વાંચનમાંથી ટાંચણ : હાદઝા

વિશ્વ ઈતિહાસનું પુસ્તક વાંચવાની શરુઆત કરતાં, પહેલાં જ પ્રકરણમાં આદિમ માનવ – ખાસ કરીને પથ્થરયુગના માણસ વિશે જાણીને મને અત્યંત આશ્ચર્ય થયું હતું.  લગભગ પશુ કહી શકાય તેવી અવસ્થામાંથી માનવજાતે આ એકવીસમી સદી સુધીની યાત્રામાં કેટલી બધી હરણફાળો ભરી છે?  તે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે? અને પહોંચવા છતાં, બરાબર પહોંચ્યો છે ખરો? 

આ એકવીસમી સદીમાં પણ પથ્થરયુગના માનવીની જેમ જ, હજુ પણ શિકારી/ ફળાહારી ( Hunter getherer ) રીતથી જીવતી, જાતિના જીવન વિશે એક લેખ નેશનલ જ્યોગ્રોફિક મેગેઝિનમાં વાંચવા મળ્યો હતો. ( ડિસેમ્બર – 2009 નો અંક ) વાંચવામાં આવ્યો હતો અને ગમી ગયો હતો. એની લિન્ક આ રહી –

https://www.nationalgeographic.com/magazine/2009/12/hadza/

આફ્રિકાના ટાન્ઝાનિયા દેશની હાદઝા જાતિના ઓનવાસ નામના વડીલના કબીલા સાથે ન્યુયોર્કના જાણીતા પત્રકાર અને લેખક માઈકલ ફિન્કલે પંદર દિવસ ગાળ્યા હતા. તેનો વિગતવાર અહેવાલ ઉપરના લેખમાં છે. આપણને વિચારતા કરી દે તેવા, એ લેખમાંથી મળેલી માહિતી ગુજરાતી વાચકો સમક્ષ મુકવાની ઈચ્છા થઈ; એના પરિપાક રૂપે એ આંખે દેખ્યું વૃત્તાન્ત આ સાથે રુપાંતરિત કરીને ટૂંકમાં રજુ કરું છું.

સુરેશ જાની

ટાન્ઝાનિયાના ઉત્તર ભાગમાં આવેલા, વિશ્વવિખ્યાત, સરંગેટી પાર્ક ની દક્ષિણે એયાસી તળાવના કાંઠે વસેલી આ જાતિ ૧૦,૦૦૦ વર્ષ પૂર્વેના પથ્થરયુગમાં સ્થગિત થઈને, કશો વિકાસ કર્યા વિના થંભી ગયેલી છે. અહીંથી ઘણી નજીક, જગતમાં સૌથી પ્રાચીન માનવ હાડપિંજરો, (લ્યુસી – ૩૨ લાખ વર્ષ પહેલાંનું માનવ હાડપિંજર ) – અશ્મિઓ અને પથ્થરનાં સૌથી પ્રાચીન હથિયારો મળી આવ્યાં છે. ફ્લોરિડા રાજ્યની યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રેન્ક માર્લો પંદર વર્ષથી એમના જીવનનો અભ્યાસ કરતા રહ્યા છે. માનવવંશ શાસ્ત્રના અભ્યાસુ તજજ્ઞો આવી જાતિઓને જીવતાં અશ્મિ ( Living fossils) તરીકે ઓળખાવે છે. આજુબાજુ વસેલી, પશુપાલન અને ખેતી કરતી બીજી જાતિઓ સાથે સમ્પર્ક હોવા છતાં, તેમણે પોતાની જીવન પધ્ધતિમાં ખાસ કશો ફરક કર્યો નથી.

તેમના જીવન વિશે આપણને વિચારતા કરી મુકે તેવી ઉપરછલ્લી વિગતો હવે વાંચો –

1. એમની વસ્તી આશરે ૧,૦૦૦ વ્યક્તિઓ પૂરતી મર્યાદિત છે. દરેક કબીલામાં ત્રીસેકથી વધારે સભ્યો હોતાં નથી.

2. એમના પ્રદેશની બહારની દુનિયાની કશી માહિતી એમને નથી – મેળવવા માંગતા પણ નથી. એમના ઘણા સભ્યો એમનો સમાજ છોડીને, બહારની દુનિયામાં જતા રહ્યા છે. પણ એનો એમને કશો ખેદ નથી.

3. એમનું રહેણાંક પણ સ્થાયી નથી. કોઈ ઝૂંપડી, તંબુ કે ઘર પણ નહીં. સાવ ખુલ્લા મેદાનમાં જ આખી જિંદગી પસાર થઈ જાય છે. વરસાદ આવવાની વકી હોય ત્યારે, ત્યારે ઝાડની ડાળીઓ, પાંદડાં અને ઘાસથી કામચલાઉ આશરો એક કલાકમાં બનાવી લે છે.

4. શિકાર કરવો અને ફળો વીણીને ખાવાં, આ સિવાય કશી પ્રવૃત્તિ એ લોકો કરતા નથી – કરવા માંગતા પણ નથી.

5. અને છતાં, તેમનો ખોરાક વિશ્વના ઘણા લોકોની સરખામણીમાં વૈવિધ્ય વાળો છે.

6. જંગલી ગુલાબને પીસીને મળતું ઝેર તીરની અણી પર ચોપડવામાં આવે છે. આથી આ તીર વાગે તે જાનવર છટકી શકતું નથી. જિરાફ જેવા મોટાં પ્રાણીને પણ ધરાશાયી કરવા તે સક્ષમ હોય છે.

7. અત્યંત ચપળ અને લાંબી છલાંગ ભરી શકતા, બબૂન નામના વાંદરાનો શિકાર કરી શકે તેની પ્રતિષ્ઠા ઘણી વધી જાય છે. પાંચ બબૂનનો શિકાર કર્યો હોય તેને જ સ્ત્રીના સંગનો લ્હાવો મળી શકે છે.

8. પુરુષો શિકાર કરી લાવે અને મધ લઈ આવે; ત્યાં સુધીમાં સ્ત્રીઓ ફળો વીણી, તોડી લાવે અને પાણી માટે વીરડો ખોદી તૈયાર રાખે.

9. બબૂન કે જિરાફ જેવા પ્રાણીનો શિકાર જ સામુહિક પ્રવૃત્તિ હોય છે. બાકી દરેક જણ પોતાના કુટુમ્બ પૂરતો નાનકડો શિકાર મળી રહે, તેનાથી સંતોષ માની લે છે. આવતીકાલે શું મળશે તેની કશી ચિંતા તેમને કદી રહેતી નથી.

10. મોટો શિકાર કર્યો હોય તો આખી વસ્તી તે જગ્યાએ પડાવ નાંખી દે છે. કોઈ એક વ્યક્તિએ મોટો શિકાર કર્યો હોય, તો પોતાનો અંગત પ્રયત્ન છોડી, બધા એમાં જોડાઈ જાય છે. અલબત્ત ખાણનો મોટો ભાગ શિકાર કરનારનો રહે છે.

11. કોઈ પણ જાનવર કે પક્ષી એમનો ભક્ષ્ય તરીકે ચાલે છે – સિવાય કે, સાપ, જેનાથી એ લોકો દૂર રહેવાનું પસંદ કરે છે.

12. ઝાડની ડાળીને અનુકૂળ રીતે છોલીને, અડધાથી ઓછી મિનિટમાં, હથેળીમાં જોરથી ઘુમાવી, આગ પેદા કરી શકે છે. એમને હજુ દીવાસળીની જરુર જણાઈ નથી. એવી કશી ઉતાવળ પણ એમને નથી હોતી.

13. એમને ખેતી, પશુપાલન, કોઈ જાતની ચીજ વસ્તુ કે વાહનના ઉપયોગમાં લગીરે રસ નથી કારણકે,એમના જીવનમાં એ કશાની જરૂર જ નથી!

14. એમને કોઈ અગત મિલ્કત હોતી નથી. કોઈની પાસે વધારે ચીજો હોય, એમ હોતું નથી. એમની ઘરવખરી, ચામડાના એક ચોરસામાં સમેટી લેવાય એટલી જ હોય છે – રાંધવાનું એક પાત્ર, પાણી માટે એક પાત્ર, એક કુહાડી અને એક છરો. કપડાંની માત્ર બે જ જોડ.

15. આ હથિયારો અને કપડાં બાજુમાં વસેલાં ગામવાસીઓ પાસેથી મધના બદલામાં એ લોકો મેળવી લે છે. આ માટે જરૂર પૂરતા સ્વાહીલી ભાષાના શબ્દો જ એ શીખ્યા છે.

16. ગંદા તળાવમાં પુરુષો નગ્નાવસ્થામાં સાથે નાહી લે છે અને કપડાં, ધોઈ, સુકાવી ફરીથી પહેરી લે છે.

17. આશ્રર્યજનક રીતે સ્ત્રીઓ મહીનાઓ સુધી નહાતી નથી. પુરુષોને પણ સ્ત્રીઓ આમ ગંદી રહે, તે વધારે ગમે છે!

18. એમની પોતાની ભાષામાં પણ, એમના સીમિત જીવન વ્યવહાર પૂરતા, બહુ જ મર્યાદિત શબ્દો છે.

19. ત્રણ કે ચાર થી વધારે આંકડા એમની ભાષામાં નથી. વધારે ગણવાનો દિવસ હજુ સુધી આવ્યો જ નથી.

20. સમયના માપમાં કલાક કે મિનિટ તો શું – દિવસો પણ અગત્યના નથી. કોઈની રાહ જોવાની હોય તો; તે ન આવે ત્યાં સુધી રાહ જોવામાં એમને કશો કંટાળો નથી હોતો.

21. તેમને કશો ડર હોય તો તે છે – ઠંડા પાણીનો.  ઠંડા પાણીમાં ખાબકી શકે; તે ખરો વીર એમ તે લોકો માને છે.

22. લડાઈ અને ટંટાથી તેઓ દૂર ભાગે છે. એમણે કદી બીજી જાતિઓ પર આક્રમણ કર્યું નથી. એમની ૯૦ ટકા જમીન બીજી જાતિઓએ હડપ કરી લીધી હોવા છતાં; તેઓએ જાતે જ ખસી જવાનું પસંદ કર્યું છે. શેષ વિસ્તાર હવે બીજાઓ માટે સાવ અનાકર્ષક છે.

23. એમના પ્રદેશમાં કદી દુષ્કાળ પડ્યો નથી; કે રોગચાળો ફાટી નીકળ્યો નથી – જેથી સ્થળાંતર કરવા તેઓ લાલાયિત બને. આની વિરુધ્ધ બાજુની જાતિઓ તેમના દુષ્કાળના વખતમાં તેમની સાથે આવીને રહેલી છે; અને તેમનો તેમણે અતિથિ સત્કાર કરેલો છે.

24. તેમના જીવનની શૈલી બારે મહિના અને સૈકાંઓથી એકધારી રહેલી છે. તેમના દિવસનો માત્ર ચાર કે છ કલાકનો સમય જ ખોરાક શોધવામાં જાય છે. બાકીનો સમય એ લોકો આરામ અને આનંદ પ્રમોદમાં ગાળે છે. કંટાળા જેવી કોઈ અવસ્થાની તેમને ખબર જ નથી. વધારાનો સમય તીર બનાવવાનું કે કામઠાંની તુટેલી દોરીની જગ્યાએ શિકારના આંતરડાંમાંથી બનાવેલી દોરી બાંધવામાં કે એક્બીજાનાં શરીરમાંથી કાંટા કાઢી આપવામાં જાય છે.

25. કદીક બાજુની વસ્તીમાં જઈ, મધની અવેજીમાં કપડાં, ચંપલ કે પ્લાસ્ટિકના મણકા ખરીદી લાવતા હોય છે.

