વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : ૨૨ : કાર્ટૂનિસ્ટની નજરે કાર્ટૂનિસ્ટ

માત્ર ને માત્ર કાર્ટૂનો, અને એ પણ કોઈ એક વિષયકેન્દ્રી કાર્ટૂનો પર આધારિત ‘વેબગુર્જરી’ પરની આ શ્રેણી ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ એક નોખા પ્રકારની શ્રેણી બની રહી. મૂળ આશય તો શક્ય એટલા વધુ મિત્રોને એ રીતે સાંકળવાનો હતો કે તેઓ પોતાના ક્ષેત્ર અનુસારના કાર્ટૂનોની પસંદગી અને સંપાદન કરી આપે, જેથી કાર્ટૂનના વિવિધ પ્રકારોનો ખ્યાલ મળે. એ આશય અંશત: સફળ રહ્યો. ડૉ. શ્વેતાબેન દવેએ તબીબી, પિયૂષભાઈ પંડ્યાએ સૂક્ષ્મજીવશાસ્ત્ર (અને બીજાં) , ચંદ્રશેખરભાઈ પંડ્યાએ પર્યાવરણ, ઉત્કંઠા ધોળકીયાએ મહિલા સશક્તિકરણકેન્‍દ્રી, અશોકભાઈ વૈષ્ણવે માનકને લગતા (અને બીજાં), દીપકભાઈ ધોળકીયાએ પણ તબીબી ક્ષેત્રનાં, નીતિન વ્યાસે અમેરિકાની શાળામાં થયેલા ગોળીબારનું- એમ વિવિધ ક્ષેત્રનાં કાર્ટૂનોનું સંકલન કર્યું. આ શ્રેણીના ઉઘાડરૂપે લખાયેલા લેખ સહિત એક મહિનાના એક લેખે કુલ ૨૩ લેખો અને એ રીતે ૨૩ વિષયો અહીં ખેડાયા. બે વર્ષ ચાલેલી આ શ્રેણીને તત્પૂરતો વિરામ આપવાનું નક્કી કર્યું છે. પણ આ પૂર્ણવિરામ નહીં, અલ્પવિરામ છે. ફરી કાર્ટૂનોને લઈને કોઈ નવા વિચાર સાથે હાજર થઈશું એની ખાત્રી.

એ રીતે આ કડી આ શ્રેણીની અંતિમ કડી છે.

આ શ્રેણીમાં પ્રદાન કરનાર લેખક-લેખિકાઓ અને પ્રતિભાવ આપનાર તથા પ્રતિભાવ આપ્યા વિના પણ માણનાર, રસ લેનાર સૌનો આભાર.

બીરેન કોઠારી

****

કાર્ટૂનમાં સામાન્ય રીતે બે બાબતોનો ઉપયોગ જોવા મળે છે. કેરિકેચર અને કાર્ટૂન. આ બન્ને માટે ગુજરાતીમાં કોઈ અલગ શબ્દ નથી, પણ ‘વ્યંગ્યચિત્ર’ કે ‘ઠઠ્ઠાચિત્ર’ જેવો શબ્દ વપરાય છે. જો કે, બન્નેના અર્થ સ્વયંસ્પષ્ટ છે. કેરિકેચર એટલે કોઈ વ્યક્તિનું ઠઠ્ઠાચિત્ર. સામાન્ય રીતે અન્ય લોકોના કેરિકેચર દોરતા રહેતા કાર્ટૂનિસ્ટો ખુદના કે અન્ય કાર્ટૂનિસ્ટના કેરિકેચર બનાવે તો કેવાં હોય?

કાર્ટૂનિસ્ટો પોતાનાં કે અન્યનાં કેરિકેચર અમુક સંજોગોમાં જ બનાવતા જોવા મળે છે. પોતાના પુસ્તક પર તે જોવા મળે, યા કોઈ કાર્ટૂનિસ્ટનું મૃત્યુ થાય ત્યારે શ્રદ્ધાંજલિરૂપે જોવા મળે. અલબત્ત, આમાં અપવાદ હોય જ છે. અહીં કેટલાક કાર્ટૂનિસ્ટોએ ચીતરેલાં પોતાના તેમ જ અન્ય કાર્ટૂનિસ્ટોનાં કેરિકેચર એક સાથે મૂકેલાં છે.

આ કેરિકેચર મારિયો મીરાન્‍ડાનું છે, જે તેમણે પોતે જ ચીતરેલું છે. મારિયો પોતાનાં વ્યંગચિત્રોમાં બારીકીભર્યા આલેખન માટે જાણીતા છે. આ કેરિકેચર તેમની એ શૈલીમાં જ જોવા મળે છે. મારિયોનાં ચિત્રોમાં ગોળાઈ ઓછી અને ખૂણાઓ વધુ જોવા મળે છે. અહીં તે બરાબર જોઈ શકાશે.

***

આ કેરિકેચર પણ મારિયોનું છે, પણ તે ચીતર્યું છે કાર્ટૂનિસ્ટ ઉન્નીએ. ઉન્નીનાં ચિત્રોમાં ખૂણાને બદલે ગોળાઈ વધુ જોવા મળે છે, એમ રેખાઓ પણ જાડી હોય છે. તેમણે મારિયોનું આ કેરિકેચર મારિયોની શૈલીમાં બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

***

મારિયોનું આ કેરિકેચર કાર્ટૂનિસ્ટ કેશવ દ્વારા બનાવાયેલું છે, જે પણ અદ્દલ મારિયોની શૈલીએ બનાવાયેલું છે. જે તે કાર્ટૂનિસ્ટને શ્રદ્ધાંજલિરૂપે તેમનું કેરિકેચર બનાવવામાં આવે ત્યારે સદ્‍ગત કાર્ટૂનિસ્ટની શૈલીએ મોટે ભાગે કાર્ટૂનિસ્ટો દોરતા હોય છે.

***

આ કેરિકેચર વિખ્યાત કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમનું છે, જે તેમણે પોતે જ બનાવેલું છે. કેરળ શૈલીનાં ઘણા કાર્ટૂનિસ્ટોની જેમ અબુનાં કાર્ટૂનમાં પણ જાડી રેખાઓનું પ્રાધાન્ય જોવા મળે છે અને ઝીણવટ ઓછી હોય છે. તેમના કેરિકેચરમાં પણ આ શૈલી ઝળકે છે.

***

આગલી પેઢીના કાર્ટૂનિસ્ટ પી.કે.એસ.કુટ્ટી ‘કુટ્ટી’ની સહી સાથે કાર્ટૂન દોરતા. તેમના અવસાન નિમિત્તે કાર્ટૂનિસ્ટ ઉન્નીએ બનાવેલું તેમનું કેરિકેચર ઉન્નીની શૈલીને આબાદ બતાવે છે.

***

પોતાની આત્મકથા ‘યર્સ ઑફ લાફ્ટર’ના કવર પર કુટ્ટીએ પોતાનું કેરિકેચર ચીતર્યું હતું. કુટ્ટીની શૈલી તેમાં સરસ રીતે ઝીલાઈ છે.

***

આર.કે.લક્ષ્મણની ઓળખ તેમના કૉમનમેન થકી વધુ હતી. લક્ષ્મણના મૃત્યુ પછી તેમને શ્રદ્ધાંજલિ આપતાં કાર્ટૂનોમાં મોટે ભાગે કૉમનમેનને આંસુ સારતો બતાવાયો હતો. લક્ષ્મણે બનાવેલા આ કેરિકેચરમાં તેમણે પોતે જ પોતાને કૉમનમેન સાથે બતાવ્યા છે.

***

લક્ષ્મણનું આ કેરિકેચર વિશિષ્ટ છે. ત્રણ ધુરંધર કાર્ટૂનિસ્ટોએ બનાવેલાં લક્ષ્મણનાં કેરિકેચર આમાં છે. સૌથી ડાબું કેરિકેચર અબુ અબ્રાહમે બનાવેલું છે. વચ્ચેનું મારિયો મિરાન્‍ડાએ બનાવ્યું છે, જ્યારે સૌથી જમણું સુધીર દરે બનાવ્યું છે. ત્રણેય કેરિકેચર એક જ વ્યક્તિનાં હોવા છતાં જે તે કાર્ટૂનિસ્ટની શૈલી તેમાં બરાબર જોઈ શકાય છે.

***

લક્ષ્મણના અવસાન નિમિત્તે નવી પેઢીના પ્રતિભાશાળી કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યે લક્ષ્મણનું આ કેરિકેચર બનાવ્યું છે.

***

લક્ષ્મણ, મારિયો, અબુ પછીની પેઢીના પ્રતિભાશાળી કાર્ટૂનિસ્ટોમાં સુધીર તેલંગનું નામ મૂકી શકાય. તેઓ પ્રમાણમાં નાની ઉંમરે અવસાન પામ્યા. તેમણે કાર્ટૂન બનાવવાનો આરંભ પણ બહુ નાની વયે કરી દીધો હતો. અહીં કાર્ટૂનિસ્ટ ઉન્નીએ સુધીર તેલંગનું કેરિકેચર તેમને શ્રદ્ધાંજલિરૂપે બનાવ્યું છે.

***

સુધીર તેલંગને શ્રદ્ધાંજલિરૂપે બનાવાયેલું આ કેરિકેચર કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યે બનાવેલું છે.

***

કાર્ટૂનિસ્ટ રાજિન્‍દર પુરી તેમના આકરા રાજકીય વ્યંગ્ય માટે જાણીતા હતા. તેમના અવસાન નિમિત્તે કાર્ટૂનિસ્ટ ઉન્નીએ તેમનું કેરિકેચર બનાવ્યું હતું. ઉન્નીનાં કેરિકેચરમાં ચહેરાનો આકાર વિશિષ્ટ હોય છે, છતાં કેરિકેચર આસાનીથી ઓળખાઈ જાય છે.

***

કાર્ટૂનિસ્ટ ઓ.વી.વિજયનની અનેકવિધ ઓળખ હતી, જેમાંની એક કાર્ટૂનિસ્ટ તરીકેની હતી. તેમનું કેરિકેચર કાર્ટૂનિસ્ટ ગણેશે બનાવ્યું છે.

***

કાર્ટૂનિસ્ટ સુધીર દરનાં કાર્ટૂનો એકદમ ચિત્રો જેવી વિગતો ધરાવતાં. અહીં સુધીર દરે પોતાનું કેરિકેચર બનાવ્યું છે. લાંબું નાક અને જાડા થોભિયા તેમજ ટાલને તેઓ પોતાના કેરિકેચરમાં પ્રાધાન્ય આપતા.

***

આપણા દેશમાં મહિલા કાર્ટૂનિસ્ટો આંગળીના વેઢે ગણી શકાય એટલી છે. મંજુલા પદ્મનાભન અને કનિકા મિશ્રાને બાદ કરતાં મુખ્ય ધારામાં તેમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. માયા કામથ એક પ્રતિભાશાળી કાર્ટૂનિસ્ટ હતાં, જેમનું અવસાન થઈ ગયું. આ કેરિકેચર માયા કામથનું છે, જે તેમણે પોતે જ બનાવ્યું છે.

***

દરેક ક્ષેત્રમાં જૂની પેઢીને એમ થતું હોય છે કે પોતાનું સ્થાન કોણ લેશે? કાર્ટૂનના ચાહકોને પણ પોતાના પ્રિય કાર્ટૂનિસ્ટોની વિદાય પછી આવો સવાલ થતો હોય તો નવાઈ નહીં. હેમંત મોરપરિયા વ્યવસાયે રેડિયોજિસ્ટ છે, અને મુખ્ય ધારાના કાર્ટૂનિસ્ટ પણ ખરા. તેમના પછીની પેઢીમાં

મંજુલ, સતીશ આચાર્ય, સંદીપ અધ્વર્યુ જેવા કાર્ટૂનિસ્ટો સબળ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્યના એક સંગ્રહ માટે હેમંત મોરપરિયાએ લખેલી પ્રસ્તાવનાની સાથે તેમનું કેરિકેચર સતીશ આચાર્યે બનાવ્યું છે.

***

અગ્રણી ફ્રેન્‍ચ કાર્ટૂનિસ્ટ જ્યોર્જેસ વોલિન્‍સ્કી એક વાર મુંબઈ આવ્યા ત્યારે હેમંત મોરપરિયા સાથે તેમની મુલાકાત થયેલી. તેને પગલે પેરિસમાં આ બન્ને કાર્ટૂનિસ્ટોનાં કાર્ટૂનનું સંયુક્ત પ્રદર્શન યોજાયેલું. 2015માં ફ્રેન્‍ચ વ્યંગ્ય સામયિક ‘શાર્લી એબ્દો’ના કાર્યાલય પર થયેલા અધાંધૂધ ગોળીબારમાં વોલિન્‍સ્કી હણાઈ ગયા. પણ તેમની મુંબઈ મુલાકાત દરમિયાન હેમંત પોરપરિયાએ બનાવેલા તેમના કેરિકેચરની સાથે પોતાનું કેરિકેચર પણ બનાવ્યું હતું, જે અહીં પ્રસ્તુત છે. (ચશ્માધારી હેમંત મોરપરિયા)

***

આ કેરિકેચર મંજુલનું છે, જે તેમણે પોતે બનાવેલું છે.

***

સતીશ આચાર્યનાં ત્રણેક સંગ્રહો પ્રકાશિત થઈ ચૂક્યા છે, જે કોઈ એક ચોક્કસ વિષયકેન્‍દ્રી છે. તેમનું આ કેરિકેચર કાર્ટૂનિસ્ટ ગણેશ દ્વારા બનાવવામાં આવ્યું છે.

***

કાર્ટૂનિસ્ટ શેખર ગુરેરા હિન્‍દીભાષી દૈનિક સાથે સંકળાયેલા છે. તેમનું આ કેરિકેચર તેમણે પોતે જ બનાવેલું છે.

***

આ તમામ કાર્ટૂનિસ્ટોની સાથે ‘વેબગુર્જરી’ના પોતાના કહી શકાય એવા અમેરિકાસ્થિત કાર્ટૂનિસ્ટ મહેન્‍દ્ર શાહને કેમ ભૂલાય? તેમનું પોતાનું આ કેરિકેચર તેમણે જ બનાવ્યું છે.

***

પોતાનાં બનાવેલાં કેરિકેચર બાબતે ગુજરાતી કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલે એક નોખો પ્રયોગ હાથ ધર્યો. તેમણે પોતાનાં અનેક મુદ્રાઓવાળાં કેરિકેચર બનાવ્યાં, જેને તેમણે ‘કાર્ટૂન સેલ્ફી’ તરીકે ઓળખાવ્યાં. આવાં અનેક ચિત્રોનાં તેમણે પ્રદર્શન યોજ્યાં. એક પ્રદર્શન તો યુ.કે.માં પણ યોજાયું. કાર્ટૂનને જ કેન્‍દ્રમાં રાખીને તેમણે પ્રકાશિત કરેલા માસિકનું નામ પણ તેમણે ‘કાર્ટૂન સેલ્ફી’ રાખ્યું. (અલબત્ત, અગિયાર મહિના ચાલીને એ માસિક બંધ પડ્યું.) અશોક અદેપાલે પોતે બનાવેલું પોતાનું આ કેરિકેચર એક સ્વતંત્ર કાર્ટૂનની પણ ગરજ સારે છે.

***

દુનિયા આખીના ચહેરાઓને વાંકાચૂકા ચીતરતા કાર્ટૂનિસ્ટો પોતાની જાતને પણ બક્ષતા નથી, એ જણાઈ આવે છે.


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : ૨૨ : કાર્ટૂનિસ્ટની નજરે કાર્ટૂનિસ્ટ

 1. Chandrashekhar
  November 20, 2019 at 11:14 am

  વ્યંગ્ય અને વ્યંગ, આ બંને શબ્દો સરખા અર્થ માટે વપરાય?
  જો ના, તો સાચો શબ્દ જણાવવા વિનંતી.
  ખૂબ ખૂબ આભાર.

  • November 20, 2019 at 11:32 am

   ચંદ્રશેખરભાઈ,
   ‘વ્યંગ્ય’ અને ‘વ્યંગ’ બન્ને શબ્દો મોટે ભાગે એક અર્થમાં જ વપરાય છે. મને ખ્યાલ છે ત્યાં સુધી બન્નેનો એવો કોઈ અલગ અર્થ નથી. ‘સાર્થ જોડણીકોશ’ અને ‘ભગવદગોમંડળ’માં પણ એને અર્થની રીતે અલગ પડાયા નથી. ઘણા શબ્દો એકથી વધુ રીતે લખાય છે, જેમ કે, ‘દરમિયાન’ અને ‘દરમ્યાન’. બન્ને સાચા છે, પણ જે તે લેખ યા લખાણમાં લેખકે કોઈ પણ એક રીતને પકડી રાખવી જોઈએ. આ લેખમાં એવું થઈ શક્યું ન હોય તો દિલગીરી.

Leave a Reply to બીરેન કોઠારી Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.