





– બીરેન કોઠારી
મૃત્યુઆંક એક હજારથી વધુ. આ આંક ચાર-પાંચ દિવસમાં વધતો વધતો આઠ હજારથી ઉપર પહોંચી ગયો. અને છતાં હજી મૃત્યુનું સાચું કારણ પકડાયું નથી. જે છે એ અટકળો જ છે. જેમનું મૃત્યુ થયું છે એ પરદેશથી આવેલા હતા. તેમના મૃત્યુની તપાસ માટે કોઈ આવીને કશું કહેવાનું કે પૂછવાનું નથી, કેમ કે, મૃત્યુ પામનારા માનવો નહીં, પક્ષીઓ છે.
આ દુર્ઘટના રાજસ્થાનમાં આવેલા ખારા પાણીના સાંભર સરોવરમાં થઈ છે. દેશનું તે સૌથી વિશાળ ખારા પાણીનું સરોવર છે. રાજસ્થાનના મીઠા ઉદ્યોગનો તે સૌથી મોટો સ્રોત છે. છેલ્લા એક સપ્તાહમાં બનેલી આ અકળ ઘટનાએ રાજસ્થાન સરકારને દોડતી કરી દીધી છે. તેની પહેલાંના અઠવાડિયે જોધપુરના ખીચન ગામે પણ આવી દુર્ઘટના બની હતી, જેમાં કરકરો નામના 37 વિદેશી બગલાઓ મૃત્યુ પામેલા મળી આવ્યા હતા. ખીચન ગામમાં દર શિયાળે અસંખ્ય પક્ષીઓ સ્થળાંતર કરીને આવે છે. અલબત્ત, ખીચનમાં પક્ષીઓના મૃત્યુનું કારણ ત્યાંના કોઈ એક ચોક્કસ ખેતરમાં છાંટવામાં આવેલી જંતુનાશક દવા હોવાનું જણાયું હતું. તેની સરખામણીએ સાંભર સરોવરમાં મૃત્યુ પામી રહેલાં પક્ષીઓની સંખ્યા અનેક ગણી છે. નજર પડે ત્યાં પક્ષીઓના મૃતદેહ અને હાડપિંજર પડેલાં જોવા મળે છે. દુર્ગંધ પણ સખત મારતી હોય એ સમજાય એવું છે. આવામાં બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
વીસેક કિ.મી.ના અંતરે આવેલા ફૂલેરામાં એક બચાવ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે, જેમાં મૃત્યુના સકંજામાંથી છટકી શકેલાં પક્ષીઓને લઈ જવામાં આવે છે. બિકાનેર પશુપાલન વિભાગના ડૉક્ટરો આવી પહોંચ્યા છે. વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાની ટીમ આવી ગઈ છે અને પાણીના નમૂના એકઠા કરી રહી છે. આ ચકાસણીનું પરિણામ નિર્ણાયક બની રહે અને મૃત્યુના કારણ પર કંઈક પ્રકાશ પાડે એવી શક્યતા છે.
બીકાનેરના ‘એપેક્સ સેન્ટર ફૉર એનિમલ ડિસીઝ’ના પ્રો. એ.કે.કટારિયાના મત અનુસાર આ મૃત્યુ એવિયન બૉટ્યુલિઝમને કારણે થયું હોઈ શકે છે. ક્લોસ્ટ્રોડિયમ બેક્ટેરિયામાં મળી આવતા એક પ્રકારના વિષથી આ બિમારી પ્રસરે છે, જે ન્યૂરોમસ્ક્યુલર છે. પક્ષીઓને લકવો થયેલો જણાતાં આ બિમારી હોવાની સંભાવના છે. પરીક્ષણ પછી તે ખાત્રીપૂર્વક કહી શકાય. જો કે, પ્રો.કટારિયાના જણાવ્યા મુજબ આપણા દેશની લેબોરેટરીઓમાં બૉટ્યુલિઝમનું પરીક્ષણ કરવા માટે પૂરતાં ટૉક્સિન છે કે કેમ એ બાબતે ખાત્રી નથી. આમ, આ લખાય છે ત્યાં સુધી મોટા ભાગનાં અખબારોમાં પક્ષીઓના મોતનું કારણ અસ્પષ્ટ જણાયું છે. ઘટના અતિશય ગંભીર છે, છતાં હજી મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી, એવે વખતે ‘ધ પ્રિન્ટ’ના પત્રકાર બહાર દત્તના અહેવાલમાં ઉલ્લેખાયેલી હકીકત મહત્ત્વની બની રહે છે.
આ અહેવાલ અનુસાર સૌથી ગંભીર શક્યતા આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે ખાણકામ પ્રવૃત્તિઓ આ દુર્ઘટના માટે જવાબદાર હોવાનો કેટલાક નિષ્ણાતોનો મત છે. આમ તો ‘હિન્દુસ્તાન સૉલ્ટ્સ લિ.’નામની એક માત્ર જાહેર ક્ષેત્રની કંપની છેક 1958થી અહીં કાર્યરત છે. પણ રાતવરત ગેરકાનૂની કામ કરતા અનેક લોકો અહીં સક્રિય હોવાનું જગજાહેર છે. 2015માં આ કંપનીની પેટા કંપની ‘સાંભર સૉલ્ટ્સ લિ.’ના જનરલ મેનેજરે રાજસ્થાનના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જેની નકલ તેમણે રાજ્યના તથા દિલ્હીના અનેક સનદી અધિકારીઓને મોકલી હતી. પત્રમાં જણાવ્યા અનુસાર સાંભરના પટમાં ખાનગી માલિકીના હજારથી વધુ બોર કરવામાં આવ્યા છે, જેમાંના અમુકની ઊંડાઈ પાંચસો ફીટ જેટલી છે. આ રીતે ખારું પાણી ગેરકાયદે ખેંચવામાં આવે છે. પરિણામે કંપનીને બે લાખ ટન મીઠું પકવતાં ફાંફા પડી જાય છે, અને ખાનગી ઉત્પાદકો પોતાના વિસ્તારની જમીનની સરખામણીએ દસ ગણા કરતાં વધુ પ્રમાણમાં મીઠું પકવે છે. માર્ચ, 2014માં ‘સાંભર સૉલ્ટ્સ લિ.’ની કુલ ખોટ પંદર કરોડની હતી. વર્ષ 2014-15માં તેની ખોટ નવ કરોડની હતી.
આ બાબતે ભૂતકાળમાં પણ પ્રસાર માધ્યમોમાં અહેવાલ પ્રકાશિત થયા હતા. તેમાં જણાવાયા અનુસાર આ સરોવરમાં કોઈ પણ સમયે દસેક હજાર ટ્રેક્ટર કામે લાગેલાં જોવા મળતાં હતાં. આ કારણે 2015માં સર્વોચ્ચ અદાલતમાં એક જાહેર હિતની અરજી કરીને આ સરોવરમાં ગેરકાયદે બોરવેલ પર નિયંત્રણ મૂકવાની માગણી કરવામાં આવી હતી.
આ ખાણકામને પક્ષીઓના મૃત્યુ સાથે શો સંબંધ? જયપુર પ્રાણીબાગના વન્યજીવ તજજ્ઞ ડૉ. અરવિંદ માથુર પણ ઘટનાસ્થળે આવેલા હતા. તેમના જણાવ્યા અનુસાર પક્ષીઓને લકવો થવાનું કારણ તેમના શરીરમાં અત્યંત વધી ગયેલું સોડિયમનું પ્રમાણ હોવાની શક્યતા છે. વન્યજીવ તજજ્ઞો દ્વારા અન્યત્ર કરવામાં આવેલા અભ્યાસ અનુસાર ખારા પાણીના જળાશયમાં પાણીના સ્તરમાં અતિશય ઘટાડો અને પાણીમાં ક્ષારના અતિશય પ્રમાણને લઈને પક્ષીઓનાં સામૂહિક મૃત્યુ થઈ શકે છે.
અઢળક નાણાં કમાવાની લ્હાયમાં આપણે ક્યાં ક્યાં, કેવાં કેવાં કૃત્યો થકી પ્રકૃતિને અસંતુલિત કરી મૂકીએ છીએ તેનું આ વધુ એક ઉદાહરણ છે. ગાંધીજીએ સાચું જ કહેલું કે, ‘આ પૃથ્વી પાસે સૌની જરૂરિયાત માટે પૂરતું છે, પણ સૌની લાલચ માટે નહીં.’ આ પક્ષીઓનાં મૃત્યુનું સાચું કારણ જણાશે તો પણ જે થઈ ગયું છે એનું શું? અને એથી વધુ, હવે પછી એમ નહીં થાય એ માટે શાં પગલાં લેવાશે? માનવોના અપમૃત્યુ સાથે સીધા સંકળાયેલા ભલભલા અભ્યાસો અને અહેવાલોને આપણે વિસારે પાડી દઈએ છીએ અને કાળની ગર્તામાં તેને દફન થઈ જવા દઈએ છીએ, ત્યાં બિચારા પક્ષીઓના અપમૃત્યુ બાબતે ચિંતા કરવા કોણ નવરું હોય?
આ બધાની વચ્ચે આશ્વાસન હોય તો એટલું જ કે અનેક પક્ષીપ્રેમીઓ આ સ્થળે પહોંચીને વિવિધ કામગીરી સંભાળી રહ્યા છે. પણ એ કામગીરી ‘મરણોત્તર વિધિ’ જેવી છે, ભવિષ્યમાં પક્ષીઓ સાથે આવું નહીં થાય એની નથી કોઈ ખાત્રી કે નથી કશી ખબર.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૧૧– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)