બાળવાર્તાઓ : ૧૩ : બિંકુનું સપનું

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

મકરસંક્રાંતિનો દિવસ નજીક આવતો હતો. ઉત્તરાયણ. બાળકોનો પ્રિય તહેવાર. સૌ પતંગ ચગાવવાના ઉત્સાહમાં હતાં. જૂઈબહેન અને એમની ટોળકીનાં બધાં મિત્રો ભેગાં થયાં હતાં. કોણ કેવા અને કેટલા પતંગ લેશે, દોરા ક્યાંથી લેવા, ક્યાં મંજાવવા એ બધું નક્કી કરતાં હતાં. બધાંનો આનંદ સમાતો નહોતો. માત્ર બિંકુ કોઈ જોડે બોલતો નહોતો. એ ઉદાસ બેઠો હતો.

જૂઈ બહેને પૂછ્યું: “બિંકુ, શું થયું છે? તું કંઈ બોલતો કેમ નથી?”

બિંકુ નિ:શ્ર્વાસ નાખતાં બોલ્યો: “મને એક વાતની મજા નથી આવતી.”

“કઈ વાત? એવું તે શું થયું છે ?” ડોલીએ પૂછ્યું.

બિંકુ કશું બોલ્યો નહીં. ચિન્ટુ એને સમજાવતો બોલ્યો: “વાત શું છે એ તો કહે. આપણે એનો રસ્તો કાઢીએ.”

બિંકુએ કહ્યું: “અમારે ઘેર જશોદાબેન કામ કરે છે. તેઓ ખૂબ ગરીબ છે. એમને પાંચ બાળકો છે. એમાં મફો આપણા જેવડો જ છે. એ ઘણી વાર મારી સાથે રમવા આવે છે. બધાં બાળકો પતંગની વાત કરે તેથી મફાને પણ પતંગ ચગાવવાનું મન થાય.”

“એ તો થાય જને! આપણને પણ થાય છે તો એને પણ થાય,” જૂઈબહેને કહ્યું.

“એ જ વાત છેને! ગઈ કાલે મફાએ એની મા પાસે પતંગ માટે પૈસા માગ્યા. જશોદાબેન પાસે તો પૈસા નહોતા. આમ તો મફો કોઈ વાતે કજિયા ન કરે, પણ કાલે એ પૈસા માટે રડવા લાગ્યો. એટલે જશોદાબેને… એને માર્યો… બહુ માર્યો…”

આટલું બોલતાં બિંકુ રડવા લાગ્યો. પછી રડતાં રડતાં જ આગળ વાત કરી: “મારી મમ્મી મફાને પૈસા આપવા લાગી તો જશોદાબેન વચ્ચે પડ્યાં. કહે: ‘બેન, તમે એને પૈસા આપશો નહીં. ઘેર બીજાં ચાર બેઠાં છે. મફો પતંગ લઈ આવશે તો બીજાં માગશે. મારે ઘેર હોળી સળગશે. આમ પણ એને પૈસા આપશો તો એની આદત બગડશે.’ બસ, ત્યારથી મારો જીવ બળે છે, કોઈ વાતમાં મન લાગતું નથી. મફો પણ આપણા જેવડો જ છે, આપણે બધાં મોજમજા કરીએ અને મફો બિચારો… એનો વાંક શું છે?”

“અરે, એટલી જ વાત છેને? એમાં તું રડે છે શું? આપણે હમણાં જ રસ્તો કાઢીએ, “ જૂઈબહેને કહ્યું.

બધાં બોલી ઊઠ્યાં: “હા, હા… ચાલો આપણે વિચારીએ અને કંઈક રસ્તો કાઢીએ.”

એ સાંભળીને બિંકુ રડતો બંધ થયો. એ બોલ્યો: “ઉત્તરાયણ પહેલાં બારમી તારીખે મફાનો જન્મદિવસ છે. એને તો જન્મદિવસે પણ સારું ખાવાનું કે પહેરવાનું કંઈ ન મળે.”

બધાં વિચારવા લાગ્યાં કે શું કરવું. ત્યાં જૂઈબહેન બોલ્યાં: “આઈડિયા! આપણને બધાંને ઘરમાંથી પતંગ-દોરા ખરીદવા માટે પૈસા મળશેને? એમાંથી થોડા થોડા પૈસા બચાવીએ. એ પૈસામાંથી મફા માટે પતંગ – ફીરકી – દોરા બધું લઈને એને આપીએ.”

“પણ એ કોઈ પાસેથી લે એવો નથી. એની મા પણ લેવા નહીં દે,” બિંકુએ કહ્યું.

“પણ આપણે એમને એમ આપીએ તો એ અને એની મમ્મી ના પાડેને? આપણે બારમી તારીખે એના જન્મદિવસની ભેટ લઈ જઈએ તો ના ન જ પાડી શકેને?” ચિંટુએ રસ્તો કાઢ્યો.

“હા, એ વાત બરાબર,” બિંકુ ખુશ થઈ ગયો.

બારમી જાન્યુઆરીની સવારે બધાં બાળદોસ્તો મફાને ઘેર ગયાં. એને હેપી બર્થ-ડે કહ્યું, પતંગ –દોરા-ફીરકી ભેટ આપ્યાં. થોડા પૈસા વધ્યા હતા એમાંથી બિસ્કિટ, ચોકલેટ, પીપરમેન્ટ લીધાં હતાં. તે બધું મફાનાં ભાઈબહેનોને આપ્યું.

આ જોઈને મફો ગદ્ગદ્ થઈ ગયો. એને ખૂબ સારું લાગ્યું. એ ઢીલા અવાજે બોલ્યો: “તમે બધાંએ આટલા પ્રેમથી મને પતંગ – ફીરકી આપ્યાં છે, પણ મારી પાસે પતંગ ઉડાડવાની જગ્યા ક્યાં છે?”

બધાં બોલી ઊઠ્યાં: “અરે, એમાં શું છે! તું પણ ઉત્તરાયણના દિવસે અમારા બધાંની સાથે આવજે. આપણે જૂઈબહેનના ઘરની અગાશી પરથી પતંગ ચગાવશું.”

મફો એકદમ આનંદમાં આવી ગયો. એ બોલ્યો: “તમે બધાં કેટલાં સારાં છો ! હું તમારો આભાર માનું છું.”

ઉત્તરાયણની સવારે બધાં ભેગાં થયાં. મફાનાં ભાઈ-બહેન પણ આવ્યાં. મફાએ બધાં મિત્રો સાથે ઘણા પતંગ ચગાવ્યા – કાપ્યા. બપોરે બધાંને બહુ જ ભૂખ લાગી હતી. ત્યાં તો જૂઈબહેનની મમ્મી ગરમાગરમ ઊંધિયું અને જલેબી લાવી. બધાંનાં મોંમાં પાણી આવી ગયું. બધાંએ હુ…ર્રે… બોલાવી. પેટ ભરીને જમ્યાં. આખો દિવસ ખૂબ મજા કરી. સાંજ પછી ફાનસ-ગબ્બારા પણ ચડાવ્યાં.

રાતે બધાં પોતપોતાના ઘેર ગયાં. થાકીને લોથ થઈ ગયાં હતાં. સૂતા ભેગાં જ ઊંઘી ગયાં. બિંકુ ખૂબ ખુશ હતો. એણે રાતે સપનામાં આકાશમાં ઊંચે જતું એક ફાનસ જોયું. એ ફાનસમાં મફાનું હસતું મોઢું દેખાતું હતું.


+   +    +

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *