વાસ્તવિક જીવનની હાસ્યમય ઘટનાઓ : આર્ટ ગેલેરી

Facebooktwitterredditpinterestlinkedinmail

મહેન્દ્ર શાહ

જ્યારે જ્યારે મારાં ઓળખીતાં લોકો મને યાદ કરે છે ત્યારે અચુક વાત મારાં ચિત્રો ભણી વળતી જોવા મળે છે. વાતવાતમાં તેઓ મારે ઘરે મારા ચિત્ર સંગ્રહને જોવા આવવાની રજા પણ માગી લેતાં હોય છે. હું પણ એટલો હરખમાં આવી જાઉં કે મારાં અર્ધાંગિનીને પૂછ્યા વિના જ હું એ લોકોને મારે ત્યાં આવવાનું આમંત્રણ પણ આપી દઉં. એ લોકોની આગતાસ્વાગતાની તૈયારીઓ પણ અમે કરી દઈએ. આવી મુલાકાતો દરમ્યાન મારાં ચિત્રોનું વેચાણ થાય એવી તો મને બહુ આશા ન હોય. આવી ખરીદી થાય તો પણ મને તેમાંથી બહુ મોટો નાણાકીય ફાયદો ભલે ન મળે, પણ દીલથી એ વાતનો રાજીપો જરૂર થાય. તેને કારણે આ કામ કરવાનો મારો ઉત્સાહ જરૂર બેવડાય.

તાજેતરમાં હું એક કલા પરિયોજના પર કામ કરી રહ્યો હતો ત્યારે અમારી બાજૂમાં આવેલા ભારતીય કરિયાણા સ્ટોરના સંચાલકે મારી સાથે ઓળખાણ કરાવેલી એવાં એક બાનુનો મારા પર ફોન આવ્યો. તેમણે મારાં ચિત્રકામમાં રસ દર્શાવ્યો અને તેમનાં બહારગમથી આવેલાં મહેમાન સાથે અમે મારે ઘેર અરધા કલાકમાં જ આવવાનું આમંત્રણ મેળવી લીધું.

મારી હંમેશની ટેવ મુજબ આટલો ટૂંકો સમય હોવા છતાં મારાં પત્નીને પૂછ્યા વિના જ મેં હા પણ પાડી દીધી. એ લોકો લગભગ પોણાએક કલાક પછી આવ્યાં. મેં અને મારાં પત્નીએ તેમનું સ્વાગત કર્યું અને નીચે બનાવેલ મારી ‘આર્ટ ગેલેરી’ તરફ તેમને દોરી ગયાં.

મારાં બીજાં મુલાકાતીઓને એ આર્ટ ગેલેરીમાં પહેલું પગલું માંડતાં જે સુખદ આશ્ચર્યનો ઝટકો લાગતો હોય છે તેમ આ મહેમાનોને પણ લાગશે એવી તૈયારી સાથે અમે આર્ટ ગેલેરીમાં પ્રવેશ્યાં. થોડાં ચિત્રો જોતાં જોતાં મને એવું લાગવા માંડ્યું કે તેઓને આ ચિત્રોમાં રસ પડી રહ્યો છે તેવું એ લોકો બહારથી જ દેખાડતાં લાગે છે. અમે હજૂ અર્ધે પણ નહીં પહોંચ્યાં હોઇએ અને મારાં મહેમાન બાનુ બોલી ઊઠ્યાં, ‘આપણે બેસીને વાતચીત કરીએ ?’ મારો સ્વાભાવિક પર્તિભાવ સહર્ષ સહમતિનો જ હતો.

જેવાં અમે બેઠાં કે તેમનાં મહેમાન સન્નારીએ પોતાની બ્રીફ કેસ જેવી પર્સ ખોલી અને તેમાંથી કેટલાં ક ફોલ્ડર્સ બહાર કાઢ્યાં. મને હવે તેમણે મને ફોન કર્યો ત્યારે જ તેમની મુલાકાતના આશય વિશે શંકાના વાદળો જે ઘેરાતાં અનુભવાયાં હતાં તે યાદ આવવા લાગ્યાં. એ બાનુની હવે પછીની તૈયારીઓની ભાવભંગીઓએ મારાં મનમાં હવે પછી ફૂટવાના બોમ્બનો પાક્કો અણસાર ચીતરી નાખ્યો. બાપ રે ! આ તો ઍમવેનાં વેચાણકાર છે. (ઍમવેનાં વેચાણકારો, કદાચ તેમની ‘સફળ’ વ્યૂહરચનાના ભાગ રૂપે, છેક સુધી આ વાત જાહેર ન કરે !)

ખેર, વાતચીત બહુ આગળ વધે તે પહેલાં જ મેં પીરામીડ માર્કેટીંગની આ પધ્ધતિ માટેનો મારો વિરોધ સ્પષ્ટ કરી દીધો. વળી, તે સાથે તેમની મુલાકાત બદલ આભાર માનીને મને આ સ્કીમોમાં જરા પણ રસ નથી તે પણ જણાવી દીધું. એમને પણ તરત જ ખ્યાલ આવી ગયો કે આ મગ કોઈ હિસાબે ચડશે નહીં. તેમણે તેમનો સરંજામ પાછો પૅક કરવાનો શરૂ કરી દીધો અને જવા માટે તૈયાર થઈ ગયાં. તેમના ચહેરા પર નિરાશા અને હતાશાની રેખાઓ મારી ચિત્રકાર આંખોને દેખાઈ રહી હતી.

એમને ખ્યાલ નહોતો કે બીજી બાજૂએ મારાં પત્ની તેમના માટે ઊપર રસોડામાં ગરમ નાસ્તાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. દિવાળીની મિઠાઈઓ સાથે તેમણે એ નાસ્તાને ખુશી ખુશી ન્યાય આપ્યો અને પછી વિદાય લીધી.

તેઓના ગયા બાદ હું અને મારાં પત્ની એ બન્ને બાનુઓની હિંમતને, જોમભર્યાં માર્કેટીગને , અને ધરાર નિષ્ફળતાને ક્ષણવારમાં ખંખેરી નાખીને જાણે કંઈ જ ન બન્યું હોય એમ આગળ વધી જવાના તેમના અભિગમ માટે, દિલથી દાદ આપી રહ્યાં !

પદાર્થ પાઠ :

આ દુનિયામાં હરકોઈ વેચાણકર્તા છે, ખરીદાર કોઈ નથી…


મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com

3 comments for “વાસ્તવિક જીવનની હાસ્યમય ઘટનાઓ : આર્ટ ગેલેરી

 1. Umakant V. Mehta
  December 3, 2019 at 8:09 pm

  “बाझार से गुज़रा हुँ ख़रीदार नहि हु…”

 2. Dipali
  December 9, 2019 at 10:00 am

  This is wonderful Link Mahendra Uncle. I will add my father to get your posting!

 3. December 12, 2019 at 11:40 am

  Mahendrakumar. U. R. Totally different from all of us. I have no words to explain my feelings for yr extraordinary skill & achivement I pray almighty God to bless. U ever. We appreciate yr skill & loves u ever. Yours. A. K. Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *