ટાઈટલ મ્યુઝીક – ૨૧ – એક દિલ સૌ અફસાને (૧૯૬૩)

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

શંકર-જયકિશનની જોડીએ રાજકપૂર દ્વારા નિર્મિત ફિલ્મોમાં સંગીત આપ્યું, જેમાં તેમની એક વિશેષ શૈલી જોવા (સાંભળવા) મળતી. આ ઉપરાંત રાજ કપૂર મુખ્ય ભૂમિકામાં હોય એવી, ‘આર.કે.’ બેનર સિવાયની પણ અનેક ફિલ્મોમાં તેમનું સંગીત હતું. ‘ચોરી ચોરી’, ‘અનાડી’, ‘આશિક’, ‘મૈં નશે મેં હૂં’, ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’, ‘દીવાના’, ‘કન્હૈયા’ વગેરે…એક વ્યાપક માન્યતા એવી છે કે ‘આર.કે.’ સિવાયની ફિલ્મોના સંગીતમાં પણ રાજ કપૂરનું કંઈ ને કંઈ પ્રદાન (કે હસ્તક્ષેપ) રહેતું. અલબત્ત, શંકર-જયકિશનની જોડી પૂરતી કાબેલ હતી, એટલે આ વાત કેટલી હદે સાચી છે એની જાણ નથી.

આવી જ એક ફિલ્મ હતી 1963માં રજૂઆત પામેલી ‘એક દિલ સૌ અફસાને’, જેમાં રાજ કપૂર અને વહીદા રહેમાનની મુખ્ય ભૂમિકા હતી.

આ ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, જે શૈલેન્દ્ર અને હસરત જયપુરીએ લખેલાં હતાં. એક જ ફિલ્મમાં બબ્બે ગીતકાર હોય તો કયું ગીત કોણે લખ્યું હશે એની ખબર શરૂઆતમાં પડતી નહોતી, પણ ધીમે ધીમે ગીતકારની શૈલી ઓળખાવા લાગી, એમ ખ્યાલ આવતો ગયો કે અમુક રીતનું ગીત હોય તો એના ગીતકાર આ જ હોવા જોઈએ. આ ફિલ્મનાં ગીતો(https://www.youtube.com/watch?v=VWnAWnTqHU8)ની વાત કરીએ. સાત ગીતોમાંના ‘મસ્ત નજર દેખ ઈધર’ (મુકેશ), ‘સુનો જી સુનો, હમારી ભી સુનો’ (મુકેશ), ‘તુમ હી તુમ હો મેરે જીવન મેં’ (લતા, રફી), ‘દૂર કે ઓ ચંદા’ (લતા) જેવાં ગીત સાંભળતાં જ સમજાય કે તે શૈલેન્દ્રની કલમમાંથી નીપજ્યાં છે. તો ‘કુછ શેર સુનાતા હૂં મૈં’ (મુકેશ), ‘ઓ જાદુગર પ્યાર કે યે બતા’ (લતા) અને ‘એક દિલ ઔર સૌ અફસાને’ (લતા) જેવાં ગીતો પર હસરતનો સિક્કો છે એમ લાગ્યા વિના રહે નહીં.

ફિલ્મના ટાઈટલ મ્યુઝીકની વાત કરીએ તો, અહીં ટાઈટલ એનિમેશન દ્વારા બનાવેલાં છે. સામાન્ય રીતે આ પ્રકારનાં ટાઈટલમાં એકાદી કેન્દ્રીય ધૂન હોય અને જેમ જેમ એનિમેટેડ પાત્રો વિવિધ હરકત કરે એ પ્રકારના હાસ્યપ્રેરક ધ્વનિ વાગતા જાય એમ જોવા મળે છે. અહીં એ તરકીબ અપનાવાઈ નથી, તેને કારણે એક અદ્‍ભુત ધૂન આપણને સાંભળવા મળે છે.

ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક 0.12 થી ફૂંકવાદ્યો અને તંતુવાદ્યસમૂહથી આરંભાય છે, જે છેક 0.50 સુધી ચાલે છે. એ પછી શરૂ થાય છે ટાયશોકોટો (કે મેન્‍‍ડોલીન?) પર શંકર-જયકિશનની એ જ જાણીતી શૈલીવાળી ધૂન, જે ફિલ્મના ‘શિર્ષકગીત’ ‘એક દિલ ઔર સૌ અફસાને, હાયે મહોબ્બત હાયે જમાને’ની છે. આ વાદનશૈલી અને ધૂનનું સામ્ય ઘણે અંશે ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ ગીત સાથે હોય એમ લાગ્યા કરે છે. 1.17 થી ફરી એક વાર તંતુવાદ્યસમૂહ પ્રવેશે છે, જે 1.32 સુધી ચાલુ રહે છે. 1.32થી એકોર્ડિયન વાદન આરંભાય છે. 1.36થી આ ગીતના અંતરાની ધૂન આગળ વધે છે, જે ફ્લૂટ અને અન્ય વાદ્ય પર હોય એમ લાગે છે. 1.54 થી ફરી પાછું તંતુવાદ્ય પર મુખડું શરૂ થાય છે, જે છેક 2.15 સુધી છે. 2.15થી એકોર્ડિયન પર ‘તુમ હી તુમ હો મેરે જીવન મેં’ની ધૂન આરંભાય છે, જે છેક 2.35 એટલે કે ટ્રેકના અંત સુધી ચાલુ રહે છે.
અહીં આપેલી આખી ફિલ્મની લીન્‍‍કમાં 0.12 થી 2.36 સુધી ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.


(All the images are taken from net.)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ટાઈટલ મ્યુઝીક – ૨૧ – એક દિલ સૌ અફસાને (૧૯૬૩)

 1. Nickey chrstie
  November 11, 2019 at 1:01 pm

  Nice write up birenbhai

  • બીરેન કોઠારી
   November 20, 2019 at 1:07 pm

   આભાર, નિકીભાઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *