ફિર દેખો યારોં : ગમે એ કરો, પણ અમારું તરભાણું ભરો

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

સત્તાધારીઓ રાજધર્મ પાળે કે ન પાળે, નાગરિકોએ નાગરિકધર્મ પાળવો જ જોઈએ, એમ મોટા ભાગના સત્તાધીશો માનતા આવ્યા છે. રાજાશાહીના યુગમાં કહેવાતું કે ‘યથા રાજા તથા પ્રજા’. એ જ યુગની બીજી એક કહેવત પણ પ્રચલિત છે: ‘જેનો રાજા વેપારી, તેની પ્રજા ભિખારી.’ આ બન્ને ઉક્તિઓ સમજાવવાની ભાગ્યે જ જરૂર લાગે છે. પણ લોકશાહીનો ઉદય થયા પછી પ્રજા શાસક તરીકે પોતાના પ્રતિનિધિને ચૂંટતી થઈ છે. આ સંદર્ભે કોઈકની બહુ જાણીતી ઉક્તિ છે કે લોકશાહીમાં પ્રજા જેને લાયક હોય એનાથી બહેતર શાસક તેને મળતો નથી.

નાગરિકોની જેમ હવે શાસકોની અપેક્ષાઓ પણ પ્રજા પાસે વધતી જાય છે. પોતે ગમે એવી દાંડાઈ કરે, પણ પ્રજા પાસે તેઓ સંયમની અપેક્ષા રાખે છે. પોતાના તરંગોને પ્રજા વધાવી લે અને તેને અનુકૂળ થાય એમ તેઓ ઈચ્છે છે. પોતાના દ્વારા લાદવામાં આવતા અવનવા કાનૂનનું પાલન પ્રજા કરે, એટલું જ નહીં, એ કાનૂન પ્રજાના પોતાના ભલા માટે છે એમ પ્રજાએ માની લેવું જોઈએ એવું શાસકો માને છે. નવાસવા અમલી બનેલા વાહનને લગતા કાયદા અને તેના ભંગ બદલ આકરો દંડ લાદવામાં આવ્યા પછી સરકાર વારેવારે કહી રહી છે કે આકરા દંડ પાછળનો મુખ્ય હેતુ સરકારની આવક વધારવાનો નહીં, બલ્કે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે. ખાસ કરીને શહેરોમાં ઠેરઠેર લાગેલા સી.સી.ટી.વી. કેમેરા અને તેને પગલે સીધાં ઘરના સરનામે પહોંચી જતાં ઈ-ચલણને કારણે હવે દંડની રકમ બાબતે રકઝકને ઝાઝો અવકાશ રહેતો નથી. પણ નાગરિકો ખરેખર દંડ ભરે છે ખરા?

હૈદરાબાદની ઈન્‍ડિયન ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ઈન્‍ફર્મેશન ટેક્નોલોજી (આઈ.આઈ.આઈ.ટી.)ના પાંચ વિદ્યાર્થીઓની ટીમે કરેલા એક અભ્યાસના રસપ્રદ આંકડા હમણાં બહાર પાડવામાં આવ્યા છે. આ અહેવાલનું શિર્ષક છે: ‘ડોન્‍ટ ક્રોસ ધેટ સ્ટોપલાઈન: કેરેક્ટરાઈઝિંગ ટ્રાફિક વાયોલેશન્‍સ ઈન મેટ્રોપોલિટન સિટીઝ’. 2015થી અમદાવાદ ટ્રાફિક પોલિસ દ્વારા ઈ-ચલણની પ્રથાનો આરંભ કર્યો હતો. 2014માં સ્વચાલિત ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલિનો પ્રાયોગિક ધોરણે અમલ શરૂ કરાયો હતો, જેમાં 135 ટ્રાફિક જંક્શન પર કુલ છ હજાર કેમેરા મૂકાયા હતા, જે કેવળ લાલ લાઈટના નિયમનો ભંગ કરનારનું જ ધ્યાન રાખતા હતા. આ અભ્યાસ મુજબ, 2015 થી લઈને આ વર્ષના ઑગષ્ટ સુધી, એટલે કે ચાર વર્ષમાં ત્રીસ લાખથી વધુ ઈ-ચલણ ફાટ્યાં છે. આ દંડની રકમ સાઠેક લાખની આસપાસ થાય છે. પણ સમાચાર આ નથી. ખરા સમાચાર એ છે કે આ રકમ નહીં ભરાયેલા દંડની છે. અમદાવાદીઓએ આટલી રકમનો દંડ ભર્યો નથી.

આ રકમની વસૂલાત માટે અમદાવાદ ટ્રાફિક પોલિસ દ્વારા રિકવરી ટીમ બનાવાઈ છે, જે રોજેરોજ સરેરાશ ત્રણેક લાખ રૂપિયાના દંડની વસૂલાત કરે છે. વસૂલાતની ટકાવારી 8 ટકાથી વધીને 27 ટકા સુધી પહોંચી છે, જે આ નાણાંકીય વર્ષના અંત સુધી વધીને 70 ટકાએ પહોંચવાની આશા છે. દંડ ન ભરવાની તરાહ વિષે જાણવું રસપ્રદ રહેશે. સામાન્યત: એમ જોવા મળ્યું કે દંડની મોટી રકમની સરખામણીએ નાગરિકો પચાસ-સો રૂપિયા જેવી નાની રકમનો દંડ ભરી દેવાનું વલણ રાખે છે. અહીં એ યાદ કરી લેવું જરૂરી લાગે છે કે ટ્રાફિકના નિયમોમાં સુધારણા કરીને દંડની રકમમાં ભારે વધારો કરવા પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ટ્રાફિકના નિયમ બાબતે જાગૃતિ કેળવવાનો હતો.

આ અભ્યાસ થકી એ પણ ફલિત થાય છે કે દંડની ચૂકવણીમાં તેની રકમ અને નિયમભંગના પ્રકારની ભૂમિકા મહત્ત્વની હોય છે. એ જ રીતે જે તે વિસ્તાર મુજબ નિયમભંગનો પ્રકાર પણ વધઘટ થાય છે. કોઈ ચોક્કસ તહેવાર યા દિનવિશેષે ઈ-ચલણની સંખ્યામાં વધઘટ થતી રહે છે. જેમ કે, રથયાત્રાના બે-ત્રણ દિવસ અગાઉ એક પણ ઈ-ચલણ ફાટ્યું નહોતું, કેમ કે, પોલિસો રથયાત્રાના બંદોબસ્તમાં હતા. ઈદ-ઉલ-ફિત્ર અને દિવાળીના દિવસોએ પણ આ જ સ્થિતિ હતી. જો કે, નવરાત્રિ, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીના દિવસોએ તેમાં ભારે ઉછાળો આવ્યો હતો. એક જ દિવસમાં ફાટેલાં સૌથી વધુ ઈ-ચલણોની સંખ્યા 16,500 હતી, જે મકર સંક્રાતિના આગલે દિવસે, 13 જાન્યુઆરી, 2019ના રોજ હતી.

આ સ્થિતિ માત્ર અમદાવાદની છે. આને કારણે નાગરિકો અને ટ્રાફિક પોલિસો વચ્ચે સીધા સંઘર્ષના બનાવ સતત વધતા રહ્યા છે એ હકીકત છે. નાગરિકો કરતાં ટ્રાફિક પોલિસ પર દબાણ વધુ હોય એ સ્વાભાવિક છે. એ પણ વક્રતા કહી શકાય કે ટ્રાફિક પોલિસ પોતાનું મૂળ કામ છોડીને દંડની રકમ વસૂલવા માટે આંટાફેરા મારે. આ આખી પ્રણાલિમાં કોઈ પણ સ્થળે, ક્યાંય નાગરિકોમાં જાગૃતિ કેળવવાની વાત આવતી નથી. દંડની રકમમાં આકરો વધારો ઝીંકવાથી લોકો નિયમપાલન અંગે સજાગ બને એ આશા આપણા દેશમાં વધુ પડતી છે. વર્તમાન કે ભૂતકાળના એકે શાસકે એ દિશામાં કોઈ પણ પ્રયત્ન ન કર્યો હોય ત્યારે તો ખાસ. પોતાની ફરજમાં આવતી બાબતોને ચૂકાવી દઈને નાગરિકો અને ટ્રાફિક પોલિસને એકબીજા પર છોડી મૂકવાનો દાવ તદ્દન અવિચારી અને અણઘડ છે. બન્નેને એવી આદત છે કે કાયદાનું કડક પાલન કરવાની આદત કેળવવાને બદલે કંઈક ‘વચલો રસ્તો’ કાઢે.

શાસકોની ભૂમિકા આવા મામલે હંમેશાં સંદિગ્ધ રહે છે. તળની સમસ્યાઓના ઊકેલ તરફ ધ્યાન આપવાને બદલે તેઓ મતદારોને આંજી નાખીને, બોલીવુડના હીરોની જેમ છાકા પાડી દેવાની મનોવૃત્તિ ધરાવતા હોય એ સ્થિતિમાં કોઈ પણ નવા નિયમના અમલ અગાઉ તેઓ તેનાં વિવિધ પાસાં અંગે વિચારતા હશે કે કેમ, એ હવે અટકળનો વિષય રહ્યો નથી. એકાધિક પગલાંઓએ જોવા મળેલી તેમની મનોસ્થિતિ અને માનસિકતા પછી નાગરિક તરીકે આપણે એટલું તો નક્કી કરી જ લેવું જોઈએ. દંડ વધે કે ન વધે, શાસકો ગમે એ હોય, નાગરિકધર્મનું પાલન આપણે કરતા થઈશું તો જ શાસકોને તેમના ધર્મ અંગે પૂછી શકીશું. નહીંતર ‘ટૉમ એન્‍ડ જેરી’ની શ્રેણીમાં આવતા ઉંદર-બિલાડાની રમત ચાલતી રહેશે. વખતોવખત ઉંદર અને બિલાડાની ભૂમિકાઓ બદલાતી રહેશે, એટલું જ !


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૧૧– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : ગમે એ કરો, પણ અમારું તરભાણું ભરો

  1. નિરંજન બૂચ
    November 22, 2019 at 7:46 am

    અહિ એમેરિકા મા પણ દંડ ની રકમ આકરી છે પણ તેની સામે કાયદો પાલન કરાવનાર સરકાર ની ફરજ પણ આકરી જ છે , જો રસ્તો સારો ન હોય કે બીજી કોઇ તકલીફ હોય તો નાગરિક સરકાર સામે કેસ પણ કરી શકે છે ને મોટું વળતર પણ મળે જ છે .
    નવાઇ લાગશે પણ ફૂટપાથ ની ઉંચાઇ પણ નિયંત્રીત છે , એટલે કે કોઇ પણ ફૂટપાથ ની ઉચાઇ વધારે હોય ને તમે ફૂટપાથ પાસે પેરેલલ કાર પારક કરો ત્યારે બારણું ખોલો ને બારણું ફૂટપાથ ની સાથે ઘસડાય , ડેમેજ થાય તો સીટી/ ટાઉને નુકસાની રુપે વળતર આપવું પડે . આપણે ત્યાં સરકાર ની આટલી ઓનેસટી કદી આવશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *