





વિવેક મનહર ટેલર
આંબાના ઝાડને અઢેલીને
હું કવિતા લખવા બેઠો છું.
મારે આજે ઇશ્વરની કવિતા કરવી છે
પણ મને ઇશ્વર ક્યાંય નજરે જ ચડતો નથી.
કૃષ્ણ?
એણે સગા મામાને માર્યા અને મામાના સગાંઓને પણ.
એણે ધાર્યું હોત તો એ દુર્યોધનને સીધો કરી શક્યા હોત
પણ એણે લાખોના લોહી વહાવડાવ્યા.
રામ?
સાવ કાચા કાનના.
જેણે એના માટે બધું ત્યાગ્યું, એણે એને જ ત્યાગી દીધી.
બબ્બેવાર.
રાવણે એની પત્ની ઉપાડી તો એણે એને જ ઉપાડી લીધો.
એક પત્ની માટે કંઈ કેટલાય રીંછ-વાનર-માનવનો ભોગ.
શીતળામાતા?
સાવ આંધળા.
ચાલુ ચૂલો દેખાયો નહીં ?
પોતે દાઝે એમાં કોઈની કૂખ બાળવાની?
ઇન્દ્ર ?
ઇર્ષ્યાળુ.
મહાકાળી ?
ડરામણા.
બ્રહ્મા ?
ડરપોક.
વિષ્ણુ ?
સળીખોર.
શંકર ?
અવિચારી.
કેટલાની વાત કરું?
કોઈએ ધર્મના નામે તો કોઈએ કર્મના નામે…
કોઈએ પાપ સામે તો કોઈએ આપ સામે…
બધા જ માટીપગા….
ઇશ્વર ક્યાં ?
પણ મારી પાસે આ બધુ માંડીને કહેવાનો સમય જ નથી.
હું તો બળબળતા તડકામાં
આંબાના છાંયડામાં
કવિતા કરવા બેઠો છું.
મારે નથી ધર્મગ્રંથ લખવાનો કે નહીં ઇતિહાસ.
આગળ શું લખું એ વિચારું છું તેવામાં જ
નાગાં-પૂગાં છોકરાંવનું એક ટોળું ધસી આવ્યું
અને આંબે પથ્થર વરસ્યા
ને
ધરતી પર કેરી.
એક નાગૂડિયો સાવ મારી પાસે આવી ઊભો,
કેરીથી ચિતરાયેલા એના મોઢાનું બચ્ બચ્
અને આંખોમાં સ્મિત લઈને !
મેં ડોક ઊંચકીને આંબા સામે જોયું
કાગળ ગડી કરીને ખિસ્સામાં મૂક્યો.
અને કવિતા લખવી બંધ કરી
કેમ કે એ પૂરી થઈ ગઈ હતી.
શ્રી વિવેક મનહર ટેલર: સંપર્ક સૂત્રોઃ
આયુષ્ય મેડી-કેર હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, સુરત,
ઈ-સંપર્ક: dr_vivektailor@yahoo.com
મો. +91 9824125355