26. આજુબાજુની જાતિઓ ( ડટોગા, ઈર્ક્વા, ઈસાઝુ, સુકુમા, ઈરામ્બ્વા વિ.) એમને પછાત, અછૂત અને હલકા ગણે છે. કદીક કોઈ હાદઝા તેમના તળાવમાંથી પાણી પીવા માંગે, તો. પોતાનાં ઢોર પી લે, પછી જ આવી વ્યક્તિને પાણી પીવા દેવાની છૂટ આપવામાં આવે છે.

27. હજારો વર્ષોમાં એમણે કોઈ સ્મારક કે યાદગીરી સર્જી નથી. એમને એવી ફાલતુ ચીજની કશી જરૂર લાગી નથી. રહેવાની જગ્યા પણ સ્થાયી નથી હોતી. રાત્રે જ્યાં પડાવ નાંખે, તે ખુલ્લી જગ્યા, એ એમનું ઘર!

28. દરેક કબીલો તેના સૌથી વૃધ્ધ માણસના નામથી જાણીતો હોય છે. એમાં ભાઈઓ, બહેનો, જમાઈઓ પણ સામેલ હોય છે. વડીલને માન આપવા છતાં, એની કે કોઈ નેતાની જોહુકમી હોતી નથી.

29. સ્ત્રીઓનું સ્થાન પૂર્ણ રીતે પુરુષની સમકક્ષ હોય છે. બીજી જાતિના પુરુષ સાથે લગ્ન કરેલી સ્ત્રી મોટે ભાગે એ સમાજની પુરુષ પ્રધાનતાથી વાજ આવી જઈ, થોડા જ વખતમાં પાછી આવી જવાના ઘણા દાખલા છે.

30. એક જ સ્ત્રી અને પુરુષ સહજીવન કરતાં હોવાં છતાં; એકેબીજાને છોડી દેવા સ્વતંત્ર હોય છે. આમ છતાં બહુપત્નીત્વ કે બહુપતિત્વનો ચાલ કદી રહ્યો નથી. જ્યાં સુધી સાથે રહે ત્યાં સુધી બન્ને એકમેકને જાતીય રીતે વફાદાર રહે છે. મોટે ભાગે ન ફાવવાના કારણે છૂટાછેડાની પહેલ સ્ત્રી જ કરતી હોય છે!

31. વીસેક કબીલાઓમાં વહેંચાયેલા સમાજમાં સભ્યો સતત બદલાતાં રહે છે. જ્યાં સુધી મનમેળ રહે ત્યાં સુધી કોઈ વ્યક્તિ કબીલામાં રહે છે; નહીં તો બીજા જાણીતા કબીલામાં સ્થળાંતર કરે છે. આમ ભળનાર નવી વ્યક્તિને મોટે ભાગે પ્રેમપૂર્વક આવકારવામાં આવે છે.

32. બાળકો દૂધ પીતાં હોય, ત્યાં સુધી જ માને વળગેલાં રહે છે. બાકી મોટાં થયેલાં બાળકો અલગ જૂથમાં રમ્યાં કરતાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો ખોરાકની શોધમાં દૂર ગયાં હોય ત્યારે કબીલાની ઘરડી સ્ત્રીઓ બાળકો પર ધ્યાન રાખે છે.

33. જન્મ, લગ્ન કે મરણની ખાસ કશી વિધિ હોતી નથી. પહેલાં તો મરેલી વ્યક્તિને ઝાડીઓમાં જ છોડી દેવાતી. પણ હવે દાટી દેવાય છે. એની યાદગીરીનું કોઈ ચિહ્ન પણ કબર પર છોડવામાં આવતું નથી. ગમે તેટલી પ્રીય તે વ્યક્તિ ન હોય; તેને વિના સંકોચ વિસારી દેવામાં આવે છે.

34. ઈશ્વર જેવી કોઈ માન્યતા તેઓ ધરાવતા નથી. કોઈ પણ ધાર્મિક વિધિ કે પ્રાર્થના તેઓ કરતા નથી. માત્ર સૂર્ય માટે તેમને ઘણું માન હોય છે.

35. બીજા લોકોને એમના ભવિષ્યની વધારે ચિંતા રહે છે -ખાસ કરીને તાન્ઝાનિયાની સરકાર! એમને વિકસિત કરવા, શિક્ષિત કરવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમનાં ઘણાં બાળકો શિક્ષણ લઈ, બહારની દુનિયામાં સ્થાયી થયાં છે; પણ ભેદભાવની બીજી જાતિઓની નીતિને કારણે આવી વ્યક્તિઓ સાવ હલકાં કામો જ કરી શકે છે અને નવા સમાજમાં દલિત જ બની રહે છે. આથી મોટા ભાગે હાદઝા પોતે જ આવો કોઈ અનર્થકારી વિકાસ કરવા માંગતા નથી! એમને માટે તો પ્રાકૃતિક જીવન જ પૂર્ણ સુખ અને આનંદથી ભરેલું છે.

36. રિચાર્ડ બાલો નામનો એક સાઠ વર્ષનો હાદઝા આગળ પડતો, વિકસિત સમાજમાં ભળેલો નેતા છે અને હાદઝાને બદલાવા માટે, અને વિકાસશીલ કરવા માટે આંદોલન, અભિયાન ચલાવે છે. પણ હાદઝા સમાજની બહુ ઓછી વ્યક્તિઓ આ માટે તૈયાર છે.

37. મંગોલા નામના હાદઝાનો કબીલો થોડો જુદો પડીને, આ પ્રદેશની મૂલાકાત લેતાં સહેલાણીઓને હાદઝાના જીવન, શિકાર પધ્ધતિ વિગેરેની માહિતી આપવામાં અને પ્રવાસન ઉદ્યોગમાં જોટાયો છે. પણ એમનામાં વિકસિત સમાજની બદીઓ – મદ્યપાન, જુગાર, ગુનાખોરી, ખુન, સમ્પત્તિ માટેની લાલસા, ચોરી, છેતરપીંડી, ચેપી રોગો, માંદગી, વેશ્યાપ્રથા વિગેરે પ્રવેશી ગયાં છે.

38. આ દાખલો જોઈ, બીજા હાદઝા કબીલા આવા પરિવર્તનંથી દૂર રહેવાનું પસંદ કરે છે. પણ કદાચ થોડાંક જ દાયકાઓમાં હાદઝા સમાજ બહારની દુનિયાની ચમક ધમક જોઈ, આ નીતિનાશમાં જોડાઈ જાય અને તેમની જીવન પધ્ધતિનો અંત આણે, તેવી પૂરી સંભાવના છે.    .

માઇકલના કહેવા પ્રમાણે આમ હમ્મેશ જીવવાનું તે પસંદ તો ન જ કરે. એમના જીવનની હાલાકીઓ, પ્રાથમિક સગવડોનો અભાવ વિગેરે બહારની દુનિયામાં રહેવા ટેવાયેલાને કદાપી અનુકૂળ ન જ આવે. પણ હાદઝાના જીવનની સરળતા, તાણ, ચિંતા, માનસિક વ્યથાઓનો સદંતર અભાવ – આ બધાં પાસાં તેને સ્પર્શી ગયાં હતાં. આ પંદર દિવસ તેણે અપ્રતીમ સુખમાં ગાળ્યા હતા; અને જીવનને બને તેટલી સરળતાથી જીવવાના ફાયદા સમજાયા હતા.

એક વિદ્વાનના અભિપ્રાય મુજબ….

ખેતીની શોધ માનવ સમાજની સૌથી મોટી અને વિનાશકારી ભૂલ હતી.’

—————

સાભારનેશનલ જ્યોગ્રાફિક મેગેઝિન

ગુજરાતી સાહિત્યમાં પથ્થરયુગની પાર્શ્વભૂમાં લખાયેલી કદાચ એકમાત્ર નવલકથા પહેલો ગોવાળિયો વાંચવા વાચકોને ઈજન છે.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “વાંચનમાંથી ટાંચણ : હાદઝા

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.