– બીરેન કોઠારી
સિત્તેરના દાયકામાં કેટલાક નવા સંગીતકારોનો ફિલ્મક્ષેત્રે પ્રવેશ થયો એમાં રાજેશ રોશનનું સ્થાન આગવું ગણાવી શકાય. મહેમૂદની ‘કુંવારા બાપ’ (1974) અને તેના પછીના વરસે આવેલી ‘જુલી’નાં ગીતો અત્યંત લોકપ્રિય બની રહ્યાં. સંગીતકાર પિતા રોશનલાલ નાગરથના નામને રાજેશ અને રાકેશ બન્ને ભાઈઓએ અટક તરીકે અપનાવ્યું. આગળ જતાં રાકેશના પુત્ર હૃતિકે પણ આ જ અટક ચાલુ રાખી.
રાજેશ રોશનના સંગીતની ઓળખ તેનું માધુર્ય ગણાવી શકાય. તેમણે પશ્ચિમી ધૂન પર આધારિત ઘણાં ગીતો રચ્યાં, પણ એ બધામાં પોતાની ઓળખ બરકરાર રાખી. ક્યારેક તેમના સંગીતમાં અમુક હદની એકવિધતા જણાય, છતાં તેમાં માધુર્ય કેન્દ્રસ્થાને હતું એમ કહી શકાય. ‘દૂસરા આદમી’, ‘ખટ્ટામીઠા’, ‘કામચોર’, ‘કાલા પથ્થર’ જેવી ફિલ્મોનાં ગીતોમાં રાજેશ રોશનની શૈલી બરાબર માણી શકાય એમ છે. ‘ખુદ્દાર’ના ‘ડિસ્કો 82’ ગીતમાં તેમણે જે સ્થાને સિતારનો ઉપયોગ કર્યો છે તેને કારણે આખું ગીત સાંભળવાની મઝા આવે છે.

જો કે, રાકેશ રોશને અભિનયને બદલે દિગ્દર્શકની કારકિર્દી આગળ વધારી ત્યારે રાજેશ રોશન તેમની ફિલ્મો પૂરતા મર્યાદિત બની રહ્યા એમ લાગે. રાજેશ રોશને આશરે 137 ફિલ્મોમાં સંગીત પીરસ્યું છે.
‘તુમ્હારી કસમ’ ૧૯૭૮માં રજૂઆત પામેલી રવિ ચોપડા નિર્દેશીત, જિતેન્દ્ર, મૌસમી ચેટરજી, નવિન નિશ્ચલ, માસ્ટર રાજૂ જેવા કલાકારો ધરાવતી ફિલ્મ હતી. ઑલ ઈન્ડીયા રેડિયોની ઉર્દૂ સર્વિસ પર ‘આપ કી ફરમાઈશ’ કાર્યક્રમ સાંભળનારા મિત્રોને આ ફિલ્મનું મુકેશ અને આશા ભોંસલે દ્વારા ગવાયેલું ‘હમ દોનોં મિલ કે, કાગઝ કે દિલ પે‘ ગીત ચોક્કસ યાદ હશે. ખાસ કરીને તેમાં છેલ્લે આવતો ટ્રેનનો ધીમો લય!
આ સિવાય ફિલ્મનાં ચાર ગીતો હતાં, જેમાં ‘મેરા નામ રાજા‘ (પ્રીતિ સાગર, ), ‘મૈં હુસ્ન કા હૂં દિવાના’ (કિશોરકુમાર), ‘એ મસ્ત હવા, યે તો બતલા’ (લતા મંગેશકર), તેમજ ‘એ લડકી પ્યાર કરેગી‘ (બે ભાગનું ગીત/લતા, કિશોરકુમાર)નો સમાવેશ થાય છે. ગીતો આનંદ બક્ષીએ લખ્યાં હતાં.

ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક 0.12 થી તુંતુવાદ્યસમૂહ પર શરૂ થાય છે, ત્યાર પછી ફ્લુટનો નાનો ટુકડો વાગે છે અને 0.26થી ‘યે લડકી પ્યાર કરેગી’ની ધૂન સિતાર પર આરંભાય છે, જે બહુ જ કર્ણપ્રિય લાગે છે. 0.36 થી તંતુવાદ્યસમૂહ અને 0.43 થી ટ્રોમ્બોન (અથવા ટ્રમ્પેટ) ઉમેરાય છે. આ વાદ્ય રાજેશ રોશનનાં ઘણાં ગીતોમાં સાંભળવા મળે છે. (‘જુલી’ના ‘દિલ ક્યા કરે‘માં) 0.48 થી ફ્લુટ પર એ ધૂન કર્ણપ્રિય રીતે આગળ વધે છે. 0.57 થી તંતુવાદ્યસમૂહ પર ‘હમ દોનોં મિલ કે’ ની ધૂન શરૂ થાય છે. 1.18 થી વાયોલિન પ્રવેશે છે. (એમ મને લાગ્યું. કોઈ એ જણાવી શકશે?) 1.28 થી ગિટારવાદન છે, 1.40 થી 1.47 સુધી ફરી તંતુવાદ્યસમૂહ છે, અને તેની પર જ આ ટ્રેકનું સમાપન થાય છે. આ ગીતો સાંભળ્યાં ન હોય તો પણ ટાઈટલ ટ્રેક કર્ણપ્રિય બની રહે છે.
અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.12 થી 1.47 સુધી ટાઈટલ મ્યુઝીક છે.
(All the images are taken from net.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)





