લ્યો, આ ચીંધી આંગળી : જુઓ, વાર્તાઓ ક્યાં ક્યાંથી અને કેવી કેવી મળે છે ?

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

(કથા પાછળની કથા)

હું મારા લેખનની શરૂઆતથી ટૂંકી વાર્તાઓ જ લખતો આવ્યો હતો. નવલકથા લખવાનો કોઇ જ વિચાર નહોતો, પણ મારા ગુરુમિત્ર મને એ માટે સતત આગ્રહ કર્યા કરતા હતા. પણ હું એને માટે માનસિક રીતે તૈયાર નહોતો. પણ ૧૯૮૨ના અંતમા હાસ્યલેખક મિત્ર નિરંજન ત્રિવેદી પાસે તેમના એક વાચક બહેને મારું સરનામું માગ્યું. એ બહેન સંદેશની મારી કોલમ ઝબકારમાં ઘોળાયેલા સત્યઘટનાના અંશોથી બહુ પ્રભાવિત હતાં અને મને પોતાની કોઇ કથની કહેવા માગતાં હતાં, જે જાણીને હું એમની સમસ્યામાં કંઇક મદદરૂપ થઇ શકું.

મારું સરનામું મેળવીને મને એમણે જ પહેલો પત્ર લખ્યો. તેણે મારામાં વધુ જિજ્ઞાસા જગાડી. એટલે મેં એમને પોતાની આખી કથની એક પત્ર દ્વારા લખી મોકલવાનું સૂચન કર્યું. એમણે મને જવાબમાં જે લાંબો પત્ર લખ્યો તેનું એક પાનું આ લેખ સાથે મૂક્યું છે. એ પત્ર મળ્યા પછી હું મારી બૅન્કની એક મિટિંગમાં અમદાવાદ આવ્યો અને તેમને મળ્યો ત્યારે તેમની કથનીના મુખ્ય પાત્ર એવા એમના યુવાન ભાઇને પણ મળ્યો કે જે અતિશય સંવેદનશીલ કવિહૃદય તો હતો જ, પણ એક ચોક્કસ કૌટુંબિક આઘાતને કારણે માનસિક રોગનો શિકાર બની ગયો હતો. અપરિણિત એવા એ નાનેરા ભાઇની વેદના આ મુંબઇ રહેતી બહેનથી જોઇ જતી નહોતી અને એના ઇલાજમાં હું કોઇ પણ રીતે મદદરૂપ થઇ શકું તેમ તે માનતી હતી. મેં એમને મારા નવા નવા મિત્ર બનેલા ડૉ. મૃગેશ વૈષ્ણવની ઓળખાણ કરાવી અને એ વાત ત્યાં પૂરી થઇ.

પણ મોહમ્મદ માંકડસાહેબે જ્યારે નવલકથા માટે મને વારંવાર ટપારવા માંડ્યો ત્યારે હું જેના સંપર્કમાં આવ્યો હતો તેવી આ હૃદયસ્પર્શી ઘટના યાદ આવી, બલકે તેણે જ જામગરી ચાંપી અને ત્યારે મેં આ પહેલવહેલી નવલકથા કોઇ પૂછે તો કહેજોલખી જે સંદેશમાં હપ્તાવાર પ્રગટ થઈ અને આર આર શેઠની કું. દ્વારા સપ્ટેમ્બર ૧૯૮૮ માં પ્રકાશિત થઇ.

(બુક્સેલર્સ એન્ડ પબ્લીશર્સ, દ્વારકેશ, રોયલ એપાર્ટમેન્ટની બાજુમાં, ખાનપુર, અમદાવાદ-380 001 .ફોન- +91 79 2550 1732 અને 2550 6573 99099 41801 અને- +91 99099 44410. / ઈ-મેલ: sales@rrsheth.com)

– રજનીકુમાર પંડ્યા)

૧૯૮૧-૮૨ના એ દિવસોમાં હું અમદાવાદ નહિં, જૂનાગઢ રહેતો હતો. ‘સંદેશ’ની મારી ‘ઝબકાર’ કટાર અતિ લોકપ્રિય થઇ હતી. વાચકોના ‘સંદેશ’ના સરનામે આવતા પત્રો મોટે ભાગે મને સંપાદક કાંતિ રામી મોકલી આપતા. એ જ રીતે એક બહેન વિદુલા(નામ બદલ્યું છે)નો પ્રથમ પત્ર આવ્યો. મને એ સામાન્ય રીતે આવતા પત્રો જેવો જ લાગ્યો હતો. એમાંની એક વાત પકડીને એના અનુસંધાને મેં પ્રત્યુત્તર લખ્યો તો થોડી વધુ વિગતો આવી. એમાં એમનું અમદાવાદનું સરનામું અને ફોન નંબર પણ હતાં. એ પછી છેક ત્રણચાર મહિને અમદાવાદ આવવાનું થયું ત્યારે ફોન પર સંપર્ક કરીને સીધો એમને ત્યાં ગયો. ત્યારે એમના પતિ-બાળકો હાજર હતાં. સુખી અને આર્થિક રીતે ઉચ્ચ મધ્યમવર્ગીય ઘર હતું. પુત્ર હતો-પુત્રવધૂ અને એમનું પણ બાળક હતું. બધાં લાગતા તો હતાં આનંદી અને સત્કારભાવથી ભર્યા ભર્યા, પણ એ બધાં જ કશીક કાયમી પીડાના દોરે પરોવાયેલા હોય એમ પણ તરત જ જણાઈ આવ્યું. વિશેષરૂપે આ બહેન-વિદુલાબહેન પોતાનાથી સત્તર વર્ષ નાના અને યુવાન ભાઈ મયુરની બહેન હોવાને લીધે સતત સોરાયા કરતાં હતાં. દોઢ-બે કલાક એમની સાથે વાતો થઈ એમાં વચ્ચે વચ્ચે કોઈ ક્ષણે એમની મનોવેદના એટલી બધી છલકાઈ જતી હતી કે મારા કાન પર એમના શબ્દો નહીં, પણ શબ્દોના પડની નીચે જે ડૂસકાં થીજી ગયાં હતાં તે જ પીગળી પીગળીને છાલક મારતા હતા. મને સમજાયું કે એ ભાઇને હું મળું એમ એ ઇચ્છતાં હતાં. અને ખરેખર તેમણે એવું ગોઠવ્યું પણ હતું. કારણ કે વાત ચાલતી હતી ત્યાં જ એમનાથી દોઢ વેંત ઉંચો, ચમકતા પ્રતિભાશાળી ચહેરાવાળો જુવાન એવો મયુર મારી સામે આવ્યો. સફેદ સુંવાળા કાપડના ઝભ્ભા-લેંઘા-ચપ્પલ અને ચશ્માં, બગલથેલા અને કપાળ પર ઘસી આવતી એકાદ નાનકડી લટથી એનું ચિત્ર પૂરું કલાકારનું જ લાગે. એકવીસ વરસની ઉંમર. સ્મિત પ્રિયકર. રીતભાત પૂરેપૂરી શાલીન.

(વિદુલાબેનનો મૂળ પત્ર, જેમાં પાત્રોનાં મૂળ નામ છે.)

“નકામો હું બી.કોમ.સુધી પહોંચ્યો.” અમારી વાતચીતના એક તબક્કે મયૂર બોલ્યો : “મારે તો લેખક થવું છે. ખૂબ મોટા લેખક-ખૂબ નામ કમાવું છે. અને એટલે તો હું લાયબ્રેરીઓમાં જાઉં છું.”

“શું વાંચો છો?” મેં પૂછ્યું.

“આયન રેન્ડ… આયન રેન્ડ! ”એ બોલ્યો : “મને આયન રેન્ડ બહુ ગમે. એમનું કંઈ પણ લખેલું હોય, કે એમના વિષે લખેલું હોય, હું વાંચી જાઉં છું. હું એમના સતત સંપર્કમાં છું.”

“પણ આયન રેન્ડ તો ગુજરી ગયાં.” મેં કહ્યું : “અને એમના વિચારો પણ પૂરા ભૌતિકવાદી હતા.”

“કોણ કહે છે ગુજરી ગયાં?” એ જરી ઉશ્કેરાવા ગયો. પણ ફરી તરત જ સંયત થઈ ગયો : “શી ઈઝ વેરી મચ ધેર. એમની જોડે હું વાતો પણ કરું છું.”

વિદુલાબહેને અને મેં પરસ્પર સામે જોયું. વિદુલાબહેનની આંખોમાં ઝળઝળિયાં ધસી આવ્યાં. બહેન ફરી પીડાવા માંડી. મયુરના ચહેરા પર બૌદ્ધિકતાની સખ્તાઈ આવી. આયન રેન્ડ તો અમેરિકામાં ગુજરી ગઈ હતી. પણ મયુરની દુનિયામાં એ જીવતી હતી. એના મરણના સમાચાર એને મન ભરમાવનારા હતા. એને મન તો આ દુનિયામાં મા-બાપનો પ્રેમ, ભાઈનો વ્યવહાર, પ્રેયસીઓની પ્રણયવાર્તા બધું જ ભરમાવનારું હતું. જગત જીવવા જેવું નહોતું. “શરૂઆતથી જ મયૂરનું વલણ આવું હતું?” એ ઉઠીને બહાર ગયો તે પછી મેં વિદુલાબેનને પૂછ્યું.

“હું લગ્ન કરીને સાસરે ગઈ પછી મયૂરનો જન્મ થયેલો.” એ બોલ્યાં હતાં : “અમારી વચ્ચે સત્તર વર્ષનો ગાળો છે. નાનપણમાં એની સાથે એટલે હું ઝાઝું રહી નથી. પણ એટલી મને બરાબર ખબર છે કે નાનપણથી એને રડવાની સખત આદત હતી. એક વાર રડવાનું શરૂ કર્યા પછી કેમેય છાનો ન રહેતો. મારાં બા નરમ અને ભોળાં હતાં તેથી એમનો જરા પણ આના પર કડપ નહોતો. ઉછેરની એ બાજુ આખી નરમ નરમ જ રહી ગઈ.”

ચાર બહેનો અને બે ભાઈઓ ઉપર પિતાની અમાપ કડકાઈ એક તરફ” એ બોલ્યાં:“અને માતાની તળિયા વગરની નરમાશ બીજી તરફ એ બે ધ્રુવો વચ્ચે અમે ઉછર્યાં. ખૂબ પૈસો હતો. ધંધો હતો. ધંધો હતો શરાફનો અને કમિશન એજન્ટનો. મયુરને લાડ ખૂબ મળ્યાં. પણ પ્રેમ કદાચ ન મળ્યો તે ન જ મળ્યો. કારણ કે માતા-પિતાને એવો સમય જ નહોતો.”

“પછી?”

જવાબમાં બહેન બંધુકથા કહેતી હતી. મોટો ભાઈ અવિનાશ હતો. મયુરથી એટલો બધો મોટો કે પિતાના જમણા હાથ જેવો થઈ ગયો હતો શરાફી ધંધામાં તો ઘણા ભેદભરમ હોય. એ બધામાં મોટો જ પિતાની સાથે હોય. મયુર એ બધું સમજે એ પહેલાં તો પિતાને હૃદયરોગનો હુમલો આવ્યો. દિવાળીના દિવસો હતા. રૂપિયા એકઠા કરવાના દિવસો હતા. મોટો અવિનાશ અમદાવાદથી દોડ્યો અને મુંબઈ પહોંચ્યો ત્યારે બાપૂજીના છેલ્લા શ્વાસ સંકેલાતા હતા. અવિનાશને અને સૌ સંતાનોને સાથે જોઈને આંખમાં ચમક આવી. હોઠ પણ ફરક્યા. પણ જીભ ઊપડી ન શકી. ઘણું કહેવાનું હશે. કઈ મિલ્કત, ક્યાં ક્યાં, કેટલું રોકાણ? ક્યાં ગુપ્ત મૂડી, કેટલી….ઘણું કહેવાનું હશે પણ “કહું છું કહું છું” માં જ છેલ્લી પળ આવી ચૂકી અને અધૂરા વાક્યને છેડે જ ચીર વિરામચિહ્ન લાગી ગયું.

એ અવસાન પછી જ ખરી વાત શરૂ થઇ. જે પ્રશ્નો સૌના મનપેટાળમાં હતા એ હવે બહાર આવ્યા-દેખીતી મિલ્કતના ભાગ પાડવા, પણ એ પછીય છૂપીમિલ્કત છે કેટલી? મોટા સિવાય કોને ખબર?

