સંસ્કૃતિની શોધમાં : ૨૧ : જો પાયે પેશાવર ઉન્હોને જન્નત પા લી

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

હરપ્પાથી આવ્યા બાદ અમે તક્ષિલાને બદલે અચાનક પેશાવર માટે મન બનાવી નાખ્યું. પેશાવર…. ગાંધાર સંસ્કૃતિ સાથે જોડતાં આ શહેરનો ઇતિહાસ અને તેની સંસ્કૃતિનું નામ લેતાં જ આપણને મામા શકુનિ અને માતા ગાંધારીની યાદ આવી જાય છે. પણ મારે પેશાવરની ટૂરનું કારણ બન્યા “બ્રિટિશ ઈતિહાસકાર માઈકલ વૂડ”. મારી આવી જ કોઈ એક ટૂરમાં મારે મી.વૂડ સાથે મળવાનું થયેલું ત્યારે તેમની પાસેથી આ પેશાવર વિષે જાણવા મળેલું તેથી એ વીકમાં અમે જ્યારે પેશાવર વિષે અમારા મિત્રોને પૂછ્યું ત્યારે તેઓ શોક્ડ થઈ મને કહે; પૂર્વીજી પેશાવર? પેશાવર જાના હૈ ક્યૂં? વહાં મૌત કે માહૌલ મેં ક્યૂં જાના હૈ, કહેતાં તેમના મુખ પર ડરનો સાયો ફરી વળ્યો.

પેશાવરનું નામ સાંભળી, મારી પેશાવર જોવા જવાની ઈચ્છા જાણી અમારા મિત્રોના મો પર જે રીતે ડરનો સાયો ફરી વાળ્યો તે જોઈ મને ખૂબ આશ્ચર્ય થયું. આનું કારણ પૂછતાં ખબર પડી કે પેશાવરના પઠાણી લોકો ઇસ્લામાબાદવાળા શહેરી લોકોને પસંદ નથી કરતાં. તેમને માટે બીજી વાત એ કે તેઓ જેમને પ્રેમ કરે છે તેમને માટે જાન કુરબાં કરી દે અને દુશ્મની હોય તો રસ્તામાં ઊભા ઊભા જ ચીરી કાઢે. ત્રીજી વાત એ છે કે પેશાવરના લોકોમાં અફઘાની લોહી પણ મિક્ષ થયેલું છે અને તેઓનો ભરોસો ન હોય, ને ચોથી વાત એ કે આસપાસ ફરતાં લોકોમાં તાલિબાનીઓ કોણ છે અને સામાન્ય પશ્તુ નાગરીક કોણ છે તેની ખબર નથી….તેથી સેફ્ટી યે નથી. આમ પેશાવરનું નામ સાંભળી અમારા મિત્રોના તો હોશકોશ જ ઊડી ગયા. પણ અંતે મારો અત્યાધિક ઉત્સાહ જોઈ તેઓ અંતે તૈયાર થઈ ગયાં.

મી.મલકાણને છેલ્લી મિનિટે કામ આવી જતાં તેમનું આવવાનું કેન્સલ થયું અને અમારો સંઘ બન્યો ૬ જણાંનો જેમાં જોડાયાં મી.એન્ડ મિસીસ અફાન, જેઓ મૂળે પેશાવરના જ હોઈ ત્યાંના જાણીતાં હતાં, મી.એન્ડ મિસીસ કારીબ, અમારો ડ્રાઈવર અને હું. આમ અમારો સંઘ તો તૈયાર થયો પણ હવે વાંધો હતો પહેરવેશનો- મારા ડ્રેસનો. હરપ્પા સુધી તો વાંધો ન આવ્યો, પણ હવે પશ્તુન્ખ્વા પ્રાંત હતો. પશ્તુન્ખ્વા પ્રાંત એટ્લે જ્યાં જવા માટે પાકિસ્તાનના જ લોકો ડરે છે તેવી ભૂમિમાં મારે એક ભારતીય -અમેરિકન કે પરદેશી ટુરિસ્ટ બની ફરવાનું હતું. આથી પેશાવર પહોંચતાં પહેલાં મારે ખરીદી કરવાની હતી શાલની…. આમ તો શાલનું મૂલ્ય ભલે ઠંડી ઊડાડવાં માટે હોય પણ અત્યારે મારે માટે શાલનું મૂલ્ય અલગ થઈ ગયું હતું. કારણ કે આ લોકો ઇસ્લામાબાદની મોર્ડન પ્રજા કરતાં વધુ જુનવાણી ગણાય છે તેથી મારે મારી ઓળખ છુપાવવાની હતી આ પશ્તુ-અફઘાન લોકોથી, તાલિબાનીઓથી, ઇસ્લામની વિરુધ્ધ પાશ્ચાત્ય અસરવાળી સ્ત્રીની………ન જાણે કોણ ક્યારે હુમલો કરી દે…. તેથી અમે પેશાવરને રસ્તે પડીએ તે પહેલાં શાલની ખરીદી કરી. પણ શાલ, સાથીઓ, સફર, શાંતિ અને સમય આ પાંચેય વાત અત્યારે તો કેવળ શારીરિક રૂપે હતી, પણ માનસિક રૂપે તો એક અજાણ્યો ડરે ય હતો કારણ કે તાલિબાનીઓની કેટલીયે જાણેલી-વાંચેલી વાતો મારા મન-મગજ ઉપર કબ્જો જમાવી રહી હતી.

પેશાવર:-

આજના પાકિસ્તાનનું સૌથી જૂનું શહેર ગણવું હોય તો તે કેવળ પેશાવર છે. પેશાવર….જ્યારથી આ શહેરનું અસ્તિત્ત્વ આવ્યું ત્યારથી આ શહેર ક્યારેય વિરાન નથી બન્યું. પણ તેની સંસ્કૃતિઓ અને નામ વારંવાર બદલાતા રહ્યાં છે. આ પેશાવર વિષે માન્યતા હતી કે; જેમણે પેશાવર મેળવી લીધું તેમને જન્નત મળી ગયું. આ જ જન્નતની લાલચે કેવળ મધ્ય એશિયાના શાસકો જ નહીં પણ ચીન, મોંગોલના શાસકોએ પણ આવીને આ શહેર ઉપર કબ્જો જમાવવા પ્રયત્ન કરેલા અને તેમાં તેઓ સફળ પણ થયેલાં. આ શાસકોએ આ નગર ઉપર કબ્જો કર્યો તેનું એક કારણ એ કહી શકાય કે આ નગર એક સમયે હિંદુસ્તાનમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ ગણાતો હતો. પણ એ સમયના જન્નતની હાલત આજે તાલિબાનીઓએ દોઝખ (નર્ક) જેવી કરી નાખી છે.

પેશાવરનો ઇતિહાસ આપણને હરપ્પાની જેમ ૫૦૦૦ વર્ષ પાછળ લઈ જાય છે. સમ્રાટ કનીષ્કે ઇ.સ પૂર્વે બીજી સદી ‘પુરુષપુર’ નગર વિકસાવ્યું હતું. ગ્રીક હિસ્ટોરીયન હોરોડોટ્સના મુજબ ૫૦૦ BCમાં આ શહેરનું નામ “કાસપાપોરસ” હતું. જ્યારે આ સ્થળે શિકાગો ઇન્સ્ટીટ્યુટના આર્કિયોલોજિસ્ટો કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમને પથ્થરમાં કોરાયેલ એક લિપિ મળી આવી જેમાં આ સ્થળનું નામ “પાસકાપોરો” લખાયેલું હતું. ત્યારપછી સમયાંતરે વારંવાર આ શહેરનું નામ કિસાનપુર, પારાસપુર, પરસાપુર, શાહપુર, બાકરામ એમ બદલાતું રહ્યું અને અંતે બદલાતું, અપભ્રંશ થતું આ શહેરનું નામ પેશાવરમાં તબદીલ થયું. બીજી માન્યતા એ છે કે અયોધ્યાનંદન ભરતજીનાં બીજા પુત્ર “પુષ્ય” એ પુષ્યપુર નગરી વસાવેલ, જે અપભ્રંશ થઈ પેશાવરમાં ફેરવાયું. પણ “પુષ્યપુરની આ માન્યતાને ઈતિહાસકારો અને પુરાતત્ત્વવાદીઓ તરફથી કોઈ પુરાવા મળ્યાં નથી.”

નામ ની વાત બાદ કરીએ તો જાણીએ કે, આ શહેર ઉપર અનેકવાર ગ્રીક લોકોએ કબ્જો કર્યો અને અનેકવાર અલગ અલગ શાહ, સુલતાન, પાદશાહ અને રાજાઓએ ગ્રીકલોકો પાસેથી આ શહેરને છોડાવ્યું. અંતે આ શહેર ઉપર બૌધ્ધ, મૌર્ય, મુગલ અને અંગ્રેજ સંસ્કૃતિની યે અસર પડી. આ નગરે મધ્ય એશિયામાંથી આવતી ગાંધાર કલાને ખૂબ પ્રાધાન્ય આપ્યું. જેથી કરીને ગાંધાર મૂર્તિકલા અને શિલ્પકલામાં આ શહેરે આંતરરાષ્ટ્રીય સ્થાન પ્રાપ્ત કર્યું. જો’કે આ કલા માટે બીજી માન્યતા એ પણ છે કે ગાંધાર કલા એ યૂનાની કલા અને ભારતીય કલાના મિશ્રણથી બની છે. પણ પાકિસ્તાની ઇતિહાસકાર જુવેસ ફારૂખી આ માન્યતાને માન્ય નથી રાખતાં. ઇ.સ ૧૦૦૧માં મહેમૂદ ગઝની જ્યારે આ સ્થળ પર આવ્યો ત્યારે પેશાવરના મેદાની વિસ્તારોમાં ચોકી કરતાં ભારતીય રાજા જયપાલ અને રાજા નાવેપાલ સાથે યુધ્ધ થયેલું. આ યુધ્ધમાં નાવેપાલનું મૃત્યુ થયું પછી રાજા જયપાલ હારી ગયો. હાર્યા બાદ મહેમુદ ગઝનીના હાથમાં જીવતાં પકડાઈ નામોશી ધારણ કરવા કરતાં મરીને વીરતા ધારણ કરી સ્વર્ગમાં જવું વધારે સારું એમ માનીને રાજા જયપાલે ખુદની ચિતા સળગાવી તેમાં બળી મર્યો. આ યુધ્ધ પછી પશ્ચિમ પ્રાંતમાંથી ગઝની સાથે લડનારું કોઈ રહ્યું નહીં અને તે ભારતીય ઉપખંડ સુધી સરળતાથી પહોંચી ગયો.

ગાંધાર મહાજન:-

ગાંધાર સંસ્કૃતિ સાથે જોડતાં આ શહેરનો ઇતિહાસ પણ બહુ રોચક છે. જો’કે ગાંધાર સંસ્કૃતિનું નામ લેતાં જ આપણને સૌથી પહેલાં તે સમયના બે અમર પાત્રોની યાદ આવી છે તે છે મામા શકુનિની અને માતા ગાંધારીની. પ્રાચીન ભારતના ૧૬ મહાજન પદમાં એક ગાંધાર દેશ હતો. આ દેશ પાકિસ્તાનની પશ્ચિમે અને અફઘાનિસ્તાનની પૂર્વ દિશાએ આવેલ છે. ગાંધારનો અર્થ થાય છે “સુગંધ”. આ દેશની વાર્તા રાજા યયાતીથી શરૂ થાય છે. રાજા યયાતીને પુરુ, યદુ, તુર્વસુ, અનુ અને દ્રુહુ નામના પાંચ પુત્રો હતાં. આ પાંચ પુત્રોમાંથી દ્રુહુને આ ગાંધાર દેશની ભૂમિ મળી હોવાથી ગાંધાર દેશના દરેક નરેશને દ્રુહુના વંશજ માનવામાં આવ્યાં છે. આ દેશના એક રાજાનું નામ હતું “સુબલ”. આ સુબલ રાજાને વિવિધ રાણીઓથી ૧૦૦ દીકરા અને સુબલા અને સુગંધા નામની ૨ દીકરીઓ હતી, જેમાંથી “સુબલા” જે હસ્તિનાપુરની મહારાણી તરીકે બની પણ રાજકુમારી ગાંધાર દેશમાંથી આવતી હોય તે “ગાંધારી” તરીકે પ્રખ્યાત બની. રાજકુમારી સુબલાના હસ્તિનાપુર આવ્યા બાદ રાજકીય દાવપેચમાં ૧૦૦ રાજકુમારોને અને રાજા સુબલને હસ્તિનાપુરે કેદમાં નાખ્યાં. આ કેદની અવસ્થામાં આ ૧૦૦ એ દીકરાઓ અને રાજા સુબલને લગભગ નહિવત જેવુ ભોજન અપાતું. મહારાજ સુબલનાં આ સોએ દીકરાઓમાં શકુનિ વધારે ચતુર અને શઠ પ્રવૃતિનો હોઈ સર્વે ભાઈઓ અને તેનાં પિતાએ પોતાનાં ભાગનું ભોજન શકુનિને ખવડાવી જીવંત રાખ્યો જેથી કરીને ભવિષ્યમાં તે હસ્તિનાપુર ઉપર પોતાનો બદલો લઈ શકે. આમ પોતાના વંશનો બદલો લેવા માટે શકુનિએ મહાભારતના યુધ્ધનું નિમિત્ત બન્યો.

(પેશાવરમાંથી જાણવા મળેલી વાત મુજબ) જ્યારે સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ગાંધાર દેશમાં અભિસાર, તક્ષશિલા, અભિશ્રુતિ વગેરે જેવી નાની નાની રિયાસતો હતી. મૌર્ય સામ્રાજ્યમાં ગાંધાર દેશ પૂર્ણ રીતે સમાયેલ હતો. આ દેશનું કેન્દ્ર શહેર “પુરુષપુર” હતું જેનું અસ્તિત્ત્વ ૬૦૦ BC થી ૧૧ મી સદી સુધી રહ્યું.

બૌધ્ધ ધર્મની અસર:-

કુશાણોનાં સમયમાં અહીં બૌધ્ધ ધર્મ ખૂબ ફૂલ્યો ફાલ્યો તે દરમ્યાન આ પ્રાંતનું મુખ્ય કેન્દ્ર તક્ષશિલા બન્યું. તક્ષશિલાને બૌધ્ધ સાધુઓએ વિદ્યાના ધામ તરીકે વિકસાવ્યું અને અહીં વિદ્યાપીઠનું નિર્માણ કર્યું. મહારાજ કનિષ્ક પ્રથમના બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેમણે અહીં ભગવાન બુધ્ધની થોડી રાખ અને આપને ચઢાવવામાં આવેલાં ફૂલોને સાથે રાખી અહીં એક સ્તૂપનું નિર્માણ કર્યું જે આજે “કનિષ્ક સ્તૂપ”ને નામે પ્રસિધ્ધ છે. આ સ્તૂપામાં મહારાજ કનીષ્કે બહુધા પ્રમાણમાં સાલ અને સાગની લાકડીનો ઉપયોગ કર્યો. આ પ્રથમ સ્તૂપા એવું હતું જેની ટોચ પર તેર માળ ઊંચો કાષ્ઠમંડપ અને વિહાર બનાવવામાં આવ્યો હોય. તૃતીય રાજા કનિષ્કે પોતાના શાસનકાળ દરમ્યાન આજ સ્થળે બૌધ્ધ સાધુઓની સંગતી બોલાવી બૌધ્ધ ધર્મના પ્રાચીન હીનયાન અને નવીન મહાયાન એમ બે ભાગ કરેલાં આ બંને ભાગમાંથી પ્રાચીન હીનયાનના બૌધ્ધ સાધુઓ પૂર્વ એશિયા તરફ અને નવીન મહાયાનના બૌધ્ધ સાધુઓ પશ્ચિમ એશિયા તરફ બૌધ્ધ પ્રચાર કરવા નીકળેલા.

પેશાવરની બજાર:-

પેશાવરમાં દાખલ થતાં જ શહેરનો જે ભાગ દેખાય છે, તે છે બાલાહિસ્સાર ફોર્ટનો. આ ફોર્ટ પાસે અમે અફાનજીના મિત્ર ઉસ્માનજીને મળ્યાં, જેઓ આ દિવસ માટે અમારા ગાઈડ હતા. અમે સલામ કરી. તેઓએ પૂછ્યું કે તમે જૂનું પેશાવર જોશો કે નવું પેશાવર? ઇતિહાસની રસિક તરીકે મારી ઓળખાણ તો જૂના પેશાવર સાથે હતી, તેથી અમે તે તરફ જ જવાનું નક્કી કર્યું. પરંતુ આ જૂના પેશાવરને નજીકથી જોવા માટે અમે અમારી કારને છોડી દીધી અને અનેક લોકલ લોકો સાથે એમાંનાં જ એક છીએ એમ માની નીકળી પડ્યાં.

જૂના પેશાવરનાં વિવિધ જીવનને જોતાં જોતાં અમે જ્યારે જૂની બજારમાં પહોંચ્યાં ત્યારે ત્યાં સારી એવી ભીડ હતી, પણ ભીડમાં જોવાની વાત એ હતી કે અમારી આજુબાજુ જે ફરી રહ્યાં હતાં તેમાં મોટાભાગના પુરુષો જ હતા. જે વેચાણ કરી રહ્યાં હતાં તેઓ પુરુષો હતા અને જે ખરીદી રહ્યા હતા તેઓ પણ પુરુષો હતા. સ્ત્રીઓનું પ્રમાણ લગભગ નહિવત્ હતું. ઉસ્માનજી સાથે અમે સૌ પહેલાં યૂનાની દવાઓના સ્ટોર પર પહોંચ્યાં. આ એજ સ્ટોર હતો જેમાં ક્યારેક ઈતિહાસકાર માઈકલ વૂડ ગયા હતા. માઈકલ વૂડ આ સ્ટોર પર પહોંચેલા તેનું કારણ હતું ‘માહૂ’ નામની યૂનાની દવા. આ યૂનાની દવાને આપણે સરળભાષામાં આયુર્વેદને તરીકે ઓળખી શકીએ છીએ, અને એમાં આ માહૂ એટ્લે ‘સોમાવલ્લી’ નો છોડ. એક સમયે આ સોમવલ્લીમાંથી ‘સોમરસ’ બનાવવામાં આવતો હતો. જે દેવોનું પ્રિય પીણું હતું. ખાસ કરીને સોમરસ અને ઇન્દ્ર રાજા એક સાથે વણાયેલ છે. આ પીણાંથી દેવો હંમેશા મદમાં રહેતા અને ચીરયુવાન રહેતા હતા તેવી માન્યતા પૌરાણિક ગ્રંથોમાં રહેલી છે. જોકે; ઈરાની સંસ્કૃતિએ કેનાબીસ (ગાંજો), એફેદ્રા, પોપીસિડ્સ (ખસખસ) અને દાડમના રસનાં મિશ્રણને સોમરસ તરીકે ઓળખેલ છે. આ પ્રમાણે જોઈએ તો દાડમના રસ સિવાય અન્ય ત્રણેય વસ્તુઓ નશાની જ વસ્તુઓ છે, તો પછી આ ત્રણેય નશાકારક વસ્તુઓનાં સેવન પછી ઇન્દ્રની બુધ્ધિ જો બગડતી હોય તો એમાં શું નવાઈ?

ખેર, આ યૂનાની સ્ટોરમાં અમે પહોંચી જ્યારે માહૂ વિષે પૂછ્યું ત્યારે તે સ્ટોરવાળાને બહુ નવાઈ લાગી. અમારા ગ્રૂપમાંથી કેવળ હું જ હતી, જેનો ચહેરો તેમનાં લોકલ ગ્રૂપથી જુદો પડી રહ્યો હતો. માહૂ નામ અમારી પાસેથી સાંભળતાં જ તે કહે ગયા વરસે એક અંગ્રેજ આ જ વસ્તુ શોધતો અહીં આવેલો. આ સાંભળી મારું મો અતિહર્ષથી ભરાઈ ગયું. જ્યારે માઈકલ સાથે વાત થયેલી ત્યારે તેણે મને આ સ્ટોર વિષેની વાત કરેલ હતી, અને હું પણ અનાયાસે એ જ સ્ટોર પર ગઈ. આ ઓળખાણ પછી તે સ્ટોરવાળાએ માઈકલની થોડી વાતો કરી, અને પછી અમે પણ માહૂની ખરીદી કરી ત્યાંથી આગળ વધી ગયાં. મે જે માર્કેટ જોઈ તે માર્કેટમાં ૧૩ -૧૪ વર્ષની બાલિકાઓ કામ કરતી નજર આવી પણ અગાઉ જણાવ્યું તેમ સ્ત્રીઓની સંખ્યા બહુ ઓછી હતી. જે થોડીઘણી સ્ત્રીઓ કામ કરતી હતી તેમણે કેવળ આંખ દેખાય તેવા આબાયા પહેરેલા હતાં. મે ૨૦૧૧ ની ટૂરમાં જૂના લાહોરની બજારમાં જે આબાયા પહેરેલી સ્ત્રીઓ જોઈ હતી તે સ્ત્રીઓની સરખામણીમાં આ સ્ત્રીઓના આબાયા તદ્દન ભિન્ન હતાં. આ સ્ત્રીઓના આબાયામાં મોટેભાગે ગ્રે અને સફેદ રંગના હતાં જે જાડા કોટનમાંથી બનાવવામાં આવેલ. કદાચ બહુ સામાન્ય પરિવારની સ્ત્રીઓ હશે તેથી જ અથવા તો આ પ્રાંતમાં સારી એવી ઠંડી પડતી હશે તેથી. પુરુષોનો પહેરવેશ પઠાણી હતો અને મોટાભાગે માથા પર સાફો બાંધેલો હતો. બહુ જૂજ પુરુષોએ અને કિશોરવયના છોકરાઓએ ફૂમતાવાળી મિયાં ટોપી પહેરેલી હતી.

પેશાવરની માર્કેટમાં મને વિવિધ વસ્તુઓ સાથે ખાસ કરીને યૂનાની ( આયુર્વેદની ) જડીબુટ્ટીઓ, વિવિધ રંગની ઝાંયવાળા પર્વતીય મીઠાના ટુકડાઓ, હિંગના ટુકડાઓની ઘણી દુકાનો દેખાઈ. હિંગ આપણી રસોઈને સુંદર સોડમ આપનાર હિંગ એક સમયે અફઘાનિસ્તાનથી આવતી હતી. અફઘાની પઠાણો હિંગ, આલૂબુખારા, જરદાલું, કિસમિસ વગેરે લઈને હિંદુસ્તાનમાં વેંચવા નીકળતા હતા. આ ડ્રાયફ્રૂટસના ઢગલાઓ જોઈ દાદા ઠાકુર રવિન્દ્રનાથનો “કાબુલીવાલો” મારા મનમાં ઝબકી ગયો જે કોઈક સમયે આ જ ઊભી બજારેથી પોતાની ઝોળીમાં સામાન નાખી હિંદુસ્તાન તરફ નીકળેલો હતો.

આ જૂના પેશાવરની માર્કેટમાં ફરતાં મને ગાંધાર કલામૂર્તિને દર્શાવતાં ઘણા સ્ટોર જોવા મળ્યા. જેમાંની વસ્તુઓ માટીથી લઈ બ્રાસમાંથી બનેલી હતી. ઉસ્માનજીનું કહેવું હતું કે ગાંધાર કલા મૂળે તો અફઘાનિસ્તાનથી અહીં આવી હતી પણ આ નગરના રાજાઓએ આ કલાને બહુ ઉત્તેજન આપ્યું. આ ઉત્તેજન પછી આ કલા હિંદુસ્તાન તરફ ગઈ.


©૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ | purvimalkan@yahoo.com

2 comments for “સંસ્કૃતિની શોધમાં : ૨૧ : જો પાયે પેશાવર ઉન્હોને જન્નત પા લી

 1. નિરંજન બૂચ
  November 22, 2019 at 8:20 am

  બહુ જ વિદ્વતાપૂરણ વર્ણન , મજા આવી વાંચવા ની , મારા પિતાશ્રી આજથી 90 વરશ પહેલા પેશાવર ને ઓસામા બિન લાદેન ને માર્યો તે એબોટાબાદ કરાચી થી કામકાજ માટે ગયા હતા . એબોટાબાદ હવાફેર નું સ્થળ હતું જ્યારે પેશાવર બીઝનેસ સેંટર હતું . પુશતુ ભાષા ખુબ જ મીઠી ભાષા છે ને એમનું સંગીત તો માણવાલાયક છે , મોકો મળે તો પુશ્તુ સંગીત માણજો , અમે બાળપણ મા ખુબ માણ્યું છે

  • Purvi
   November 23, 2019 at 4:10 pm

   નિરંજનભાઈ આપ સાથે છો તેથી ફરવાની મજા પડે છે. આપે જે સિટી કહ્યું તે સિટીની અમે પણ નજીક હતાં ત્યારે જ્યારે ઓસામા બિન લાદેનને અમેરિકાએ માર્યો. આ પ્રસંગ ૨ જી મે ૨૦૧૧ નો છે. આ ૨૦૧૧ની પ્રવાસકથા અને એ સમયનું વાતાવરણ કેવું હતું તેનું વર્ણન આપને નીચેની લિન્કમાં વાંચવા મળશે.

   http://birenkothari.blogspot.com/2012/07/blog-post.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *