ફિર દેખો યારોં – વાહન શેમાં વૃદ્ધિ કરે? પ્રદૂષણમાં, દંડની આવકમાં કે સુવિધામાં?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

સોમવાર, ચોથી નવેમ્બરથી પાટનગર દિલ્હીમાં એકીબેકી પ્રથાનો પુન: અમલ શરૂ થયાના સમાચાર છે. આ પ્રથા અનુસાર મહિનાની એકી તારીખ હોય એ દિવસે નમ્બર પ્લેટનો આખરી અંક એકી ધરાવતાં ખાનગી વાહનો ચલાવી શકાશે અને બેકી તારીખ હોય એ દિવસે નમ્બર પ્લેટનો આખરી અંક હોય એવાં ખાનગી વાહનો ચલાવી શકાશે. આને કારણે રોડ પર વાહનોની સંખ્યામાં દેખીતો ઘટાડો થશે. તેને પરિણામે ઉત્સર્જિત વાયુનું પ્રમાણ ઘટશે, જે સરવાળે પ્રદૂષણમાં ઘટાડો કરશે. અલબત્ત, દિલ્હીમાં પ્રદૂષણની અત્યંત ઘેરી બનેલી સમસ્યાનો સામનો કરવા માટે આ ઉપાય પૂરતો નથી. આમ છતાં, ક્યાંકથી શરૂઆત થવી જોઈએ એ ન્યાયે આ પ્રથાને અમલી બનાવવામાં આવી છે. અગાઉ પણ બે વખત આ પ્રથાનો સફળતાપૂર્વક અમલ કરાયો હતો. આ સમાચારની સાથોસાથ રાજધાનીમાં પ્રદૂષણની માત્ર તીવ્ર બની હોવાના સમાચાર પણ છે.

૪ નવેમ્બરથી 15 નવેમ્બર સુધી, રવિવારને બાદ કરતાં સવારના આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા દરમિયાન આ પ્રથા અમલી રહેશે. તેનો ભંગ કરનારને ચાર હજાર રૂ.નો આકરો દંડ ભરવો પડશે. આ પ્રથામાંથી દ્વિચક્રી વાહનો, વિકલાંગો, શાળાનો ગણવેશ પહેરેલાં બાળકો હોય એવાં વાહનો અને તબીબી કટોકટીવાળા લોકોને બાકાત રાખવામાં આવ્યા છે. એ જ રીતે વાહન ચલાવતી એકલી મહિલાઓ, અન્ય મહિલા સાથે હોય એવી મહિલાઓ અને બાર વર્ષથી મોટા બાળકની સાથે હોય એવી મહિલાઓને પણ મુક્તિ આપવામાં આવી છે. બાળકોને શાળાએ લેવા કે મૂકવા માવતરો પર ‘વિશ્વાસ મૂકીને’ તેમને આ નિયમમાંથી મુક્ત રખાશે. બીજી પણ કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં બસચાલકો અને ભાડાનાં વાહનચાલકોને સામેલ કરવામાં આવ્યા છે.

અમુક વી.આઈ.પી.ને પણ મુક્તિ આપવામાં આવી છે, જેમાં મુખ્યત્વે કેન્‍દ્ર સરકારના મહત્ત્વના લોકો તથા સૈન્યનાં વાહનોનો સમાવેશ થાય છે. જરા અસામાન્ય લાગે એવી વાત એ છે કે આ યોજનાનો અમલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્યો છે. આમ છતાં, દિલ્હીના મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓનાં વાહનોનો સમાવેશ મુક્તિમાં કરાયો નથી. આ બાબત ખરેખર પ્રશંસનીય કહેવાય. મુખ્યમંત્રી પોતાની યોજનાના અમલ બાબતે કેટલા ગંભીર છે એ પણ આનાથી પુરવાર થાય છે. આમ છતાં, પ્રદૂષણની સમસ્યા સૌથી કાતિલ છે. આવાં પગલાંથી તે કદી કાબૂમાં આવવાનું નથી એ હકીકત છે. આ પગલાંનો રાજકીય વિરોધ પણ થયો છે અને તેને ચૂંટણી માટેનું ગતકડું ગણાવાયું છે. સામાન્યત: ચૂંટણી ટાણે શાસક પક્ષ લોકપ્રિય અને અમુક વાર તો લોકરંજક કહી શકાય એવાં પગલાં લેતો જોવા મળે છે. આવું પગલું ઉલટાનું શાસકને લોકોમાં અળખામણા બનાવી શકે છે. એ રાજકીય મામલામાં ન પડીએ તો પણ પ્રદૂષણની ગંભીર માત્રા બાબતે કોઈ બેમત નથી.

પાડોશમાં આવેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો ડાંગરની પરાળ કે ભૂસાને સળગાવે છે, તેને કારણે ભયાનક પ્રદૂષણ ફેલાય છે, જેની સીધી અસર દિલ્હીમાં અનુભવાય છે. જે તે રાજ્ય સરકારે આ રીતે સળગાવવા પર પ્રતિબંધ અને તેના ભંગ બદલ દંડની જોગવાઈ કરી છે, છતાં દંડ ભરીને પણ ખેડૂતો આમ કરે છે. ખેડૂતો સીધી રીતે પર્યાવરણ અને તેની જાળવણી સાથે સંકળાયેલા હોય એમ માનવામાં આવે છે. આ કિસ્સામાં પર્યાવરણના પ્રદૂષણ સાથે ખેડૂતો સીધેસીધા સંકળાયેલા છે. આ સપ્તાહ દરમિયાન દિલ્હીમાં પ્રદૂષણ અને ધુમ્મસની માત્રા કેટલી વધતી રહી તેના સમાચાર મુખ્ય રહેશે.

દિલ્હીની આ સમસ્યા અતિ ગંભીર કહી શકાય એવી છે, પણ જે શહેરોમાં આ સમસ્યા ગંભીરતાના આ સ્તરે નથી પહોંચી ત્યાં સ્થિતિ કેવી છે એ આપણે જાણીએ છીએ. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા કે સુરત જેવાં મહાનગરોમાં આ બાબતે ખાસ ચર્ચા નથી થતી તેથી એમ ન માનવું જોઈએ કે ત્યાં આ સમસ્યાની ગંભીરતા ઓછી છે, બલ્કે એમ માનવું જોઈએ કે હજી અહીં આ સમસ્યા બાબતે પૂરતી જાગૃતિ આવી નથી. આ તમામ મહાનગરોમાં જાહેર પરિવહન સુવિધા અપૂરતી છે. અમદાવાદ કે સુરત જેવામાં કહેવા ખાતર બી.આર.ટી. જેવી આધુનિક પરિવહન વ્યવસ્થા છે, પણ આ પરિવહન પ્રણાલિની બસો કોઈ ધનવાન કારચાલકની અદાથી એકલવાયી ફર્યા કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશનની લાલ બસનું પોતાનું નેટવર્ક છે, પણ તેની સાથે બી.આર.ટી.ને કોઈ લેવાદેવા નથી. આ બન્ને જાહેર પરિવહન પ્રણાલિની વચ્ચે બાકીના ખાનગી વાહનચાલકો ફરતા રહે છે. પોતે પોતાના નગરની પરિવહન પ્રણાલિનો એક હિસ્સો હોવાનું તેમને કદી લાગતું જ નથી, આથી તેઓ હંમેશાં ટ્રાફિકના નિયમોને ચકમો આપીને શોર્ટ કટ અપનાવતા રહેવાની ફિરાકમાં જ હોય છે. કાર હોય, રીક્ષા હોય કે દ્વિચક્રી વાહન હોય, સૌનો અભિગમ નિયમભંગ બાબતે એકસમાન હોય છે. તેમને બાપડાને પ્રદૂષણની સમસ્યા વિશે વિચારવાનું ક્યાંથી સૂઝે? તેમના સમય અને સુવિધા સચવાય એવી પરિવહન પ્રણાલિ સત્તાધારીઓ હજી પૂરી પાડી શક્યા નથી. એવું નથી કે એ માટેના તજજ્ઞો કે નિષ્ણાતોનો અભાવ છે. અમદાવાદમાં ‘સેન્‍ટર ફોર એન્‍વાયર્ન્મેન્‍ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી’ (સેપ્ટ) જેવી ગૌરવ લઈ શકાય એવી સંસ્થા છે, તેના નિષ્ણાતો દ્વારા થયેલા અભ્યાસ, તારણ અને ભલામણો છે. આમ છતાં, અમદાવાદ સહિત અનેક નાનાંમોટાં નગરોમાં ટ્રાફિકની વકરતી જતી સમસ્યાના ઊકેલ માટે આકરા દંડથી આગળ ચાલીને કોઈ ઉપાય અજમાવવાનું કોઈને સૂઝતું નથી. આજે દિલ્હીની જે સ્થિતિ છે, તે આવતી કાલે આપણાં નગરોની પણ નહીં હોય એની કોઈ ખાત્રી નથી. વાહનો જેમ સુવિધા સાથે સંકળાયેલાં છે, એમ પ્રદૂષણ સાથે પણ સંકળાયેલાં છે. ટ્રાફિકના નિયમોના ભંગ થકી વસૂલાતા આકરા દંડથી સરકારની આવક કદાચ વધી શકે, પણ પ્રદૂષણની સમસ્યામાં કશો ફરક પડવાનો નથી એ હકીકત છે. સત્તાધીશો એ સમજે કે ન સમજે, વાહનચાલકો આ બાબત સમજે અને પોતાની રીતે ઊપાયો વિચારે તો આ સમસ્યા નિવારવા બાબતે કંઈક થઈ શકે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭-૧૧– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – અહીં લીધેલ તસ્વીર નેટ પરથી સાભાર લીધેલ છે અને પ્રતિકાત્મક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *