





જ્વલંત નાયક
ભૂતનું અસ્તિત્વ હોવા વિષે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનની થિયરીનો આધાર આપીને પોતાનો (કુ)તર્ક રજુ કરનાર લોકોની વાત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કેટલી પોકળ સાબિત થાય છે, એ આપણે ગત અંકમાં જોયું. પરંતુ તમારી આજુબાજુ અનેક લોકો એવા જડી આવશે, જેમને ભૂત અથવા ‘પેરાનોર્મલ એક્ટિવિટી’નો પ્રત્યક્ષ અનુભવ થયો હોય! શું એ બધા ખોટું બોલતા હશે? કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે પોતાનું મહત્વ વધે એ માટે થઈને જાતજાતના મરીમસાલા ભભરાવેલા કિસ્સા કહેતા ફરે છે. જેમકે, “તમને ખબર છે, એ રાત્રે મેં કબ્રસ્તાન પાસે એવો માણસ જોયો, જેના પગના પંજા ઊંધા હતા!” આવી વાતો પાછળનો મૂળ હેતુ પોતાની બહાદુરી સાબિત કરવાનો અથવા લોકોનું ધ્યાન ખેંચવાનો (એટેન્શન સીકિંગ) રહેતો હોય છે. પરંતુ એ સિવાય પણ અમુક લોકોને એવા ય અનુભવ થાય છે કે ‘કશુંક’ જોયા પછી થોડો સમય મૂંગા-મંતર થઇ જાય કે માંદા પડી જાય. તો શું આ પ્રકારના લોકો ખોટું બોલતા હશે? જી ના. આવા લોકો જરાય ખોટું નથી બોલતા. એમને ખરેખર આવો – ‘પેરાનોર્મલ’ કહી શકાય એવો અનુભવ કર્યો જ હોય છે! તેમ છતાં, આવા અનુભવો પાછળનું કારણ જરા જુદું હોય છે. વિગતે સમજીએ.
ઘણા લોકો બહુ મક્કમતાપૂર્વક એવો દાવો કરે છે કે એમણે વાસ્તવમાં ‘ભૂત’ જોયું છે. કેટલાકને તો વારંવાર આવા અનુભવો થયા હોય છે. અને કેટલાકે તો વળી ભૂત સાથે વાત-ચીત કરી હોવાના ય અનેક દાખલા મળી આવશે. ઉપર જણાવ્યું તેમ, જો આ લોકો એટેન્શન સીકર્સ ન હોય, તો પૂરી શક્યતા છે કે તેઓ થોડા સમય માટે પેદા થતી ભ્રાંતિ (Hallucinations)નો ભોગ બન્યા હોય! ભ્રાંતિ એટલે એવી અવસ્થા, જ્યાં ભોગ બનનાર વ્યક્તિને એવું કશુંક દેખાય, સંભળાય અથવા સ્પર્શે… જેનું વાસ્તવમાં કોઈ અસ્તિત્વ જ ન હોય! ટૂંકમાં, તમારી પાંચેય ઇન્દ્રિયો પૈકીની કોઈ એક અથવા એકથી વધુ ઇન્દ્રિયો, કોઈ પણ જાતના બાહ્ય-વાસ્તવિક કારણ વિના કશુંક અનુભવે, એ અવસ્થાને હેલ્યુસિનેશન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય માણસોને આ પ્રકારની પરિસ્થિતિ ઝટ સમજાતી નથી. પરિણામે જ્યારે કોઈ ભ્રાંતિનો શિકાર બને, ત્યારે સામાન્ય બુદ્ધિ અને કાચી સમજણ ધરાવતો માણસ તરત જ એ ભ્રાન્તિને ‘ભૂત’ માની લેવાની ભૂલ કરી બેસે છે. પરંતુ જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારવામાં આવે, તો આ ભ્રાંતિ માટે જવાબદાર બાયો-કેમિકલ પ્રોસેસ સમજી શકાશે.

ભૂતને સગ્ગી આંખે જોવાનો અનુભવ :
બીજી કોઈ પણ અનુભૂતિ કરતા ‘દ્રશ્ય’ની અનુભૂતિ સવિશેષ અસર છોડી જાય છે. સગી આંખે જે જોયું હોય, એ સ્વાભાવિક રીતે જ વધુ અસરકારક નીવડે. એટલે નરી આંખે ભૂત અથવા તો એ પ્રકારની કોઈ એક્ટિવિટી જોનારા લોકો હેબતાઈ જાય છે. ક્યારેક ચોક્કસ રીતે પડતો પ્રકાશ અથવા કોઈ ‘વ્યક્તિ’ની હાજરી જણાઈ આવતી હોય છે. આ માટે સાયકોલોજીકલ, ન્યુરોલોજીકલ અથવા ઓપ્થ્લ્મોલોજીકલ (દ્રશ્યક્ષમતાને લગતા) કારણો જવાબદાર હોય શકે છે. ઘણીવાર મગજના કોઈ ચોક્કસ હિસ્સાને કોઈક કારણોસર નુકસાન પહોંચે કે ભૂતકાળની કોઈ ઘટના મગજ પર ઊંડી છાપ છોડી ગઈ હોય, તો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન થવાની સંભાવના પૂરેપૂરી. કોઈકને અચાનક વીજળીક ઝડપે ઝબકી ગયેલો પ્રકાશ દેખાયાનો આભાસ થાય છે, તો કોઈકને અચોક્કસ આકાર ધરાવતો કોઈ પદાર્થ-આકૃતિની હલનચલન દેખાય છે. ઘણી વાર રેલ્વે સ્ટેશન કે કોલેજ કમ્પાઉન્ડ જેવા જાહેર સ્થળોએ પોતાનું પ્રિય પાત્ર અચાનક દેખાયું હોવાનો ભ્રમ પણ ઘણાને થયો જ હશે. એનું મુખ્ય કારણ પેલા પાત્રની તમારા મગજમાં પડેલી ઊંડી છાપ હોય છે. એમાંય જો વર્ષોથી સાથે રહ્યા હોય અને ઇમોશનલી એકબીજા સાથે બહુ એટેચ હોય, એવા પાત્રો પૈકીના એકનું મૃત્યુ થાય, તો એવા સંજોગોમાં વિઝ્યુઅલ હેલ્યુસિનેશન થવાના ચાન્સીસ ખૂબ વધી જાય! ‘વિઝ્યુઅલ કોર્ટેક્સ’ તરીકે ઓળખાતા મસ્તિષ્કના ખાસ હિસ્સામાં કંઈક ગરબડ ઉભી થાય ત્યારે આ પ્રકારના હેલ્યુસિનેશન પેદા થાય છે. અપૂરતી ઊંઘ, સ્ક્રીઝોફેનીયાની અસર, કોઈક પ્રકારના ડ્રગની અસર કે પછી પાર્કિન્સન ડીઝીસની અસરને લીધે આવી ગરબડ ઉભી થઇ શકે છે. કોઈક વાર ખામીયુક્ત ન્યુરોટ્રાન્સમીટર (ચેતાચેતાપ્રેષકો) પણ વિઝ્યુઅલ હેલ્યુસિનેશન માટે જવાબદાર હોય છે. તજજ્ઞોના માનવા મુજબ જો આ રીતે વારંવાર તમે આભાસી દ્રશ્યો જોતા હોવ, તો ઝડપથી નિષ્ણાંત ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. કેમકે ખોટું નિદાન કે ખોટી ટ્રીટમેન્ટને કારણે આ પ્રકારના કેસ વકરી જતા હોય છે. અને લોકોમાં એવી છાપ પડે છે કે અગોચર શક્તિએ વારંવાર ‘દર્શન’ આપીને સાજાસમા માણસને પાગલ બનાવી મૂક્યો!
પોતે જ હવામાં ઉડતા હોવાનો અનુભવ :
કેટલાક નબળા મનના માણસોને અંધારી રાત્રે ઉડતા ચામાચીડીયામાં પણ પ્રેતાત્મા ઉડતા દેખાતા હોય છે. આવા માણસો લાંબે ગાળે હાસ્યાસ્પદ ઠરતા હોય છે. પરંતુ કેટલાક માણસોને કોઈક અગોચર શક્તિના પ્રભાવને કારણે તેઓ પોતે જ અધ્ધર ઊંચકાઈને હવામાં તરતા હોય એવો અનુભવ થયાની વાતો પણ સાંભળવા મળતી હોય છે. આવા કિસ્સાઓમાં પણ એ લોકો સાચું બોલતા હોય એવી શક્યતા છે જ. આવી ઘટનાઓ પાછળ ‘પ્રોપ્રાયોસેપ્ટીવ હેલ્યુસિનેશન’ જવાબદાર હોય છે. આ પ્રકારના હેલ્યુસિનેશનમાં વ્યક્તિને એવો અનુભવ થાય છે કે જાણે તે પોતાના જ શરીરમાંથી બહાર નીકળીને હવામાં તરી-ઉડી રહી છે. આને ‘આઉટ ઓફ બોડી’ એક્સપીરિયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આને માટે ડ્રગનાં ઓવરડોઝની સાથે જ પૃથ્વીના જી-ફોર્સ (એટલે કે ગુરુત્વાકર્ષણ બળ આધારિત વેલ્યુ)ને પણ જવાબદાર ગણવામાં આવે છે. ઘણીવાર પ્લેનના પાઈલટ્સ કે અવકાશયાત્રીઓ પણ આવી પરિસ્થિતિનો ભોગ બને છે.
હેલ્યુસિનેશન અને ભૂતનાં અસ્તિત્વ વિષે આખું પુસ્તક લખી શકાય. જો કે હેલ્યુસિનેશન વિશેની આટલી ચર્ચા બાદ ‘ભૂતનાં અસ્તિત્વ’ વિશેની ઘણી સ્પષ્ટતા આવી ગઈ હશે.
આ સીરીઝના, ૧૩ ડીસેમ્બર, ૨૦૧૯ના, છેલ્લા હપ્તામાં ભૂત સાથે વાતો કરનાર વ્યક્તિઓનું રહસ્ય જાણીશું.
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.
સંપાદકીય નોંધ :
ચિત્ર સૌજન્ય – Apparitions, Ghosts and Hallucinations – Andrew Lang.
ભૂત ભુવાને ડાકલા વહેમીને વળગ્યા
હરિના જન ને હિંમતવાળા એ બે થી રહે અળગા
વાહ કિશોરભાઈ.
ખુબ સરસ જ્વલંતભાઈ !
તમે એક એવો વિષય છેડ્યો છે જેનો કોઈ કાયમી ઉત્તર ના હોઈ શકે .
મારા દાદીમાં કહેતા કે “અમારા જમાના માં ભૂતો હતા પણ લાઈટ આવી એટલે બધા ભૂતો ભાગી ગયા !! આ એક વાક્ય માં ઘણું બધું સત્ય સમાંયલું છે .
બિલકુલ સાચું. હું હોસ્ટેલમાં રહેતો ત્યારે મારો વિરમગામ બાજુનો એક મિત્ર હમેશા આ જ વાત કરતો. કે ‘લાઈટો આવી ગઈ પછી ભૂતડાથી બીવાની જરૂર નથી.’
જો કે અંધારામાં ક્યાંક એકલા જવું હોય તો એ ભાઈને ડર લાગતો ખરો! આ આપણા બધા સામાન્ય માનસિક પરિસ્થિતિ છે.
વાહ કિશોરભાઈ.