સંસ્કૃતિની શોધમાં : ૨૨ : ગાંધાર કલામાં બે કદમ

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

જૂના પેશાવરનાં યૂનાની સ્ટોરમાંથી અમે પણ માહૂની ખરીદી કરી આગળ વધી ગયાં. મે જે માર્કેટ જોઈ તે માર્કેટમાં ૧૩ -૧૪ વર્ષની બાલિકાઓ કામ કરતી નજર આવી પણ અગાઉ જણાવ્યું તેમ સ્ત્રીઓની સંખ્યા નહિવત્ જેવી હતી. કદાચ દૂર દૂર નજર ફેલાવીને ગણવા જઈએ તો આ પુરુષોની ભીડમાં પૂરી ૫૦ યે ન થાય. જે થોડીઘણી સ્ત્રીઓ નજરમાં આવી તેમણે કેવળ આંખ દેખાય તેવા આબાયા પહેરેલા હતાં. મે ૨૦૧૧ ની ટૂરમાં જૂના લાહોરની બજારમાં જે આબાયા પહેરેલી સ્ત્રીઓ જોઈ હતી તે સ્ત્રીઓની સરખામણીમાં આ સ્ત્રીઓના આબાયા તદ્દન ભિન્ન હતા. આ સ્ત્રીઓના આબાયામાં મોટેભાગે ગ્રે અને સફેદ રંગના હતા જે જાડા કોટનમાંથી બનાવવામાં આવેલ. કદાચ બહુ સામાન્ય પરિવારની સ્ત્રીઓ હશે અથવા તો આ પ્રાંતમાં સારી એવી ઠંડી પડતી હશે તેથી. પુરુષોનો પહેરવેશ પઠાણી હતો અને મોટાભાગે માથા પર સાફો બાંધેલો હતો. બહુ જૂજ પુરુષોએ અને કિશોરવયના છોકરાઓએ મિયાં ટોપી પહેરેલી હતી.

પેશાવરની માર્કેટમાં મને વિવિધ વસ્તુઓ સાથે ખાસ કરીને યૂનાની જડીબુટ્ટીઓ, વિવિધ રંગની ઝાંયવાળા પર્વતીય મીઠાના ટુકડાઓ, હિંગના ટુકડાઓની ઘણી દુકાનો દેખાઈ. હિંગ… આપણી રસોઈને સુંદર સોડમ આપનાર હિંગ એક સમયે અફઘાનિસ્તાનથી આવતી હતી. અફઘાની પઠાણો હિંગ, આલૂબુખારા, જરદાલું, કિસમિસ વગેરે લઈને હિંદુસ્તાનમાં વેંચવા નીકળતાં હતાં. આ ડ્રાયફ્રૂટસના ઢગલાઓ જોઈ દાદા ઠાકુર રવિન્દ્રનાથનો “કાબુલીવાલો” મારા મનમાં ઝબકી ગયો જે કોઈક સમયે આ જ ઊભી બજારેથી પોતાની ઝોળીમાં સામાન નાખી હિંદુસ્તાન તરફ નીકળેલો હતો.

પેશાવરની બજાર પછી અમારો બીજો સ્ટોપ હતો જૂના પેશાવરમાં આવેલ ગાંધારકલાનાં મ્યુઝિયમમાં. આમ તો આ મ્યુઝિયમમાં જવાનું મારું એક જ બહાનું હતું, કે થોડા ગાંધારકલાનાં અવશેષો જોવા જોવા મળી જાય, પણ સાથે એ ય ધ્યાન રાખવાનું હતું કે અમારે અહીં વધારે સમય વ્યતીત કરવાનો ન હતો કારણ કે હજુ તો જૂના પેશાવરની અનેક ગલીઓમાં અમારે રખડવાનું હતું.

પેશાવર મ્યુઝિયમ

ગાંધાર કલા

યૂનાની, અફઘાની અને ગ્રીકથી જેનો જન્મ થયો છે તેવી આ ગાંધાર કલાનો સૌથી વધુ ઉલ્લેખ વૈદિક સમય પછી થયો હોઈ તેનો સફરકાળ પણ ઘણો જ લાંબો છે. જો શૈલીની દૃષ્ટિએ જોઈએ તો આ શૈલીનો સમય પહેલી સદીથી ચોથી સદીની મધ્યનો કહી શકાય. ત્રણ સંસ્કૃતિમાંથી જન્મેલી આ કલાનું પ્રમુખ સ્થાન જલાલાબાદ, હડ્ડા, સ્વાત અને પેશાવરમાં માનવામાં આવ્યું છે. આ કલા અને શૈલીમાં જે સૌથી પહેલી આકાર પામી તે ભગવાન બુધ્ધની પ્રતિમા હતી જે કાળા અને સફેદ પથ્થરોમાંથી બનાવવામાં આવેલ.

ગાંધાર કલા એ નામ ગાંધારદેશ પરથી આવ્યું છે, પણ તેની શરૂઆતની રેખાઓ ગ્રીક યૂનાનથી ગાંધાર એટ્લે કે આજના કંદહાર સુધી ખેંચાયેલ હતી. આ સ્થળે આવીને આ કલા થોડો સમય માટે સ્થિર થઈને બેસી ત્યારબાદ ફરી તેણે પોતાની રેખાઓને તે સમયના અંખંડ હિંદુસ્તાન તરફ ખેંચી. જ્યારથી આ કલાની શરૂઆત થઈ ત્યારથી તો નહીં, પણ હાલની મારી પેશાવરની ટૂર દરમ્યાન આ કલાને નજીકથી ચોક્કસ જોવા મળી.

પેશાવર મ્યુઝિયમનાં કર્મચારી પાસેથી મળેલો ગાંધાર કલાના આ અવશેષોનો ફોટો

અફઘાનિસ્તાનથી પેશાવર અને પંજાબ પ્રાંતમાં આવીને વસેલી ગાંધાર કલાને તે સમયના સુલતાન અને રાજાઓ તરફથી ઉત્તેજન મળતા તેનો સારો એવો વિકાસ થયો. જેને કારણે આ કલા સિંધના સીમાડા પાર કરી હિદુસ્તાનના ઉત્તર ભાગમાં રહેલ કાશ્મીર (તે સમયે કૌશલ) અને મથુરાની ભૂમિમાં આવીને વસી ગઈ. આ જૂના પેશાવરની માર્કેટમાં ફરતાં અમને માટીથી લઈ બ્રાસ અને અન્ય ધાતુની બનેલ ગાંધાર કલામૂર્તિને દર્શાવતાં ઘણાં નાના નાના મ્યુઝિયમ કમ સ્ટોર જોવા મળ્યા. જેઓ ગાંધારકલાકૃતિઓને પ્રસ્તુત પણ કરતા હોય અને ઓર્ડર મુજબ વેચાણ પણ કરતા હોય.

આ મ્યુઝિયમમાંથી જાણવાં મળ્યું કે આ કલાની શરૂઆત થઈ ત્યારે તે સ્વાત પ્રદેશમાંથી આવતી કાળી માટીમાંથી બનતી હતી. સમયાંતરે માટી પછી કાળા અને સફેદ સ્લેટ પથ્થરમાંથી બનવા લાગી અને અંતે ધાતુની શોધ પછી બ્રાસ અને અન્ય ધાતુની કલાકૃતિઓ બનવા લાગી. આ કલાને બહુ નજીકથી નિહાળતાં અમને ઘણીવાર લાગ્યું કે આ સુરેખસ્વરૂપો હમણાં કશુંક બોલી ઉઠશે કારણ કે શારીરિક રૂપરેખા અને અંકન ઉપર એટલું ધ્યાન અપાયું હતું કે માંસપેશી સહીત નાડીઓ પણ દેખાય.

આ કલામાં અમને નૃત્યાંગના ભાવવાળી નારી અને બુધ્ધની મૂરત વધુ દેખાઈ. જેમાં ભગવાન બુધ્ધની મૂરત સૌ પ્રથમ બનેલી ત્યાર પછી સુરેખનારીનાં મુખારવિંદની શરૂઆત થઈ. આ બંને સ્વરૂપમાંથી કેવળ નારી મૂરતની વાત કરવામાં આવે તો શરૂઆતમાં સોળે શૃંગારિત થયેલી માતા મહામાયા (ભગવાન બુધ્ધની જન્મદાત્રી) જોવા મળતી. સમય અનુસાર મહામાયાનું સ્થાન એ સમયની અન્ય નારીઓએ લીધું જે નૃત્ય કરી રહી છે અથવા નૃત્યની ભંગિમા દર્શાવી રહી છે. શરૂઆતની આ નૃત્યભંગિમાને બીજા અર્થમાં આનંદયુક્ત કે પ્રસન્નતાનો ભાવ કહી શકાય. બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે, આભૂષણ ધારણ કરેલ કે શૃંગારીત થયેલ કોઈ સ્ત્રી માતા, પ્રેમિકા, અભિસારિકાના વાત્સલ્ય, કરુણા, સ્નેહ, પ્રેમ, કલા, આકર્ષણમાં આકર્ષિત કરતી નારી …એમ વિવિધ ભાવને દર્શાવતી આ મૂરતો હતી.

સમય અને સામાજિક પરિસ્થિતી બદલાતાં નારીઓની આ મૂરત પણ બદલાઈ અને તે નારીઓનું સ્થાન અપ્સરાઓએ લીધું પણ તે તે સમયના રાજાઓના મતે હતું. અગર કેવળ જો મુખની સુરેખતાનું અનુપ્રમાણ કરવામાં આવે તો જ્યારથી શરૂ થઈ હતી ત્યારથી નારીની મુદ્રામાં ૫૦૦૦ વર્ષ સુધી કોઈ ફર્ક પડ્યો ન હતો, (કેવળ તે નારીઓની ઓળખ બદલાઈ હતી. કોઈને મતે તે માતા હતી તો કોઈને મતે તે અભિસારિકા હતી તે મુજબ) પણ સિંધના સીમાડા ઓળંગીને જેવી આ કલાએ ભારતીય સીમામાં પગ મૂક્યો ત્યારથી આ કલાની નારીઓ બદલાઈ અને તીખા નાકવાળી, કમળની પાંદડીઓવાળી આંખોવાળી, મધુર દંતપંક્તિઓવાળી, વિવિધ આભૂષણો પહેરેલી, વિવિધ ફૂલોની વેણીથી બાંધેલ અંબોડાવાળી, લાંબા કેશવાળી બની.

યુગોયુગોથી ચાલતી આ કલાને જોઈ મને અજંતા-ઇલોરાની અપ્સરાઓ યાદ આવી ગઈ, જેઓ આ ક્ષણે મારા મનનાં દરવાજે આ ક્ષણે જોર જોરથી ટકોરા મારી રહી હતી. આ નૃત્યાંગનાં સમી નારીઓ અને ભગવાન બુધ્ધની આ કલાકૃતિઓને આજે ગાંધાર કલાનું હૃદય કહી શકાય, પણ મારી જ વાત કરું તો આ ગાંધારકલામાં જેણે મારું મન સૌથી વધુ મોહી લીધું તે હતા ભગવાન બુધ્ધ. આપણે ત્યાં જેમ રાજા રવિવર્માએ પુરાણો અને ગ્રંથોમાં સમાયેલ દેવી-દેવતાઓને વિવિધ રંગો દ્વારા જેમ પ્રગટ કર્યા હતાં તેમ ગાંધારકલામાં બોધિતત્ત્વને પામી ચૂકેલાં બુધ્ધાની મૂરત પ્રથમવાર ચિત્રાંકન કરવામાં આવી. સન્યાસી બુધ્ધા જેણે માથાના વધેલાં વાળનો જૂડો બાંધેલો છે, યોગી બુધ્ધ જેઓ ધ્યાનમગ્ન છે, કરુણાભર્યા નેત્રથી નિહાળી રહેલા બુધ્ધ, કમળનું પુષ્પ ધારણ કરેલ અથવા કમળપુષ્પની જેમ મુદ્રા રાખનારા બુધ્ધ, જેના પર દેવતાઓ પર પ્રતિનિધિત્ત્વ કરી રહેલા છે તે બુધ્ધ, સૂતેલા બંધ આંખવાળા બુધ્ધ, આર્શીવાદ આપતાં બુધ્ધ, માતા મહામાયાની કૂખેથી પ્રગટ થતા બાલસિધ્ધાર્થની આ મૂરતોનું અસ્તિત્ત્વ ઇ.સ ૧૦૦ મી સદી પૂર્વે હતું જ નહીં.

પણ જ્યારે ગાંધાર કલા દ્વારા ભગવાન બુધ્ધના વિવિધ સ્વરૂપોવાળી આ મૂરતે પોતાનો વિશ્વ પ્રવાસ શરૂ કર્યો ત્યારથી લઈ આજ સુધી ભગવાન બુધ્ધના નાક -નકશા અને મૂરતમાં કોઈ ફેરફાર આવ્યો નથી.

આ કલા અને મૂરતનો ઇતિહાસ કહે છે કે; ભલે મેડિટેશન હંમેશાથી ભારતીય સંસ્કૃતિનો ભાગ હતું અને ભગવાન બુધ્ધ અને બૌધ્ધ ધર્મનો જન્મ ભલે ભારત -નેપાળની સીમામાં થયો હોય પણ કાળના સંક્રમણમાં બધાં સપડાય છે તેમ બૌધ્ધ ધર્મ પણ સપડાયો અને આદી શંકરાચાર્યના વૈદિક ધર્મ ને કારણે બૌધ્ધ ધર્મને દેશવટો મળ્યો જેને કારણે ભગવાન બુધ્ધના સિધ્ધાંતોનું મહત્વ ભારતમાંથી નહિવત્ થઈ ગયું. મધ્યકાલીન યુગ ભક્તિકાલ તરીકે ઓળખાયો. આ સમયમાં થયેલાં આચાર્યોએ ધ્યાનની પ્રક્રિયા પર ખૂબ મહત્વ આપ્યું ત્યારે ફરી બૌધ્ધ ધર્મના સૂરજના કિરણો ફરી ભારતની ભૂમિ પર રેલાયાં. અહીં બીજી વાત એ પણ જાણવા મળી કે; મહાયાનબુધ્ધધર્મએ આ કલાને ઘણું પ્રોત્સાહન આપ્યું જેને કારણે આ કલાનો વિકાસ થયો એટલું ન નહીં પણ આ સમયે ( મહાયાનના સમયે) આ કલામાં ગ્રીક, યૂનાની અને ભારતીય કલાનો ત્રિવેણી સમન્વય યે જોવા મળ્યો. કનિષ્ક કાલ અને મહાયાનના સમય બાદ ગુપ્ત અને મૌર્ય યુગમાં પણ ભારત સિવાય શ્રીલંકા, ઇન્ડોનેશિયા, બાલી, જાપાન, ચીન, તિબેટ વગેરે દેશોમાં પણ આ કલાનો વિકાસ અધ્યાતિક થયો. જેના સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે આપણે ત્યાં મધ્યપ્રદેશમાં ભીમબેટકા પાસે રહેલ સાંચી સ્તૂપા જોઈ શકીએ છીએ. સાથે સાથે જોવાનું એ કે આ સામ્રાજ્યોના શાસકોએ ભગવાન બુધ્ધના કેવળ મુખને જ નહીં પણ આપના સિધ્ધાંતોને રૂપી શિક્ષણને, સ્તૂપો દ્વારા સ્થાપત્ય કલાને અને શરણારગતિના ભાવ રૂપે બુધ્ધ ચરણને સૌથી વધુ મહત્વ આપ્યું.

પેશાવરની આ સફરમાં ગાંધાર કલામાં સમાયેલાં બુધ્ધને મે અત્યંત નજીકથી જોયા ત્યારે ખ્યાલ આવ્યો કે હૃદય સમાન ધડકતી આ ગાંધાર કલાની શરૂઆત ઇ.સ પૂર્વેની સોમી સદી પછી થયો હોય પણ ઇસુની પહેલી સદીથી ત્રીજી સદી સુધીમાં બુધ્ધ આ કલા દ્વારા ઈરાનથી જાપાન સુધી ફેલાઈ ગયા. આજે સમય અલગ છે તેથી સાંસ્કૃતિક, રાજકીય અને વ્યાપારિક સંબંધોના લીધે અને લોકોના સતત વ્યાવહારિક આદાનપ્રદાનથી આ ધર્મ અને ગ્રીક, સિરિયન, પર્શિયન અને હિન્દુ સ્થાપત્યની અસર સાથેનો આ કલાનો ફેલાવો દૂરસુદૂર સુધી જોવા મળે છે, પણ આ કલાને એ જ સમજી શકે છે જેઓને આ કલામાં રસ છે. ( ઈતિહાસકારો, આર્ટ રસિકો, પુરાતત્ત્વવાદીઓ વગેરે )


©૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ   purvimalkan@yahoo.com

2 comments for “સંસ્કૃતિની શોધમાં : ૨૨ : ગાંધાર કલામાં બે કદમ

  1. નિરંજન બૂચ
    November 26, 2019 at 1:01 am

    સુંદર લખાણ , આવુ જ લખતા રહો ને રસપરદ જ્ઞાન ફેલાવતા રહો , આભાર

  2. Bharti
    December 14, 2019 at 9:46 pm

    ગાંધાર કલામાં બે કદમ બહુ સરસ લેખ. પૂર્વીબેન તમે પાકિસ્તાનની સફરે અમને નથી લઈ ગયાં, પણ ઇતિહાસ અને ઐતિહાસિક સંસ્કૃતિની સફરે લઈ ગયાં છો. તમે અમને જ્યાંથી જ્યાંથી, જે જે ગલીમાં ફેરવો છો તે દરેક જગ્યા અદ્ભુત હોય છે. છેલ્લા બે -ત્રણ હપ્તા વાંચી શકી નોહતી, આજે બધો ટાસ્ક પૂરો કરીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *