
– ભગવાન થાવરાણી
સ્વયંને ઘૂંટવું કે ડૂબવું સુરમય પહાડીમાં
અમારે મન તો મિતવા ! સાધના બન્ને બરાબર છે ..
આજે સંગીતકાર ચિત્રગુપ્ત શ્રીવાસ્તવ અને એમની પહાડી બંદિશો.
યાદ છે, થોડાક વર્ષો પહેલાં, મારી જેમ સંગીતની ‘આડી લાઈને ચડેલા’ મિત્રો સાથે એક ખટમીઠી બહસ થઈ હતી, હિંદી ફિલ્મ-સંગીતના અત્યાર સુધીના બેહતરીન દસ સંગીતકારો અંગે. એ લાંબી અને મીઠડી ચર્ચા તો એક આખો લેખ ખાઈ લે પરંતુ મુખ્ય વાત એ કે આ નાચીઝે પોતાની પસંદગીના ( માત્ર ! ) દસ સંગીતકારોમાં દસમા ક્રમે ચિત્રગુપ્તને રાખ્યા હતા અને એથીય વધુ વિવાદાસ્પદ વાત એ કે ચિત્રગુપ્ત ખાતર અનિલ બિશ્વાસ, રવિ, ખૈયામ, જયદેવ અને એ.આર. રહેમાન જેવા ખમતીધરોને બાકાત રાખ્યા હતા ! થઈ રહ્યું ! પછી તો જે મધમીઠી તલવારો ખેંચાયેલી અને જે ઋજુ ઢાલો ધરાયેલી એ અમે જ જાણીએ ! સદ્દભાગ્યે મેં ચિત્રગુપ્તનું જ લતા-ગીત ‘ કબ તક હુઝુર રૂઠે રહોગે લે કે ગુસ્સે મેં પ્યાર ‘ ગાઈને રિસાયેલા બે-ચારને મનાવી લીધા એટલે ઝાઝું લોહી વહ્યું નહીં અને ઘીના ઠામમાં પડ્યું ઘી !
મારા ચિત્રગુપ્ત અંગેના પક્ષપાતમાં હજુ અડીખમ છું. ૧૯૪૬ થી શરુ કરી છેક ૧૯૯૧ સુધી આ બેરહમ ફિલ્મ-જગતમાં ટકી રહી, A થી D ગ્રેડની સામાજિક, પૌરાણિક, ઐતિહાસિક, ધાર્મિક અને સ્ટંટ એવી દોઢસો ઉપરાંત ફિલ્મોમાં મહદંશે A કક્ષાનું સંગીત પીરસવું એ નાનીસુની વાત નથી. ‘ઊંચે લોગ’ આ સુરીલા સૌમ્ય સજ્જનની ૧૧૧ ની ફિલ્મ હતી. એ ફિલ્મના ગીતો અને ગુણવત્તા પર જરા નજર ફેરવો :
૧. | આ જા રે મેરે પ્યાર કે રાહી રે | લતા – મહેન્દ્ર કપૂર |
૨. | જાગ દિલે દીવાના રુત જાગી | રફી |
૩ | હાએ રે તેરે ચંચલ નૈનવા | લતા |
અલબત, બીજા કેટલાય દિગ્ગજ સંગીતકારોની જેમ એમની છેલ્લી વીસેક ફિલ્મોનું સંગીત દમ વગરનું અને જૂના માલની પુનરાવૃત્તિ જેવું હતું પણ એનાથી એ પહેલાંનું દોમ-દોમ સર્જકત્વ શેં ભૂલાય ? દરેક પ્રકારની અને દરેક નિર્માતાની ગમે તે કક્ષાની ફિલ્મમાં સંગીત આપતી વખતે એમણે પોતાની નિષ્ઠા બરકરાર રાખી. હા, એમની મોટા ભાગની ધુનો ચપટી વગાડતાં ઓળખાઈ જાય એવી ‘ ચિત્રગુપ્તીયન છાપ ‘ ની હતી. એમના દરેક ગીતની શરૂઆતમાં (કે વચ્ચે) બહુ ઓછી સંખ્યાના સમૂહ વાયલીન ગિટારના તાલે અનિવાર્યત: વાગતા (શંકર જયકિશનમાં આ જ વાયલીન જથ્થાબંધ સંખ્યામાં રહે તાં) . એ એમના ગીતોની આગવી ઓળખ હતી.
એમની પહાડી રચનાઓમાં પ્રવેશીએ એ પહેલાં જોઈએ, સપ્રયોજન બનાવેલું, એમના નિર્દેશનમાં લતાજીએ ગાયેલા દસ ગીતોનું લિસ્ટ :
૧. | જાદૂભરી યે ચાંદની યે પ્યાર કા સમા | મેડમ XYZ | ૧૯૫૯ | (રાગ પહાડી) |
૨. | સોના ના સિતારોં કા હૈ કહના | ઓપેરા હાઉસ | ૧૯૬૧ | |
૩. | દીવાને હમ દીવાને તુમ કિસે હૈ ગમ ક્યા કહેગા ઝમાના | બેઝુબાન | ૧૯૬૨ | |
૪. | દિલને કુછ ઐસે પુકારા દિલ લેને વાલા આ હી ગયા | હમ મતવાલે નૌજવાં | ૧૯૬૨ | (રાગ પહાડી) |
૫. | ઉઠેગી તુમ્હારી નઝર ધીરે ધીરે | એક રાઝ | ૧૯૬૩ | (રાગ પહાડી) |
૬. | ખુદા કરે ઐ જાનેમન કે તૂ કલી ગુલાબકી | સેમસન | ૧૯૬૪ | |
૭. | મેરા દિલ બહારોં કા વો ફૂલ હૈ | આધી રાત કે બાદ | ૧૯૬૫ | |
૮. | મિલે તો ફિર ઝુકે નહીં નઝર વોહી પ્યારકી | આકાશ દીપ | ૧૯૬૬ | |
૯. | મૈં સદકે જાઉં મોરે સૈયાં તુમ આએ તો હો | વાસના | ૧૯૬૭ | |
૧૦. | કબ તક હુઝુર રૂઠે રહોગે | ઔલાદ | ૧૯૬૯ |
યાદ રહે, ઉપરોક્ત બધા ગીતો પહાડી નથી, બધા લતાના છે, મસ્તીભર્યા છે, એની તરજો અને વાદ્ય -વિન્યાસમાં આગવી ચિત્રગુપ્તીય મહોર છે અને ઉતરોતર વર્ષમાં સંગીતબદ્ધ થયેલ છે માટે એ ગીતોમાં ચિત્રગુપ્તનો વિકાસ (અને કંઇક અંશે એકધારાપણું !) ઝાંકે છે.
એમના યુગલ ગીતોની તો વળી અલાયદી જ દુનિયા ! એમાં લતા-રફી, લતા-મુકેશના ગીતોનું બાહુલ્ય પણ ખરું (લતા – રફીના છેવટ લગી એમના પર ચારેય હાથ હતા) પરંતુ આ યુગલ ગીતોનો એક પેટા-પ્રકાર એવો હતો જેમાં ચુલબુલાપણું, શરારત અને રમતિયાળતા હોય અને સાથે સાથે મુખડાની પંક્તિના બે ટુકડા કરીને પુરુષ – સ્ત્રી અવાજોમાં ગવાયા હોય, જાણે કે સવાલ-જવાબ ! જૂઓ નમૂના :
૧. | દેખો મૌસમ ક્યા બહાર હૈ સારા આલમ બેકરાર હૈ | ઓપેરા હાઉસ | ૧૯૬૧ | લતા – મુકેશ |
૨. | ના જાને ચાંદ કૈસા હોગા તુમ-સા હંસીં તો નહીં | રોકેટ ગર્લ | ૧૯૬૨ | મુકેશ – કમલ બારોટ |
૩. | જબ સે હમ તુમ બહારોં મે હો બૈઠે ગુમ નઝારોં મેં | મૈં શાદી કરને ચલા | ૧૯૬૩ | મુકેશ – કમલ બારોટ અને |
એકસરખા ઢાળના ઉપરોક્ત ત્રણેય ગીતો (આમ તો ચાર, કારણકે છેલ્લું ગીત અલગ-અલગ બે જોડીએ ગાયું છે !) પહાડી રાગમાં જ છે અને એક વિશિષ્ટ રોમાંટિક માહૌલ સર્જે છે. બર્મન દાદા પણ આ પ્રકારના યુગલ ગીતોના બાદશાહ હતા.
ચિત્રગુપ્ત સ્વયં એક અચ્છા ગાયક પણ હતા. ૧૯૪૬ માં શરુઆત કર્યા પહેલાં અને પછી પણ એમણે અનેક ફિલ્મોમાં સંગીતકાર એસ.એન.ત્રિપાઠીના સહાયક તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. એમનું પ્રથમ હીટ ગીત રફી-શમશાદનું ફિલ્મ ‘ સિંદબાદ ધી સેઇલર ‘ ( ૧૯૫૨ ) નું ‘ અદા સે ઝૂમતે હુએ દિલોં કો ચૂમતે હુએ યે કૌન મુસ્કુરા દિયા ‘ યોગાનુયોગ પહાડીમાં જ હતું તો એમની પહેલી સુપર-હીટ ફિલ્મ ‘ ભાભી ‘ ( ૧૯૫૭ ) ના દસેદસ ગીતોએ ધૂમ મચાવેલી અને એનું થીમ-સોંગ ‘ ચલ ઉડ જા રે પંછી ( રફી ) પણ પહાડીમાં. એમના ઉત્તમ પહાડી ગીતો ગણાવવા હોય તો ‘મહલોંને છીન લિયા બચપનકા પ્યાર મેરા‘ (ઝબક – મુકેશ / લતા), ‘અજનબી સે બનકર કરો ના કિનારા (એક રાઝ – કિશોર / લતા) અને ‘ મુફ્ત હુએ બદનામ કિસીસે હાએ દિલકો લગાકે‘ (બરાત – મુકેશ) નો ઉલ્લેખ પણ કરવો પડે.
ફિલ્મ ‘ નયા સંસાર ‘ માટે એમણે પહાડીમાં એક લોરી રચેલી લતાના સુમધુર કંઠે (ચંદા લોરિયાં સુનાએ હવા ઝૂલના ઝૂલાએ) . અસલમાં એ આપણા ગુજરાતી સંગીતકાર અજીત મર્ચંટ દ્વારા ૧૯૫૦ માં રચિત અને દિલીપ ધોળકિયા દ્વારા ગવાયેલ જાણીતા ગીત ‘તારી આંખનો અફીણી તારા બોલનો બંધાણી‘ ઉપરથી ‘ પ્રેરિત ‘ હતી. દિલીપ ધોળકિયા પોતે અનેક ફિલ્મોમાં ચિત્રગુપ્તના આસિસ્ટન્ટ રહ્યા હતા.
આજના બે પહાડી ગીતો પર આવીએ.
પહેલું છે ૧૯૬૨ ની એ.વી.એમ ની ફિલ્મ ‘ મૈં ચુપ રહુંગી’ નું. ફિલ્મ અને એનું સંગીત બન્ને અત્યંત કામિયાબ રહેલા. દક્ષિણની ફિલ્મ ફેક્ટરીઓને આવી ફિલ્મો બનાવવાની ફાવટ હતી જેમાં બધું જ હોય – કર્ણપ્રિય સંગીત સહિત – અને જૂની પેઢીના ગુજરાતી ફિલ્મ વિવેચક ચાંપશીભાઈ ઉદ્દેશીના શબ્દોમાં આવી ફિલ્મો ‘ આંસુઓની ખંડણી ઉઘરાવવાનું કામ’ પણ સુપેરે કરતી ! ફિલ્મની લતાવાળી પ્રાર્થના ‘તુમ્હીં હો માતા પિતા તુમ્હીં હો‘ તો આજે પણ અનેક સ્કૂલોમાં પ્રાર્થના તરીકે ગવાય છે (રાગ : ભૈરવી). આજના રફી દ્વારા ગવાયેલ અને રાજેન્દ્ર કૃષ્ણ રચિત પહાડી ગીતના શબ્દો :
मैं कौन हुँ मैं कहाँ हुँ मुझे ये होश नहीं
किधर मैं आज रवां* हुँ मुझे ये होश नहींमुझे न हाथ लगाओ के मर चुका हुँ मैं
ख़ुद अपने हाथ से ये ख़ून कर चुका हुँ मैं
फिर आज कैसे यहाँ हुँ मुझे ये होश नहींमैं अपनी लाश उठाए यहाँ चला आया
कोई बस इतना बता दे कहाँ चला आया
ये क्या जगह है जहाँ हुँ मुझे ये होश नहींकोई न आए यहाँ ये मज़ार मेरा है
खड़ा हुँ कब से मुझे इंतज़ार मेरा हैये क्या कहा मैं यहाँ हुँ ? मुझे ये होश नहीं ..
( रवां = गतिमान )
એ જ ઘિસી-પિટી વાર્તા. જમીનદારનો પુત્ર અને ગરીબ કિસાનની પુત્રી. પ્રેમ. ગંધર્વ વિવાહ. નાયકનું અચાનક પરદેસ-ગમન. સગર્ભા નાયિકા. જમીનદારકી ઇજ્જતકા સવાલ. નાયિકાનું ગામ છોડી જવું. પુત્ર-પ્રસવ. નાયકની સ્વદેશ વાપસી. છેહ દઈ પલાયન થઈ ગયેલ નાયિકા ઉપર રોષ. શરાબ.
આવી એક આવારા રઝળપાટ દરમિયાન, એક રાતે નાયક સુનીલદતને ટ્રેનના ડબ્બામાંથી પીધેલ હોવાને લીધે અધવચ્ચે ઉતારી મુકવામાં આવે છે.
રેલવે પ્લેટફોર્મ. પિયાનો અને ચિત્રગુપ્તીય વાયલીન્સ. લથડતો સુનીલદત પાટા પર. એકોર્ડિયન અને તાલમાં બોંગો. ફિલોસોફીકલ અંદાઝમાં નાયકની પરિસ્થિતિ બયાન કરતો મુખડો.
સ્ટેશન અને પ્લેટફોર્મ પરથી નાયક ઓવરબ્રીજ પર થઈને શહેરની સુમસામ ફૂટપાથ પર. અંતરાલમાં સેક્સોફોન.
રફીની પાત્ર અને એની પરિસ્થિતિ અનુસાર સ્વરને પળોટવાની કુનેહ સુવિદિત છે. અહીં પણ શરાબી નાયકને પોતાના અવાજના ઉતાર-ચડાવ દ્વારા એ બરાબર મુખરિત કરે છે.
પ્રથમ અંતરામાં એ જ તત્વજ્ઞાન – મને સ્પર્શો નહીં. મેં જાતે મારી હત્યા કરી નાંખી છે.
હવે મેંડોલીન અને જૂદી ફૂટપાથ. એકલો ઉભેલો ટાંગો અને એમાં સૂતેલો એનો ચાલક. ટમટમતા રાત્રિના દીવા. ટાંગાનો ટેકો લઈ માંડ આંખો ખોલતો નાયક. મારું સ્વયંનું શબ વેંઢારતો હું કોણ જાણે આ ક્યાં આવી ચડ્યો !
અંતરાલમાં ફરી સેક્સોફોન અને વાયલીન્સ. એક બાજુ મકાનોની હરોળ. ત્રીજો અંતરો હવે રંગ અને તાન બદલે છે. માત્ર રફી અને રફી જ ગાયકીને અને સ્વરને જે ઊંચાઈએ લઈ જઈ શકે ત્યાં જઈ એ ભાવકને વિભોર કરી દે છે ! અહીં કોઈએ આવવાની જરુર નથી. આ મારું અસ્તિત્વ એ ખરેખર તો મારી સમાધિ છે. એ સમાધિ સમીપે ઊભો ઊભો હું મારી જ વાટ જોઉં છું. પ્રતીકરૂપે નિર્દેશક નાયક કરતાં મોટા એના પડછાયા પર કેમેરા કેન્દ્રિત કરે છે.
મદહોશીના આલમમાં મુખડો પુનશ્ચ ગણગણતો નાયક એક વિશાળ પુલ પરથી પસાર થતો પાછો વળે છે, સામેથી ધસી આવતી કારને માંડ ટાળતો.
ફિલ્મનું એક યુગલગીત ‘કોઈ બતા દે દિલ હૈ કહાં’ ( લતા – રફી ) પણ પહાડીમાં છે.
અહીં આ ગીતના કવિ રાજેન્દ્ર કૃષ્ણ વિષે થોડીક વાત કરવી ઉચિત લેખાશે. એ માણસ એક ગજબની બહુમુખી પ્રતિભા હતી. આપણે એમની ફિલ્મો અદાલત, જહાંઆરા, શરાબી ઇત્યાદિના મદનમોહને તર્જબદ્ધ કરેલા કેટલાય કાવ્યમય ગીતો અને ગઝલો સાંભળીને ચકચૂર થયા છીએ. એમાંની કેટલીય રચનાઓ દર્દથી સરાબોર છે. સામે પક્ષે પડોસન, પ્યાર કિયે જા, સાધુ ઔર શૈતાન જેવી એમણે લખેલી ફિલ્મો જોઈને હસી-હસીને બેવડ પણ વળ્યા છીએ. કેવો વિરોધાભાસ ! એક જ લેખક કેવી સિફતથી આપણને હસાવે પણ છે અને રડાવે પણ છે ! કદાચ એ વિધાન સત્ય છે કે જેની અંદર દર્દ ઠાંસી-ઠાંસીને ભર્યું હોય એ જ હસી શકે, હસાવી શકે, હસી કાઢી શકે !
આડવાતોમાંથી બહાર આવી આજના બીજા પહાડી ગીત ભણી પ્રયાણ કરીએ. ‘આકાશદીપ’ (૧૯૬૫) ની મજરુહ લિખિત અને લતા દ્વારા ગવાયેલ આ ખૂબસૂરત બંદિશના શબ્દો :
दिल का दिया जलाके गया ये कौन मेरी तन्हाई में
सोए नग़मे जाग उठे होटों की शहनाई मेंप्यार अरमानों का दर खटकाए
ख़्वाब जागी आँखों से मिलने को आए
कितने साए डोल पड़े सूनी – सी अंगनाई मेंएक ही नज़र में निखर गई मैं तो
आइना जो देखा सँवर गई मैं तो
तन पे उजाला फैल गया पहली ही अँगड़ाई मेंकाँपते लबों को मैं खोल रही हुँ
बोल वही जैसे के बोल रही हुँ
बोल जो डूबे – से हैं कहीं इस दिल की गहराई में ..
ફણી મજુમદાર નામના સંવેદનશીલ સર્જક ( સ્ટ્રીટ સિંગર, આરતી, ઊંચે લોગ ) દ્વારા દિગ્દર્શિત આ એકંદરે એક સુંદર ફિલ્મ હતી, ચિત્રગુપ્તના ઉત્કૃષ્ટ સંગીત સહિત. ફિલ્મની વાર્તામાં પણ ભારોભાર નાટકીયતા હતી. દારુણ ગરીબી અને બેઈમાની વચ્ચે ઉછરેલ નાયક અશોકકુમાર મોટો થઈને આપબળે અને જાત-નિષ્ઠાથી સંપન્ન બને છે. પોતાના વિચારોમાં મક્કમ અને જિદ્દી હોવાથી એ પોતાના સગા ભાઈથી પણ નારાજ અને અલગ છે. એક માંદી કાપડ મિલ એ હસ્તગત કરે છે અને એ મિલના અસલ માલિકની મૂંગી પુત્રી નિમ્મી સાથે સહાનુભુતિવશ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
નિમ્મી ભાવવિભોર બની, કોઈક ગીત માંહેથી પ્રસ્ફૂટતું હોય તેમ હોઠ ફફડાવે છે. હળવી વાંસળી પછી તુરંત રાબેતા મૂજબના વાયલીન્સ. પોતાના અંતરના ભાવોને વાચા આપવા નિમ્મી એક ગ્રામોફોન રેકર્ડ ચાલુ કરે છે. લતાનો અવાજ સાવ મંદ સ્વરે આગમન કરે છે, મૂંગી નાયિકાના કોમળ ભાવોની આમન્યા જાળવતો હોય તેમ ! સંગીતકાર ચિત્રગુપ્ત અને ગાયિકા લતાની એ અદ્ભુત સમજણ છે કે વાચા-વિહીન નાયિકાના મનોભાવોને આવા હળવા, દબાયેલા અવાજમાં જ રજુ કરવાના હોય, જાણે કે મૌન ખુદ બોલતું હોય ! આપણને સ્હેજે ‘ અનૂપમા ‘ નું લતાનું ‘કુછ દિલને કહા કુછ ભી નહીં’ યાદ આવી જાય જેમાં પણ ભાગ્યે જ બોલતી અંતર્મુખી નાયિકાના ચરિત્રને ઉજાગર કરવા ગીત ઇરાદાપૂર્વક અંડરપ્લે કરાવાયું છે.
પ્રસ્તૂત ગીત પોતે એક ઉમદા કવિતા છે. નિમ્મી એક ઉત્કૃષ્ટ અભિનેત્રી છે એ ફરી એકવાર પૂરવાર થાય છે.
શબ્દોને અનુમોદન આપતા હોય એમ કમરાના દીવા પ્રજ્વલિત થઈ ઊઠે છે. અંતરાલમાં એકોર્ડિયન પણ ચિત્રગુપ્તની લઢણ અને પહાડીની સાખ પૂરે છે.
પહેલા અંતરામાં કવિએ એક સરસ શબ્દ પ્રયોજ્યો છે, अं ग ना ई . અંગનાઈ એટલે આંગણું નહીં પણ ઘરના રૂમની બહારનો છોડ-ફૂલ-કુંડા વાળો નાનકડો ખુલ્લો ભાગ. ગીત દરમિયાન નાયિકાના ઘર બહાર ઊંચાઈએ ટીંગાડેલા ‘આકાશદીપ’ પણ વારંવાર દ્રષ્ટિગોચર થાય છે, ફિલ્મના નામને સાર્થક કરતા. ઊંચાઈ પર ટાંગેલો દિશા-નિર્દેશ કરતો પ્રકાશમય દીવો કે અગ્નિપૂંજ એટલે આકાશદીપ.
ગીતની કોમળતાને વધુ સૌમ્ય બનાવવા નાયિકા ફૂલદાનમાંથી રજનીગંધા ફૂલ ઉપાડે છે. અંતરાઓ વચ્ચેનું સંગીત ત્રણેય અંતરામાં લગભગ એકસરખું છે, લતાના કંઠની પૂરી આમન્યા જાળવતું, સ્હેજ વગડીને અદબપૂર્વક ખસી એમના અવાજને જગ્યા કરી આપતું હોય તેવું !
અંતિમ અંતરામાં કવિ, નાયિકાની મન:સ્થિતિનું બયાન કુશળતાપૂર્વક આલેખે છે. ‘ ધ્રૂજતા હોઠોને ખોલું છું તો એવું ભાસે છે જાણે અવાચક હોવા છતાં કશુંક ઉચ્ચારી રહી છું, અને એ ઉચ્ચારણો પણ કયા ? જે મારી ભીતરના મૌનમાં વર્ષોથી ધરબાયેલા હતા એ જ સ્તો ! ‘
જે હળવી વાંસળી દ્વારા ગીત ઉઘડ્યું હતું, બિલકુલ એ જ રીતે સમાપ્ત થાય છે. એક ઉમદા, સર્વાંગ-સુંદર અને પ્રસંગની જરુરિયાત અનુસાર સર્જાયેલી પહાડી રચના જેનું સમગ્ર શ્રેય જેટલું લતાજીને આપીએ એટલું જ ચિત્રગુપ્તને પણ આપવું ઘટે.
ફિલ્મમાં અન્ય પાત્રો તરીકે નંદા, ધર્મેન્દ્ર, મહેમૂદ અને શુભા ખોટેએ પણ પોતપોતાના પાત્રને યથોચિત ન્યાય આપ્યો છે.
ફિલ્મમાં અગાઉ ઉલ્લેખી ગયા એ ‘ મિલે તો ફિર ઝુકે નહીં નઝર વોહી પ્યાર કી ‘ ઉપરાંત રફી સાહેબની એક ઉત્તમ ગઝલ ‘ મુજે દર્દે દિલ કા પતા ન થા મુજે આપ કિસલિયે મિલ ગએ ‘ અને મહેન્દ્ર કપૂર – લતાનું મોજીલું યુગલગીત ‘ સુનિયે જાના ક્યા પ્યારમેં શરમાના ‘ પણ છે.
અહીં અટકીએ. આવતા હપ્તે કેટલાક ‘ નવા ‘ ( અને છતાં પૂર્ણ પહાડીમય અને મીઠડાં ) ગીતો સંગાથે મળીએ …
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.






વાહ ! સર ! અદ્ભૂતત્તમ !
જેટલી સુંદર ફિલ્મ , ગીત નાં શબ્દો , સંગીત , વાદ્યો , અભિનય , વગેરે છે, એનાથીય સુંદર આપની વિષય છણાવટ , સંવેદના સભર સ્પંદનીય સમજણ ભર્યુ આલેખન અને વણસ્પર્શ્યો અર્થ હૃદયસ્પર્શી બની રહે છે .ઊંચે લોગ નાં બધાં ગીતો મને શા માટે ગમતાં હતાં એ આજે ખબર પડી. .સંગીત ગમે પણ, રાગો વિશે બિલકુલ અજાણ છું .હવે ધીમે ધીમે ખબર પડતી જાય છે .એનો યશ આપને ! !
અને છેલ્લે ………
એક ફરિયાદ ….
જે હળવી વાંસ
” એક ઉમદા, સર્વાંગ-સુંદર અને પ્રસંગની જરુરિયાત અનુસાર સર્જાયેલી પહાડી રચના જેનું સમગ્ર શ્રેય જેટલું લતાજીને આપીએ એટલું જ ચિત્રગુપ્તને પણ આપવું ઘટે”
*તો શબ્દો માટે સાહિર ને ભાગે બિલકુલ યશ નહીં ? *
શબ્દો પણ અંતર મન ને સ્પર્શે એવાં છે અને એટલે જ લતાજી ને સરસ ગાવાનું મન થયું , ચિત્રગુપ્તજી ને આવું ” મરમસ્પર્શી ” અને “અંતર સ્પર્શી ” સંગીત આપવાનું જોમ ચડ્યું …..
નુક્તેચીની માટે “ક્ષમા ”
ફરીથી ….અલૌકિક દુનિયા માં લઈ જવા બદલ આભાર જ માત્ર નહીં પણ આદર સહ નિવેદન કે આ ભાવવિશ્વ માં વિહાર કરાવતાં રહેશો …
યે સફર કભી ખત્મ નાં હો ….
ક્ષમા એક સુધારો …શાયર સાહિર નહી પણ મજરૂહ છે . …
ભૂલ થી….
આભાર ઊર્મિલાબેન !
કબૂલ કે ‘ આકાશદીપ ‘ વાળા લતા-ગીતના શબ્દો પણ કાવ્યમય છે. ગીતની ચર્ચામાં એમાંના કાવ્યતત્વનો ઉલ્લેખ કર્યો જ છે. મજરૂહ ફિલ્મી દુનિયાના ચુનંદા ઉત્તમ કવીઓમાંના એક હતા એ નિર્વિવાદ છે.
પ્રતિભાવ આપતા રહેજો.
Very nice
અદભુત આલેખ…. આપની ઝરણાં જેવી પદાવલીઓ….ક્યા ખૂબ… આભાર સાહેબ
હાર્દિક આભાર ડોકટર સાહેબ !
સ્વયંને ઘૂંટવું કે ડૂબવું સુરમય પહાડીમાં
અમારે મન તો મિતવા ! સાધના બન્ને બરાબર છે ..
Pahadi songs and that too by Chitragupt, your favorite music director, wah. Enjoyed Ins and Outs of Both the melodious songs मैं कौन हुँ मैं कहाँ हुँ and दिल का दिया जलाके गया, beautifully sung by Rafi and Lata respectively.
You also mentioned briefly about Great Lyricist Rajendra Krishna. I guess by nature he might be “Manmauji” (may be , we may compare with Kishore Kumar ), who mainly worked with C Ramchandra, Hemant Kumar and Madan Mohan. You rightly mentioned that he was having versatile personality. One may surprise to know that Rajendra Krishna had an intense liking for horse racing. His struggling days came to end, when he won a jackpot of Rs. 46 Lakh (of those days) in horse racing. He became the richest writer in Hindi film industry with this jackpot.
Pahadi Shower continues. Compliments for સુરમય Article and Thanks.
Thanks Maheshbhai for ALWAYS reading this series and placing your observations here !
વાહ !!! આકાશદીપ, ઊંચે લોગ, મેં ચૂપ રહુંગી વગેરે ફિલ્મો ના મારા પ્રિય ગીતો ના સંગીતકાર વિશે નો લેખ વાંચવો ગમ્યો, ખરું કહું તો માણ્યો !!! દરેક ચુનંદા પહાડી ગીતો વિશે નું ખૂબ જ સુંદર વિશ્લેષણ !!! ખરેખર અદભુત, ખૂબ ખૂબ અભિનંદન અને આવા સુંદર લેખો માટે આભાર ….પ્રિય થાવરાણી જી
હાર્દિક આભાર કિશોરભાઈ !
પહાડી અને ચિત્રગુપ્ત જેવી સામગ્રી આપની સિદ્ધહસ્ત કલમને મળે તો જે પરિણામ મળવું જોઈએ એવું જ ઉત્કૃષ્ઠ મળ્યું છે. આગળના હપ્તાઓ માં મારા માનીતા સંગીતકારોને આવરી લેવાયા છે તો પણ શ્રુંખલા નો આ મણકો બધાને પાછળ મૂકી દે એવો છે. માત્ર ચિત્રગુપ્તને સમર્પિત એક અલાયદો લેખ આપશો તો એટલો જ રસપ્રદ નીવડશે. આપની પસંદના ટોચના દસ સંગીતકારો માં ચિત્રગુપ્તને સમાવવાની યથાર્થતા અત્રે સિદ્ધ થઈ છે.
ખૂબ ખૂબ આભાર નરેશભાઈ !
આપ સમ જાગૃત અને જાણકાર ભાવકો આ નાચીઝને હરદમ સક્રિય રાખે છે…