વ્યંગ્ય કવન : (૪૨) બે ગીત

કૃષ્ણ દવે

(૧) હાલો પથ્થારી ફેરવીએ દેશની

તમને જરૂર છે ટેકાની ભાઈ મારા
અમને જરૂર છે કેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની

છ મહિના ચાલે તો ગંગાજી નાહ્યાં
આ વર્ષોની વાર્તાયું મેલો
સાત પેઢી નિરાંતે બેસીને ખાય
બસ એટલો જ ભરવો છે થેલો

દોવા દે ત્યા લગી જ આરતીયું
ઊતરે છે કાળી ડિબાંગ ભેંસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની

ફાઈલોના પારેવાં ઘૂ ઘૂ કરે છે
હવે ચોકમાં દાણા તો નાખો
ગમ્મે તે કામ કરો અમને ક્યાં વાંધો છે
પણ આપણા પચાસ ટકા રાખો

ચૂલે બળેલ કૈંક ડોશીયુંના નામ પર
આપી દ્યો એજન્સી ગેસની
હાલો પથ્થારી ફેરવીએ દેશની

દેકારા પડકારા હોબાળા રોજેરોજ
વાગે છે નીત નવાં ઢોલ
જેને જે સોંપાશે એવો ને એવો
અહીં અદ્દલ ભજવશે ઈ રોલ

નાટક કંપનીયું ઈર્ષા કરેને ભલે
આપણે ત્યાં ભજવાતા વેશની
હાલો પથ્થારી ફેરવીએ દેશની

                                * * *

(૨) લીમડાને આવી ગ્યો તાવ

લીમડાને આવી ગ્યો તાવ,
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?

વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચિયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?

કૂંપળનાં ગીત લીલાં પડતાં મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.

કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?

માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?

લીમડાને આવી ગ્યો તાવ

લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.


                                       * * *

સંપર્કસૂત્રો :-
કૃષ્ણ દવે :મોબાઈલ – + ૯૧ ૯૪૨૬૫ ૬૩૩૮૮
ઈ મેઈલ – Krushna Dave < kavikrushnadave@gmail.com > , < krushnadave@yahoo.co.in >

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “વ્યંગ્ય કવન : (૪૨) બે ગીત

  1. નિરંજન બૂચ
    November 20, 2019 at 1:11 am

    વાહ સચોટ કવિતા ,
    આપતા રહો આવા જ કડવા ડોઝ , રાજકારણી ઓ ને , જો કે જાડી ચામડી ના એ લોકો ને કોઇ ફરક નહિ પડે
    આપણે પિસાવા નું છે

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.