પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં. ૧૬

નયના પટેલ, લેસ્ટર, યુકે

પ્રિય દેવી,
દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો બાંધવા ન દેવાય એ વાત ખૂબ ગમી. એજ રીતે પ્રલોભનોમાં લપસી પડતાં લોકો માટે તેં યોજેલી મેનકા અને વિશ્વામિત્રની ઉપમા ખુબ જ સ-રસ લાગી. એટલે હવે આવું તારી બાળકોને અમેરિકામાં મળતા શિક્ષણની વાત ઉપર.

અહીં યુ.કે.માં પણ નર્સરી(રીસેપશન ઈયર)થી શિક્ષણ પધ્ધતિ દ્વારા એમની અંદર રહેલી કુદરતી ટેલન્ટને બહાર આવવા દેવા માટે જે પ્રયત્ન થાય છે તે સાચે જ ઉમદા છે. અહીં ‘સ્પેશીયલ નીડ્સ’નો એક વિભાગ અલગ કરીને સ્કુલોમાં જે બાળકો સામાન્ય બાળકો કરતાં થોડા માનસિક રીતે નબળા હોય અને ભણવામાં તકલીફ પડતી હોય એવા વિદ્યાર્થીઓને માટે સામાન્ય સ્કુલોમાં જ ખાસ સગવડ કરી આપવામાં આવે છે. જેથી તેઓ લઘુતાગ્રંથીથી ન પીડાય અને એમને પણ લાગે કે તેઓ સામાન્ય બાળકો જેવાં જ છે.

શારિરીક અને માનસિક રીતે અક્ષમતા ધરાવતાં બાળકો માટે પણ અલગ સ્કુલો રાખીને બને એટલા એ લોકોને સક્ષમ, સ્વતંત્ર બનાવવાનો પ્રયત્ન કરે છે જેથી શારિરીક ખોડ હોય કે ઉંમરના પ્રમાણમાં માનસિક રીતે અવિકસિત હોય તેવા બાળકોને અન્યો પર ઓછો આધાર રાખવો પડે.

અમેરિકા અને યુ.કે.ની શિક્ષણ પધ્ધતિમાં બહુ મોટો તફાવત કદાચ નહી હોય પરંતુ તે માટે આર્થિક સહાયતાની રીત ઘણી જુદી છે એમ મારું માનવું છે. યુ.કે.માં પ્રથમ ૧૦,૦૦૦ પાઉંડ કમાયા પછીની કમાણી પર ટેક્ષ ૨૨%થી શરુ થઈ ૩૦%/૩૫% સુધી આપવો પડે છે એના બદલામાં શિક્ષણ, બાળ ઉછેર, મેડીસીન વિગેરે નિઃશૂલ્ક છે. હોસ્પિટલની સેવાઓ પણ મફત મળે છે. જ્યારે અમેરિકામાં વ્યક્તિગત વીમાની પધ્ધતિ છે એમ મેં વાંચ્યું છે. વીમો ન હોય તેવી વ્યક્તિઓને સેવાઓ નિઃશૂલ્ક મળતી નથી. શું એ સાચું છે?

તું કહે છે તેમ બાળકોને મળતી તકોને લીધે કેટલાય ભારતિય વિદ્યાર્થીઓ ભારતનું નામ ઉજાગર કરે છે અને તેથી ગૌરવની લાગણીની સાથે સાથે આંખમાં કંઈ પડે અને ખૂંચે તેમ એક વાત થોડી મનને કઠે છે અને એ કે ભારતમાં જો એ લોકોને આ તક મળે તો આપણું બુધ્ધિધન આપણા જ દેશના વિકાસાર્થે વપરાયને!

ખેર, આ સિવાય પણ યુ.કે.માં જે સેવાઓ મળે છે તેમાં ઘટાડાઓ થતાં રહે છે તેના કારણો અનેક છે પરંતુ તેમ છતાંય સરકારી બેનીફીટ્સ અહીં જે મળે છે એ કદાચ વિશ્વમાં અજોડ છે. બેકારી ભથ્થાથી શરુ કરી,બાળક ૧૬ વર્ષનું થાય ત્યાં સુધી મળતું ચાઈલ્ડ બેનીફીટ, જન્મેલા બાળકની માતાને એક વર્ષ સુધી મળતી મેડિકલ સેવાઓ અને મેડિસિન્સ બધું જ મફત મળે. આ ઉપરાંત વૃધ્ધોને મળતાં કાંઈ કેટલાય જાતનાં બેનીફિટ્સ અને તેમની કાળજી રાખનારને મળતી સહાય અને એવું તો ઘણુંય. એટલે અહીં આવવા માટે લોકોનો ધસારો ઓછો નથી. ખાસ કરીને યુરોપીયન યુનિયન બન્યા પછી જ્યાં જ્યાં યુરોપિયન લોકોએ રાજ કર્યું હતું તે બધા જ અહીં કાયદેસર આવી શકે છે-દા.ત. પોર્ટુગીઝ લોકોએ દીવ-દમણ પર રાજ કર્યં હતું-પોર્ટુગીઝ કોલોની હતી એટલે ત્યાં અને પોર્ટુગલમાં રહેતાં લોકો અહીં આવે છે. એ જ રીતે બોઝ્નીયા,સોમાલી જેવા દેશોમાંથી પણ અઢળક લોકો આવે છે. અને અસાયલમ સીકર આવે તે જુદા!!

અમેરિકાની જેમ માત્ર વ્યવસાયી હોય કે માત્ર ભણવા માટે જ આવનારા લોકો પ્રમાણમાં અહીં ખૂબ ઓછાં છે. એટલે જ અહીં એક નવી દુનિયા છે. તેં કહ્યું તેમ તને જેમ ૩૬ વર્ષના વ્હાણા વાયા તેમ મને ૪૭ વર્ષના વ્હાણા વાયા.  હવે આપણે માટે આ નવી દુનિયા નથી રહી. આપણે એના એક અભિન્ન ભાગ બની ગયા છીએ અને છતાંય…છતાંય  ભારત જઈએ એટલે અંતરને તળીયેથી એક  જે હાશકારો નીકળે છે એ અહીં નથી થતો.

એક વખત હતો દેવી, કે જગજીત અને ચિત્રા સીંઘનું પેલું પ્રસિધ્ધ ગીત- હમ તો ભયે પરદેશમેં, દેશમેં નીકલા હોગા ચાંદ….સાંભળીને રડવાનું બંધ ન્હોતું થતું અને હવે કદાચ અનુભવો, ઉંમર કે પછી જમાનાની થપાટો ખાઈ ખાઈને સ્પંદનહીન બની ગયેલું મન! સાચે જ ક્યારે અને ક્યાં બાળપણની નિર્દોષતા ખોવાઈ ગઈ એ જ ખબર ન પડી!

કૃષ્ણ દવે મારા માનીતા કવિઓમાંથી એક છે તેમની એક પંક્તિ યાદ આવે છે-

‘સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બહાર, કળી કહે કે થોભ જરા હું ખોલી નાખું દ્વાર’.

અને એ દ્વાર એવા ખુલ્યા કે હવે પેલી સુગંધ અને ઝાકળ ભૂતકાળ બની ગયાં નહી?

હાલમાં જ આ. ભીખુદાન ઘડવીને પદ્મવિભુષણનો ખિતાબ મળ્યો વાંચીને ખુબ આનંદ થયો એમની કહેલી એક જોક કહું. ઘણા વર્ષો પહેલા સાંભળી હતી-

એક ભાઈને તેઓ મળવા ગયા ત્યારે એ ભાઈ જડબે હાથ દઈ બેઠાં હતાં, એમણે પૂછ્યું શું થયું?

તો એ ભાઈએ કહ્યું, ‘ ઈસ્ત્રી કરતો’તો ને ફોન આવ્યો!!!!!!

હસવું આવ્યું કે નહીં યાર?

નીનાની સ્નેહ યાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.