ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – પ્રકરણઃ૨૨ : ૧૯૧૬થી ૧૯૩૫: ૧૯૧૭ – રશિયાની સમાજવાદી ક્રાન્તિ – ભારતમાં આઝાદીની લડત પર પ્રભાવ

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

આમ તો આપણે ગાંધીજી સાથે ચંપારણથી બારડોલી જવાના હતા પરંતુ ખરેખર તો દેશની અંદરની ઘટનાઓના વિવરણને જરા વિરામ આપવાના તબક્કે પહોંચ્યા છીએ. કારણ કે વિશ્વની એક ઘટનાએ આપણી સંઘર્ષયાત્રાને વૈચારિક અને વ્યાવહારિક સ્તરે બહુ પ્રભાવિત કરી છે. એની ચર્ચા વિના આગળ ન વધી શકાય.

૧૯૧૭ના ઑક્ટોબરની ૨૫મીએ રશિયામાં (એ વખતના કૅલેન્ડર પ્રમાણે સાતમી નવેમ્બરે) લેનિનના નેતૃત્વ હેઠળ બોલ્શેવિકોએ વચગાળાની સરકારના વડા પ્રધાન કૅરેન્સ્કીને હટાવીને સત્તા સંભાળી લીધી. સામાન્ય ચીંથરેહાલ માણસોની ભીડ ક્રૅમલીન મહેલમાં ધસી ગઈ. એ વખતે કૅરેન્સ્કી સરકારની કૅબિનેટની મીટિંગ ચાલતી હતી. લોકોએ એમને પકડી લીધા અને પછી લેનિન આવ્યા અને સત્તાનો દોર પોતાના હાથમાં લઈ લીધો. એમણે તરત જ દેશની બધી બૅંકો, જમીનો અને ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું અને ખાનગી મિલકતો કબજે કરી લીધી. રાતોરાત, રશિયાની ગરીબ જનતાનું લોહી ચૂસનારા માલેતુજારો રસ્તે રઝળતા થઈ ગયા. એ વખતે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું અને એમાં રશિયાની ઝારશાહી સરકાર ગળાડૂબ હતી. લેનિને તરત જ યુદ્ધમાંથી ખસી જવાનો નિર્ણય લીધો અને શાંતિ માટે દરખાસ્ત મૂકી. દેશની જનતા યુદ્ધની હાડમારીઓથી ત્રાસી ગયા હતા. સામાન્ય માણસને બે ટંકના સાંસા હતા ત્યારે ઉપલા વર્ગ માટે યુદ્ધ આશીર્વાદ રૂપ નીવડ્યું હતું. એમને ત્યાં પૈસાની છોળો ઊડતી હતી.

એમને શોષણમાંથી મુક્ત કરાવવાનું વચન લેનિને આવતાંની સાથે જ પાર પાડ્યું. એક નવી આર્થિક વિચારધારાનો આકાર ક્ષિતિજે ઉપસવાની શરૂઆત થઈ હતી. મૂડીવાદી અર્થતંત્રમાં ઉત્પાદનનાં સાધનોની માલિકી મૂડીદારોના હાથમાં હોય છે. કાર્લ માર્ક્સના સિદ્ધાંત પ્રમાણે જે સક્રિયપણે ઉત્પાદન કરે છે તે મજૂર વર્ગ પોતાના શરીરમાં રહેલી મૂડી, એટલે કે શ્રમશક્તિ, રોકીને માત્ર પેટપૂરતું કમાય છે. એને ઉત્પાદનનું પૂરું વળતર નથી મળતું. ખરેખર તો શ્રમ વિના કશું જ ઉત્પન્ન ન થઈ શકે. જેટલી ટેકનોલૉજી વિકસે છે તે પણ શ્રમનું જ રૂપાંતર છે. એટલે ઉત્પાદનનાં સાધનોની માલિકી મજૂર વર્ગના હાથમાં હોવી જોઈએ. લેનિને એ કરી દેખાડ્યું. આખી દુનિયા આશ્ચર્ય અને આશાઓ સાથે રશિયન ક્રાન્તિને શોષણવિહીન, ભેદભાવ રહિત સમાજના નિર્માણના પ્રારંભ તરીકે જોતી હતી. દુનિયાના ઘણા દેશોમાં આનો ઊંડો પ્રભાવ પડ્યો. બ્રિટિશ સામ્રાજ્યવાદના શોષણમાંથી મુક્ત થવા તરફડતી ભારતની જનતામાં પણ ઉત્સાહ પ્રગટ્યો કે રશિયામાં જનતાએ શોષણની ધૂંસરી ફગાવી દીધી, એવું જ ભારતમાં કેમ ન થઈ શકે?

ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામમાં હવે આર્થિક શોષણનું તત્ત્વ પણ ઉમેરાયું. જો કે આઝાદીની માંગની શરૂઆત જ આર્થિક પ્રશ્નોને લઈને થઈ હતી. આદિવાસીઓના ઠેરઠેર વિદ્રોહોનું મૂળ કારણ રાજકીય આઝાદી નહીં, એમની ઝુંટવાઈ ગયેલી આર્થિક સ્વાધીનતા પાછી મેળવવાનું હતું. શિક્ષિત અને મધ્યમ વર્ગના સ્તરે પણ દાદાભાઈ નવરોજીએ બ્રિટને કેટલું ધન લૂંટી લીધું હતું તે દેખાડ્યું જ હતું. આમ એમ તો ન કહી શકાય કે આર્થિક લક્ષ્ય નહોતું. પરંતુ રશિયન ક્રાન્તિ પછી મધ્યમ વર્ગના શિક્ષિત અને ઉદ્દામ લોકોને લાગવા માંડ્યું કે આર્થિક શોષણમાંથી મુક્ત થઈ શકાય છે અને એનો રસ્તો લેનિને દેખાડ્યો હતો.

દેશમાં અંગ્રેજોની નીતિને કારણે ગ્રામીણ ક્ષેત્રે જમીનદાર વર્ગ ઊભો થયો હતો, એનું એકમાત્ર કામ ખેડૂતોને ચૂસી લેવાનું હતું. બીજી બાજુ, ૧૮૫૩માં રેલવે બની ગઈ હતી. રેલવે માટે પથ્થરો, લાકડું વગેરે જોઈએ. એટલે જ સરકારે જંગલોનો કબજો લઈ લીધો હતો. આની અસર આદિવાસીઓ પર પડી હતી અને છેક ૧૭૭૦થી જ એ સરકારની વિરુદ્ધ લડતા હતા. રેલવેને કારણે સ્ટીલની જરૂર પણ વધી ગઈ હતી. આ કારણે જ સ્ટીલ ઉત્પાદન વગેરે ઉદ્યોગો પણ ખાનગી ક્ષેત્રમાં વધ્યા હતા જમશેદપુરમાં ટાટાનો સ્ટીલ પ્લાંટ (TISCO) ૧૯૦૭માં શરૂ થયો હતો. ૧૯૧૨માં એમાં ઉત્પાદન શરૂ થયું. સરકાર ભારતીય ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપતી હતી. મયુરભંજના રાજાએ જમશેદજીને જંગલનાં એકસો ગામડાં પ્લાંટ માટે સોંપી દીધાં ત્યારે આદિવાસીઓએ સખત મુકાબલો કર્યો હતો પણ બ્રિટિશ સરકાર વચ્ચે ન પડી. સ્ટીલનું દેશમાં જ ઉત્પાદન થાય તેમાં સરકારને રસ હતો. તે પછીના દાયકામાં ટાટાના પ્લાંટમાં મોટી હડતાળ થઈ. કામદારોએ સંગઠિત થઈને કામ બંધ રાખ્યું. પરંતુ એ વખતે કોંગ્રેસનું વલણ પણ દેશી ઉદ્યોગપતિઓ પ્રત્યે કૂણું હતું સુભાષચંદ્ર બોઝ આમ તો કામદારોના નેતા હતા, પણ ટાટાના કારખાનામાં હડતાળનું સમાધાન કરાવવામાં એમણે ટાટાને મદદ કરી. ૧૯૨૦-૨૧માં મહારાષ્ટ્રમાં મૂળા નદી પર ટાટાએ મલ્શી ડૅમ બનાવવાની શરૂઆત કરી ત્યારે સેનાપતિ બાપટની આગેવાની હેઠળ ખેડૂતોએ સત્યાગ્રહ કર્યો. પરંતુ કોંગ્રેસ એનાથી દૂર રહી. ગાંધીજીએ પણ ટાટાને માત્ર પરાણે જમીન ન લેવાની અપીલ કરી.

આમ, એ દાયકામાં રશિયન ક્રાન્તિ પછી લોકોના જુદા જુદા વર્ગોમાં પોતાના હકો માટે સભાનતા આવવા લાગી હતી. ગાંધીજીનો વ્યૂહ દેશના બધા વર્ગોને – મૂડીદારો, મજૂરો, ખેડૂતો, – એકસમાન લડાઈમાં સાંકળી લેવાનો હતો એટલે એ અંદરોઅંદરની લડાઈમાં પડતા નહોતા પણ એનો લાભ મૂડીદાર વર્ગોને મળતો હતો.

એ રીતે જોતાં રશિયન ક્રાન્તિ પછી સમાજમાં વર્ગચેતના કેળવાવા લાગી હતી. ગાંધીજીની પ્રતિભા એ જ હતી કે જે બિડલા અને ટાટા જેવા મૂડીપતિઓ સાથે મિત્રતા હોવા છતાં મજૂરો અને ખેડૂતોનો વિશ્વાસ પણ એમની સાથે હતો. ગાંધીજીના સમગ્ર ચિંતન અને કાર્યપદ્ધતિ, અને કોંગ્રેસના વ્યૂહ સામે રશિયન ક્રાન્તિએ નવાં બળો છૂટાં મૂક્યાં હતાં, પરંતુ એ બળો નકારાત્મક નહોતાં. આઝાદીની ચાહ એમનામાં ઓછી નહોતી. રશિયન ક્રાન્તિ પછી, ગાંધીજીના અહિંસક કાર્યક્રમોની સાથે જ, પરંતુ એમનાથી સ્વતંત્ર રીતે વર્ગીય આંદોલનોનો વિકાસ થયો, કામદારોએ માત્ર રાજકીય નહીં, આર્થિક આઝાદી માટે પણ કમર કસી. બીજી બાજુ, સશસ્ત્ર ક્રાન્તિકારીઓનો પણ યુગ શરૂ થયો.સશસ્ત્ર ક્રાન્તિકારીઓ ત્રાસવાદમાં માનતા હતા, (અહીં ‘ત્રાસવાદ’ શબ્દ સમજીવિચારીને વાપર્યો છે. એ યુગમાં ‘ત્રાસવાદ’ આજની જેમ એ પતિત નહોતો થયો પણ એ એક ચિંતનધારાના પ્રતીક જેવો હતો. સશસ્ત્ર ક્રાન્તિકારીઓ માનતા કે શાસકોમાં Terror પેદા ન કરીએ તો એ નમતું ન મૂકે. Terrorનો અર્થ એ નહોતો કે કોઈ સ્કૂલ કે બજારમાં જઈને નિર્દોષ લોકો પર આંધળો ગોળીબાર કરવો. જે શાસક વર્ગમાં Terror ફેલાવવામાં માનતા તે Terrorists).

અંગ્રેજી હકુમત માત્ર ભારતમાં રાજ્ય નહોતી કરતી, એ સામ્રાજ્યવાદી તાકાત હતી. ક્રાન્તિકારીઓ અને ગાંધીજી, આ બાબતે સંમત હતા. માત્ર એમની સામે Terrorનો રસ્તો લેવો કે નહીં તે એમના વચ્ચેનો વિવાદ હતો. એ જ રીતે વર્ગવાદી ચિંતકો સાથે પણ ગાંધીજીના મતભેદ હિંસા-અહિંસા પૂરતા મર્યાદિત નહોતા, એ પ્રકારના સંઘર્ષ માટે એ યોગ્ય સમય હતો કે નહીં, એ મુખ્ય મતભેદ હતો. ગાંધીજીની નજરે વિદેશી ધૂંસરી ફગાવી દેવાનું કાર્ય સૌથી પહેલાં કરવાનું હતું; અની એ સમયે આંતરિક વિરોધાભાસોને ઉછાળવાનો લાભ થાય તે કરતાં નુકસાન વધારે થાય.

નહેરુ નવા ચિંતન સાથે સંમત હોવા છતાં ગાંધીજીના રસ્તે જ ચાલતા રહ્યા, જયપ્રકાશ નારાયણ, ઈ. એમ. એસ. નાંબૂદિરીપાદ વગેરે અલગ થયા.

રશિયન ક્રાન્તિ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે બહુ મહત્ત્વની સાબીત થઈ.

સંદર્ભઃ

૧. https://www.jstor.org/stable/4374011

૨. http://www.businessworld.in/article/Book-Extract-Ear-To-The-Ground/27-06-2016-99713/


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ
dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *