વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : રાજુ ખુશાલના વળતર માટેના સંઘર્ષની રોચક કથા

Facebooktwitterredditpinterestlinkedinmail

જગદીશ પટેલ

૨૬ જુન, ૧૯૭૪ના રોજ પેટલાદના માનપુરા ગામમાં વણકર કુટુંબમાં જન્મેલા રાજુ ખુશાલ પરમાર અમારા દવાખાનામાં ૪ માર્ચ, ૨૦૦૯ને દિવસે પહેલીવાર આવ્યા. તેમને દવાખાનાનો ઓપીડી નંબર અપાયોઃ ૧૯૯/૦૩/૨૦૦૯. તેમને કાર્ડીઆક કેર હોસ્પિટલમાં જઇ એકસરે વીના મુલ્યે કઢાવી લેવા માટે રીફર ચિટ્ઠી કાઢી આપવામાં આવી. તેમણે સૂચના મુજબ એકસરે કઢાવી અમારા દવાખાનામાં જમા કરાવ્યો. કરમસદ મેડિકલ કોલેજના નિષ્ણાતોએ સીલીકોસીસ થયાનું નિદાન કરી તા.૧૩/૦૧/૨૦૧૦ના રોજ પ્રમાણપત્ર કાઢી આપ્યું. આ પ્રમાણપત્રમાં ડો.નયનજીત ચૌધુરી અને ડો. રાજીવ પાલીવાલે હસ્તાક્ષર કર્યા. તેમણે આ પ્રમાણપત્રમાં લખ્યુંઃ

તે પછી રાજુભાઇને અમારા કાર્યકરોએ સમજ આપી કે હવે તેઓ આ કામ ચાલુ રાખશે તો ફેફસામાં વધુ ધૂળ જવાનું ચાલુ રહેશે અને તેમને વધુ નુકસાન થશે. તેમણે આ સૂચન પર વિચાર કરી કામ છોડવાનો નિર્ણય કર્યો. ફેબ્રુઆરી, ૨૦૧૦માં તેમણે કામ છોડી દીધું. આવક બંધ થઇ. થોડા મહિના પછી તેમને નાણાંની જરૂર પડી. તેમણે પોતાના મિત્ર શાહીદભાઇ સમક્ષ પોતાની મૂંઝવણ રજુ કરી કે મારે.રૂ.૫૦૦ની જરૂર છે. મિત્રએ કહ્યું, ઠીક છે, થોડા દિવસ મારે ત્યાં કામ કર અને જરૂર જેટલું કમાઇ લે. રાજુભાઇ રાજી થયા અને બેસી ગયા પણ રાજીપો લાંબો ટકયો નહી. થોડીવારમાં ત્યાંથી પસાર થતા તેમના એક પુર્વ સાથીએ તેમને કામ કરતા જોયા અને માલિક કિશન ભીલને માહિતી આપી. કિશનભાઇ ઉકળ્યા. મારા રૂ.૩૫,૦૦૦/— લઇને બેઠો છે છતાં મારે ત્યાં આવતો નથી અને બીજે કામ કરવા જાય છે! ન ચાલે, ન જ ચાલે. બોલાવી લાવો, રાજુને, હુકમ છુટયો. કિશનભાઇની મથરાવટી મેલી. માર્યા વગર ન છોડે. મજૂરો રીતસર ડરે. એક જણ રાજુને બોલાવવા ગયો. રાજુ સમજી ગયો, કિશનભાઇ માર્યા વગર નહી છોડે. એ કામ પડતું મુકી પોતાને ઘરે ચાલી ગયો. હુકમનો અમલ ન થતાં કિશનભાઇ ઓર વીફર્યા. બીજે દિવસે ૯.૩૦ના અરસામાં એ પહોંચી ગયા, રાજુના ફળિયામાં અને માંડયા ગાળાગાળી કરવા. ટાંટીયા તોડી નાખીશ, મારા પૈસા પરત કર કાં મારે ત્યાં કામે બેસ. બીજે બેઠો તો આવી બન્યું. રાજુભાઇ તો ઘરમાં ન હતા, બહાર ગયા હતા. માતા શાંતાબેહન હતા. પછી કિશનભાઇ શાહીદભાઇને ત્યાં ગયા અને તેમને પણ ઘણું સંભળાવ્યું.