સૌ જ્યારે દિશાશૂન્ય થઈને બેઠા હતા ત્યારે મોટા અવિનાશે કહ્યું, “મને ખબર છે કે બાપુજીની કુલ કેટલી અસ્કયામત છે, ક્યાં છે, કેવી રીતે છે. કેવી રીતે મળે. હું તમામ ઠામઠેકાણાં જાણું છું. પણ…”

આ ‘પણ’ની વાત કરતાં કરતાં વિદુલાબેન અટક્યાં હતાં. મયૂરની જિંદગીમાં આ ‘પણ’એ બોમ્બ જેવો ભાગ ભજવ્યો હતો. મયૂર એ વખતે કોલેજના છેલ્લા વર્ષમાં હતો. નાનો હતો, પણ એટલો નાનો નહીં કે વાત સાંભળીને એની ડોક ઊંચી ન થાય. મોટો હતો, પણ એટલો મોટો નહીં કે એ ઊંચી ડોકે એ એક નાનકડું મેણું પણ ઉચ્ચારી શકે. પણ આ તબક્કે બાપુજીના અણચિંતવ્યા મૃત્યુ અને મોટા ભાઈ અવિનાશના ‘પણ’થી એની વિચારોની સ્પષ્ટતા ડખોળાઈ ગઈ. એનું બોલવાનું તંત્ર જે વિકસ્યું હતું તે પણ બહેર મારી ગયું.

”પણ…” અવિનાશે આગળ કહ્યું : “પણ મારી એક શરત છે.”

મયૂર અને ચાર બહેનો સાંભળી રહી. વૃદ્ધ મા પણ પોણોસોનાં તો હશે. એમને તો જન્મ ધરીને બોલતા જ ક્યાં આવડ્યું હતું? અવિનાશ બોલ્યો : “બાપુજી ગુજરી ગયા ત્યારે અઠોત્તેરના હતા. હું એમની સાથે ધંધામાં પંદર –વીસ વર્ષથી હતો. આમ એમણે જે કમાણી ઉપાર્જિત કરી એમાં મારો શ્રમ અડધોઅડધ ગણાય. વળી એમની મિલ્કત કઈ, ક્યાં કેટલી છે તે પણ માત્ર હું જ જાણું. એટલે એ જાણકારીના બદલામાં પણ મને કંઈક વધારે મળવું જોઈએ. એ મળે તેમ હોય તો જ હું બધું ખુલ્લું કરું. નહીં તો મારે શું?”

ભાંડરડાઓમાં ખળભળાટ થઈ ગયો. બહેનોએ કલબલ કર્યું. કાકાને બોલાવ્યા. બાપાની મરણપથારી વખતે એ હાજર હતા.

એમની સલાહ પડી : “અવિનાશની આ નાગાઈ છે. પણ વ્યાવહારિક બુદ્ધિ એમ કહે છે કે એને વશ થયા સિવાય છૂટકો નથી. બાળો એને વધારે રૂપિયા! કેટલા વધુ માંગે છે? દસ-બાર કરોડને ? બાળો….”

અંતે મોટાભાઈને એણે માગ્યા તેટલા વધારે ‘બાળવા પડ્યા’. આમાં છ-સાત માસ નીકળી ગયા. દાગીના, શેર અને રોકડના ભાગ પાડ્યા. મયુરનું મયુરના નામે કર્યું, પણ મયુર હજુ સામાન્ય વર્તનની ધરતી પર પગ મૂકતો નહોતો. એ હજુ ઉકળાટમાં જ હતો. એને અંદરથી લાગતું હતું કે વધુ રૂપિયા ‘બાળવા’ છતાં અવિનાશે બધી માહિતી પૂરેપૂરી અને સાચેસાચી જ આપી છે એવી શી ખાતરી?

અવિનાશે કહ્યું : “વિશ્વાસ રાખ… હવે મેં કંઈ છૂપાવ્યું નથી.”

પણ વિશ્વાસ નામનો શબ્દ એના શબ્દકોશમાંથી એક ધડાકે બહાર ફેંકાઈ ગયો હતો.

દુર્ભાગ્યની ઘટનાઓનું પ્રથમ ચરણ મંડાયું. બાપુજીના મરણ પછી એક વર્ષે માતા પણ અવસાન પામી. એ પછી જ્વાળામુખીના મોંમાંથી ધુમાડો નીકળવો શરૂ થયો. પછી?

**** **** ****

“મિલ્કતના ભાગ પડી ગયા પછી પ્રેમ ઝંખતા મયુરે એક મિત્ર ઇન્દ્રને મહીને દસ હજાર દસ હજાર કરીને પાછા આપવાની બોલીએ દસ લાખ રૂપિયા ધંધા માટે હાથ ઉછીના આપ્યા. દસ લાખ એમ ગયા. બાકીના સારામાં સારા કપડાં, રેકોર્ડઝ્, ફિલ્મો અને હોટલોમાં. મારી ફીક્સ્ડ ડિપોઝીટોના રૂપિયા મને આપી દો. મારે ધંધો કરવો છે. આપો છો કે નહીં? નહીં આપો તો તમારી ઓફિસે આવીશ.”

વિદુલાબહેન કહેતાં હતાં : “મયુર પ્રેમ ઝંખતો હતો. પણ અમારી ભીની આંખોમાંથી ઝલકતો પ્રેમ એને ઉગતો નહોતો. કારણ કે એક તામસી પિતાના તાપે અને સ્વાર્થી અને શોષક મોટાભાઈને પાપે અમારા સૌના પ્રેમના બીજ એના દિલમાં બળી ગયાં હતાં.

“એક વાર તો…” વિદુલાબેનનાં શબ્દોમાં તૂટી પડવાની પીડા ઘોળાઈ ગઈ: ‘એક વાર તો રક્ષાબંધનના દિવસે હું એના ફ્લેટ પર એને રાખડી બાંધવા ગઈ તો એણે ઘસીને ના પાડી દીધી. કહે કે હું એવા દંભમાં નથી માનતો.”

પછી વાત મયુરની ચાલી અને કથની બહેનની ચાલી. બહેન ક્યાં ક્યાં, કઈ કઈ રીતે પીડાતી હતી? જે ભાઈ રાખડી બંધાવવાની ના પાડતો હતો એ ભાઈના એક મિત્ર ચંદ્રેશનો એકવાર મધરાતે ટેલિફોન આવ્યો. જલ્દી આવો. મયુર આપઘાતનો પ્રયત્ન કરે છે. મેં માંડ રોકી રાખ્યો છે. ફોન કોઈ પોલિસ સ્ટેશનમાંથી હતો. મયુર બે-ત્રણ કલાક પહેલા ચંદ્રેશને ઘેર ગયો હતો અને નિરાશા-હતાશા અને ઝેર ઝેર થઇ ગયેલી જિંદગીની વાતો કરતો હતો. કહેતો હતો કે હું નપુંસક થઈ ગયો છું અને જિંદગી જીવવા જેવી નથી રહી

“પણ ચંદ્રેશનો ફોન તો કોઈ પોલીસ સ્ટેશનમાંથી હતો ને?” મેં પૂછ્યું.

“હા” વિદુલાબહેન બોલ્યાં : “એ મયુરને લોકલ ટ્રેનમાં ઘેર મૂકવા આવતો જ હતો ત્યાં રસ્તામાં ચાલુ ગાડીએ હાથ છોડાવીને ટ્રેનમાંથી ભૂસ્કો મારવા કોશિશ કરી. ચંદ્રેશ એકદમ ગભરાઈ ગયો અને રસ્તામાં કોઈ સ્ટેશને ઊતરીને પોલીસ સ્ટેશનમાંથી અમને ફોન કર્યો.

“પછી?”

“અમે સમજાવીને એને ડૉક્ટર પાસે લઈ ગયા. તો નિદાન થયું કે આને સ્પ્લીટ પર્સનાલીટી- સ્ક્રીઝોફ્રેનીઆનો રોગ છે. એને વીજળીના આંચકા આપો.”

વીજળીના આંચકાની સારવાર દોઢ બે માસ ચાલે. એ દરમ્યાન અવિનાશને ત્યાં એનું રહેવાનું નક્કી થયું હતું. ને અવિનાશ અને એની પત્ની માનતા હતા કે મયુરના તો આ બધા ઢોંગધતૂરા છે. બે ટંક જે પેટ ભરીને ઝાપટે છે એને તે વળી જિંદગીમાં નિરાશા શું? અમને આંખે કરવાના રસ્તા છે.

