પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૭}

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત , રાજ કુમાર અને રાજેન્દ્ર કુમાર, પ્રેમ નાથ, પ્રદીપ કુમાર અને સુનિલ દત્ત ; ધર્મેન્દ્ર, શશી કપૂર, મનોજ કુમાર, પ્રાણ અને જોય મુખર્જી માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

આ સફરમાં આપણે અત્યાર સુધી જે અભિનેતાઓના સંદર્ભમાં મન્ના ડેદ્વારા ગવાયેલાં ગીતોની વાત કરી એ અભિનેતાઓને હિંદી ફિલ્મોના પહેલી અને બીજી પેઢીના અભિનેતાઓ કહી શકાય. આજે આપણે એવા બે અભિનેતાઓની વાત કરીશું જેઓ હવે ત્રીજી પેઢીના કળાકારો છે, અને બન્નેનું સ્થાન હિંદી ફિલ્મોના ઈતિહાસમાં ઘણાં ઊંચા આસને સ્વીકારાય છે. બન્નેની કારકીર્દીમાં પરંપરાગત વાણિજ્યિક ફિલ્મોના નાયકનાં, અને સમાંતર ફિલ્મોમાં કેડી ચાતરતા નાયકનાં, પાત્રોની એક હદ સુધી સરખાપણું પણ છે.

સંજીવ કુમાર (મૂળ નામ: હરિહર જેઠાલાલ જરીવાલા) સાથે

સંજીવ કુમારની હિંદી ફિલ્મોની કારકીર્દી ‘હમ હિંદુસ્તાની’ (૧૯૬૦)નાં પોલીસ અફસર તરીકેનાં પાત્રથી થઈ. તે પછી ‘આઓ પ્યાર કરે’ (૧૯૬૪)માં તેઓ યે ઝૂકી ઝૂકી નિગાહેંમાં જોય મુખરજીના ‘ચમચા’ મિત્રોનાં અતિ ગૌણ પાત્રમાં પણ જોવા મળ્યા. ફિલ્મના નાયક તરીકેની તેમની કારકીર્દીનું પહેલું પગથિયું, હોમી વાડિયા નિર્મિત, બી ગ્રેડની, એક ફિલ્મ ‘નિશાન’ (૧૯૬૫) હતી.

હમકદમ હમસફર હમનશી હમઝુબાં, મસ્ત અપને હાલ મેં ઝિંદા દિલોં કા કારવાં – નિશાન (૧૯૬૫) – ઉષા ખન્ના અને મહેન્દ્ર કપૂર સાથે – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર : જાવેદ અન્વર (જે અસલમાં ઉષા ખન્નાના પિતા,મનોહર લાલ શર્મા છે)

ગીતના મુખડામાં મૂછનો દોરો ફુટતા કિશોરમાંથી પહેલી કડીની શરૂઆતમાં સંજીવ કુમાર કબીલાના ભાવિ નેતા તરીકે ઊભરતા યુવાનમાં પરિવર્તિત થતા દેખાય છે.

અત્યાર સુધીની પેઢીઓના નાયકોની મન્ના ડેના ગાયક તરીકેના સંબંધમાં સાથે થતું આવ્યું છે તેમ અહીં પણ સંજીવ કુમારા માટે પાર્શ્વ સ્વર મહેન્દ્ર કપૂરનો છે.

અપને લિયે જીયે તો ક્યા જીયે – બાદલ (૧૯૬૬) – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: જાવેદ અન્વર

સંજીવ કુમારની કારકીર્દી હજૂ પણ બી ગ્રેડની ફિલ્મોની સફરની બહાર નથી નીકળી.

ફિલ્મ નબળી પડે તો તેનાં ગીતોને પણ સીધી અસર પણ થઈ શકે છે તે આ ગીતના કિસ્સામાં જોઈ શકાય છે. ફિલ્મ સફળ રહી હોત તો આ જોડીયાં વર્ઝનવાળું ગીત વધારે માનથી યાદ કરાતું હોત.

Part 1

Part 2

મિત જોગી બનકે ઓ ગોરી આયા હૈ તેરે દ્વારે.. સૈંયાં સે નજ઼રેં મિલા લે – બાદલ (૧૯૬૬) – સંગીતકાર: ઉષા ખન્ના – ગીતકાર: અસદ ભોપાલી

ગીતના મસ્તીભર્યા, શરારતી મૂડને સંજીવ કુમાર પર્દા ઉપર અને મન્ના ડે પર્દાની પાછળ પૂરતો ન્યાય કરી રહે છે.

સોચ કે યે ગગન ઝૂમે, અભી ચાંદ નીકલ આયેગા – જ્યોતિ (૧૯૬૫) – લતા મંગેશકર સાથે = સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી

સંજીવ કુમારને હવે સામાજિક ફિલ્મમાં મુખ નાયકની ભૂમિકાનું કામ મળવા લાગ્યું છે. એસ ડી બર્મનની કારકીર્દીના અંત સમયની આ ફિલ્મ ટિકિટબારી પર સરિયામપણે નિશ્ફળ રહી હતી. સંજીવ કુમારનાં ભાગ્યમાં નિયતિએ શરૂઆતની આવી અસફળતાઓ છતાં પણ પાછળથી અપ્રતિમ સફળતા લખી હતી, પણ ફિલ્મની નાયિકા નિવેદીતા માટે નિયતિને એવું મંજૂર નહોતું.

કન્હૈયા ઓ કન્હૈયા કોયી બાંસુરી કી તાન સુના દે, મેરે તન મનકી આગ લગા દે – રાજા ઔર રંક (૧૯૬૮)- લતા મંગેશકર અને કૌમુદી મુન્શી સાથે – સંગીતકાર: લક્ષ્મીકાનત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી

સંજીવ કુમારની કારકીર્દીને હવે સફળતાની ભ્રમણકક્ષામાં તરફ લઈ જવામાં ‘રાજા ઔર રંક’ની સફળતાનું યોગદાન મહત્ત્વનું ગણી શકાય. તકનીકી રીતે, મન્ના ડેએ ગાયેલી પંક્તિઓ બેકગ્રાઉન્ડમાંથી આવતા સ્વરના સ્વરૂપે છે, પણ ફિલ્મમાં ભજવાઈ રહેલ નૃત્ય નાટિકાના મચ પર એ બોલનો મૌન અભિનય સંજીવ કુમાર કૃષ્ણનાં પાત્રમાં ફિલ્મમાં ભજવાઈ રહેલ નૃત્ય નાટિકાના મચ પર કરે છે.

અય દોસ્ત મૈંને દુનિયા દેખી હૈ – સચ્ચાઈ (૧૯૬૯) – મુહમ્મદ રફી સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

સંજીવ કુમાર હવે ‘એ’ ગ્રેડની ફિલ્મોમાં સહનાયકની ભૂમિકા ભજવતા થઈ ચૂક્યા છે.

બે વર્ઝનમાં ફિલ્માવાયેલાં ગીતનાં પહેલાં વર્ઝનમાં સંજીવ કુમાર દાર્શનિક ભાવમાં છે

જ્યારે બીજા ભાગમાં શમ્મી કપૂર હવે એ ભૂમિકામાં આવી ગયા જણાય છે.

ફિર કહીં કોઈ ફૂલ ખીલા – અનુભવ (૧૯૭૧) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કપિલ કુમાર

અહીં પણ મન્ના ડેના સ્વર સીધા સંજીવ કુમારના હોઠ પરથી નથી સરી રહ્યા, પણ આ ફિલ્મ સંજીવ કુમારની કારકીર્દીનું એક મહત્ત્વનું સીમા ચિહ્ન છે. પરંપરાગત નાયક્ની ભૂમિકાથી એક કદમ હટીને વાણિજ્યિક ચમકદમકથી અળગી કેડી ચાતરતા અભિનય કળાને મહત્વ આપતાં પાત્રોમાં સંજીવ કુમારે, હિંમતથી બહુ નાની વયે કામ કર્યું અને આગવી સફળતા પણ હાંસિલ કરી. મન્ના ડેની કારકીર્દી પણ આવા જ વળાંકોમાંથી એક સમયે પસાર થઈ ચૂકી છે.

ગોયાકે ચુનાન્ચે… હો નાચે ગાયે ઝૂમકે – મનોરંજન (૧૯૭૪) – કિશોર કુમાર, આશા ભોસલે અને સાથીઓ સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી

ફિલ્મમાં સંજીવ કુમાર નાયક છે, પણ એક સામાન્ય પોલીસવાળાનાં પાત્રમાં તેઓ ફિલ્મની કથાને વહન કરે છે. ‘સચ્ચાઈ’ની સરખામણીમાં શમ્મી કપૂર અને સંજીવ કુમારની ભૂમિકાઓ છેડા બદલી ચૂકી છે, જેનો પુરાવો સંજીવ કુમાર માટે કિશોર કુમારના અને શમ્મી કપૂર માટે મન્ના ડેના સ્વર ની પસંદગીમાં દેખાય છે.

બિંદીયા જગાયે બિંદીયા જગાયે હો રામા, નિંદીયા ન આયે બિંદીયા જગાયે – દાસી (૧૯૮૪) – સંગીતકાર: રવિન્દ્ર જૈન – ગીતકાર: રવિન્દ્ર જૈન

ગીત શાસ્ત્રીય તર્જ પર વધારે ઝુકતું હોવાથી સંગીતકારે મન્ના ડેના સ્વરને પસંદ કર્યો હશે ! સંજીવ કુમાર હવે એક સર્વસ્વીકૃત અભિનયકળાનાં પ્રભુત્વવાળા નાયક બની ગયા છે તે પણ આ ફિલ્મમાં તેમના માટે પસંદ થયેલા પાર્શ્વગાયકોની પસંદગીમાં જોઈ શકાય છે. ફિલ્મમાં તેમના પર ફિલ્માવાયેલું બીજું એક ગીત ભુપિન્દરના સ્વરમાં છે.

રાજેશ ખન્ના (મૂળ નામ: જતીન ખન્ના) સાથે

ઓલ ઈન્ડિયા યુનાઇટેડ પ્રોડ્યુસર્સ ટેલન્ટ સ્પર્ધાના વિજેતાની રાહે, રાજેશ ખન્નાએ હિંદિ ફિલ્મ જગતામાં પદાર્પણ ચેતન આનંદની ‘આખરી ખત’થી કર્યું. રવિબ્દ્ર દવેની તે પછી આવેલી રહસ્ય કથામય ફિલ્મ ‘રાઝ’ પણ તેમણે ફાળે એ વિજેતા તરીકે આવી હતી. તે સાથે જી પી સિપ્પી અને નાસીર હુસૈનની નજરમાં પણ તેઓ વસી ગયા.

ત્રીજી પેઢીના નાયકોમાં રાજેશ ખન્નાની ઓળખ મોટા ભાગે ગરમાગરમ વેંચાતાં દાળવડાં જેવા ટિકિટ બારી પરના પહેલવહેલા સુપર સ્ટાર તરીકેની રહી છે, પણ તેમણે સાથે સાથે ભાવાભિમુખ અભિનયનાં પાધાન્યવાળી ભૂમિકાઓ પણ એટલી જ સુપેરે નીભાવી હતી. મન્ના ડેનો રાજેશ ખન્ના સાથેનો સાથ આ ભાવપ્રધાન ભૂમિકાઓમાં રહ્યો.

ચુનરી સંભાલ ગોરી ઊડી ચલી જાયે રે, માર ન દે ડંખ કહીં નજ઼ર તોરી હાયે – બહારોં કે સપને (૧૯૬૭) – લતા મંગેશકર સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

નાસીર હુસૈનની મોટાં બજેટની ફિલ્મ ‘તીસરી મંઝિલ’ના ધીમા વિકાસને કારણે તેમણે પોતાનાં યુનિટને વ્યસ્ત રાખવા એક ઓછાં બજેટવળી ફિલ્મ તરીકે ‘બહારોં કે સપને’નું નિર્માણ કર્યું, અને એ રીતે રાજેશ ખન્નાને પણ મોટાં નિર્માણ ગૃહ સાથે કામ કરવાની તક મળી.

અત્યાર સુધી આપણે જોયું છે તેમ, ઊભરતા નાયકની શરૂઆતની કારકીર્દીમાં મન્ના ડેન સ્વરનો સીધો કે પરોક્ષ ફાળો પણ રહેતો આવ્યો છે. અહીં પણ એ ચલણ ચાલુ રહ્યું જણાય છે.

પરદા પર ગીત અન્વર હુસૈન પર ફિલ્માવાયું છે, પણ ગીતનાં કેન્દ્રમાં રાજેશ ખન્ના છે.

ઝિંદગી કૈસી હૈ યે પહેલી હાયે રે – આનંદ (૧૯૭૨) – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: યોગેશ

‘આરાધના’ (૧૯૬૯) સાથે સફળતાનાં બુલંદ સીહાસને બેઠેલા રાજેશ ખન્ના વાણિજ્યિક ચમકદમક વિનાની ભૂમિકામાં પર્દા પર આવે છે. ગીતની સીચ્યુએશનના સંદર્ભમાં સલીલ ચૌધરી માટે મન્ના ડે આ ગીત માટે સ્વાભાવિક પસંદ હતા.

તુમ બીન જીવન કૈસા જીવન – બાવર્ચી (૧૯૭૨) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: કૈફી આઝમી

‘બાવર્ચી’ મસાલા ફિલ્મો પ્રકારની વાણિજ્યિક ફિલ્મ નહોતી. તેમાં પાછું ગીત શાસ્ત્રીય તરાહ પર આધારિત હોય, એટલે મદન મોહન પણ પોતાની પસંદગી મન્ના ડે પર સ્વાભાવિકપણે જ ઢોળે.

ભોર આયી ગયા અંધીરાયારા – બાવર્ચી (૧૯૭૨) – હૃદયનાથ ચટ્ટોપાધ્યાય, કિશોર કુમાર, નિર્મલા દેવી, લક્ષ્મી શંકર અને સાથી સાથે – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: કૈફી આઝમી

ફિલ્મ કળાત્મક અને વાણિજ્યિક ફિલ્મોના પ્રકારના સંક્ર્મણ પ્રકારની છે તેનો લાભ લઈને મદન મોહને કિશોર કુમાર સિવાય અન્ય ગાયકો પણ પોતાની આગવી પસંદથી રજૂ કર્યાં છે, જેમાં મન્ના ડેનું સ્થાન તો અચળ જ રહે છે.

હસનેકી ચાહ ને કિતના હમેં રૂલાયા હૈ – આવિષ્કાર (૧૯૭૪) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કપિલ કુમાર

ગીત તો બેકગ્રાઉન્ડમાં ગવાય છે, પણ રાજેશ ખન્નાની કારકીર્દીમાં તેમણે ભજવેલાં કળાપ્રધાન પાત્રોવાળી ફિલ્મોમાં ‘આવિષ્કાર’ની નોંધ અચુક લેવાતી રહી છે તેની નોંધ આ ગીત દ્વારા આપણે પણ લઈએ છીએ.

મેરે લાલ તુમ તો હમેંશાં થે મેરે મન કી અભિલાષા મેં – આવિષ્કાર (૧૯૭૪) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કપિલ કુમાર

આ ગીત પણ તકનીકી પરિભાષામાં તો બેકગ્રાઉન્ડ ગીત જ છે. પરંતુ મન્ના ડેની ગાયકીનાં અને રાજેશ ખન્નાના(તેમ જ ફિલ્મની નાયિકા શર્મિલા ટાગોરના) અભિનય વૈવિધ્યનાં સાયુજ્યનું આ ગીત સુંદર રૂપક ગણી શકાય છે તેથી તેને પણ અહીં સમાવી લીધું છે.

ગોરી તેરી પૈંજનિયાં.. મન ખોલે ભેદ – મહેબુબા (૧૭૬) – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી

ફિલ્મમાં રાજેશ ખન્નાનાં મુખ્ય ગીતો કિશોર કુમારના સ્વરમાં છે, પણ અહીં તો રાજેશ ખન્ના છદ્મવેશમાં નૃત્યનાટિકામાં ભાગ લે છે, એટલે ગાયક પણ લગ હોય તો સારૂં ગણાય, એવા ફિલ્મોના એક વણલખ્યા નિયમના પાલનમાં મન્ના ડેની પસંદગી સાર્વત્રિક સમયે થતી રહી છે.

આમલી કી તામલી ગાંવમેં – પ્રેઅમ બંધન (૧૯૭૯) – આશા ભોસલે સાથે – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી

અહીં પણ રાજેશ ખના વેશપરિવર્તન ભૂમિકામાં છે, એટલે લક્ષ્મીકાંત પ્યારેલાલે પુરુષ પાર્શ્વગાયક તરીકે તો મન્ના ડેને ધ્યાનમાં લઈને જ ગીતની ગુંથણી કરી હશે.

મન્ના ડેનાં પર્દા પર ગાવયેલાં ફિલ્મના નાયક માટેનાં ગીતોમાંથી તેમનાં ‘કોમેડી’ પ્રકારનાં ગીતો તરફ વળવા માટે આપણે હવે પછીના અંકમાં તેમણે મહેમૂદ માટે ગાયેલાં ગીતો સાંભળીશું.

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.