પછી રાજુભાઇ અમને મળ્યા અને વિગત સમજાવી માર્ગદર્શન માગ્યું. અમે એમને કહ્યું કે કાયદો તમારૂં રક્ષણ કરશે પણ તમારે હિંમત બતાવવી પડશે અને કાયદામાં વિશ્વાસ રાખી દ્દઢ રહેવું પડશે. તેઓ સંમત થયા. અમે એમને સંભવિત જોખમો સમજાવી ચેતવ્યા પણ ખરા. તેઓ લડવા માટે દ્દઢનિશ્વયી હતા તે જોઇ અમે આગળ વધ્યા. અમે તેમને આણંદ જીલ્લા કલેકટરને વેઠિયા મજુરી નાબુદી કાયદો — બોન્ડેડ લેબર એકટ  હેઠળ અરજી કરવા સલાહ આપી. તેમણે તા.૦૩/૦૫/૨૦૧૦ની પોતાની અરજીમાં કલેકટરને જણાવ્યું કે ભારતના બંધારણે આપેલી આઝાદી મુજબ તેમને પોતાની મરજી મુજબના સ્થળે કામ કરતાં રોકવામાં આવે છે અને તેથી તેઓ માલિકને ત્યાં પોતાની ઇચ્છા વિરૂધ્ધ મજૂરી કરવા મજબુર બન્યા છે. તેમણે પોતાની અરજીમાં પોતાને આ વેઠિયાગીરીમાંથી મુકત કરવા માગણી કરી. થોડા દિવસમાં તેમને સ્થાનિક પોલીસનું કહેણ આવ્યું. તેઓ પોલીસસ્ટેશન ગયા. ત્યાં તેમનું નિવદેન નોંધવામાં આવ્યું. નીર્ભીકપણે તેમણે નિવેદન આપ્યું. પોલીસે તેમના માલીકને બોલાવી ૨૨/૦૬/૧૦ને રોજ તેમનું નિવેદન પણ નોંધ્યું. પછી રાજુભાઇને પોલીસે મૌખિક જણાવ્યું કે તમે હવે જયાં મરજી પડે ત્યાં મજૂરી કરવા મુકત છો, તમને કોઇ કનડગત નહી થાય. રાજુભાઇએ અમને વિગતવાર અહેવાલ આપ્યો. બોન્ડેડ લેબર એકટની જોગવાઇ અનુસાર કલેકટરે તેમને વેઠિયા તરીકે મુકત થયા હોવાનું પ્રમાણપત્ર આપવું પડે, કોઇ અધિકારીની મૌખિક ખાતરી કેટલી ચાલે?

અમે રાજુભાઇને પોલીસને મળી લેખિત હુકમની નકલ આપવા વિનંતી કરવા કહ્યું. રાજુભાઇ એ મુજબ ગયા અને વિનંતી કરી પણ પોલીસે પોતાની લાચારી દર્શાવી કે કશું લેખિત નહી મળે. અમે તે પછી રાજુભાઇને માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માગવા સલાહ આપી. તે મુજબ રાજુભાઇએ કલેકટર, આણંદ સમક્ષ માહિતી માગતી અરજી કરી જેમાં તેમણે પોતાની ૩/૦૫/૧૦ની અરજીના સંદર્ભમાં કલેકટરશ્રીએ લીધેલાં પગલાંની માહિતી માગી.

આ સમય દરમિયાન રાજુભાઇને આર્થિક મુશ્કેલી હતી તે અમે સમજયા હતા અને તેઓ લડત આપવા તૈયાર હતા તેથી તેમને ટેકો આપવાનું સંસ્થાએ નકકી કર્યું અને તેમને માસિક ધોરણે નકકી કરેલ રકમ આપવાનું ચાલુ કર્યું. તે કારણે તેમને થોડી રાહત થઇ.

તે પછી પોલીસે રાજુભાઇને બોલાવી માલિકના નિવેદનની પ્રમાણીત નકલ આપી. અમે સમજી લીધું કે માહીતી અધીકાર હેઠળની અરજીનો જવાબ મળી ગયો છે, અમે અમારી અરજીના જવાબનો કોઇ આગ્રહ રાખ્યો નહી.

હવે અમારી પાસે કિશનભાઇએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનની પ્રમાણીત નકલ હતી જે રાજુભાઇ અને કિશનભાઇ વચ્ચે માલિક—મજૂરના સંબંધો પ્રસ્થાપિત કરતો દસ્તાવેજ હતો. અમે કર્મચારી વળતર કાયદા હેઠળ સીલીકોસીસ માટે વળતર દાવો કરવા નકકી કર્યું. વડોદરાના અમારા જાણીતા વકીલ શ્રી પી.જી.માવળંકરની એ માટે નિમણુંક કરી. તેમણે ૬/૦૧/૨૦૧૧ને રોજ માલિકને સદર કાયદા હેઠળ નોટીસ આપી. જવાબ આવ્યો નહી એટલે આણંદ મજૂર અદાલતમાં અરજી દાખલ કરી જેને નોન—ફેટલ૦૧/૨૦૧૧ એવો નોંધણી ક્રમાંક મળ્યો.