ખોટી હમદર્દી સાચી હમદર્દીના લેબલ નીચે પણ ન મળી કે જ્યારે મૃગજળથી પણ તરસ છીપી શકે એવી તત્પર મનોદશા હતી. મયુર ફરી ફલેટમાં એકલો રહેવા ચાલ્યો ગયો. એકલવાયો, એકલવાયો.

(*)

“એની એ ઉંમર સ્ત્રીને પામવાની ઉંમર હતી.” મેં વિદુલાબેનને પૂછ્યું : “પણ શારીરિક રીતે કોઈ સ્ત્રી એના સંપર્કમાં ખરી?”

“એની કોઈ સ્ત્રીમિત્રે એને વચન આપ્યું કે હું તારા ફ્લેટમાં ન આવું. તું કોઈ હોટેલમાં રહે તો તારી સાથે આવીને રહું – આ ઓફરના માર્યા એણે એક ન કરવાનું કામ કર્યું. એણે ફ્લેટ અમને કોઈનેય ઝાઝું પૂછ્યા વગર પાણીના મૂલે કાઢી નાખ્યો. અને મુંબઈની સારી હોટેલમાં દરરોજના ચાર હજાર રૂપિયાના ભાડાવાળા સ્યુઈટમાં રહેવા ગયો. પેલી છોકરી આવી કે નહીં તે ખબર નથી, પણ રૂપિયા તો બહુ ઝડપથી ચાલ્યા ગયા. દિવસો પણ એથી બમણી ઝડપે ચાલ્યા ગયા. પહેલાં રોકડું બીલ ચૂકવતો હશે પછી જૂનો ગ્રાહક જાણીને હોટેલવાળાએ ઉધારી આપી હશે. એમાં સિત્તેર હજાર રૂપિયાનું બીલ ચડી ગયું. એક દિવસ એવો આવી ગયો કે હોટેલે એના ઉપર બીલ માટે કેઈસ કર્યો અને મયુરને પહેરેલ કપડે ફુટપાથ પર રખડતો મૂકી દીધો. એ પછી એક વાર અમને મળવા માટે એ ઘેર આવ્યો. લઘરવઘર અને દાઢી વધેલી. અમે ઓફર કરી તો પણ અમારી કોઈની સાથે રહેવા એ તૈયાર નહોતો. રહેવાની વ્યવસ્થા એ જાતે કરી લેવાનો હતો. અમે માત્ર એક કામ કર્યું. રોકડા પૈસા આપવાને બદલે અમે એને જમવાની કુપન એક લોજની કઢાવી આપી. એનું રહેવાનું ભગવાન ભરોસે છોડ્યું. એટલી ખાતરી હતી કે, કુપન ખૂટશે એટલે લેવા આવ્યા કરશે અને એ રીતે સંપર્ક તો રહ્યા કરશે. પણ એક વાર એ દિવસો સુધી કુપન લેવા ન આવ્યો. અમને ચિંતા થઈ. શું થયું હશે? લાયબ્રેરીમાં ફોન કર્યા તો ખબર પડી કે ત્યાં નથી. ક્યાં ગયો હશે? રાતે ફૂટપાથ પર તપાસ કરી અને પછી હોસ્પિટલો પણ જોઈ વળ્યા. અંતે ખૂબ તપાસને અંતે ખબર પડી કે એક પાનના ગલ્લાના પાટીયે સૂઈ રહ્યો હતો ત્યારે એક દિવસ વંટોળની જેમ પોલીસ ધસી આવી. અને સૌ ફૂટપાથિયા સાથે મયુરને પણ ઉપાડી જઈને લૉક-અપમાં નાખી દીધો. અમને ખબર પડી એટલે માંડ એને છોડાવ્યો. હવે તો એને અમદાવાદ જ લઈ જવો પડે તેમ હતો, કારણ કે મુંબઈમાં અવિનાશ સંઘરવા તૈયાર નહોતો.

ભારે હૈયે બહેન એને અમદાવાદ લઈ આવી. અહીં બીજી બહેન પણ હતી. મયુરને ખાનગી મનોચિકિત્સકની સારવાર નીચે મૂક્યો. ઘરમાં ઘણા પ્રશ્નો હતા. ઘરની બહાર ઘણા પ્રશ્નો હતા. છતાં દોઢ માસ સારવાર ચાલી. પણ દવાઓના કારણે મયુરમાં જડતા વિશેષ આવી ગઈ. વિદુલાબેને પોતાના ઘરમાં પતિ પાસે છેલ્લી મુદત માગી. મને હવે છેલ્લા છ મહિના પ્રયત્ન કરી લેવા દો-એટલામાં એ નહીં સુધરે તો વધારે એનો બોજો નહીં વેંઢારું, બસ?

“ભાઈ!” વિદુલાબેને મને કહ્યું : “મયુર હમણાં અમદાવાદની બી.એમ. ઈન્સ્ટીટ્યૂટમાં જાય છે. ડૉ. રાવે નિદાન કર્યુ છે કે એને સ્ક્રીઝોફ્રેનીઆ છે જ નહીં. મેલેન્કોલી ડીપ્રેસન છે. ઈલેક્ટ્રીક શોકની જરૂર નથી. દવાની જરૂર નથી. એને કામમાં વ્યસ્ત રાખવાની જરૂર છે. ત્યાં એ અંગ્રેજી પ્રેસનું કમ્પોઝ કામ શીખે છે. આવડી રહ્યું છે. હવે ક્યાંય એને કામ અપાવવા માગું છું. પગાર મહત્વનો નથી. મહત્વનું છે એનામાં આત્મવિશ્વાસ પ્રગટાવવાનું. નિરૂપદ્રવી તો પહેલેથી જ રહ્યો છે. બી. કોમ. સુધી પહોંચેલો છે. બુદ્ધિશાળી છે. હિસાબી કામ કરી શકે છે. ઓફિસ કામ કરી શકે. હાથનો ચોખ્ખો છે. હવે તો વ્યસનો વગરનો છે. દવાથી એનામાં ચેતન આવ્યું છે, પણ એ ચેતનને હવે ગતિ આપવાની જરૂર છે. એને કામ અપાવો. પગાર મળે ન મળે એ હકીકત ગૌણ છે. મુખ્ય છે એનામાં જગત પ્રત્યે, સૌ પ્રત્યે, અને ખાસ તો પોતાની જાત પ્રત્યે વિશ્વાસ પ્રગટાવવાનું. તો એક જિંદગી બચી જાય.”

બોલતાં બોલતાં બહેન પીડાતી હતી. સાંભળતાં હું પણ પીડાતો હતો. મારો સગ્ગો જુવાન ભત્રીજો આ જ હાલતમાં રિબાતો હતો. પણ એની પીડાનો અંજામ તો એની આત્મહત્યામાં આવ્યો. પણ મયુરનો અંજામ ?

પછી તો મારો સંપર્ક એ લોકોની સાથેથી છૂટી ગયો છે, પણ મેં એની કથા પરથી ઘણા બધા કાલ્પનિક પાત્રો અને પ્લૉટ્સ-સબ-પ્લૉટ્સ ઉમેરીને ‘કોઇ પૂછે તો કહેજો’ નામની નવલકથા લખી, જે સંદેશમાં હપ્તાવાર પ્રગટ થઇ અને બહુ બહુ લોકપ્રિય બની. એમાં ઉમેરેલાં અનેક પાત્રો સાવ કાલ્પનિક છે, કારણ કે ‘કથા’ એ પરિવારની છે પણ નવલકથા ‘મારી’ છે.

**** **** ****

નોંધ: (*) નિશાનીવાળી તસવીર પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.


લેખકસંપર્ક:

રજનીકુમાર પંડ્યા,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ, અમદાવાદ-૩૮૦૦૫૦
મો.+91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

1 comment for “લ્યો, આ ચીંધી આંગળી : જુઓ, વાર્તાઓ ક્યાં ક્યાંથી અને કેવી કેવી મળે છે ?

  1. December 16, 2019 at 2:49 pm

    Varta aa rite Pan male, khoobaj hraday dravak Story.. Salute to Rajnikumar pandya…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *