સમાજ દર્શનનો વિવેક : દીવાદાંડીવાળો

Facebooktwitterredditpinterestlinkedinmail

ગુણવત્તાસભર પાઠયપુસ્તકના નમૂના રૂપની ગૂજરાત વિદ્યાપીઠ વાચનમાળાની સાતમી ચોપડીનો એક પાઠ ‘દીવાદાંડીવાળો’ અહીં જેમનો તેમ મૂકવામાં આવ્યો છે. ઘણાખરા વાચકોને ફરજપરસ્તીનું એ ઉદાહરણ યાદ પણ હશે. પાઠ વાંચવાથી, મૂળ 1941ની સાલમાં પ્રસિદ્ધ થયેલા એ પાઠયપુસ્તકની ૧૯૫૪માં સુધારેલી આવૃતિમાં વિદ્યાર્થીની કક્ષાને ધ્યાનમાં રાખીને પ્રયોજવામાં આવેલી તે વખતની ભાષા પણ તાજી થશે. તો વાંચીએ એ પાઠ.

કિશોરચંદ્ર ઠાકર

યુરોપમાં ઉત્તર સમુદ્રમાં ભમરાળાં કાળાં પાણીમાં પોતાનું માથું ઊંચું કરીને ઊભેલો એક પહાડી બેટ છે. પર્વતના શિખર સમા એના માથાની અણિયાળી ટોચ પર વસ્તી તો ક્યાંથી હોય? પણ વહાણવટીઓના કાળ જેવા એ બેટ પર દીવાદાંડી બાંધવી પડી છે. પૂનમની ભરતીને વખતે જો જોઈએ, તો નીચેના પહાડનું તો નામનિશાને બહાર નથી જણાતું: પાણીમાંથી જાણે દીવાદાંડીની શગ ન ફૂટતી હોય, એવો એનો દેખાવ થાય. દીવાની આ શગ તોફાનમાં સપડાયેલા વહાણવટીઓને કેટલી વહાલી લાગતી હશે, તેની કલ્પના જમીન પર રહેનારાઓને પૂરેપૂરી ન આવી શકે.

દીવાદાંડીના સંરક્ષક તરીકે ડેવિડ અને તેની પત્ની મેરી તેમાં જ રહેતાં હતાં. દીવાદાંડીનો દીવો બરાબર બળતો અને ફરતો રાખવો, એ દીવાદાંડીવાળાનું કામ. તમને ખબર હશે કે દીવાદાંડીનો દીવો થોડો વખત દેખાય અને થોડો વખત ના દેખાય, એવી રીતે ફરતો રાખવામાં આવે છે. સ્થિર દીવા કરતાં આમ ફરતો દીવો દૂરથી પણ નજર ખેંચે અને તારાઓ કરતાં જુદો તરી આવે. તેથી અર્ધી મિનિટમાં 15 સેક‌ન્ડ તે દેખાય અને બીજી પંદર સેક‌ન્ડ ન દેખાય, એમ ગોઠવણ કરીને તેને ફરતો રાખવા તેની સાથે સાંચાકામ રાખવામાં આવે છે. કોઈ વાર તમારે મુંબઈ કે દ્વારકા જવાનું થાય, તો ત્યાંની દીવાદાંડી જોવાનું ચૂકતા નહિ.

એક વખત ભારે તોફાન થયું. આ તોફાની રાતે ડેવિડ અને મેરી એમના ઓરડાની બારી આગળ વાળુ કરતાં બેઠાં હતાં. તેવામાં મેરીનું ધ્યાન બારી બહાર ગયું. એકાદ મિનિટ તે બહાર તાકી રહી. તો પણ દીવાનો ઝબકારો પાણી પર ન દેખાયો. એ ચમકી ઊઠી, ‘ડેવિડ,દીવો ફરતો નથી કે શું?’ આ સાંભળી ડેવિડ સફાળો ઊઠ્યો. બારીએ જઈને જુએ છે તો અફાટ પાણી પર પ્રકાશ જ નહોતો. મિનિટ ગઈ; બે મિનિટ જવા દીધી. તરત જ ડેવિડ દીવાદાંડીની સીડી ભણી દોડ્યો. બબ્બે પગથિયાં કૂદતો તે તેને માથે પહોંચ્યો. પ્રચંડ દીવાની ઓરડીમાં જઈને જુએ છે તો, ખરેખર, દીવો સ્થિર ઊભો છે! એને ભાન નથી કે સેંકડો જીવની જવાબદારી લીધા પછી પોતે સ્થિર ઊભો રહ્યો છે !

ડેવિડ અને મેરી આભાં બનીને એક ક્ષણ વાર સામસામે જોતાં થંભી ગયાં. બીજી જ ક્ષણે દીવાના સાંચાકામના ભંડકની બારી ખોલી, તેની લોખંડી સીડી ઝાલી ડેવિડ સર સર નીચે ઊતર્યો. મેરીએ નાનો દીવો કરી ભંડકને માથેથી તેને અજવાળું દેખાડ્યું. નીચે પહોંચીને ડેવિડ અટકી પડેલા સાંચાકામને ઝપાટાબંધ સમારવા લાગી ગયો. તેવામાં તેણે ઓચિંતી બૂમ પાડી, ‘ઓ રે . . .’

મેરી ચમકી, ‘ડેવિડ, શું છે?’ ધારીને જુએ તો ડેવિડનો એક હાથ સાંચાકામનાં દાંતાળાં બે ચક્રોમાં ફસાઈ ગયો છે! હાથ ભીંસાવાથી ચૂરો થયો છે, તેમાંથી લોહી વહ્યે જાય છે; અને પીડાને લઈને ડેવિડને મૂર્છા આવી ગઈ છે. દીવો લઈને, મેરી ઝપાટાબંધ ભંડકની સીડી ઉપર ઊતરીને દીવો બાજુએ મૂકી ડેવિડનો હાથ છોડાવવા લાગી. પણ પૈડાંના રાક્ષસી દાંતા એમ છૂટે એવા નહોતા. હવે? ઉપર દીવો સ્થિર છે, અને દરિયામાં કોઈ વહાણ આવી રહ્યું હોય તો ખડક સાથે અચૂક અથડાઈને એના ભૂકા ઊડી જવાના.

ગરીબડી બનેલી મેરી ડેવિડનાં ઢળી પડેલાં અંગ પર ઝૂકીને બોલી, ‘ડેવિડ, ડેવિડ, બોલને હું શું કરું?’

કળ વળતા ડેવિડે મંદ આવાજે કહ્યું, ‘મેરી, દીવાને. . . . હાથે હાથે. . . . પણ . . . ફેરવ; ઉપર જા.’ એટલું બોલતા તો પાછો એનો શ્વાસ ખૂટ્યો.

રડતા જેવા અવાજે મેરી બોલી, ‘પણ એ કેવી રીતે બને? તને આમ મૂકીને જતાં મારા પગ કેમ ઉપડે? તારો હાથ તો પહેલો કાઢું ને?’

છેલ્લો શ્વાસ કાઢીને ડેવિડ બોલી ઊઠ્યો, ‘દીવો દીવો, . . . દેખાવો જ જોઈએ, . . .જા ફેરવ. મારી‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌—–તારી ફરજ છે.’

ત્યાં તો દૂર કોઈ આગબોટનો પાવો કાને પડ્યો. જાણે તે એમ પૂછતો હોય, ‘ભાઇ , ક્યે રસ્તે જવું?’ જાણે તે ડેવિડને કહેતો હોય, ‘ભાઈ, તારી ફરજ !’

ડેવિડમાં હવે બોલવાના હોશ રહ્યા નથી. તે મેરીની સામે એકીટશે તાકી રહ્યો છે. આંખો જાણે એમ કહેતી હોય, ‘મેરી,તું જા; કાળજું કઠણ કર.’ છેવટનું જોર એક્ઠું કરીને તે એક જ શબ્દ કાઢી શક્યો, ‘ફરજ !‘

2

મેરીથી હવે ઊભું રહેવાય એમ નહોતું. તેણે વગર આનાકાનીએ પગ ઉપાડ્યા ને ભંડક પરની દીવાની ઓરડીમાં તે આવી. દીવાની બેસણીને નીચેના સાંચાકામ સાથે જોડી હતી તે તેણે છોડી નાખી અને એક નાની ઓરડી જેવડા મોટા દીવાને ધકેલવા લાગી. ધીમે ધીમે એ પ્રચંડ દીવો હાલ્યો. પહેલો તો તે બહુ જ ધીમો ફર્યો, પછી જેમ જેમ ચાક ચડતો ગયો, તેમ તેમ તેનો વેગ વધ્યો ને મેરીને જોર ઓછું પડવા લાગ્યું. એમ કરતાં કરતાં ફેરવવાની ફરજની ધૂનમાં ને ધૂનમાં મેરી બરોબર અર્ધી મિનિટે એક ચક્કરને વેગે પહોંચી ગઈ.

બરોબર આ જ સમયે દરિયામાં એક મોટી આગબોટે આ દીવો જોયો. જો જરાક મોડું થયું હોત તો? દીવો દેખાતાં વેંત કપ્તાને ઝપાટાબંધ પોતાની દિશા ફેરવી લીધી; મોતના મુખમાંથી પોતાની આગબોટને કાઢી લીધી ! પણ એને ખબર નહોતી કે, બરોબર સમય પર મળેલી ચેતવણી એક બિચારી અબળાના નબળા હાથને આભારી હતી. કપ્તાને તો પોતાની નોંધમાં લખી લીધું કે, ટાપુ પરની દીવાદાંડીનો દીવો બરોબર બળતો નહોતો.

આ પ્રમાણે મેરી આખી રાત પોતાની ફરજ બજાવતી રહી.

હાથ તો દીવાને ફેરવ્યા જ કરે છે, પણ મન નીચેની ઓરડીમાં પડેલા ઘાયલ પતિ પાસે છે. વચ્ચે વચ્ચે, દીવો ફેરવતી ફેરવતી તે બૂમ પાડે છે, ‘ડેવિડ, હવે થોડી વાર આવી જાઉં? ઓજારથી જરા વારમાં ચક્કર વછોડી લઈશ.’ પણ ડેવિડ તો એક જ વાત રટ્યા કરે છે, ‘ના મેરી, હમણાં નહિ. સવાર થવા દે.’

એક વાર તો મેરીથી રહેવાયું નહિ. તે ખરેખર નીચે દોડી જ ગઈ અને બોલી, ‘ડેવિડ, હમણાં કોઈ વહાણ નહિ આવે. ઓજારોથી ચક્કર વછોડું છું; નહિ વાર લાગે.’

વખત જવાથી ડેવિડને કાંઈ કળ વળી હતી; નબળો પણ તે સ્વસ્થ હતો. તે કહે ‘ના ના, મેરી તને ખબર છે, જરી વારમાં તો શુંનું શું થઈ જાય તે? સવાર સુધી હું તો ટકીશ. તું નહિ ટકી શકે?’

બિચારી મેરીની આંખોમાંથી આંસુ આવી ગયાં. ‘ટકવા મથીશ’ કહીને તે પાછી દીવો ફેરવવાની ફરજે વળગી. ત્યાર પછી એણે નીચે આવવા ડેવિડને પૂછ્યું નહિ.

3

સવારનો મંદ પ્રકાશ તોફાની દરિયા પર પથરાવા લાગ્યો. દીવાને ઝોડ જેવી વળગેલી મેરીના હાથ ફર્યા જ કરે છે. અર્ધા કલાક બાદ ડેવિડે જવાબ દીધો, ‘મેરી, હવે પ્રકાશ થયો; દીવો ફેરવવાનું બંધ રાખીને આવ.’

આખી રાતની મજૂરીથી થાકીને લોથ થઈ ગયેલી સ્ત્રી કાયાને ઢસડતી ઢસડતી નીચે આવી. નીચે પતિની દશા પણ એની દશા કરતાં સારી તો નહોતી જ. લોહી વહી જવાથી ને પીડાથી તે પણ સાવ નંખાઈ ગયો હતો. લથડતી ગતિએ આવતી પત્નીને આવતી નિહાળતો તે કહે, ‘મેરી, મોટું પેચિયું લઈ આ ચાકી છોડ. જરા જોર કરવું પડશે.’

રહ્યુંસહ્યું બધું જોર કરીને મેરીએ પેચિયા વડે મથામણ શરૂ કરી. કેટલીક વાર સુધી તો પેચિયું બરાબર બેસે નહિ; બેસે તો હાથમાં જોર ના મળે તેથી વછૂટી જાય. એક વાર બરોબર બેઠું ત્યારે મેરી ઉંધું જોર કરતી હતી. ડેવિડે બેઠેલા અવાજે કહ્યું, ‘એમ નહિ !’ એટલે મેરી સીધું ફેરવવા લાગી. ચાકી જરીક ડગી. પછી તો વાર શી ? પેચિયાથી જરા વધારે ઢીલી કરીને તેણે આંગળીઓ લગાડી ચપ ચપ ચાકી કાઢી. ક્રૂર ચક્કરના સાંધા ઢીલા થયા અને ડેવિડનો હાથ છૂટ્યો ! હાથ છૂટતાં, જોર કરીને ડેવિડ ઊભો થયો. સ્ત્રી પુરૂષ આનંદથી એકબીજા સામે જોઈ રહ્યાં. બેઉએ આકરી કસોટી પાર કરી હતી. ત્યાં તો બિચારી મેરી તમ્મર ખાઈ ગબડી પડી. ડેવિડે ગબડતી પત્નીને ઝાલી લઈ ઊંચકીને નીચેના ઓરડામાં આણીને સુવાડી. બહાર તોફાન શમતું જતું હતું; સવાર સુંદર દેખાતું હતું; ટાઢની માત્રા વધી હતી. થોડી વારે મેરી જાગી. ‘ડેવિડ તારા હાથે પાટો બાંધું’

ડેવિડ: ના તું આરામ કર. પછી થશે.

મેરીએ તે ન માન્યું; પાટો બાંધ્યા પછી જ તે ફરી સૂતી. ડેવિડે દીવાદાંડી પર સંકટની નિશાનીનો વાવટો લગાવ્યો. પણ ત્યાર પછી ચોથે દહાડે મદદ આવી. ત્યાં લગી આ દંપતીના શા હાલ થયા હશે ! પરંતુ આને વિષે જ્યારે જ્યારે વાત નીકળે, ત્યારે ડેવિડ એક જ વાત કહેતો, ‘એમાં કંઈ નહિ; એ તો મારી ફરજ હતી. હું ઘવાયો તો મેરીએ એ ફરજ પૂરી કરી !’


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

3 comments for “સમાજ દર્શનનો વિવેક : દીવાદાંડીવાળો

 1. નિરંજન બૂચ
  November 19, 2019 at 10:38 am

  વાહ સુંદર ફરજપૂરતિ

 2. LAXMIKANT
  November 22, 2019 at 9:11 pm

  Duty with tears

 3. Ashvin S Patel
  November 26, 2019 at 9:20 am

  Duty first and than Life. Think of others than self. Really heart touching.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *