હોસ્ટેલ યાત્રા – ૧

–  નિરંજન બુચ

પાછી માંકડ મારવાની દવા ગોતો, કારણ કે માંકડો પાછા આવી રહ્યા છે. (કોઈ બંધબેસતી પાઘડી પહેરી ન લે!)

૧૯૬૦/૭૦ ના દાયકામાં માંકડોનો જબ્બર ત્રાસ હતો ને રાતના શાંતિથી કેમ સૂવું તે એક સમસ્યા હતી. માંકડ એક એવી જાત છે કે તેને કાબુમાં લાવતાં દમ નીકળી જાય. એ એક એકદમ નાનું જીવડું પલંગના કોઈ એક ખૂણે એવું ભરાઈને બેઠું હોય કે એને શોધવા માટે આખો પલંગ ફેંદી નાખવો પડે ને ગાદલાની ખૂબ ઉથલપાથલ કર્યા પછી જ્યારે એ ત્રાસવાદી દેખાય ને એને પકડવા જાઓ તે પહેલા તો એ એવી કોઈક જગ્યાએ સંતાઈ જાય કે તમારી અત્યાર સુધીની બધી જ મહેનત પાણીમાં (કે લોહીમાં ?) જાય. રાતભર આ ત્રાસવાદી ફરતો હોય ને એક એવો મીઠો ચટકો ભરીને ભાગી જાય કે તમારી મીઠી નીંદર રાન થઈ જાય ને તમે પાછા ફફડતા રહો કે ક્યારે પાછો એ તમારા ઉપર હુમલો કરશે ને તમારી નીંદર હરામ કરશે.

અમે અમદાવાદમાં નવરંગપુરામાં હોસ્ટેલમાં રહેતા ત્યારે આ ત્રાસવાદી પોતાની કળાનો ભરપૂર ઉપયોગ કરતો ને અમને હંફાવવા માટે પોતાનો જાન પણ આપી દેતા ન અચકાતો. અમે એટલા ત્રાસી જતા કે રાત રાત ભર એને કેમ હંફાવવો તેના જ પ્લાન ઘડ્યા કરતા પણ એ પણ એટલો સ્માર્ટ હતો કે અમારા બધા જ પ્લાન ફેલ કરીને અમને શિકસ્ત આપતો. અમે છેવટે કંટાળીને રજા ને દિવસે લોખંડનો આખો પલંગ ખાલી કરીને અમારો ચા બનાવવાનો સ્ટવ સળગાવીને એની ફ્લેમ લોખંડના પલંગ ફરતે ઉપરનીચે ફેરવતા ને એ રીતે માંકડને નેસ્તનાબૂદ કરવાની કોશિશ કરતા. જો કે અમે આમાં સંપૂર્ણપણે સફળ ન થતા કારણ કે થોડા જ દિવસોમાં એમના સગલાઓ બીજેથી ટ્રાન્સફર લઈને અમારા પલંગને પોતાનું “હોમ સ્વીટ હોમ” બનાવી જ દેતા. ખબર નહિ, એમને અમારું લોહી બીજાના લોહી કરતાં વધારે મીઠું લાગતું હશે કે શું, તે અમને એમના શિકાર બનાવીને જ આનંદ માણતા.

ઘણી વાર રાતના આ માંકડો સ્વૈરવિહાર કરવા નીકળતા ત્યારે અમારા ગુસ્સાનો ભોગ બનતા ને તે વખતે અમારી પાસે કોઈ બીજું હાથવગું હથિયાર તો હોય નહિ કારણકે અમે વિદ્યાર્થી હતા ને આપણા દેશમાં તો વિદ્યાર્થીને એ જમાનામાં કોઈ પણ હથિયાર રાખવાની પરમીશન નહોતી કે એની જરૂર પણ નહોતી. (જો કે શિક્ષકો તો ફૂટપટ્ટી કે જાડો રૂલર રાખતા ને એમના વિદ્યાર્થી પર તેનો સદ્ઉપયોગ પણ કરતા). તેથી અમે હાજર સો હથિયાર ગણી ને અમારા એન્જીનીઅરીંગ ના રૂમ મેટ પાસે નાની હથોડી રહેતી તેનો ઉપયોગ કરતા ને એ ત્રાસવાદી જેવો વિહાર કરવા નીકળે તેવો અમે એની પર હથોડીનો એટલો જોરથી પ્રહાર કરતા કે એના ફુરચે ફુરચા નીકળી જતા ને દીવાલ પર એક સરસ મજાનું લાલ રંગ નું ચિતરામણ થઇ જાતું. અમને બધા ને સંતોષ થતો કે “આખિર હમને ખૂન કા બદલા ખૂન સે લિયા”. એક ટર્મ પૂરી થાય ત્યાં સુધીમાં અમારી દીવાલો લાલ રંગથી ચિતરાઈ જતી ને અમે કોનો કેટલો સ્કોર થયો તે એના પલંગ પાસેના ચિતરામણ ને ગણીને નક્કી કરતા.

હવે તો આ બધી સ્મૃતિઓ ભુલાઈ ગઈ ને અત્યારના વિદ્યાર્થીઓને આનો લહાવો પણ મળતો નથી તેનું ખૂબ દુખ થાય છે. પણ હોસ્ટેલમાં રહેતા મારા મિત્રો, તમારી નિરાશાનો હવે અંત આવે છે. અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે કે અહીં માંકડોએ પાછું પ્રભુત્વ જમાવવા માંડ્યું છે ને અહીં મોટેલો ને હોટેલો માં પણ તેઓએ પલંગોનો કબજો લઈ લીધો છે. અહીં બીજા કોઈ પણ ત્રાસવાદી કરતાં પણ માંકડોનો ત્રાસ અનેકગણો વધી ગયો છે. પહેલાંની જેમ ડીડીટી ને ટિક-૨૦ તો માંકડો ઘોળીને પી ગયા છે તેથી વૈજ્ઞાનીકો ચિંતામાં પડી ગયા છે કે હવે કયા શસ્ત્રથી આની સામે લડશું. આથી પ્રખર વૈજ્ઞાનિકોની એક ટીમે આ માંકડોના ડી એન એ ના જેનેટિક કોડને બ્રેક કરીને નવી દવા વિકસાવવા તરફ પ્રયાણ કર્યું છે. નહીતર આની ખરાબ અસરો ને કારણે મોટેલ ને હોટેલ ના બિઝનેસના તો ભુક્કા બોલી જાય.

જોકે આની સામે આપણે ગભરાવા જેવું કંઈ જ નથી કારણ કે અમેરિકાનિવાસી ગુજરાતીઓ લોકો માદરે વતનમાં આવશે તે પહેલાં કોઈક મોટેલમાં તો ગયા જ હશે એટલે એ લોકો પોતાની સાથે અમેરિકાની ચોકલેટ ને બીજી ઘણી બધી વસ્તુઓ પોતાના કુટુંબીઓ માટે લેતાં આવશે તેની સાથે આ યાદગાર જીવડું પણ તેમના સામાનમાં લેતાં જ આવશે એની મને ખાતરી છે, ને એટલે અમારા બધા વિદ્યાર્થી મિત્રોને અમારી જેમ જ હોસ્ટેલમાં રહેવા જેવો લહાવો નજીકના ભવિષ્યમાં જ જરૂર મળશે. માટે આપ આતુરતાપૂર્વક એની રાહ જોતા રહો એવી વિનંતી છે.


ક્રમશઃ


શ્રી નિરંજન બૂચનું વિજાણુ સંપર્ક સરનામું: nhbuch@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “હોસ્ટેલ યાત્રા – ૧

  1. Samir
    November 13, 2019 at 2:11 pm

    ભૂતકાળ ની સ્મૃતિઓ હમેશા આનંદ આપે છે ભલે તે સમયે તો એ માંકડ જેમ લોહી પીતી હોય ! અમારા ઘરે મહેમાન ઘરે થી વિદાય લે ત્યારે સૌથી પહેલું અભિયાન તેઓ એ લાવેલ માંકડો મારવાનું.નિરંજનભાઈ એ લખ્યું છે એમ આ ઝુંબેશ માં મોટે ભાગે સફળતા મળતી ના હતી પણ પ્રયત્ન તો ચાલુ જ રાખવા પડતા . આનંદ છે કે માંકડો હવે ભારત થી અમેરિકા ગયા છે !
    એક સરસ સ્મૃતિ તાજી કરવા બદલ ખુબ આભાર ,નિરંજન ભાઈ !

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.