શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ૧૯૫૬

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) અને શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬)બન્ને પોતપોતાનાં ક્ષેત્રમાં જેટલા સર્જનશીલ હતા, એટલા જ પોતપોતાની રીતે મૌલિક પણ હતા. વળી શૈલેન્દ્રને તો કોઈ એક સીચ્યુએશન પર ધુન આપવામાં આવે તો પણ તેમના બોલમાં તેમની આગવી છાપ તેઓ ઉઠાવી શકતા હતા. તે ઉપરાંત, શૈલેન્દ્રને બંગાળી ભાષાનો પરિચય પણ સારો એવો હતો. પરિણામે, સલીલ ચૌધરીની ધુનોનાં સંકુલ સંગીતનાં માધુર્યને શૈલેન્દ્ર જીવંત શબ્દદેહ આપી શકતા હતા. સામ્યવાદી પક્ષની સાંસ્કૃતિક શાખા, ઈન્ડીયન પીપલ્સ થીયેટર એસોશીયેશન (ઈપ્ટા)માટે શૈલેન્દ્ર રચેલ કાવ્ય ‘ઊઠા હૈ તૂફાન ઝમાના બદલ રહા’ માટે ધુન સલીલ ચૌધરીએ બનાવી હતી તે કોઈ એક યોગાનુયોગ નહીં જ હોય. [1]

ગયા વર્ષે સલીલ ચૌધરીના જન્મમાસ નવેમ્બરથી આપણે શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો ની વર્ષવાર શ્રેણી શરૂ કરી છે. નવેમ્બર, ૨૦૧૮માં આપણે આ શ્રેણી પહેલા લેખમાં શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં ૧૯૫૩થી ૧૯૫૫ની ફિલ્મો અને ૧૯૫૬ની ફિલ્મ ‘આવાઝ’નાં ગીતો સાંભળ્યાં હતાં. આજના અંકમાં આપણે ૧૯૫૬ની બે ફિલ્મો – ‘પરિવાર’ અને ‘જાગતે રહો’ -નાં શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં ગીતો આજે સાંભળીશું.

પરિવાર (૧૯૫૬)

‘પરિવાર’નાં શૈલેન્દ્રએ લખેલાં અને સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં બે યુગલ ગીતો – જા તોસે નહીં બોલું કન્હૈયા (મન્ના ડે, લતા મંગેશકર) અને ઝીર ઝીર બદરવા બરસે હો કારે કારે (હેમંતકુમાર, લતા મંગેશકર) – તો પોતપોતાના ગીત પ્રકારમાં મોખરાની હરોળમાં સ્થાન ધરાવે છે.ફિલ્મનાં બીજાં ગીતો પણ એટલાં જ વૈવિધ્યપૂર્ણ છે.

બાવલી બના કે છોડા – આશા ભોસલે

આશા ભોસલેનું અલગ પ્રકારનું ગીત હોવાની સાથે સાથે તેમનાં સર્વકાલીન ઉત્કૃષ્ટ ગીતમાં સ્થાન પામતું આ ગીત પ્રમાણમાં ઓછું જાણીતું ગીત કહી શકાય.

એક દો તીન ચાર પાંચ – હેમંત કુમાર, આશા ભોસલે, કોરસ

સલીલ ચૌધરી પર ની વેબસાઈટ World of Salil Chowdhury પર તેઓ પોતાના એક માનીતા, અને પ્રેરણાગુરૂ સમાન, બીથોવનને યાદ કરે એ. આ ગીતમાં તેમણે બીથોવનની છઠ્ઠી સિમ્ફની, પેસ્ટોરલ’નો આ ટુકડો પોતાની શૈલીમાં ઉપયોગમાં લીધો છે.

કુવેંમેં ડૂબ કે મર જાના યાર તુમ શાદી મત કરના – કિશોર કુમાર

સલીલ ચૌધરીએ કિશોર કુમારની ગાયકીની ખૂબીઓનો પણ ઉપયોગ કરી લેવામાં પોતાનો કસબ અજમાવી લીધો છે. પ્રસ્તુત ગીતમાં કિશોર કુમાર બહુ જ સહજતાથી પાંચ અલગ અલગ સ્વરમાં ગીતને ન્યાય આપે છે.

જાગતે રહો (૧૯૫૬)

રાજ કપૂર નિર્મિત ‘જાગતે રહો’નું દિગ્દર્શન અમિત મત્રા અને શંભ મિત્રએ કર્યું હતું. તેનું બંગાળી સંસ્કરણ, ‘એક દિન રાત્રે’, પણ અલગથી નિર્માણ થયું હતું. બન્ને સંસ્કરણમાં ગીતોમાટેની સીચ્યુએશન એ જ હતી અને મહદ અંશે, ધુન પણ એ જ રાખવામાં આવી હતી. બંગાળી સંસ્કરણનાં ગીતોના બોલ સલીલ ચૌધરીએ ખુદ લખ્યા હતા.

હિંદી સંસ્કરણનાં ઝિંદગી ખ્વાબ હૈ (મૂકેશ)ને બંગાળી સંસ્કરણમાં એઈ દુનિયાય ભાઇ શોબ હી હોય તરીકે મન્ના ડેના સ્વરમાં રેકોર્ડ થયું.

હિંદી સંસ્કરણમાં આ ગીત મોતીલાલ પર ફિલ્માવાયું અને બંગાળીમાં છબી બિશ્વાસ પર ફિલ્માવાયું હતું.

સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં જોડાણની ગુંથણીની મજબૂતીનો અંદાજ આ બન્ને વર્ઝનના બોલ પરથી આવી રહે છે.

હિંદી વર્ઝન મન્ના ડેના સ્વરમાં કવર વર્ઝન તરીકે પણ રેકોર્ડ થયું હતું.

ઠંડી ઠંડી સાવનકી ફુહાર, પિયા આજ ખીડકી ખુલી મત છોડો – આશા ભોસલે

નાયિકાની વણછીપી પ્યાસના શૈલેન્દ્રના શબ્દદેહમાં ઘુંટાતી મનની વેદનાને આશા ભોસલે જીવંત કરે છે. બંગાળી વર્ઝનના બોલ અને રચના અલગ છે પણ તેનાં ગાયિકા સંધ્યા મુખર્જી પણ ગીતની વેદનાની અનુભૂતી એટલી જ અસરકારકતાથી રજૂ કરી રહે છે.

લો શે વાઈ.. વાઈ.. મૈને લી જો અંગડાઈ – સંધ્યા મુખર્જી અને સાથીઓ

બંગાળી વર્ઝનમાં અને હિંદી વર્ઝનમાં આ ગીતમાં કોઈ ફેરફાર નથી કરાયો.

જાગો મોહન પ્યારે જાગો (લતા મંગેશકર)ના પણ બોલના બંગાળી અનુવાદમાં હિંદી વર્ઝનની પ્રાસ રચનાઓને મહદ અંશે જાળવી રાખવા છતાં પણ બન્ને વર્ઝનનાં ગીતનું માર્દવ બરકરાર રહે છે.

આ બન્ને ફિલ્મોમાં શૈલેન્દ્રએ લખ્યું હોય એવું કોઈ મુહમ્મદ રફીનું ગીત નથી, એટલે આપણા દરેક અંકના અંતમાં વિષયાનુસારનાં મુહમ્મદ રફીનાં ગીત લઈએ છીએ એ માટે આપણે ‘તેકી મૈં જૂઠ બોલિયાં’ (એસ બલબીર સાથે; ગીતકાર- પ્રેમ ધવન)ને સાંભળીશું

બંગાળી સંસ્કરણમાં પણ આ ગીત હિંદી સંસ્કરણ મુજબ જ ઉપયોગમાં લેવાયું છે. ગીતની વિકલ્પના અને રચનામાં સલીલ ચૌધરી સાથે પહેલાં પણ કામ કરી ચૂકેલ ગીતકાર પ્રેમ ધવનનાં યોગદાનની સલીલ ચૌધરીએ એક ઈન્ટરવ્યુમાં સાભાર નોંધ લીધી હતી.

સલીલ ચૌધરી અને પ્રેમ ધવનના સહયોગમાં મુહમ્મદ રફીનાં અન્ય કોઈ ગીતની ખોજ માટે આપણે આજના અંકના વિષયથી થોડા આઘા ખસીશું અને સમયચક્રમાં થોડાં પાછળ જઈશું.

સુનો કી સીતા કી કહાની – બિરાજ બહુ (૧૯૫૪) – ગીતકાર- પ્રેમ ધવન

આ નખશીખ બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત છે.

તેરે નૈનો ને જાદૂ ડાલા – તાંગેવાલી (૧૯૫૫) – લતા મંગેશકર સાથે – ગીતકાર- પ્રેમ ધવન

પૂર્ણપણે પંજાબી લોકધુનમાં ઝબોળાઈને રંગાયેલું આ ગીત પણ સલીલ ચૌધરીનાં સંગીતના રંગપટને રંગીન બનાવી રહે છે.

શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના સાથની સફર આપણે હજૂ નવેમ્બર, ૨૦૨૦ અને તે પછી પણ ચાલુ રાખીશું.


[1] The Most Popular LyricistPartha Chatterjee

4 comments for “શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ૧૯૫૬

 1. Samir
  November 9, 2019 at 2:35 pm

  શૈલેન્દ્ર અને સલીલદા નો સ્ફોટક મિશ્રણ પોતાનો રંગ અને કમાલ બરાબર બતાવે છે. પરિવાર ના ઓછા સંભળાતા ગીતો આપ્યા અને કિશોર કુમાર ને પુરા જોશ માં બતાવ્યો તે બદલ ખુબ ખુબ આભાર.
  એક વર્ષ નો અંતરાલ બહુ લાંબો નથી લાગતો ?
  ખુબ ખુબ આભાર અશોકભાઈ !

  • November 10, 2019 at 9:07 am

   સકારાત્મક પ્રતિભાવ બદલ આભાર.
   આ પ્રકારની શ્રેણીમાં કોઈ પણ સંગીતકાર કે ગીતકારની તિથિના ઉપક્રમે તેમનાં વિસરાતાં ગીતોને યાદ કરવાનો આ પ્રયાસ છે. એટલે દરેક હપ્તા વચ્ચે એક વર્ષનો અંતરાલ રાખવો પડે છે.
   જોકે, આ પ્રકારનું માળખું વિચારવા માટે મૂળ કારણ તો દર મહિને આ શ્રેણીમાં પણ વિષ્યવસ્તુનું વૈવિધ્ય જળવાય તે પણ છે.

 2. Bhagwan thavrani
  November 10, 2019 at 9:09 pm

  ‘ જાગતે રહો ‘ ના ગીત ‘ ઠંડી ઠંડી સાવન કી ફુહાર ‘ નું જે સંધ્યા મુખેરજીવાળું બંગાળી સંસ્કરણ લિંક સ્વરૂપે આપ્યું છે એ તો કોઈક અલગ જ ગીત લાગે છે.
  મારી ભૂલ નથી થતી ને ?

  • November 10, 2019 at 10:16 pm

   ખરી વાત છે. બંગાળી સંસ્કરણ હિંદી સંસ્કરણ કરતાં સાવ અલગ જ છે.
   મેં પણ આ સંદર્ભ http://salilda.com/filmsongs/bengali/akdinraatre.asp પરની નોંધ- In ‘Jaagte Raho’ Asha sang that superb melancholic song ‘Thandi thandi sawan ki pukaar’ and Sandhya Mukherjee expressed same pathos in ‘Se gaan aami jaai je bhule’ in ‘Akdin Raatre’ – થી જ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *