રાજનીતિજ્ઞ રાજાની દૃષ્ટિએ રામ

Facebooktwitterredditpinterestlinkedinmail

દર્શના ધોળકિયા

ભાષાના વિકાસની પ્રક્રિયા દરમ્યાન, કેટલાક શબ્દો ઉત્કર્ષ પામે છે તો કેટલાક અપકર્ષ. ‘રાજકારણ’ એ આવો અપકર્ષ પામેલો શબ્દ છે જે મૂળમાં ‘રાજનીતિ’ તરીકે ઓળખાયો છે. ‘રામરાજ્ય’ શબ્દની ગરિમાનાં મૂળિયાં રાજા રામની રાજનીતિમાં પડેલાં છે. રાજનિષ્ઠા, રાજા રામના ચારિત્ર્યનો એક પ્રધાન હિસ્સો છે. રામ, મૂળે મિતભાષી છે. વિચારને વ્યક્ત કરવાને બદલે એને આચરવો રામને વધુ ફાવ્યો છે. કોઈક જ ક્ષણે, અનિવાર્યતા ઉદભવી છે ત્યારે જ, રામે વિચારને વ્યક્ત કરવાનું પસંદ કર્યું છે. અને ત્યારના રામના બોલ મંત્રદીક્ષા બની રહે છે.

રામ, રાજા તરીકે કાબેલ સાબિત થશે એવો વિશ્વાસ દશરથને અને મંત્રીઓને તો છે જ. ઉત્તમ રાજાનાં લક્ષણો રામના પ્રજા સાથેના યુવરાજ તરીકેના વ્યવહારમાં વ્યક્ત થયાં છે. પણ રામનો રાજનીતિ વિશેનો ખયાલ કેવો હશે જેને લઈને આજે પણ ‘રામરાજ્ય’ આદર્શ રાજ્યનો પર્યાય ગણાતું આવ્યું છે એવો પ્રશ્ન સહેજે થાય. વાલ્મીકિએ એનો ઉત્તર અયોધ્યાકાંડમાં વિગતે આપ્યો છે. રામને અયોધ્યા પાછા લાવવા માટે વનમાં આવેલા ભરને એ રાજા હોઈ, એના કુશળ પૂછવાને બહાને રામે રાજનીતિનો આડકતરી રીતે કરેલો ઉપદેશ રાજનીતિજ્ઞ રામને ઉઘાડે છે.

રાજ્યને લગતાં પાસાંઓને સમાન રીતે મહત્વ આપતા રામ, ભરત સાથે સંવાદ કરતાં કહે છે: “શું તું દેવતાઓ, પિતૃઓ, ભૃત્યો (નોકર-ચાકર), ગુરુજનો, પિતા સમાન આદણીય વૃદ્ધો, વૈદ્યો અને બ્રાહ્મણોનું સમ્માન કરે છે ?

“હે તાત! તેં તારા જેવા જ શૂરવીર, શાસ્ત્રજ્ઞ, જિતેન્દ્રિય, કુલીન તથા બાહ્ય ચેષ્ટાઓથી મનને વાત સમજી લેનાર સુયોગ્ય વ્યક્તિઓને જ મંત્રી બનાવ્યા છે ને ?

“રઘુનંદન! ઉચિત મંત્રણા જ રાજોના વિજયનું મૂળ કારણ છે. એ પણ ત્યારે જ સફળ થાય છે, જ્યારે નીતિશાસ્ત્રનિપુણ મંત્રીશિરોમણિ અમાત્ય એને સર્વથા ગુપ્ત રાખે.

“ભરત! તું અસમયે નિદ્રાને વશીભૂત તો નથી થતો? તું સમય પર જાગી જાય છે ને? રાતના પાછલા પ્રહરમાં અર્થસિદ્ધિના ઉપાય પર વિચાર કરે છે ને?

“તું કોઈ ગૂઢ વિષય પર એકલો જ વિચાર કરતો નથી ને? અથવા ઘણા લોકોની સાથે બેસીને તો મંત્રણા કરતો નથી ને? ક્યાંક એવું તો નથી થતું ને કે તારી નિશ્ચિત કરેલી મંત્રણા ફૂટી જઈને શત્રુના રાજ્ય સુધી ફેલાઈ જતી હોય?

“રઘુનંદન! જેનું સાધન બહુ જ નાનું અને ફળ બહુ મોટું હોય એવા કાર્યનો નિશ્ચય કરીને તું એનો શિઘ્ર પ્રારંભ કરી દે છે ને? એમાં વિલંબ તો નથી કરતો ને?

“તારાં બધાં જ કામો પૂરાં થઈ ગયા પછી અથવા પૂરાં થવાની નિકટ હોય ત્યારે જ એ વિશે બીજા રાજાઓને ખબર પડે છે ને? ક્યાંક એવું તો નથી થતું ને કે ભાવિ કાર્યક્રમને એ પહેલેથી જાણી લેતા હોય?

“તાત! તારા નિશ્ચિત કરેલા વિચારોને તારા અથવા મંત્રીઓના પ્રગટ ન કર્યા પહેલાં તર્ક અને યુક્તિઓ દ્વારા જાણી તો નથી લેતા?

“શું તું હજારો મૂર્ખોને બદલે એક પંડિતને જ પોતાની પાસે રાખવાની ઇચ્છા રાખે છે ને? કારણ કે વિદ્વાન પુરુષ જ અર્થસંકટ સમયે મહાન કલ્યાણ કરી શકે છે.

“ જો રાજા દસ હજાર મૂર્ખોને પોતાની પાસે રાખી લે તોપણ તેનાથી અવસર વખતે સારી સહાયતા મળતી નથી.

“(પણ) જો એક મંત્રી પણ મેધાવી, શૂરવીર, ચતુર અને નિતિજ્ઞ હોય તો એ રાજા અથવા રાજકુમારને બહુ મોટી સંપત્તિની પ્રાપ્તિ કરાવી શકે છે.

“તાત! તેં પ્રધાન વ્યક્તિઓને પ્રધાન, મધ્યમ શ્રેણીના મનુષ્યોને મધ્યમ અને નાની શ્રેણીના લોકોને નાનાં કામોમાં નિયુક્ત કર્યા છે ને?

“જેઓ લાંચ લેતા નથી અથવા નિશ્ચલ છે, બાપ-દાદાઓના સમયથી કામ કરતા આવ્યા છે તથા બાહ્યાભ્યંતર પવિત્ર અને શ્રેષ્ઠ છે, એવા અમાત્યોને જ ઉત્તમ કાર્યોમાં નિયુક્ત કર્યા છે ને?

“કૈકેયીકુમાર! તારા રાજ્યની પ્રજા કઠોર દંડથી અત્યંત ઉદ્વિગ્ન થઈને તારા મંત્રીઓનો તિરસ્કાર તો નથી કરતી ને?

“જે સામ-દામ આદિ ઉપાયોના પ્રયોગમાં કુશળ, રાજનીતિશાસ્ત્રનો વિદ્વાન, વિશ્વાસી ભૃત્યોને ફોડવામાં લાગેલો, શૂર તથા રાજાના રાજ્યને હડપ કરવાની ઇચ્છા ધરાવનારો છે – એવા પુરુષને જો રાજા મારી નાખતો તો એ પોતે એના હાથથી મૃત્યુને અધીન થાય છે.”

“શું તેં સદાય સંતુષ્ટ રહેનાર, શૂરવીર, ધૈર્યવાન, બુદ્ધિમાન, પવિત્ર, કુલીન અને આત્મરત, રણકર્મદક્ષ પુરુષને જ સેનાપતિ બનાવ્યો છે ?

“તારા મુખ્ય મુખ્ય યોદ્ધાઓ બળવાન, યુદ્ધકુશળ અને પરાક્રમી તો છે ને? તેં એમનાં શૌર્યની પરીક્ષા લીધી છે? તેઓ તારા દ્વારા સત્કારપૂર્વક સમ્માન મેળવે છે ને?

“સૈનિકોને દેવા માટે નિયત કરેલ સમુચિત વેતન અને ભથ્થાં તું સમયસર આપે છે ને? એની ચુકવણીમાં વિલંબ કરતો નથી ને?

“જો સમય વિતાવીને વેતન આપવામાં આવે તો સૈનિક પોતાના માલિક પર પણ અત્યંત ક્રોધાયમાન થાય છે અને એને કારણે બહુ મોટો અનર્થ ઘટિત થાય છે.

“ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ મંત્રી વગેરે બધા જ મુખ્ય અધિકારીઓ તને ચાહે છે? તારે માટે તેઓ એકચિત્ત થઈને પોતાનો પ્રાણત્યાગ કરવા તત્પર રહે છે?

“ભરત તેં જેને રાજદૂતના પર પર નિયુક્ત કર્યો છે એ પુરુષ આપણા જ દેશનો વાસી, વિદ્વાન, કુશળ, પ્રતિભાશાળી અને જે કહેવામાં આવે એ જ વાત બીજાને કહેનારો તથા સદ-અસદ વિવેકયુક્ત છે ને?

“શત્રુસદન! જે શત્રુઓને તેં રાજ્યમાંથી કાઢી મૂક્યા હોય એ જો ફરીથી પાછા આવે તો તું દુર્બળ સમજીને તેમને ઉપેક્ષા તો કરતો નથી ને?

“તાત! તું ક્યારેય નાસ્તિક બ્રાહ્મણોનો સંગ તો નથી કરતો નથી ને? કારણ કે તેઓ બુદ્ધિને પરમાર્થ પ્રત્યેથી વિચલિત કરવામાં કુશળ હોય છે તથા વાસ્ત્વમાં અજ્ઞાની હોવા છતાં પણ પોતાને બહુ મોટા પંડિત માને છે. તેમનું જ્ઞાન વેદની વિરુદ્ધ હોવાને કારેણે દુષિત હોય છે અને તેઓ પ્રમાણભૂત, પ્રધાન ધર્મશાસ્ત્રોના હોવા છતાં તાર્કિક બુદ્ધિનો આશ્રય લઈને વ્યર્થ બકવાદ કર્યા કરે છે.

“કૃષિ અને ગોરક્ષાથી આજીવિકા ચલાવતા બધા જ વૈશ્યો તારા પ્રીતિપાત્ર છે ને? કારણ કે કૃષિ અને વ્યાપાર પર આધારિત રહેવાથી જ આ લોકો સુખી અને ઉન્નતિશીલ બને છે. આ વૈશ્યોને ઇષ્ટની પ્રીતિ કરાવીને અને તેમના અનિષ્ટનું નિવારણ કરીને તું એ બધા લોકોનું ભરણ-પોષણ તો કરે છે ને? કારણ કે રાજાએ પોતાના રાજ્યમાં રહેનાર બધા લોકોનું ધર્માનુસાર પાલન કરવું જોઈએ.

“તું પ્રત્યેક દિવસે પૂર્વાહ્મકાળ (સવાર)માં વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈને મુખ્ય માર્ગ પર જઈને નગરવાસી લોકોને દર્શન આપે છે ને?

“કામકાજમાં લાગેલા બધા મનુષ્યો નીડર થઈને તારી સામે તો નથી આવતા ને? અથવા તેઓ હંમેશા તારાથી દૂર તો નથી રહેતા? કારણ કે કર્મચારીઓના વિષયમાં મધ્યમ સ્થિતિનો આશ્રય લેવો એ જ અર્થસિદ્ધિનું કારણ હોય છે.

“શું તારા બધા કિલ્લા ધન-ધાન્ય, અસ્ત્ર-શસ્ત્ર, જલ, યંત્ર, શિલ્પી તથા ધનુર્ધર સૈનિકોથી ભરેલા રહે છે ને?

“રઘુનંદન! તારી આવક વધારે અને વ્યય બહુ ઓછો છે ને? તારા ખજાનાનું ધન અપાત્રના હાથમાં તો નથી ચાલ્યું જતું? એ બધું ધન દેવતા, પિતૃ, બ્રાહ્મણ, અભ્યાસગત, યોદ્ધા તથા મિત્રોને માટે જ ખર્ચાય છે ને?

“ક્યારેક એવું તો નથી થતું કે કોઈ મનુષ્ય કોઈ શ્રેષ્ઠ, નિર્દોષ અને શુદ્ધાત્મા પુરુષ પર પણ દોષ આપી દે તથા શાસ્ત્રજ્ઞાન્માં કુશળ વિદ્વાનો દ્વારા તેના વિશે વિચારણા થયા વિના જ લોભવશ એને આર્થિક દંડ આપી દેવામાં આવે?

“નરશ્રેષ્ઠ! જે ચોરીમાં પકડાઈ ગયો હોય, જેને કોઈએ ચોરી કરતી વખતે જોયો હોય, પૂછ-તાછ કરતાં પણ જેનું ચોર હોવાનું પ્રમાણ મળી ગયું હોય તથા જેની વિરુદ્ધ આથી પણ વધારે મજબૂત પ્રમાણો મળતાં હોય, એવા ચોરને પણ તારા રાજ્યમાં ધનની લાલચથી છોડી મૂકવામાં આવતો નથી ને?

“રઘુકુલભૂષણ! જો તવંગર અને ગરીબ વચ્ચે કોઈ વિવાદ છેડાયો હોય અને તેઓ રાજ્યના ન્યાયાલયમાં નિર્ણય માટે આવ્યા હોય તો તારા બહુજ્ઞ મંત્રી ધન વગેરેનો લોભ છોડીને એ મામલા પર વિચાર કરે છે ને?

“રઘુનંદન! નિરપરાધ હોવા છતાં પણ જેને મિથ્યા દોષ આપીને દંડ આપવામાં આવે છે, એ મનુષ્યોની આંખમાંથી જે અશ્રુ સરે છે, એ પક્ષપાતપૂર્ણ શાસન કરનાર રાજાના પુત્ર અને પશુઓનો નાશ કરી નાખે છે.

“રાઘવ! તું વૃદ્ધ પુરુષો, બાળકો અને મુખ્ય મુખ્ય વૈદ્યોનો આંતરિક અનુરાગ, મધુર વચન અને ધનદાન આ ત્રણે દ્વારા સમ્માન કરે છે ને?

“ગુરુજનો, વૃદ્ધો, તપસ્વીઓ, દેવતાઓ, અતિથિઓ, ચૈત્ય વૃક્ષો અને બધા જ પૂર્ણકામ બ્રાહ્મણોને તું નમસ્કાર કરે છે ને?

“તું અર્થ દ્વારા ધર્મને અથવા ધર્મ દ્વારા અર્થને હાનિ તો નથી પહોંચાડતો? અથવા આસક્તિ અને લોભરૂપ કામ દ્વારા, ધર્મ અને અર્થ બંનેમાં બાધા તો નથી આવવા દેતો?

“શું તું સમયના વિભાગ કરીને ધર્મ, અર્થ અને કામનું યોગ્ય સમયે સેવન કરે છે ને?

“સંપૂર્ણ શાસ્ત્રોના અર્થના જાણકાર બ્રાહ્મણો પુરવાસી અને જનપદવાસી મનુષ્યોની સાથે તારાં કલ્યાણની કામના કરે છે ને?

“નાસ્તિકતા, અસત્યભાષણ, ક્રોધ, પ્રમાદ, દીર્ઘસૂત્રતા, જ્ઞાનીપુરુષોનો સંગ ન કરવો, આળસ, નેત્ર વગેરે પાંચ ઇન્દ્રિયોને વશ થવું, રાજકાર્યોના વિષયમાં એકલા જ વિચારવું, પ્રયોજનને ન સમજવું, વિપરીતદર્શી મૂર્ખોની સલાહ લેવી, નિશ્ચિત કરેલાં કાર્યોનો ઝડપથી પ્રારંભ ન કરવો, ગુપ્ત મંત્રણાને સુરક્ષિત ન રાખીને પ્રકટ કરી દેવી, માંગલિક વગેરે કાર્યોનું અનુષ્ઠાન ન કરવું તથા બધા જ શત્રુઓ પર એકસાથે ચડાઈ કરવી – આ રાજાના ચૌદ દોષો છે. તું આ બધા દોષોનો પરિત્યાગ કરે છે ને ?

“શું તું નીતિશાસ્ત્રની આજ્ઞાનુસાર ચાર અથવા ત્રણ મંત્રીઓની સાથે બધાને એકત્ર કરીને અથવા બધાને અલગ અલગ મળીને સલાહ લે છે ?

“શું તું વેદોની આજ્ઞાનુસાર કામ કરીને તેને સફળ કરે છે ને? તારી ક્રિયાઓ સરળ છે? તારી સ્ત્રીઓ સરળ છે? તારું શાસ્ત્રજ્ઞાન પણ વિનય વગેરે ગુણોનું ઉત્પાદક બનીને સફળ થયું છે?

“રઘુનંદન! મેં જે કંઈ કહ્યું છે, તારી બુદ્ધિનો નિશ્ચય પણ એવો જ છે ને? કારણ કે આ વિચાર આયુષ્ય અને યશની વૃદ્ધિ કરનારો તથા ધર્મ, કામ અને અર્થની સિદ્ધિ કરવાવાળો છે.

“આપણા પિતા જે વૃત્તિનો આશ્રય લે છે, આપણા પ્રપિતામહોએ જે આચરણનું પાલન કર્યું છે, સત્પુરુષો પણ જેનું સેવન અને જે કલ્યાણનું મૂળ છે, એનું તું પાલન કરે છે ને?

“તું સ્વાદિષ્ટ અન્ન એકલો તો નથી ખાતો ને? એની અપેક્ષા રાખનાર મિત્રોને પણ આપે છે ને?

“આ પ્રકારે ધર્માનુસાર દંડ ધારણ કરનાર વિદ્વાન રાજા પ્રજાઓનું પાલન કરીને સમગ્ર પૃથ્વીને યથાવત્ રૂપ્થી પોતાના અધિકારમાં મેળવે છે અને દેહત્યાગ પછી સ્વર્ગલોકમાં જાય છે.”

ભરત સાથેનો રામનો આ સંવાદ, રામની યુવાવયે થયેલો છે, જે રામની પરિપક્વ રજનીતિનો સૂચક પરિચય કરાવે છે. અહીં પોતાના રાજનીતિવિષયક વિચારોને પ્રગટ કરતા રામે આચારમાં અભિવ્યક્ત કરેલી રાજનીતિનાં દર્શન થાય છે વનવાસ દરમ્યાન થયેલા સીતાહરણ પછી વિભીષણે લીધેલા રામના શરણ પ્રસંગે, રાક્ષસપક્ષેથી આવેલા વિભીષણને શરણમાં લેવાની સુગ્રીવ ના પાડે છે ત્યારે રામે એકેએક બિદ્ધિમાન વાનર સેનાપતિઓની પહેલાં સલાહ પૂછી છે. તેમની સાથે વિચારવિમર્શ કર્યો છે એ પછી પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરતાં રામ, વાનરોની સભામાં લક્ષ્મણ, સુગ્રીવ ને હનુમાનને ઉદ્દેશીને જણાવે છે:

“સુગ્રીવ! તમે વિભીષણમાં ભાઈના ત્યાગરૂપ દોષની ઉદભાવના કરી, એ વિષયમાં મને એક અત્યંત સૂક્ષ્મ અર્થની પ્રતીતિ થઈ રહી છે, જે બધા રાજાઓમાં જોવામાં આવે છે અને બધા લોકમાં પ્રસિદ્ધ છે.

“રાજાઓમાં બે પ્રકારનાં છિદ્રો બતાવવામાં આવ્યા છે: એક તો, એ જ કુળમાં ઉત્પન્ન થયેલા જાતિ-ભાઈ અને બીજા પડોશી દેશોના નિવાસી. તેઓ સંકટમાં પડવાથી પોતાના વિરોધી રાજા અથવા રાજપુત્ર પર પ્રહાર કરી બેસે છે. આ જ ભયથી વિભીષણ અહીં આવ્યા છે.

“જેના મનમાં પાપ નથી, એવા એક કુળમાં ઉત્પન્ન થયેલા ભાઈ-બંધુ પોતાના કુટુંબીજનોને હિતૈષી માને છે. પણ આ જ સજાતીય બંધુ સારો હોવા છતાં પણ કેટલીક વાર રાજાઓ માટે શંકાસ્પદ હોય છે.

“તમે શત્રુપક્ષીય સૈનિકને અપનાવવામાં એ દોષ બતાવ્યો છે કે એ અવસર જોઈને પ્રહાર કરી બેસતો હોય છે, એ વિષયમાં હું તમને નીતિશાસ્ત્રને અનુકૂળ ઉત્તર આપું છું એ સાંભળો: આપણે લોકો એના કુટુંબી તો છીએ નહીં (એથી આપણાથી એને સ્વાર્થીહાનિની આશંકા નથી) અને આ રાક્ષસ રાજ્ય પ્રાપ્ત કરવાનો અભિલાષી છે (એટલે પણ એ આપણો ત્યાગ ન કરી શકે). એટલે વિભીષણને આપણા પક્ષમાં લઈ લેવા જોઈએ.

“આપણા સાથે મળવાથી આ વિભીષણ વગેરે નિશ્ચિંત અને પ્રસન્ન થઈ જશે. એની આ શરણાગતિ માટેની જે પ્રબળ પુકાર છે એનાથી જણાય છે કે રાક્ષસોમાં એક-બીજાથી ભય રહેલો છે. આ કારણથી આ લોકોમાં પરસ્પર ફૂટ પડી જશે અને એ નષ્ટ થઈ જશે. એટલે પણ તેમને ગ્રહણ કરી લેવા જોઈએ.” આમ કહીને રામે વાસ્તવદર્શી અભિગમ વ્યક્ત કરતાં ઉમેર્યું છે: “તાત સુગ્રીવ! સંસારમાં બધા ભાઈઓ ભરત જેવા નથી હોતા, પિતાના બધા પુત્રો મારા જેવા નથી હોતા અને બધા મિત્રો તમારા જેવા નથી હોતા. તેથી વિભીષણ પ્રત્યે તમે એવી અપેક્ષા ન રાખો. આ કારણોસર જ એમને ન અપનાવવા એ દ્રષ્ટિકોણ ઉચિત નથી.” રામના ઉત્તરને સાંભળીને સુગ્રીવે વિભીષણના બળ અંગે ચિંતા વ્યક્ત કરી ત્યારે પણ તેને આશ્વાસિત કરતાં રામે કહ્યું : “ધારો કે વિભીષણ દ્રુષ્ટ હોય કે સાધુ, મારું તે બગાડી શકવાનો નથી. વળી, અત્યારે તે મારું શરણ યાચે છે. શરણે આવેલાને સ્વીકારવો એ શુદ્ધ હૃદયવાળા શ્રેષ્ઠ પુરુષનું લક્ષણ છે.” રાજનીતિજ્ઞ રામ, બુદ્ધિમાન રાજા હોવાની સાથોસાથ એક નિર્મળ પુરુષ પણ છે એવું અહીં સ્પષ્ટ કરતાં વાલ્મીકિએ રાજનીતિમાં ગળાડૂબ રહેવા છતાં રાજા પરિશુદ્ધ પણ રહી શકે છે એવુંય પ્રમાણિત કર્યું છે. રાજા માટે રાજનીતિ સ્વધર્મ છે, જેનું પાલન કરતાં કરતાં એ વ્યક્તિમટી જતો નથી, બલકે ઉત્તરોત્તર વિકાસની પ્રક્રિયામાંથી પસાર થતાં થતાં વૃદ્ધિ પામતો જાય છે એવું સૂચન કવિ કરવા માગે છે.

રાજનીતિજ્ઞ રામ, નિર્મળ પુરુષ તરીકે વિભીષણને મળે છે ને પ્રમાદરપૂર્વક સત્કારે છે ને એ જ ક્ષણે રામમાં રહેલો રાજવી વિભીષણને રાક્ષસોનું બળાબળ પૂછીને શત્રુપક્ષનું માપ પણ ચાતુર્યથી કાઢી લે છે!

રાજર્ષિ રામ, રાજનીતિજ્ઞ જ્ઞાતા છે એવું આ દ્રષ્ટાંતો પરથી સહેજે ફલિત થાય છે. રાજનીતિજ્ઞ રામ રાજા તરીકે – નેતા તરીકે પણ અપૂર્વ દક્ષતા ધરાવે છે. રામની નેતાગીરીને પણ વાલ્મીકિએ સદ્રષ્ટાંત મૂકી આપી છે.

સમુદ્રતટ પર સેનાને લઈ જતા રામે પોતાની સેનાને રાજવી સૂઝથી ગોઠવી છે. સેનાના અગ્રભાગમાં નીલ નામક વાનર યૂથપતિને ગોઠાવ્તા રામ નીલને જણાવે છે: “તારે સેવાને એવા માર્ગેથી લઈ જવાની છે જ્યાં ફળમૂળનું પ્રાચુર્ય હોય; શીતળ છાયાવાળાં ગાઢ વનો હોય, ઠંડું પાણી ને મધ પણ જ્યાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે.” રામને શંકા છે કે રાક્ષસોએ રસ્તામાં આવનાર આ વસ્તુઓને કદાચ દૂષિત પણ કરી હોય. આથી એ અંગે સાવધાન રહેવા પણ રામે નીલને સૂચન કર્યું છે.

આગળ જતા વાનર સૈનિકોને માર્ગમાં આવતા ખાડાઓ, દુર્ગમ વન કે સાધારણ જંગલોને પણ સાવધાનીપૂર્વક તપાસવા જણાવતા રામ છુપાયેલાં શત્રુશૈન્યથી પણ પૂરા સાવધ રહેવા માગે છે.

પોતાની સેનામા રામ બાળકો કે વૃદ્ધોને રાખવા માગતા નથી, કેમ કે આ વિશિષ્ટ યુદ્ધની ભયાનકતાને ઓળખતા રાજા રામ પરાક્રમી નેતાઓને જ પસંદ કરે છે.

હજારો કપિકેસરીને રામે સૈન્યની મધ્યમાં મૂક્યા છે. આગળ-પાછળ બળવાન વાનરોની નિમણૂક કરતા રામ તેમની સાથે જ લક્ષ્મણને માટે અંગદનો ખભો પસંદ કરીને સ્વયં હનુમાનના ખભે બેસીને વચ્ચે રહેવા માગે છે. જાંબુવાન અને સુષેણ જેવા સમર્થ યૂથપતિઓને પાછળ મૂકીને રામે સૈન્યનું સંચાલન કરાઅ આજ્ઞા આપી છે.

રાજર્ષિ રામે લંકા પર જઈને સીધી ચઢાઈ આરંભી નથી પણ હનુમાનને રાવણ પસે દૂત તરીકે મોકલીને રાવણને જાગ્રત થવાની પૂરી તક આપી છે. રામે રાવણને મોકલેલ સંદેશામાં એક સમર્થ રાજવીનું ગૌરવ છે, પરાક્રમી દુશમનનો પડકાર છે, પ્રાજ્ઞ પુરુષમાં જ હોઈ શકે એવી સ્વ વિશેની સભાનતા છે, દુશ્મનના વીરત્વ પ્રત્યેની સજાગતા છે ને નિશ્ચલ મનુષ્યની સહૃદયતા છે. રાવણની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, તેની ચેતના નાશ પામી છે એવું જણાવીને હનુમાનને નિર્ભય થઈને રાવણ પાસે જવા પ્રેરતા રામ કહે છે: “નિશાચર! રાક્ષસરાજ! તેં મોહવશાત્ ઘમંડમાં આવી જઈને ઋષિ, દેવતા, ગંધર્વ, અપ્સરા, નાગ, યક્ષ અને રાજાઓનો ઘોર અપરાધ કર્યો છે, બ્રહ્માજીનું વરદાન મેળવીને તને જે અભિમાન જાગેલું, તેને નષ્ટ થવાનો સમય ચોક્ક્સપણે આવી ગયો છે. તારાં એ અસહ્ય પાપનું ફળ આજે ઉપસ્થિત છે.

:હું અપરાધીઓને દંડ દેનાર શાસક છું. તેં મારી પત્નીનું અપહરણ કર્યું છે, તેથી મને ખૂબ કષ્ટ પડ્યું છે. આથી તને દંડ દેવા લંકાના દ્વાર પર આવીને હું ઊભો છું.

“રાક્ષસ, જો તું યુદ્ધમાં સ્થૈર્યપૂર્વક ટકી શકીશ તો એ દેવતાઓ, મહર્ષિઓ અને રાજર્ષિઓની પદવી પ્રાપ્ત કરીશ. નીચ નિશાચર! જે બળને ભરોસે તેં મને છેતરીને સીતાનું અપહરણ કર્યું છે, આજે તેને યુદ્ધના મેદાનમાં પ્રત્યક્ષ કરી બતાવ.

“જો તું મિથિલેશકુમારીને લઈને શરણમાં ન આવ્યો તો મારાં તીખાં બાણોથી હું આ સંસારને રાક્ષસશૂન્ય કરી નાખીશ.

“રાક્ષસશ્રેષ્ઠ મહાત્મા વિભીષણ પણ મારી સાથે જ અહીં આવ્યા છે. ચોક્કસ તેમને જ લંકાનું નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત થશે.

“તું પાપી છે; તમે પોતાનાં સ્વરૂપનું જ્ઞાન નથી અને તારા સાથી-સંગાથી પણ મૂર્ખ છે. આથી આ રીતે અધમપૂર્વક હવે તું આ રાજ્યને એક ક્ષણ પણ ભોગવી નહીં શકે.

“રાક્ષસ! શૌર્યનો આશ્રય લઈને, ધૈર્ય ધારણ કરીને મારી સાથે યુદ્ધ કર. રણભૂમિમાં મારાં બાણોથી શાંત થઈને શુદ્ધ બનશે.

“નિશાચર! મારી નજરમાં આવ્યા પછી જો તું પક્ષી થઈને ત્રણે લોકમાં ઊડે કે છુપાય તોપણ જીવતો ઘેર પાછો ફરી નહીં શકે.

“હું તને હિતની વાત કરી દઉં. તું તારું શ્રાદ્ધ કરી લે. પરલોકમાં સુખ આપી શકે એવાં દાન-પુણ્ય પણ કરી લે અને લંકાને મન ભરીને જોઈ લે. કારણ કે તારું જીવન મને અધીન થઈ ચૂક્યું છે.

મિતભાષી રામનું ક્ષાત્રતેજ અહીં ઝળહળી ઊઠ્યું છે. રામને યુદ્ધ પ્રિય નથી. રાવણ જો છેલ્લી ક્ષણે પણ સમજતો હોય તો સીતાને લઈને પાછા ફરી જવા રામ તૈયાર છે. પણ જો રાવણની એ તૈયારી ન હોય તો રામે બારને મારેલા ટકોરાનું ફળ ભોગવવા માટે રામે રાવણને સજ્જ થવા પૂરો સમય આપ્યો છે. રામનો આ છેવટનો પ્રયાસ રાજર્ષિ રામનો ચરમોત્કર્ષ સૂચવે છે.

જોઈ શકાય છે કે રામની રાજનીતિની પૃષ્ઠભૂમાં શાસ્ત્રીયતા નથી પણ જીવને આપેલું દર્શન છે. રામની રાજનીતિ જીવનસમગ્રાના ભાગ તરીકે પ્રગટી છે. એના પર કોઈનો પ્રભાવ નથી. એ રામના ચિત્તમાંથી જ પ્રગટી છે ને તેથી અયોનિજા છે. અવતારપુરુષ રામ, રાજર્ષિ તરીકે પણ અવતાર સાબિત થયા છે. કોઈ પણ યુગની પ્રજાની માંગનો રામે પોતાની રાજનીતિ દ્વારા આપેલો ઉત્તર નેતા પાસે કેવી તો સૂક્ષ્મતા અપેક્ષે છે!

રાજા તરીકે લોકહૃદયમાં યાવચ્ચંદ્રદિવાકરો સ્થાપિત થયેલા રામ માટે બે ઘટના વિવાદાસ્પદ બની છે. એક તો તેમણે કરેલો સીતાત્યાગ ને બ્રાહ્મણ બાળકનું અકાળે અવસાન થતાં તેના કારણરૂપ ગણાવાયેલા શૂદ્રના તપને લઈને શૂદ્ર શમ્બૂકનો કરેલો વધ. આ બે ઘટાઅએ આધુનિક વિચારકોને રામનાં ચરિત્રને ઝાંખું પાડવા પ્રેર્યા. પણ સૂક્ષ્મતાથી જોવા જતાં આ બંને ઘટનાઓ રાજા રામનાં ચરિત્રને લક્ષિત કરે છે રાજા રામ તરીકે રામે સીતા કે લક્ષ્મણનેય ન ગણકારીને પોતાની કર્તવ્યભાવનાને જ પ્રાધાન્ય આપ્યું છે. સીતાના ચારિત્ર્ય પ્રતિ સેવાતી શંકા પ્રજા તરફની હોઈને રામે અત્યંત વ્યથિત થવા છતાં સીતાનો ત્યાગ કર્યો છે. સ્વયં સીતાએ પણ આમાં રામની પ્રમાણિકતા જોઈને રામને સ્વસ્થ રહેવા ને આ જ રીતે પ્રજાપાલન કરવા લક્ષ્મણ સાથે સંદેશ મોકલ્યો છે. રાજા રામને પ્રમાણતી સીતાને રામ પ્રત્યે કોઈ ફરિયાદ નથી. કઠોર કર્તવ્યપાલક રામે પ્રજાપાલનના સંદર્ભે સંબંધોને હંમેશા ગૌણ ગણ્યા છે.

એ જ રીતે એ યુગનાં ધોરણો મુજબ શૂદ્રની તપસ્યા હાનિકારક ગણાયાથી રામે શૂદ્રનો વધ કર્યો છે. સત્તાધીશને માટે આ પ્રકારનાં કર્તવ્યો ક્યારેક અનુચિત ગણાય તોય કરવાનાં આવતાં હોય છે એનું આ બંને ઘટના પ્રમાણ છે. આ ઘટનાઓથી રામનાં શુદ્ધ, ઝળહળતાં ચરિત્રનેતેમનો બચાવ ન કરીએ, તોપણ આંચ નથી આવતી. અવતારપુરુષ હોવા છતાં રાજાએ સામાજિક ધારાધોરણને સ્વીકારીને મર્યાદાની પાળને જાળવવી પડતી હોય છે ને પરિણામે અપયશ પણ વહોરવો પડતો હોય છે એનું આ બંને ઘટના પ્રમાણ છે. સ્વાભાવિક રીતે જ, વ્યક્તિ રામનો આ ઘટનાને ટેકો ન જ હોય, આ પ્રકારની બાંધછોડ રામે કરવાની આવી છે એ રામની કઠોર નિયતિનો જ એક ખંડ છે.

આમ તો ‘ઉત્તરકાંડ’ રામયણનો પ્રક્ષિપ્ત ખંડ ગણાયો છે. એ રીતે જોઈએ તતો આ બંને ઘટના આપોઆપ ખરી પડે છે. ને જો એનો સમાવેશ કરીને ચાલીઓ તો પણ વાલ્મીકિના અનન્ય નાયક અહીં અનેક પરીક્ષાઓ પછી પણ એક વધુ પરીક્ષા પસાર કરીને અસંગ પુરુષ જ ઠરે છે.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું:
dr_dholakia@rediffmail.com

1 comment for “રાજનીતિજ્ઞ રાજાની દૃષ્ટિએ રામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *