વ્યાખ્યાયિત કરી અને હજી રોજેરોજ એ સતત થઈ રહ્યું છે. ભૌતિક રીતે દેખીતાં પરિવર્તન આવવા છતાં લોકોની માનસિકતા ભાગ્યે જ બદલાઈ છે. ભૌતિક રીતે સતત આગળ વધતા જણાતા લોકો માનસિક રીતે વરસોવરસ પાછા જઈ રહ્યા હોય એમ લાગે છે.
સંન્યાસીઓ સામાન્ય રીતે સંસાર છોડીને સંન્યાસ લે એનો અર્થ એ કે તેમણે તમામ ભૌતિક બાબતો અને એષણાઓનો ત્યાગ કર્યો છે. ‘સાધુ તો ચલતા ભલા’ના ન્યાયે સાચો સંન્યાસી સવારે ભોજન મળે તો બીજા ટંકની ફિકર ન કરે. તેને બદલે હવે સાધુઓ ઠેરઠેર વિશાળ સંપત્તિઓના સ્વામી બનતા રહ્યા છે. આવા સાધુઓની લાલસા સંપત્તિ પૂરતી મર્યાદિત નથી હોતી, બલ્કે તેની પછવાડે તણાઈ આવતાં તમામ અનિષ્ટોમાં તેઓ શૂરાપૂરા હોય એવું અનેક વાર જોવા મળ્યું છે. તાજેતરમાં આસારામ અને રામરહીમ પછી આ પ્રકારના કિસ્સામાં નિત્યાનંદ છેલ્લામાં છેલ્લો ઉમેરો નિત્યાનંદનો થયો છે. અલબત્ત, તે છેલ્લો નહીં હોય એની ખાત્રી છે. આ અગાઉ પણ વખતોવખત અનેક સાધુઓ પોતાની ‘લીલા’ માટે પ્રસારમાધ્યમોમાં ચમકતા રહ્યા છે. તેમાં ફરક હોય તો એટલો જ કે કોઈકની લીલા રાષ્ટ્રીય સ્તરની હોય તો કોઈકની આંતરરાષ્ટ્રીય સ્તરની. જો કે, વક્રતા આ નથી. કોઈ સંસારીમાં સુદ્ધાં ન હોય એવી આસક્તિ અને લાલસાથી પીડાતા આવા લોકો પોતાને ‘સાધુ’ કે ‘સ્વામી’ કહેવડાવે એ પણ વક્રતા નથી. ખરી વક્રતા એ છે કે આ બધું હોવા છતાં, અદાલતી રાહે પુરવાર થયા પછી પણ તેમના અનુયાયીઓ તેમને પોતાના ઉદ્ધારક માનતા રહે. અને આવા અનુયાયીઓનો વર્ગ નિરક્ષર ન હોય, બલ્કે મોટે ભાગે ઉચ્ચ શિક્ષિત હોય.
આજે આપણા રોજબરોજના જીવનમાં વિજ્ઞાને એ હદનો પગપેસારો કર્યો છે કે તેના વિનાનું જીવન અશક્ય લાગે. પણ વિજ્ઞાનની શોધોનો વપરાશ અને વૈજ્ઞાનિક સમજ કેળવવા વચ્ચે કશો જ સંબંધ નથી, એ કૌભાંડી સાધુઓના એક પછી એક બહાર આવતા રહેલા કૌભાંડના કદ પરથી સમજાય છે. આધ્યાત્મિક વારસા અને સમૃદ્ધિની વાતો કરનારા આપણા દેશમાં આવા સાધુઓ પાકે, પોંખાય, પૂજાય અને પકડાય, છતાં તેમના અનુયાયીઓની શ્રદ્ધામાં રતિભાર ફરક ન પડે એને કયું લક્ષણ ગણવું? આટલું ઓછું હોય એમ આવા સાધુઓને પ્રત્યક્ષ કે પરોક્ષ રાજ્યાશ્રય મળતો રહે છે. સત્તાધીશો પોતાની અંગત આસ્થાના માર્યા કે પછી અનુયાયીઓની મતબૅન્કની લાલચે આવા સાધુબાવાઓને પોષતા રહે છે. આ ઈતિહાસ પણ આજકાલનો નહીં, આગળથી ચાલ્યો આવે છે. મહેશ યોગી, ધીરેન્દ્ર બ્રહ્મચારી, ચન્દ્રાસ્વામી, રજનીશ, મુક્તાનંદ, સત્ય સાઈબાબા સહિત અનેક સાધુઓ પોતપોતાના સમયમાં વાજબી કારણોસર વિવાદાસ્પદ બની રહ્યા હતા.
આ કટાર શરૂ થઈ એ જ સ્થળે રમણ પાઠક ‘વાચસ્પતિ’ ‘સંશયની સાધના’ કટાર દ્વારા લોકજાગૃતિનું સતત કામ કરતા રહ્યા. વિવિધ સાધુબાવાઓ દ્વારા ચલાવાતી અને તેમના અનુયાયીઓ દ્વારા આગળ કરવામાં આવતી સેવાભાવી પ્રવૃત્તિઓને તેમણે ‘એરણની ચોરી અને સોયનું દાન’ જેવી ગણાવી હતી. અલબત્ત, પોતાની સમસ્યાઓના ઊકેલ માટે સતત કોઈ ચમત્કારી પુરુષની શોધમાં રહેતી આપણી પ્રજા એમ જ માને છે કે આપણે ‘સદ્ગુરુ’ના પગ પકડી લીધા એટલે જીવન સાર્થક! પછી જે કરવાનું છે એ ‘સદ્ગુરુ’ જ કરશે. આ માનસિકતાને વકરાવવામાં આધ્યાત્મિક ગુરુઓનું પ્રદાન પણ ઓછું નથી. કોઈ પણના અનુયાયીઝૂંડમાં સામેલ થવાથી થતા અનેકાનેક સંપર્કોનો લાભ પણ આવા ટોળામાં જોડાવાની પ્રેરણા પૂરી પાડે છે. ઘણી વાર એમ લાગે કે સમજણની આડે આવી ગયેલાં આ પડળ હટાવવા માટે કોઈ લાંબાપહોળા વિચારલેખ કે તાત્ત્વિક ચર્ચાની જરૂર નથી. રીક્ષા પાછળ લખાયેલાં લખાણોમાં એક વાર, આવું લખાણ વાંચવામાં આવેલું: ‘બંદગી ખુદા સે કર, બંદે સે નહીં, દોસ્તી મુઝ સે કર, ધંધે સે નહીં.’
પણ આ ‘બંદા’ઓ એ સુનિશ્ચિત કરી લેતા હોય છે કે પોતાના અનુયાયીઓને પોતાની જ બંદગી કરે, અન્ય કોઈની નહીં. ખુદ ઈશ્વરની પણ નહીં. આ પ્રકારના ગુનાઓ આવા સાધુઓ અને તેમના મળતિયાઓ આચરે એ સમસ્યા કરતાં અગત્યની વાત એ છે કે તેમને કોઈની બીક નથી. ન કાયદાની કે ન સત્તાધીશની. આનું કારણ એ કે તેઓ સત્તાધીશોનું સાચું કદ જાણતા હોય છે. આ સંદર્ભે વધુ એક વાર સ્વામી આનંદનું આ લખાણ: ‘મેં મારી લાંબી જિંદગીમાં એકે ચમત્કાર જોયો નથી. કેટલીક ઘટનાઓ જીવનમાં ને સંસારમાં ક્યારેક એવી જોવાય અનુભવાય છે કે જેનો ભૌતિક વિજ્ઞાનવાળા, પદાર્થવિજ્ઞાનવાળા આપી શકતા હોય છે તેવો ખુલાસો, આંખે દેખાય તેવો, આપણે આપી શકતા નથી. પણ એવી ઘટનાઓ માનવીને એની જીવનયાત્રામાં કે એના ચરિત્ર, સંસ્કાર, પુરુષાર્થ કે જહેમતોમાં કોઈ રીતે ઉપકારક કે કલ્યાણકારી નીવડે છે એવું હું માનતો નથી. અનુભવ પણ એવો નથી. બલ્કે એથી ઊલટો જ છે.’
હરીફરીને વાત છેવટે ત્યાં જ આવીને ઊભી રહે છે કે સૂતેલાને જગાડી શકાય, પણ જાગતા હોય એને કોણ જગાડે?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮ – ૧૧ – ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)