






દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ.
પ્રિય નીના,
ઈસ્ત્રીવાળા જોક પર એકલી એકલી ખૂબ હસી. કારણ કે, તારા પત્રની ઈમેઈલની જાણ કરતી ડીંગ-રીંગ ફોનમાં સંભળાઈ ત્યારે હું ઈસ્ત્રી જ કરતી હતી ! સારું થયું કે, પેલાં જોકની જેમ ‘જડબે હાથ’ જેવી મારી તસ્વીર ન થઈ !!
નીના, તેં ૪૭ વર્ષ યુકે.માં વીતાવ્યાં એ તારા પત્રોમાં દેખાઈ આવે છે. કેવી રીતે ખબર છે? તને ખ્યાલ પણ નહિ હોય તેમ ખૂબ સ્વાભાવિકપણે તારા લખાણોમાં અંગ્રેજી શબ્દો વધુ આવતા રહેતા હોય છે !! જો કે, અગાઉ મેં કહ્યું હતું તેમ આપણે તો દરેક ભાષાનો આદર કરીએ છીએ તેથી કોઈ સવાલ જ નથી અને આમે હવે વ્યવહાર જગતમાં અનેક રીતે વિશ્વ નાનું થતું ગયું છે ને? એ જુદી વાત છે કે સાંકડું પણ થયું છે !!!! કઈ રીતે? લે,આ વળી એક નવો વિચાર આપ્યો!!
નવા વિચારને આવતા પત્ર માટે ‘રિઝર્વ’રા ખીને આપણો ચાલુ મુદ્દો આગળ વધારુ. મેડિકલ,ટેક્સ અને વીમાની વાતો તો બહુ જ છે અને ઘણી ગૂંચવણ ભરેલી છે.ખરેખર તો એ અંગે હવે અમેરિકા વિષે ન જાણીએ તો સારું એમ લાગે છે. એ વિષયોમાં જ અહીંની પ્રજા ગોળ ગોળ ઘૂમે છે. તું નહિ માને નીના, કે કશું ન કરે એને એટલે કે ૦ આવકવાળાને ઘણું બધું મળે અને મહેનત કરનારની કમાણી ટેક્સ, મેડિકલ અને વીમામાં જ ખર્ચાઈ જાય!! સાવ જ વિચિત્ર પ્રથા છે. એ માટે તો યુકે. ને સલામ.
અમેરિકાની ઝાંખી આપતી “આ નગર જુઓ” ની ગઝલની એક પંક્તિમાં મેં લખ્યું છે કે,
“દાણ-વીમાને પથારે કાંપતું નગર જુઓ.
માનવીને યંત્ર માંહે શારતું નગર જુઓ”.
મને વધારે રસ છે અહીંની શિક્ષણની વાતો કહેવામાં. કારણ કે બીજાં બધા પ્રશ્નોના ઉકેલ કે ગૂંચ લગભગ વ્યક્તિગત જેવાં થઈ ગયાં છે. જ્યારે શિક્ષણ ભવિષ્યને ઘડે છે અને સૌને એકસરખી રીતે લાગુ પડે છે.
અહીં મોટામાં મોટી વાત તો એ કે હાઈસ્કૂલ સુધીનું ભણતર પબ્લીક સ્કૂલ્સમાં તદ્દન ફ્રી હોય છે અને તે સ્કૂલ્સ સારી પણ હોય છે. નિયમો એટલાં કડક હોય છે કે શિક્ષકોને કામનો બોજો ખરો પણ વિદ્યાર્થીઓને સવલતો વધુ. જો કે, પ્રાથમિક ધોરણે આપણા દેશની આંક વગેરેની પધ્ધતિ વધારે સારી. કદાચ એટલે જ આપણે ત્યાંથી પાયાનું શિક્ષણ લઈને આવેલાં બાળકો વધુ તેજસ્વી નીવડે છે અને દરેકની મહેનતની કદર થાય છે અને વળતર પણ મળી રહે છે. પણ હું જે કહેવા માંગુ છું તે એ કે, તમામ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા મુજબ આગળ લાવવાની વિવિધ રીતો યુકેની જેમ જ અહીં અપનાવવામાં આવે છે. પરિણામે દરેક લેવલની વ્યક્તિઓને પ્રગતિનું એક વધુ સોપાન મળી રહે છે. એક તો અહીં પંચરંગી પ્રજા છે. એટલે દરેક દેશમાંથી આવેલ જુદી જુદી માટીના મૂળિયાઓને આ ભૂમિની આબોહવામાં ખીલવવાના હોય છે. કામ કપરું છે પણ જબરી કુનેહથી કરવામાં આવે છે. એક જ દાખલો આપું .આપણા દેશમાંથી કે કોઈપણ બીજા દેશમાંથી પોતાની માતૃભાષા ભણીને આવેલા છોકરાઓ જોતજોતામાં તો અંગ્રેજી સ્કૂલ્સમાં દૂધમાં સાકરની જેમ ભળી જતાં હોય છે.એટલું જ નહિ,પોતાને યોગ્ય વિષય પકડી આગળ વધે છે, સ્વતંત્ર રીતે વિચારતા થાય છે અને વિકાસ સાધે છે. અહીં એ અંગે મોટા મોટા ડોનેશન, ટ્યુશન કે લાગવગ વગેરે નથી હોતાં. એટલે કે, જીવનની ખૂબ જ જરૂરી વસ્તુઓમાં કશી યે ઝાઝી તકલીફ વગર સૌને એકસરખી સહાય મળી રહે તેવી વ્યવસ્થા હોય છે.
છેલ્લું વાક્ય લખતા લખતા તાજેતરમાં બનેલ એક બનાવ કહેવાનું મન થયું. એ વિશે લખું તે પહેલાં નીના, એક વાત સ્પષ્ટ કરું કે હું અમેરિકાથી પ્રભાવિત થઈ ગઈ છું તેવું નથી. તું કહે છે તેમ અંતરને તળિયે મૂળિયાની માટીની સુગંધ તો અકબંધ જ છે.‘મા’નું replacement હોય જ નહિ છતાં જ્યાં, જે, જેટલું સારું અનુભવાય છે તે સંદેશરૂપે “ગમતાના ગુલાલ’ની જેમ છાંટવું ગમે જ.
હા, તો હું એમ કહેતી હતી કે ગઈ કાલે મારા બેકયાર્ડમાં માળી કામ કરતો હતો. ત્યાં તેને અચાનક ગેસની સખત દુર્ગંઘ આવતી જણાઈ. તપાસ કરતાં ખબર પડી કે બહારની ગેસની પાઈપમાં તિરાડ પડી છે અને ત્યાંથી ગેસ નીકળી રહ્યો છે. એણે દોડતા આવીને મારા બારણે જોરજોરથી ઘંટડીઓ દબાવી. રસોઈ કરતી મેં પણ ગભરાટમાં દોડીને “શું થયું “,શું થયું’ પૂછતા પૂછતા બારણું ખોલ્યું. એણે જલ્દી જલ્દી વાત કરી ઈમરજન્સીને ફોન જોડ્યો. મેં રસોઈના ચાલુ ગેસના સ્ટવને એકદમ બંધ કરી,ફોન અને કારની ચાવી લઈ ઘરની બહાર નીકળી ગઈ,ગેસ કંપનીના માણસોને ફોન કરી બોલાવ્યા. તું નહિ માને નીના, ૨-૫ મિનિટમાં તો પોલીસો,ફાયર ટ્રક અને ગેસ કંપનીના માણસો બધા આવીને કામે લાગી ગયાં અને તે જ સમયે જૂની ગેસ-પાઈપ કાઢી નાંખી, નવી પાઈપ લગાવી દીધી. વિચાર કર કે કેટલી મોટી શક્ય હોનારતમાંથી હું બચી ગઈ..! ( તે સમયે ઘરમાં હું એકલી જ હતી.) કહેવાનું તાત્પર્ય એ જ કે, ખૂબ જરૂરી સવલતો અહીં સહેલાઈથી, તરત જ અને સમયસર મળી જાય છે!!
છેલ્લે, તું લખે છે કે, “હવે કદાચ અનુભવો, ઉંમર કે પછી જમાનાની થપાટો ખાઈ ખાઈને સ્પંદનહીન બની ગયેલું મન!” …અરે યાર..એના જવાબમાં હું તો કહીશ કે, ના, ના.. જે આ વિચાર આવે છે ને, તે જ સાબિત કરે છે કે,આપણું મન હજી સ્પંદન અનુભવે છે !! સંવેદનશીલ મનને જ આ વિચાર ઉદભવે..સમજણ સ્ફૂરે..બાકી તો કોને પડી હોય? who cares ?!!! હં…
ચાલ, આજે તો પત્ર લાંબો થઈ ગયો એટલે અહીં જ અટકું છું. માનીતા કવિઓની વાતોનો માનીતો વિષય આવતા પત્રમાં !!
દેવીની યાદ
ક્રમશ:
દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન :: ddhruva1948@yahoo.com || નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com