રાજુભાઇના પિતા પણ અકીક ઘસતા. ૨૦૦૨માં તેમનું અવસાન થયું. રાજુભાઇ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૫ સુધી ભણ્યા પછી બાળમજૂર તરીકે ખંભાતમાં આવેલ જાપાન બુટ હાઉસમાં માસીક રૂ.૩૦૦/—ના પગારે ગુમાસ્તા તરીકે જોડાયા. બે વર્ષ કામ કર્યા પછી છોડી દીધું અને પુનમભાઇ પરમારને ત્યાં અકીકના પથ્થર ઘસવાનું કામ શીખવા જોડાયા. તેના એક બે વર્ષ પછી એ કિશન ભીલને ત્યાં કામ કરવા જોડાયા કારણ એમને રૂ.૧૦૦૦/—ની જરૂર હતી જે તેમના તત્કાલીન માલિક મહેન્દ્રભાઇ આપી શકે તેમ ન હતા. તેમણે જ કિશનભાઇને વાત કરી અને કિશનભાઇએ એ શરતે રકમ આપી કે રાજુ તેમને ત્યાં બેસી તેમના માટે મજૂરી કરે. આમ કિશનભાઇ સાથેના તેમના સંબંધોની શરૂઆત ૯૧/૯૨માં થઇ. સતત ૧૯ વર્ષ રાજુભાઇ તેમની સાથે જોડાયેલા રહ્યા. કારીગર રજા પાડે તો કિશનભાઇ તેના ઘરે જઇ બાંધીને લઇ આવે તેવી વાતો રાજુભાઈએ સાંભળેલી. ઉધાર આપેલી રકમ સામે કિશનભાઇ મજૂરીના ચાલુ દર કરતાં ઓછો દર આપતા તે ડરને કારણે રાજુએ સ્વીકારી લીધું હતું.

નવેમ્બર મહીનામાં રાજુભાઇની તબિયત લથડી, એમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. ૭ નવેમ્બરે મેં તેમની હોસ્પિટલમાં મુલાકાત લીધી ત્યારે એક ખાટલા પર બે દર્દી જોઇને હું ચોંકી ગયો. મને હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું કે શું કરીએ, બીજી કોઇ વ્યવસ્થા નથી. અમે તરત અમારા પત્રકાર મિત્ર શ્રી શૈલેશ રાઠોડને જાણ કરી, એમણે પોતાના તસ્વીરકારને મોકલી આપ્યો અને એ તસ્વીર સહિતનો અહેવાલ “દિવ્યભાસ્કર”માં પ્રગટ થયો.

૫ ડીસેમ્બરે સાંજે રાજુભાઇનું અવસાન થતાં તેમના ભાઇએ મને ફોન કરી માહિતી આપી. મેં તેમને પોસ્ટમોર્ટમ કરાવવા સલાહ આપી પણ  કુટુંબે માની નહી. તેમના દાવામાં હવે અમે એમની માતા શાંતાબહેનને ૦૨/૦૨/૧૨ને રોજ વારસદાર તરીકે રજુ કર્યા. કોર્ટે આ અંગેની સુનાવણી બાદ તેને મંજૂરી આપી. તે પછી તેમનું નિવેદન પણ ૦૩/૦૮/૧૨ના રોજ કોર્ટ સમક્ષ નોંધવામાં આવ્યું. તેમની ઉલટતપાસ તા.૨૧/૯/૧૨ અને ૫/૧૦/૧૨ના રોજ થઇ.
માતા શાંતાબહેને પણ અકીક ઘસવાનું  કામ કર્યું હતું અને અમારા દવાખાનામાં તપાસ કરાવી હતી. તેમનો ઓપીડી નં.૧૦૯/૧૨/૨૦૦૭. તેમણે એકસરે પડાવી જમા કરાવ્યો અને તેમનું નિદાન પણ સીલીકોસીસનું થયું અને તેમને પણ તા.૧૩/૦૧/૨૦૧૦ને રોજ તે અંગેનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યું. તેમનું અવસાન ૭ જુલાઇ ૨૦૧૪ને રોજ થયું.

તે પછી તેમના બે નાના ભાઇઓ પ્રકાશ અને અજીતને વારસદાર તરીકે જોડવા કોર્ટમાં અરજી આપી જેનો સામાવાળા વકીલે વિરોધ કર્યો. રાજુભાઇના વકીલે પોતાની દલીલો અને આધાર રજૂ કર્યા જેને કારણે કોર્ટે લાંબી સુનાવણીને અંતે મંજુરી આપી. આ પૈકી પ્રકાશભાઇ અકીક ઘસતા અને અમારા દવાખાને તપાસ માટે આવેલા. તેમનો ઓપીડી ૬૯/૧૦/૨૦૦૭. તેમને પણ સીલીકોસીસ હોવાનું પાકું થયું અને ૧૩/૦૧/૨૦૧૦ના રોજ તેમને પણ પ્રમાણપત્ર કાઢી અપાયું. કેસની સુનાવણી દરમિયાન પ્રકાશભાઇ બહુ બીમાર પડી ગયા અને છેલ્લે ૮ ઓગષ્ટ, ૨૦૧૪ને રોજ કોર્ટની મુદતમાં આવ્યા ત્યારે તો તેમનાથી ચલાતું પણ ન હતું એવી સ્થિતિમાં આવ્યા હતા. તેઓને હાજર રાખવા અમે ખાસ રિક્ષાની વ્યવસ્થા ખંભાતથી કરી. જો કે તેઓ આવ્યા પણ કોઇ મજુર આગેવાનનું અવસાન થયું હોઇ કોર્ટ ચાલવાની ન હતી. જો કે અમે તેમના સહી, સિકકા કરાવી કોર્ટમાં જમા કરાવી દીધા. તા,૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ એટલે કે માતાના અવસાન બાદ બે મહિને તેમનું પણ યુવાન વયે અવસાન થયું, રાજુ અને પ્રકાશના લગ્ન થઇ શકયા ન હતા કારણ અકીક ઘસીયાને કોઇ જલદી દીકરી આપે નહી.

આ કેસમાં કરમસદ હોસ્પિટલના ડો. રાજીવ પાલીવાલે ઘણો સહકાર આપ્યો અને ૧૯/૧૦/૨૦૧૨ના રોજ કોર્ટમાં જુબાની અને ઉલટતપાસ માટે હાજર રહ્યા. તેમના નિવેદન અને ઉલટતપાસને કારણે દાવો વધુ મજબુત થયો. કિશનભાઇ તરફથી એક સાક્ષી હાજર રહ્યા અને તેમણે એવી રજુઆત કરી કે રાજુભાઇ તો પોતાના ઘરે પણ કામ કરતા હતા અને એમના ફળિયામાં બીજા લોકો પણ ઘસતા હતા તે કારણે ફળિયામાં ઘણી ધૂળ રહેતી તે કારણે તેમને સીલીકોસીસ થયો. જો કે તેઓ કોઇ દસ્તાવેજી પુરાવા રજૂ કરી શકયા નહી.

પાછળથી અજીતભાઇનો સહકાર ઓછો થયો હતો તેથી અમારો ઉત્સાહ પણ મોળો પડયો અને સંસ્થા તરીકે અમે ૨૦૧૮માં ખસી જવાનો કડવો નિર્ણય લીધો. તે પછી અજીતભાઇને જાણ કરી વકીલની વ્યવસ્થા કરવા કહ્યું. જો કે તેમણે કશી વ્યવસ્થા કરી નહી અને કોર્ટમાં દાવેદાર વતી દલીલો કરનાર કોઇ વકીલ રહ્યા નહી. જો કે છેલ્લે દલીલો જ બાકી રહી હતી. નામદાર કોર્ટે રજુ થયેલા દસ્તાવેજ અને પુરાવાને આધારે ૩૦ સપ્ટેમ્બરના રોજ પોતાનો ચુકાદો જાહેર કર્યો.
આ દાવામાં અરજદારે પોતાનો પગાર રુ.૩૨૫૦/— જણાવ્યો અને તેમની અપંગતા ગુજરાત હાઇકોર્ટના એક ચુકાદાને આધારે ૧૦૦ ટકા ગણવાની માગણી કરી. તેમની ઉંમર ૩૫ વર્ષ ગણતાં તેમને રૂ. ૩,૮૪,૨૬૭/— વળતર ચૂકવવાની માગણી કરી. તે ઉપરાંત વળતરની નોટિસ મોકલ્યા બાદ એક મહીનામાં વળતર ચુકવ્યું નહી તે કારણે ૫૦ ટકા પેનલ્ટીની પણ માગણી કરી. વળતરની રકમ ૧૨ ટકા વ્યાજ સાથે ચુકવવા માગણી કરી.નામદાર કોર્ટે રેકોર્ડ પરના પુરાવાને આધારે દાવો મંજુર કર્યો. વળતરની રકમ રૂ.૩૮૪,૨૬૭/— ૧૨ ટકા વ્યાજ સાથે ચૂકવવા, રૂ.૧૯૨,૧૩૩/— દંડ પેટે ચુકવવા અને અરજીના ખર્ચ પેટે રૂ.૫૦૦૦/— ચૂકવવાનો હુકમ કર્યો. ૩૦ દિવસમાં સદર રકમ અદાલતની હિસાબી શાખામાં જમા કરાવવા હુકમ કર્યો. રકમ જમા થયા બાદ અરજદાર તરફથી અરજી રજુ થયે ચુકવણીનો હુકમ કરવામાં આવશે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *