સાજા-નરવા રહેવા આમળાં-સેવનની ઘરગથ્થુ બનાવટો

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

વાત છે પંદર વરસ પહેલાંની. બીજાં ઘણા ફળઝાડોની કલમો હતી નર્સરીમાં, પણ આમળાની કલમો હવે ખલાસ થઈ ગઈ હતી. બન્યું એવું કે એ ગાળામાં જ તળાજાના એક શિક્ષકભાઇ આવ્યા આમળાની કલમો માટે. કલમો ખૂટી ગઈ હતી એટલે એનું વેચાણ બંધ હતું. પણ પેલાભાઇ હા-નામાં કંઇ સમજે જ નહીં ! “કલમો આપો આપો ને બસ આપો જ ! વધુ નહીં તો ફક્ત પાંચ આપો, કલમો લીધા વિના હું અહીંથી ખસવાનો નથી.” હઠ કરીને સત્યાગ્રહ ઉપર બેસી ગયા એ તો ! અમે શરમાયા. નમતું જોખ્યું. વાડીના વાવેતરના અનામત જથ્થામાંથી ખાંચો પાડીને પાંચ કલમ કાઢી દીધી. પછી એને પુછ્યું, “આમળાના નામની આટલી જોરદાર માળા ફેરવો છો એનું કારણ કહેશો ? આમળાં ચોપવાનું આટલું બધું ઘેલું કેમ લાગ્યું છે ?” તેનો જવાબ હતો :“ મને પેટનો સખત દુ:ખાવો હતો. ઘણા બધા ડૉક્ટરોની દવાઓ લીધી પણ કોઇ વાતે મટતો નહોતો. આખરે એક વયોવૃધ્ધ વૈદ મળી ગયા. એમના કહેવાથી એકધારા ત્રણ વરસ મેં આમળાંનું સેવન ચાલુ રાખ્યું.મારા પેટનો દુ:ખાવો કાયમ માટે સાવ મટી ગયો. અને વધારામાં તમે સાચું માનશો મહેરબાન ! મેં દવા તો પેટની કરી હતીને ? માથાની તો નહોતી કરીને ? પણ મારા માથાના વાળ સાવ ધોળા હતા તે બધા કાળા આપમેળે બની ગયા ! આ છે આમળાંના સેવનનું રહસ્ય ! એટલે તો એની ચોપણી માટે ઘેલું લાગ્યું છે. આ પાંચે પાંચ કલમ રહેણાક માટેના નવા રાખેલા પ્લોટમાં પહેલાં ઉછેરીશ અને પછી જ મકાનનું બાંધકામ એની વચ્ચે કરી, અને એમાં રહેણાક કરવાનું ગોઠવીશ.”

બધી વાતો ભેળી થઈ છે : આજે કોઇ ખોરાક એવો રહ્યો નથી કે જેમાં ઝેરીલાં રસાયણોની અસર ન હોય ! અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયાં કે ફળો, અરે ! ખોરાક તરીકે લેવાતું દૂધ ભલેને હોય, માતાનાં ધાવણ સુધ્ધાંમાં પૃથકરણ કરાવી ઊંડા ઊતરીએ તો ઝેરેની ઓછી-વધુ માત્રા મળી જ આવે છે. ઇચ્છીએ કે ન ઇચ્છીએ, ખોરાક દ્વારા શરીરમાં જતાં આ ઝેરીલાં રસાયણોની માઠી અસર તંદુરસ્તીને થવાની જ ! ડુંગળી ખાઇએ ને ઓડકાર સ્ટોબેરીનો આવે એવી અપેક્ષા તો ન જ રાખી શકીએ1

જેવું ખોરાકનું, તેવું જ પાણીનું છે. ચોમાસે-શિયાળે કંઇકે ઠીક, બાકી ઉનાળે તો મોળું ને ભાંભળું, કેટલાય નકામા ક્ષારો અને ખનીજોથી ત્રસ્ત એવું પાણી ! શું કરીએ, તરસ લાગે એટલે પીધા વિનાએ છૂટકો નહીં. પીવું જ પડે ને ! વખાણ કોનાં કરવાં ? શ્વાસોશ્વાસમાં લેવાતી હવાયે જો પૂરી શુધ્ધ હોય તો ગંગા નાહ્યા ! પણ એય હવે કેટલાય હાનિકારક ગેસ અને ધુવાડા વિનાની હોતી નથી. વળી ધીરે ધીરે આર્થિક સ્થિતિ જેમ સુધરતી જાય તેમ “શરીર શ્રમ” બાબતે ‘સૂગ’ ઉપજતી જાય છે. જુવાર, બાજરી કે મકાઇના નક્કર ગણાય એવા ખોરાક ઘેર ઘેર રંધાતા જ બંધ થઈ ગયા છે. ચટાકેદાર, તીખા અને તમતમતા તેલ-મસાલાથી ભાણાં ભરપૂર રીતે ભરેલાં હોય છે. સરવાળે શરીરને રોગભેગું થવાનું સહેલું બની જાય છે.

કોલેસ્ટોરોલ વધવાથી હદયરોગના હુમલાનું પ્રમાણ વધતું ચાલ્યું છે. અને ડાયાબીટીસમાં હવે ભાગ્યશાળીનું જ ઘર બાકી રહ્યું છે. દાંત, ચામડી, પેટનાં દર્દો અને આંખની વ્યાધીઓ હવે માપબારી દેખાવા લાગી છે. કેન્સર અને એઇડ્સ જેવાં બિહામણાં અને ખતરનાક દર્દોને આપણી રહેણી-કરણી અને ખાણી-પીણી પૂરી અનુકૂળ આવતાં તેને વધુ ફાવતું જાય છે.

આગ લાગે ત્યારે હોલવવા દોડવા કરતાં, આગ લાગે જ નહીં તેવું ગોઠવી શકાતું હોય તો ? વૈદો કહે છે આવું ગોઠવી શકાય છે. વાત, પિત્ત અને કફ ત્રણેય-ત્રિદોષશામક હોય એવી કેટલીય વનસ્પતિઓ કુદરતે પર્યાવરણમાં ઉગાડી જ છે. સવાલ તેની જાણકારી અને નિયમિતપણે સેવન કરવાનો જ ઊભો રહે છે. આવાં કેટલાંક નામી ઔષધો પૈકીનું ઉત્તમ ઔષધ ‘આમળાં’ ગણાય છે. નિર્દોષ છતાં ર્તિદોષશામક ‘બળુકાગુણો વાળું’ રસાયણ હોવાથી તેનું સેવન ઘણાંખરાં દર્દોમાં રાહત દેનારું અને દર્દને આવતા પહેલાં જ અટકાવનારું, રખેવાળીમાં વફાદાર કહેવાય તેવું સાબિત થયું છે.અને એનું બારેમાસ સેવન ચાલું રાખવું હોય તો એ પણ અઘરું નથી.

જ્યાં સુધી તાજા અને પરિપક્વ ફળો મળે ત્યાં સુધી તેનો મૂળ સ્વરૂપે જ – રસ, છીણ, ચીપ્સ કે કટકી દ્વારા ઉપયોગ કરવો સહેલો અને વધુ પરિણામદાઇ સાબિત થયો છે. પણ બારેમાસ તો ઝાડ પરથી પરિપક્વ તાઝા આમળાં તો મળે જ નહીં ! કારણ કે એનાં ઝાડને ફાલ વરસભરમાં એક વાર જ આવે છે, અને વધી વધીને ચાર-પાંચ માસ સુધી એ ફાલના ફળો ટકતા હોય છે. એટલે બાકીના સમયમાં એનું સેવન ચાલું રાખવું હોય તો કોઇને કોઇ આમળાં ફળોમાંથી બનતી બનાવટ-બનાવી લઈ, એનો ઉપયોગ કરવો એજ ઉત્તમ ઉપાય છે.

‘આમળાં’ ફળ આમ તો દિવાળી પર જ પાકે અને ચાર-પાંચ મહિના સુધી આગળ-પાછળનો પાક આપણને મળ્યા કરે. પણ પછીના બાકીના સમયમાં ફળ તરીકેની બગીચામાં કે માર્કેટમાં તેની હાજરી ન હોય તેથી મુંઝાવાની જરીકેય જરૂર નથી. તેના એવાને એવા ગુણો જળવાઇ રહે અને જેને જેવા ભાવે એવા સ્વાદ ઉમેરી શકાય તે રીતની આમળાંની ઘણી બધી તૈયાર બનાવટો આજે બજારમાં મળવા લાગી છે. પણ એનાથી યે રૂડું તો આપણે પોતે જ આપણને ભાવે તેવા સ્વાદવાળી ઔષધિઓ, પીણાંઓ, જામ, જેલી, અને જીવન તથા મુખવાસ-અથાણાં જેવી ભાતભાતની કંઇ કેટલીયે બનાવટો ઘરગથ્થુ રીતે જ બનાવીએ અને વરસભર ભરપેટ તેનો ઉપયોગ કરી જાણીએ તે છે.તો ચાલો આપણે જાતે જ બનાવીએ આમળાંની વિવિધ વાનગીઓ……

@ આમળાં નો સિરપ [શરબત] = આમળાંને ફળ તરીકે, કે એમાંથી કાઢેલો રસ જો એમનેમ રાખી મૂકીએ તો લાંબો સમય ટકે નહીં. પણ તેને ખાંડ,મીઠું કે કોઇ રસાયણ પ્રીઝરવેટર સાથે રાખીએ તો લાંબો સમય ટકી શકે છે. બજારમાં શરબતો કે પીણાંમાં ખાલી એસેંસ હોય છે. જ્યારે ફળોમાંથી બનાવેલા શરબતમાં કુદરતી સ્વાદ અને સોડમ હોવાથી શરીરને તો ગુણકારી છે જ, અને મહેમાન-પરોણાની સ્વાગત-સરભરામાં પણ વિશિષ્ટતા લાવે તે વધારામાં !

એક કીલો પાકાં આમળાં સ્વચ્છ પાણીથી ધોઇ, ટુકડા કરી [બીજ કાઢી લેવાં] મિક્સરમાં નાખી માવો તૈયાર કર્યા બાદ, ઝીણાં કપડાંમાં દબાવી રસ બધો કાઢી લેવો. રસના વજનથી ત્રણગણી ખાંડ લઈ, આશરે રસ જેટલું [ખાંડ ડૂબે એટલું] પાણી ઉમેરી, બે ઉભરા આવે ત્યાં સુધી ગરમ કરી ચાસણી થવા દેવી. ગરણી વડે ગાળી લઈ, સાવ ઠરી જાય પછી આમળાંનો તૈયાર રસ તેમાં ઉમેરી હલાવી દેવું. લાંબો સમય બગડ્યા વિના રહી શકે માટે પરિરક્ષક તરીકે દર તૈયાર લીટરે 1 ગ્રામ સોડિયમ બેન્ઝોએટ ઉમેરી રાખી મૂકવાનું. જ્યારે શરબત પીવાનો કાર્યક્રમ કરવાનો થાય, એટલે એક ગ્લાસ પાણીમાં બે કે ત્રણ ચમચી-માફક આવે એ પ્રમાણે સિરપ ઉમેરી શરબત પી શકાય અને આમળાંના ગુણોનો લાભ શરીરને આપી શકાય.

@……..આમળાંનો જામ = પાકાં આમળાંને ચોખ્ખાં પાણીથી સાફ કરી, કૂકરમાં બાફી નાખ્યા બાદ ઠરવા દઈ, આમળાંને છીણી, ઠળિયા અને રેસા દૂર કરી જે માવો તૈયાર થાય તેના વજનથી સવાઈ ખાંડ તેમાં ઉમેરી, ધીમા તાપે ગરમ કરવો. ખાંડ ઓગળી જાય અને માવો ઉકળવા માંડે ત્યારે તપેલાની સપાટી સાથે માવો ચોટે નહીં માટે બે ચમચી ઘી ઉમેરવું. મોટા ભાગનું પાણી બળી જાય,માવો સાધારણ ઘટ્ટ લાગે અને આછો બદામી રંગ આવી જાય એટલે નીચે ઉતારી દઈ, ઠરવાદઈ, પહોળામોંની બરણીમાં ભરી લેવાય. જામ ખાસ કરીને બાળકોને એકલો, રોટલી સાથે કે દૂધમાં ઓગાળી દેવાથી ખૂબ જરુચીકર લાગે છે.

આમળાંનું જીવન : આમળાંમાંથી બનતી બનાવટોમાં બહુ જ પ્રચલિત બનેલી બનાવટ એ ‘આમળાંનું જીવન’ ગણાય છે.

આપણાં ઘેર આમળાં જીવન કીવીરીતે બનાવી શકાય ?

‘જીવન’ એટલે જ ‘ચ્યવનપ્રાશ’. એની સરખામણી બીજા કોઇ સાથે થઈ જ ન શકે ! એટલે જ આમળાં આરોગવાની ઉત્તમ વાનગી, બનાવટ કે ઔષધ- જે કહો તે ‘જીવન’ ગણાયું છે. તે ઘેર બનાવવું જરાયે અઘરું નથી.

જીવન બનાવવા માટે પહેલાં જામ બનાવવો જરૂરી છે. જામ તૈયાર કરી, તેને 24 કલાક ઠરવા દઈ, નીચે પ્રમાણેનાં ઓહડિયાં ખાંડી, કપડાથી ચાળી લીધા બાદ તેમાં ઉમેરી દેવાં અને પરિરક્ષક તરીકે દર કીલોએ એક ગ્રામ સોડિયમ બેંઝોએટ ઉમેરીને પહોળા મોંના ઝાર-બરણીમાં ભરી લેવો.

પ્રમાણ = આમળાં – 1 કીલો, સાકર કે ખાંડ – 1.25 કીલો, ઘી – 50 ગ્રામ, મધ –50 ગ્રામ, પીપરીમૂળ – 30 ગ્રામ, સફેદ મરી-20 ગ્રામ, તજ- 10 ગ્રામ, લવીંગ-10 ગ્રામ, કેસર – 1 ગ્રામ.

આ ઉપરાંત જીવનમાં જેટલાં ઔષધો નાખવાં હોય તેટલાં નાખી શકાય છે. દા. ત. ગોદંતી, પ્રવાલ પિસ્ટી, અભ્રખ, રસ-સિંદૂરી, લોહભસ્મ, બંગભસ્મ,અશ્વગંધાચૂર્ણ, ગળોસત્વ, કાળી મૂસળી, ધોળી મૂસળી, લીંડીપીપર વગેરે. આ બધાં ઓસડિયાં આયુર્વેદિક દવા વેચનારાઓને ત્યાંથી આસાનીથી મળી રહેતાં હોય છે.

આમળાંની સીઝન માથાપર જ આવી રહી હોય ત્યારે આખું વરસ આમળાંનો ઉપયોગ કરવા આપણે પણ ‘જીવન’ કેમ ન બનાવીએ, કહો !

@……આમળાંનો મુરબ્બો = આપણે જેમ કેરીનો મુરબ્બો બનાવીએ છીએ તેમ જ બને. પરિપક્વ આમળાંને સ્વચ્છ પાણીથી ધોઇ, સ્ટીલના કાંટા-ચમચીથી પંદર-વીસ કાણાં પાડવાનાં અને ચૂનાનાં નિતર્યાં પાણીમાં અગર બે ટકાના મીઠાંનાં દ્રાવણમાં ચોવીસ કલાક ડુબાડી રાખી, પછી સ્વચ્છ પાણીથી ધોઇ તેની છીણ કરી-[બીજ અલગ કરી લેવાં] લેવી. છીણનાં વજનથી સવાઈ ખાંડની એકતારી ચાસણી [કૂણી ચાસણી ]માં છીણ ઉમેરી ધીમા તાપે થોડી વાર હલાવવતા રહ્યા પછી જ્યારે ઢીલા લચકા જેવું બની જાય એટલે ચૂલા પરથી ઉતારી લઈ, ઠરવા દઈ, તેમાં ખાંડેલા તજ અને ઇલાયચીનો થોડો પાવડર ઉમેરી મિક્સ કરી દઇએ એટલે મુરબ્બો થઈ ગયો તૈયાર. કાચની બરણીમાં ભરી લેવો, જ્યારે ખાવાની ઇચ્છા થાય ત્યારે મજેથી ખાઇ શકાશે.

@………આમળાંની પીપર [કેંડી ] = બાળકોને આમળાં ખવરાવવાની આ ઉત્તમ ચીજ છે. પરિપક્વ આમળાંને સ્વચ્છ પાણીથી ધોઇ, સ્ટીલના કાંટા-ચમચી વડે થોડાં કાણાં પાડી, બે ટકા મીઠાંનાં દ્રાવણ અગર ચૂનાના નિતર્યાં પાણીમાં 24 કલાક રાખી મૂક્યા બાદ, બહાર કાઢી, કપડાથી કોરા કરી, આપણા રેફ્રીઝેટરના ફ્રીઝર [બરફ બનવાનું ખાનું] માં બે દિવસ મૂકી રાખવાથી એકદમ કાચના ગોળા જેવા બની જશે. હવે તેને બહાર કાઢી એક ચારણીમાં 4-5 કલાક રાખવાથી બધાં ફળો ઢીલાં ઢફ બની જશે. અને ફળોની બધી ચીરીઓ આપોઆપ એના બંધનમાંથી ઢીલી પડી જણાશે. હવે ચીરીઓ હાથથી અલગ કરી લઈ અંદરના બીજ દૂર કરી, ચીરીઓનાં વજન જેટલી દળેલી ખાંડ અગર સાકરને પહોળા મોંના વાસણ-તપેલામાં થર પર થર કરી, આમળાં અને સાકરના એ મિશ્રણને દરરોજ સવાર-સાંજ હલાવતા રહેવાથી ચારેક દિવસમાં સાકરનું અલગ અસ્તિત્વ દેખાતું બંધ થઈ જશે, હવે ચીરીઓ અલગ કરી લઈ, બે દિવસ પંખા નીચે સૂકવી, ગ્લુકોજ ભભરાવી, વાસણમાં ભરી લેવી. કોઇ પણ પરિરક્ષકના ઉમેરણ વગર પણ વરસભર ઉપયોગ કરી શકાશે.

@…….આમળાં મુખવાસ = જુદા જુદા સ્વાદ મેળવવા જુદી જુદી ઘણી રીતે આમળાંનો મુખવાસ બનાવી શકાય છે.

[1]……એક કીલો આમળાંના એક સરખા નાનકડા ટુકડા કરી, બે ટકા મીઠાનાં દ્રાવણમાં 24 કલાક ડુબાડી રાખી, બહાર કાઢી, તેમાં 20 ગ્રામ દળેલું જીરું તથા 20 ગ્રામ સંચળ, 50 ગ્રામ આદુરસ અને 50 ગ્રામ લીંબુરસમાં મેળવી, 48 કલાક સૂર્યતાપમાં સૂકવી દેવાથી સરસ મુખવાસ બને છે.

[2]……..એક કીલો સારાં પાકાં આમળાં લઈ, છીણી નાખવાં. સાથે 50 ગ્રામ આદુને પણ છીણી નાખવું.બન્નેને હાથથી દબાવી થોડો રસ નીચોવી લેવો અને પછી તેમાં જોયતું મીઠું તથા 150-200 ગ્રામ દળેલી ખાંડ મેળવી, 2 કલાક વાસણમાં દબાવી રાખ્યા બાદ, પ્લાસ્ટિકના કપડામાં તડકે સૂકવી દેવો. બહુ ભાવે તેવો મુખવાસ સાંજ થતાં તૈયાર થઈ જશે.

[3]…… એક કીલો પાકા આમળાને થોડા કાણાં પાડી, મીઠાંનાં બે ટકા દ્રાવણમાં 24 કલાક બોળી રાખી, બહાર કાઢી, ચોખ્ખા પાણીથી સાફ કરી, કૂકરમાં બે સીટી પડે ત્યાં સુધી બાફી, બહાર કાઢી, ઠરવા દઈ, આમળાંની નાની ચીરીઓ કરી, બિયાં અલગ કરી લેવાં. હવે 30 ગ્રામ અજમા અને 30 ગ્રામ વરિયાળીને મિક્સરમાં નાખી અધકચરા ભાંગી તેમાં ઉમેરવાં. તથા 500 ગ્રામ દળેલી ખાંડ, થોડું મીઠું અને થોડો સંચળ, બધું એમાં ભેળવી,ત્રાંસમાં રગદોળી, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ત્રાંસમાં જ રહેવા દઈ, પછી તડકે સુકવી દેવાથી સાવ અનેરા સ્વાદનો મુખવાસ તૈયાર થઈ રહેશે.

@……..આમોળિયાં = દાળ-શાકમાં ખટાશમાટે જેમ કોકમ અને લીંબુના ફૂલનો ઉપયોગ કરીએ છીએ ત્યાં આમળાંના ટુકડા કરી, સૂર્યતાપમાં તપાવી સૂકવી રાખ્યા હોય તો વરસભર સરસ રીતે વાપરી શકાય છે.

@………આથિયાં આમળાં = પાકાં અને સ્વચ્છ આમળાંને સ્ટીલના કાંટાથી કાણાં પાડી, 5 ટકાના મીઠા તથા હળદરનાં પાણીમાં થોડા દિવસો તડકે રાખવાથી અથાણું તૈયાર થઈ જાય છે. તે કાયમ જમતી વખતે ખાઇ તેનું સેવન કરી શકાય છે.

@……….આમળાં ચટણી = આમળાંનો માવો તૈયાર કરી, તેમાં તેટલો જ ગોળ તથા થોડું મીઠું ઉમેરી, ગરમ કરી, ઠંડું થયે મરચું અને ધાણાજીરું ઉમેરી, બનાવેલી ચટણી ભોજનના સ્વાદમાં તથા પોષણમાં ઉમેરો કરનારી સાબિત થાય છે.

@……..આમળાં-તેલ = એક કીલો તેલ, 500 ગ્રામ આમળાંનું છીણ, 50 ગ્રામ ભાંગરો, 250 ગ્રામ દૂધીનું છીણ મિક્સ કરી, એક રાત પલાળવું. બીજા દિવસે 15 મીનીટ ધીમા તાપે ઉકાળવું, અને ઉકાળતી વખતે બે લીંબું અંદર નીચોવવાં. આમળાં-તેલ તૈયાર. મગજની શાંતિ અને વાળની તંદુરસ્તી માટે અતિ ઉત્તમ.

આમળા-પાવડર ; આમળાને છીણી,છીણને સૂર્યતાપમાં સાવ સૂકવી નાખ્યા પછી મિક્ચરમાં દળીને સાવ ઝીણું બનાવી ,ઝીણા કપડાથી ચાળી રાખી મૂકવાથી જ્યારે આમળાની ગેરહાજરીમાં આ પાવડર પાણી સાથે લઈ શકાય છે.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *