





મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ
(શેર ૭ થી ૯)
આંશિક ભાગ – ૨ થી આગળ
મૌત કી રાહ ન દેખૂઁ કિ બિન આએ ન રહે
તુમ કો ચાહૂઁ કિ ન આઓ તો બુલાએ ન બને (૭)
આ શેર સમજવામાં થોડો સંકુલ છે. જો ઉલા મિસરામાંના ‘દેખૂઁ’ પછી અને સાની મિસરામાંના ‘ચાહૂઁ’ પછી પ્રશ્નાર્થચિહ્ન સમજવામાં આવે તો આખો શેર સ્પષ્ટ રીતે સમજાઈ જશે. માનવ મોતની રાહ જુએ ન જુએ તો પણ તેના નિર્ધારિત સમયે તે આવવાનું જ છે. જીવમાત્ર જે જન્મે છે, તેનું મોત અનિવાર્ય હોય છે. આ શેરને પણ ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી બંને ભાવે સમજી શકાય છે. જો તેને દુન્યવી માશૂકા સંદર્ભે સમજીએ તો તે ઇશ્કે મિજાજી બને અને મોતને જ માશૂકા તરીકે કલ્પી લેવામાં આવે તો તે ઇશ્કે હકીકી બને. જે મૃત્યંજય હોય છે તેઓ મોતને ગળે લગાવતા હોય છે. સાની મિસરામાં શાયર કહે છે કે માશૂકા પોતાની તરફ આવવાનું ન જ ચાહતી હોય તો તેને લાખ બોલાવો તોય એ નહિ જ આવે. આમ માશૂકા કે મૌત બંનેનું પોતાની તરફ આવવું કે ન આવવું તે સ્વયં તેમના પોતાના ઉપર આધારિત છે અને તેથી માશૂકે તો તટસ્થભાવ જ ધારણ કરવો રહ્યો. આમ ગ઼ાલિબ ઘણી વાર પોતાની ગ઼ઝલોમાં ઉમદા વાતો બયાન કરી દે છે. ગ઼ાલિબની એ જ ખૂબી છે કે તે સૂક્ષ્મ બાબતો પણ મનનીય રીતે બયાન કરી શકે છે.
બોઝ વો સર સે ગિરા હૈ કિ ઉઠાએ ન ઉઠે
કામ વો આન પડ઼ા હૈ કિ બનાએ ન બને (૮)
આ શેરના સાની મિસરાને પ્રથમ લઈને સમજીએ તો ગ઼ાલિબ જે કહે છે તેનો મતલબ એ થાય કે જે કામ કરવાનું માથે આવ્યું છે તેને પૂર્ણ કરી શકાય તેમ નથી. હવે આના ઉદાહરણ રૂપે ઉલા મિસરામાં કહેવાઈ ગયું છે કે જે રીતે માથા ઉપરના બોજને એક વખત ઉતારીને ફેંકી દીધા પછી તેને જાતે જ ફરી ઊંચકવો મુશ્કેલ બને છે. આ પહેલા મિસરાનો ઇંગિત અર્થ એ નીકળે છે કે માથા ઉપરથી ફેંકાઈ ગયેલા બોજને ફરી માથા ઉપર લેવો હોય તો અન્ય કોઈ સહાયકની જરૂર પડે. બીજા મિસરાનો પણ ઇંગિત અર્થ એ લઈ શકાય કે કોઈ કાર્ય કરવાની જવાબદારી માથે આવી પડી હોય તો તે કાર્ય આપમેળે થઈ ન જાય, પણ તેને આપણે કરવું પડે. આમ ગ઼ાલિબ માનવજીવનની વાસ્તવિકતાઓને પોતાના શેરમાં એવી ઉમદા રીતે વણી લે છે કે આપણે હેરત પામ્યા સિવાય ન રહી શકીએ.
ઇશ્ક઼ પર જ઼ોર નહીં હૈ યે વો આતિશ ‘ગ઼ાલિબ’
કિ લગાએ ન લગે ઔર બુઝાએ ન બને (૯)(આતિશ= આગ)
ગ઼ઝલના આ મક્તા શેરમાં ગ઼ાલિબ ઇશ્કની ફિલસુફી સમજાવતાં કહે છે કે ઇશ્ક ઉપર કોઈનું જોર ચાલતું નથી. ઇશ્ક તો આઝાદ છે અને તે કોઈની તાબેદારી કદીય સ્વીકારે નહિ. ઇશ્ક એ પ્રેમીઓનાં દિલોમાં જાગતો એવો બેમિસાલ અગ્નિરૂપી કુદરતી સંવેગ છે કે જેને દુન્યવી અગ્નિની જેમ પેટાવી કે બુઝાવી શકાતો નથી. ઇશ્ક કરવામાં આવતો નથી હોતો, એ તો થઈ જતો હોય છે; અને એક વખત આવા થઈ ગયેલા ઇશ્કને કદીય મિટાવી શકાય નહિ. વિશ્વભરનાં પ્રેમીજનોનો ઇતિહાસ ગવાહ છે કે એવાં સાચાં પ્રેમી યુગલોના પ્રેમને મિટાવવા માટેના લાખ પ્રયત્નો છતાં તેને મિટાવી શકાયો નથી. એવાં પ્રેમીયુગલોએ ફના થવાનું મુનાસિબ ગણ્યું છે, પણ કહેવાતી એવી જાલિમ સત્તાઓ આગળ તેઓ કદીય ઝૂક્યાં નથી. ઇશ્કે હકીકી સંદર્ભે આ શેરને સમજીએ તો ઈશ્વર પરત્વે લાગેલી લગની પણ એવા દિવ્ય અગ્નિ જેવી છે કે જેમાં આત્મસમર્પણ સ્વીકાર્ય છે, પણ પ્રતિકૂળતાઓ સામે શરણાગતિ તો હરગિજ નહિ.
સમાપને, ગ઼ાલિબની આ ગ઼ઝલને સમગ્રતયા અવલોકને મૂલવતાં ભાવકોને અવશ્ય લાગશે કે આ તેમની પ્રથમ હરોળમાં આવતી ગ઼ઝલો પૈકીની એક છે. ગ઼ાલિબનું કવન એવું નૈસર્ગિક છે કે આપણે પેલી ઉક્તિને સ્વીકારવી જ પડે કે કવિઓ કે શાયરો બનતા નથી હોતા, પણ જન્મતા હોય છે.
* * *
-(સંપૂર્ણ)
* * *
ઋણસ્વીકાર :