પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં ૧૯

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ.

પ્રિય નીના,

ભદ્રંભદ્રનું વધારે પડતું શુધ્ધ ગુજરાતી વાંચીને તો હસવું જ આવે ને યાર!  ‘સ્ટેશન’ જેવા શબ્દ માટે“અગ્નિરથ વિરામ સ્થાન” જેવો શબ્દ હવે આ સદીમાં તો શું, ક્યારનો યે પ્રેક્ટીકલ નથી રહ્યો. બીજો પણ એક શબ્દ યાદ આવે છે કે ગળાની ‘ટાઈ’ માટે “કંઠ લંગોટ!”  બાપ રે! કેવું લાગે છે? એટલે અંગ્રેજી શબ્દો વાપરવાનું તારું લોજીક એકદમ સાચું છે. આનાથી વિપરીત એ વાત પણ એટલી જ સાચી અને દુઃખકારી છે કે આપણાં જૂના રોજીંદા શબ્દો આજે સાવ ભૂલાઈ ગયા છે. પાણિયારું, બૂઝારું, ડોયો,ખડિયો, ચરુડો, દેગડો, ઠળિયો, ચણોઠી, ઢોલિયો, ઢબુ….કેટલાંબધા શબ્દો જાણે સાવ જ ખોવાઈ ગયાં છે. આ અંગે મૂઠીભર લોકોની ચિંતા, સજાગતા અને સક્રિયપણું કેટલું કામે લાગશે ?!!

સુ.દ.ની તેં લખેલ મૈત્રી વિશેની કવિતા અગાઉ વાંચી હતી. ખૂબ જ સુંદર છે. તેમની કવિતાઓમાં શબ્દોનાખેલની સાથે સાથે મર્મના ભેદ પણ છે અને અનુપમ કલ્પનાઓ પણ. તેમનું કૃષ્ણ વિશેનું એક વાક્ય મનેખૂબ જ ગમે છે કે “કૃષ્ણ જો ખરેખર થઈ ગયા હોય તો તેના જેવી ઉત્તમ એકે ઘટના નથી અને ન થયા હોયતો કૃષ્ણ જેવી સુંદર એકે કલ્પના નથી.” અને આ વાત કેટલી મઝાની છે? કેટલી સરસ છે?

તે જ રીતે એક પત્રમાં તેં કૃષ્ણ દવેની લખેલ પંક્તિ ‘સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બહાર, કળી કહે કે થોભ જરા હું ખોલી નાખું દ્વાર’ પણ અદ્ભૂત છે. કવિની કલા ભીતરને ખોતરી કલમને કેવી કોતરે છે !! સાચે,ઉંચી કોટિના ઉત્તમ સાહિત્યને વાંચવાનો એક અનોખો આનંદ છે. આજે સવારે વાંચવાની ખૂબ અનુકૂળતા મળી. થયું એવું કે, મેઘરાજાએ આજે સૂરજને ઢાંકી દીધો હતો.એટલું જ નહિ, કાળા ડિબાંગ વાદળાઓને કારણે સવારે પણ અંધારું અને સાંબેલાધાર વરસાદ હતો.તેથી આખા યે શહેરનો દૈનિક વ્યવહાર સ્થગિત થઈ ગયો હોવાથી હું ઘરમાં જ હતી. પુસ્તકોના ઢગલા વચ્ચે મઝા પડી ગઈ. ખરેખર તો આવો વરસાદ ભારતમાં તો કેટલી યે વાર પડતો જોયો છે. પણ અહીં અમેરિકામાં તો સ્નો, વરસાદ કે ગરમી વગેરે હવામાનની આગાહીને media દ્વારા જોરશોરથી એટલી બધી ગાવામાં આવે અને એટલી બધી પૂર્વતૈયારીઓ કરવામાં આવે કે ન પૂછો વાત. બધું એકદમ extreme પર જાણે !! ઘણીવાર તો કોથળામાંથી બિલાડું નીકળે એવું પણ બને! જો કે, આજે ઘણો વરસાદ હતો. પણ જે હોય તે. મને તો એ બહાને પુસ્તકોમાં ખોવાઈ જવાનો આનંદ મળ્યો.

પુસ્તકોમાં વાંચેલું અને ખૂબ જ ગમી ગયેલું તને લખી જણાવું તે પહેલાં એક વાત કહું. નીના, ગયા પત્રમાં ત્રણે દેશની શિક્ષણ પધ્ધતિ વિષેની ખૂબીઓ અને ખામીઓને તે ટૂંકમાં સરસ રીતે પૃથ્થકરણ કર્યું. વાત સાચી છે કે ત્રણે દેશની આર્થિક ગોઠવણ, સામાજિક રચના અને વ્યવહારિક રીત–રિવાજો જ એટલાં જુદા છે કે, તેનું પ્રતિબિંબ શિક્ષણ પધ્ધતિમાં જે તે સ્વરૂપે પડ્યા વગર રહેતું નથી. સરખામણી તો શક્ય જ નથી.છતાં એક વાત ગ્રહણ કરવા જેવી એ છે કે જ્યાં શિસ્ત અને નિયમિતતા છે ત્યાં સફળતાનો આંક ઊંચો છે અને આગળ છે.

તારી અનુવાદક તરીકેની જોબના પણ ખૂબ રસપ્રદ અને જાણવાલાયક અનુભવો હશે જ. જરૂર લખજે.એમાંથી પણ ઘણી નવીન વાતો મળશે. જીંદગી ખુદ એક કેવી મોટી નવલકથા છે ! આજે એવું જ બધું મને વાંચવા મળ્યું. સફળતા/નિષ્ફળતા અંગેના કેટલાંક વિધાનો મને ગમી ગયા તે ખાસ ટાંકુ.

પોલ બ્રાઉન નામના એક લેખક લખે છે કે, “તમે જીતો છો ત્યારે તમને શીખવા માટે માત્ર એક પાનું મળે છે,પણ પરાજય પામો છો ત્યારે આખું પુસ્તક મળે છે.” ઉમાશંકરભાઈએ પણ “મને મળી નિષ્ફળતા અનેક તેથી થયો સફળ કંઈક જીંદગીમાં” દ્વારા આ જ વાત લખી છે ને? હેલન એક્સલીએ The real meaning of success નામે એક પુસ્તક લખ્યું છે જેની ચાર કરોડ એંશી લાખ નકલો વેચાઈ છે અને જગતની ત્રીસેક ભાષાઓમાં તેના અનુવાદો થયા છે !! સુરેશ દલાલ કહે છે કે, એના લખાણમાં બે પૂંઠાની વચ્ચે જાણે કે આંબાનું વૃક્ષ આપી દે છે. સફળતાની બંને બાજુ વિશે એ જે અવતરણો આપે છે તે અત્તરના પૂમડાં જેવાં લાંબો સમય સુધી આસપાસ મ્હેંકતા રહે છે. એ કહે છે કે “સફળતા એ રાતોરાત ટપકી પડતું ફળ નથી. એની પણ એક પ્રક્રિયા હોય છે.” થોમસ વૂલ્ફ નામના એક લેખકે તો એટલે સુધી કહ્યું છે કે, “સફળતાની ઉંચામાં ઉંચી ટોચ કઈ? જે ઘડીએ તમને ધનમાંથી રસ ઉડી જાય,અભિનંદનો ઉઘરાવવામાં તમે બહાર આવી જાઓ અને પ્રસિધ્ધિની ભૂખ છોડી દો તો એ માણસ સફળતાના શિખરે બેઠો છે એવું હું કહી શકું.” વ્યક્તિનો આત્મવિશ્વાસ એની સફળતાનું રહસ્ય છે.ઈશાવાસ્યમ ઉપનિષદમાં પણ આ જ વાત છે ને ?

નીના, આવું બધું વાંચીએ ત્યારે સ્વાભાવિક રીતે જ જીવનમાં થયેલાં અનુભવોનું સંધાન થાય છે. હું તો દ્રઢ પણે માનુ છું અને કહેતી આવી છું કે, સાહિત્ય એ જીવાતું જીવન છે અને આ જોવાતું જગત છે. એની વચ્ચે આત્માની શક્તિ એ જ સાચા જીવનની જડીબુટ્ટી છે. નક્શા પર બતાવી શકાય એવું કોઈ સફળતા નામનું સ્થળ નથી.હા, પ્રવૃત્તિઓનો પ્રવાસ સફળતામાં નિમિત્ત બને છે એ ચોક્કસ.

ચાલ, આ વિષય પર તો ખૂબ લાંબુ લખાઈ જાય તે પહેલાં કલમને અટકાવું.

આવજે.

કુશળ–મંગળ ને ?

દેવીની યાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.