ત્રણ ગઝલો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિનાદ અધ્યારુ

                       (૧ )

થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે.

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ એને અડકી ગયાં હશે !

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયાં હશે !

                          ( ૨ )

સૂર રાખી જાય છે ને સાજ રાખી જાય છે,
કોણ મારાં આંસુઓની લાજ રાખી જાય છે ?

છે ઘણાં એવાંય જે ખોટું-ખરું જાતું કરે,
ને ઘણાં એવાંય છે જે દાઝ રાખી જાય છે.

દર્દ દે, પણ દર્દનો પણ એક નિયમ હોય છે,
દર્દ રાખી જાય એ ઈલાજ રાખી જાય છે.

મોત ! બિલ્લીપગ અચાનક આવીને તું પણ ભલા-
જિંદગીને કેટલી મોહતાજ રાખી જાય છે !

આ મહોબ્બત એટલી મોંઘી જણસ છે કે ‘નિનાદ’
ત્યાં સિકંદરના સિકંદર તાજ રાખી જાય છે !

                                    ( ૩ )

ઘર નહોતું તો બધાંને આશરા ઓછાં પડ્યાં,
ઘર મળ્યું તો માણસોને ખાટલા ઓછાં પડ્યાં !

માંગે એવું આપવાનું બંધ કર ઈશ્વર હવે,
આભ દઈશ તો એમ ક્હેશે તારલા ઓછાં પડ્યાં !

નહિ તો દુશ્મનનું ગજું શું કાંકરીચાળો કરે !
આપણામાંથી ખરેખર આપણા ઓછાં પડ્યાં.

મોત નામે માર્ગદર્શક એટલો હોંશિયાર કે-
જિંદગી, તારા દીધેલાં દાખલા ઓછાં પડ્યાં !

લાશમાં જો જીવ આવે, એટલું નક્કી ‘નિનાદ’,
બળતાં-બળતાં બોલશે કે લાકડા ઓછાં પડ્યાં !

**************************************

પરિચયઃ

વેબજગત ઉપરાંત ‘કવિતા’, ‘પરબ’ જેવાં અગ્રગણ્ય સામયિકોમાં જેમના કાવ્યો પ્રસિધ્ધ થતાં રહે છે તે શ્રી નિનાદ અધ્યારુ ભાવનગરના રહેવાસી છે. ગુજરાતી સાહિત્યમાં ગઝલ ક્ષેત્રે તેમનું પ્રદાન ઘણું છે.તેમણે ‘અસ્મિતા પર્વ’માં પણ ભાગ લીધેલ છે. વેબગુર્જરીના વાચકો માટે તેમની ગઝલો રજૂ કરવાની અનુમતિ આપવા બદલ વે.ગુ. સમિતિ વતી નિનાદભાઈનો ખુબ આભાર.

‘વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ


શ્રી નિનાદ અધ્યારુ : સંપર્ક સૂત્રો :

ઈ-સંપર્ક : ninad_adhyaru@yahoo.com

fb page: ninad adhyaru-poet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *