ચેલેન્‍જ.edu. :: અલ્લડ સંતાનોનો અણઘડ ઉછેર

Facebooktwitterredditpinterestlinkedinmail

રણછોડ શાહ

આજે માનવી અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ ગયો છે. એક બાજુ આર્થિક સમૃધ્ધિમાં અત્યંત વધારો થયો તો બીજી તરફ સંતાનો સંસ્કારોથી વિમુખ થતાં હોય તેવું લાગી રહ્યું છે. આલિશાન બંગલાઓથી શહેરો અને ગામડાંઓ ફાટફાટ થઈ રહ્યા છે. ઘરડાઘર, વૃધ્ધાશ્રમો અને પ્રેમ–લાગણીની શોધમાં ભટકતા માનવોથી સમાજ ઉભરાવવા માંડયો છે. નાના કે મોટાં તાણયુકત જીવન જીવી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે. સમૃધ્ધિને કારણે સુખસગવડની તાણ ન રહી, પરંતુ કાળજી અને લાગણીના અભાવે સંબંધો કથળ્યા.

વર્તમાન વાલી તેના સંતાનને તમામ સગવડ – સવલતો ખૂબ જ નાની ઉંમરે પ્રાપ્ત થાય તે માટે વિહ્વળ, બેબાકળો અને આતૂર બન્યો છે. આવી સુવિધા પ્રાપ્ત બાળકો લોભી, લાલચુ અને સંતોષી ન શકાય તેવી અપેક્ષાઓના ભોગ બની રહ્યા છે. તેઓ આળસ, પ્રમાદ, ઉદાસી, સંવેદનશૂન્યતા જેવા અપગુણોના શિકાર બને છે. જાણેઅજાણે માત્ર અને માત્ર ભૌતિકવાદી બની વધુ ને વધુ લાલચુ અને લોભી બની રહ્યા છે.

માનસના પપ્પાએ લાખો રૂપિયા આપીને પ્રતિષ્ઠિત એન્જિનરીંગ કોલેજની મિકેનિકલ બ્રાન્ચમાં દીકરાનો પ્રવેશ લીધો. ર૧ વર્ષનો માનસ તે અભ્યાસ અધવચ્ચેથી છોડી દેવા માંગે છે. હવે તેને ભણવાનું ગમતું નથી. તે નાનો હતો ત્યારે જે કામ કરવાનું તેને ગમતું નહીં તે છોડી દેવા માટે તેના વાલી તેની સાથે સંમત થઈ જતા. તેને જે કરવું હોય તે કરવા દેવામાં આવતું. હોટેલમાં જઈને ખાવાનું મંગાવે, પણ ન ભાવે તો તરત જ તેને બીજું મંગાવવાની છૂટ હતી. જાતે પસંદ કરીને ખૂબ મોંઘા બ્રાન્ડેડ કપડાં કે બૂટ લઈ આવે અને થોડા દિવસ પછી ન ગમે તો તે ફેંકી દઈ શકતો હતો. ધીમે ધીમે તેને કોઈ પણ કાર્ય અધવચ્ચેથી છોડવાની ટેવ પડી ગઈ. આ કુટેવ તેના જીવનનો ભાગ બની જતાં આજે તે અભ્યાસ અધૂરો છોડી દેવા માંગે છે.

૩૪ વર્ષનો રાઘવ ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. તેનું લગ્ન બે વર્ષ પહેલાં થયું છે. પરંતુ તેની પત્ની તેની સાથે રહેવા તૈયાર નથી. રાઘવ પાસે ઉચ્ચ કક્ષાની ડીગ્રી છે પરંતુ તે કોઈ પણ જગ્યાએ ત્રણ માસ કરતાં વધારે સમય માટે નોકરીમાં ટકી શકતો નથી. આ કારણે પતિ–પત્ની વચ્ચે હંમેશા તનાવયુકત પરિસ્થિતિ રહે છે. કામ ઉપરથી આવે અને ઘરનાને પોતાની સમસ્યાઓના ઉકેલ શોધવા માટે તે દબાણ કરે છે. ભણતો ત્યારે તે વારંવાર કોઈ પણ કારણ વિના શાળાએ જતો નહીં. જાય તો કોઈને કોઈ બહાના બતાવી ઘેર પાછો આવી જતો. તેના મમ્મી–પપ્પા તેને કાંઈ પણ કહેતા નહીં. તેના બહાનાને સાચું કારણ માની તેને પ્રોત્સાહન આપતા. એટલું જ નહીં પોતાના પુત્રનો પક્ષ લઈ શાળાના શિક્ષકો અને આચાર્ય સાથે વારંવાર ઝઘડો કરતા. રાઘવને આ વાત અનુકૂળ આવતી. તે સમજણો થયો ત્યારથી માની લીધું કે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવે તો તે કામ તરત જ છોડી દેવાનું. અનુકૂલનના અભાવે તેનું દામ્પત્યજીવન ભંગાણને આરે આવી પહોંચ્યું છે.

ર૮ વર્ષની અનુષ્કા તેના સાસરેથી પરત આવી ગઈ છે. તેને લાગે છે કે નોકરી કરતાં કરતાં ઘરનું સંચાલન કરવાની બેવડી જવાબદારી ઉઠાવવી ખૂબ કઠીન અને અશકય છે. આ બંને જવાબદારી તે એક સાથે નિભાવી શકે તેમ નથી. તે તેની માતાને સાસરે લઈ જઈને ઘરની કામગીરી માતા નિભાવે તેવી અપેક્ષા રાખે છે. તે જ્યારે શાળામાં હતી ત્યારે તેના મમ્મી–પપ્પા અભ્યાસની સાથે ઘરની કામગીરી સોંપતા ત્યારે તે મોઢે સંભળાવી દેતી કે કાં તો ભણી શકીશ અથવા ઘરનું કામ કરીશ. તે મમ્મી–પપ્પાને પૂછતી કે બોલો હું બેમાંથી શું કરું? પ્રત્યુત્તરમાં અભ્યાસ કરવાની વાત જ સૌ સ્વીકારી લેતા. જ્યારે જ્યારે બે કાર્યની જવાબદારી નિભાવવાની આવે ત્યારે તે એક જ કામ કરી શકશે તેમ તે જણાવતી. રાત્રે કોઈ પાર્ટી કે લગ્નમાં જવાનું હોય તો તે સ્પષ્ટપણે જણાવી દેતી કે મોડી રાત્રી સુધી જાગવાનું થશે તો બીજે દિવસે શાળામાં જઈ શકાશે નહીં. વાલી તે બાબતે સહમત થઈ જતા. એક સાથે બે કામ કયારેય ન કરવાની તેને ટેવ પડી જતાં તે સાસરેથી પરત આવી ગઈ.

વાલીઓએ તેમના સંતાનોને જરૂરથી વહાલ કરવું જોઈએ. પરંતુ તેમને એટલું બધું સુરક્ષાકવચ પણ પૂરું ન પાડવું જોઈએ કે જેથી બાળકો ભાવિ જીવનમાં આવનારી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો જ ન કરી શકે. બાળકો પલાયનવાદી ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ. દુઃખ, મુશ્કેલી, તકલીફ કે સમસ્યા પણ જીવનનો ભાગ છે તેવી સમજ બાળકને આપવી જરૂરી છે.

આને પરિણામે બાળકો જ્યારે દુનિયાદારીના દરિયામાં પ્રવેશે ત્યારે તેમના ગળામાં પટ્ટો બાંધી તેમને તેમની પ્રતિકાર શકિતનો ઉપયોગ કરવા જણાવવામાં આવે છે. તેઓ અત્યંત જર્જરિત અને સાવ ઘસાઈ ગયેલી માનસિક સ્થિતિમાં હોવાથી વર્તમાન પરિસ્થિતિમાંથી ભાગી છૂટી કોઈ પણ પ્રકારની સગવડ શોધવા માટે સતત હાંફળાફાંફળા અને અંધારામાં બાચકા ભરતાં નજરે પડે છે. બાળકોએ તેમના વાલીઓથી અલગ રહી જીવનમાં આગળ વધવાનું છે. બાળકોને ખરેખર સફળ અને સાર્થક બનાવવા માંગતા હોય અને તેમનું ભવિષ્ય ઉજવળ બને તેમ ઈચ્છતા હોય તો તેમને સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે શીખવવાનું છે. તેમને ટેકો જરૂર આપવો પરંતુ તેમની ટેકણલાકડી બનવાનું નહીં. તેમને અભ્યાસની, વ્યાવહારિક, સામાજિક અને અન્ય તમામ પ્રકારની પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. સમસ્યાથી ભાગવાની રીત યોગ્ય નથી. જીવનમાં ડગલે અને પગલે ‘ના’ સાંભળવાની તૈયારી પણ રાખવી પડશે.

તેઓને સમસ્યાઉકેલનું શિક્ષણ આપવું જોઈએ. સવારે ઊઠીને પ્રાતઃ ક્રિયા કરી અને દિવસભરની કામગીરીની વિચારણા કરવામાં તો સવારની ચા ઠંડી પડી જવાની છે. ઓફિસની અનેક પ્રકારની કામગીરી કરવામાં અને સાચી ખોટી રીતે રૂપિયા કમાવવામાં બપોરના ટીફીનમાંનું ખાવાનું ઠંડુ પડી જવાનું છે. જે પ્રાપ્ત થયું તે ભૂલાઈ જાય છે અને ન મળ્યું તેની બળતરામાં સંધ્યા થઈ જતાં ઊગેલો સૂરજ પણ અસ્ત થઈ જાય છે. રાત્રે આકાશને નિરખતાં નિરખતાં તારા–ચંદ્ર નજરે પડે છે, ઠંડો પવન લહેરાય છે, દિલમાં કયાંક ઠંડકનો અનુભવ થાય ત્યાં તો અધૂરાં સપનાઓ સાથે આંખ મીંચાઈ જઈ, જીંદગીની સફર પૂર્ણ થઈ જાય છે, જીવનલીલા સંકેલાઈ જાય છે. આવી પરિસ્થિતિ ન થાય તે માટે બાળકને યોગ્ય અને જરૂરી માત્રામાં જ સગવડો પૂરી પાડવી જોઈએ. તેમની સમક્ષ સગવડોનો ઢગલો કરવાનું ટાળવું જોઈએ. મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરવાનું શિક્ષણ આપવાનો યોગ્ય સમય બાળપણ છે. વ્યકિત જીવનમાં આવતી સમસ્યાના ઉકેલ કેવી ઉત્તમ રીતે લાવે છે તેના ઉપર જ તેના જીવનની સફળતાનો આધાર રહેલો છે. કવિશ્રી ઉદયન ઠક્કરની પંકિતથી બાળઉછેરની પાયાની સમજ કેળવવાનો પ્રયત્ન કરીએ:

‘‘જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,

શું કામ આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ?

સમંદર પારના પંખીને તું દે છે કયો નકશો?

છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ.


(તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધેલી છે.)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

2 comments for “ચેલેન્‍જ.edu. :: અલ્લડ સંતાનોનો અણઘડ ઉછેર

 1. Samir
  November 15, 2019 at 1:42 pm

  ખુબ સુંદર વાત ! દરેક પેઢી ને એવું લાગે છે કે અમારે પડકારો વધુ છે અને સગવડ ઓછી છે. અને આ જ વસ્તુઓ વ્યક્તિ ને ઘડે છે.અને હવે તો પૈસા ની સગવડ વધી હોવાથી નવી પેઢી કોઈ શારીરિક મહેનત માગી લે તેવા કામ માટે તૈયાર જ નથી હોતી.
  આ સમસ્યા નો હલ ઘર માં અને ઘર ના શિક્ષણમાં જ છે.
  આભાર રણછોડભાઈ !

 2. November 26, 2019 at 1:45 pm

  સચોટ વાત!
  હું પોતે મારા બાળકો સાથે આ સમાસ્યા નો સામનો કરી રહ્યો છું. ખુબજ પડકારજનક આ સમસ્યા છે, ખાસ કરી ને જયારે તમે વિભક્ત કુટુંબમાં રહેતા હોય ત્યારે. મને નથી લાગતું કે આ પ્રકારની સમસ્યાઓ અમે નાના હતા ત્યારે અમારા માં-બાપે અનુભવી હોય.

  આભાર રણછોડભાઈ !

  બાળઉછેર ની આવી જ ઘણી અન્ય challenges વિષે થોડા લેખ અહીંયા પણ જોઈ શકો છો.

  1. આપનાં બાળકોમાં શ્રેષ્ઠત્વ કેવી રીતે નિર્માણ કરશો? (https://goras.org/balakma-shreshthatva-kevi-rite-nirman-karsho-harshad-shah)
  2. બાળકોમાં હિંસકતા અને તેનો ઉકેલ (https://goras.org/balakoma-hinsakata-ane-teno-ukel-hasmukh-patel)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *