ફિર દેખો યારોં : વાત એક શાળાકલ્પની

– બીરેન કોઠારી

કોઈ સરકારી શાળા મરણપથારીએ પડેલી હોય એ સમાચાર હવે નવા નથી ગણાતા, બલ્કે એ માહિતી હવે સમાચાર સુદ્ધાં નથી ગણાતી. પણ મરણપથારીએ પડેલી સરકારી શાળાને નવજીવન મળે તો એ અવશ્ય સમાચાર ગણાય. શિક્ષણના વરવા ખાનગીકરણ પછી વિદ્યાર્થીઓને આધુનિક માળખાકીય સુવિધાઓ ધરાવતી ઈમારતો મળી હોય એમ બને, પણ તેને યોગ્ય શિક્ષણ મળતું થયું છે કે કેમ, એ સવાલ ઊભો જ છે. જૂની પેઢીના લોકો હજી પાંખી સુવિધાવાળી, સરકારી શાળાઓમાં પોતે મેળવેલા શિક્ષણની ગુણવત્તાને સંભારે એમાં કેવળ અતીતરાગ નથી હોતો. એ શાળાઓમાં મળતું શિક્ષણ જીવનમાં ઘણેઅંશે ઉપયોગી બની શક્યું હોવાનો પણ ભાવ તેમાં ભળેલો હોય છે. સરકારી શાળાઓને તબક્કાવાર ખતમ કરવાની નીતિ પોતપોતાના સમયગાળા દરમિયાન વિવિધ સરકારો અપનાવતી ગઈ. બીજી તરફ ખાનગી શાળાઓ પોતાની મોંઘીદાટ ફીને લઈને વાલીઓ માટે પણ તે સામાજિક મોભાનું પ્રતીક બનતી રહી. જે સરકારી શાળાઓમાં સમાજના તમામ વર્ગનાં બાળકો ભેગાં બેસીને ભણી શકતાં હતાં તેને બદલે હવે ખાનગી શાળાઓ વર્ગવિશેષનું સ્થાન બનતી રહી. શાળાઓ અને શિક્ષણમાં સરકારની ઘૂસણખોરીએ હવે એવો દાટ વાળ્યો છે કે શાળાઓના પરિણામમાં ટકાવારીનો ફુગાવો જોવા મળે છે. જાણે કે આખી શિક્ષણપદ્ધતિ પરીક્ષામાં આવતા ટકાની ફરતે ફરી રહી હોય એમ લાગે છે. પાઠ્યપુસ્તકના પાન નંબર સાથે એકે એક વિગત યાદ રાખવાની ટેક્નિકની જાહેરખબરો ગૌરવભેર જોવા મળે છે. આવી શિક્ષણપદ્ધતિમાં સરકારી શાળાઓ ક્યાંથી ટકી શકે?

આવા વિપરીત માહોલમાં કેરળના મલપ્પુરમ જિલ્લાના પુક્કોટ્ટુર ગામની એક પ્રાથમિક શાળાનો કિસ્સો સુખદ આશ્વાસનરૂપ બની રહે એવો છે. 2015-16ના શૈક્ષણિક વર્ષમાં આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા બસોથી ઓછી થઈ ગઈ હતી. છેક 1918માં સ્થપાયેલી આ શાળામાં છેલ્લા દાયકાથી આ સ્થિતિ હતી. તે આજે બંધ થાય કે કાલે, એવી સ્થિતિમાં ચાલતી રહી હતી. આ શાળામાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા પરિવારોમાંથી આવતા હતા કે જેમના માટે ખાનગી શાળાની ઊંચી ફી ભરવી સ્વપ્નવત હતી. આ શાળાને તાળું વાગી જાય તો આ બાળકો શિક્ષણથી વંચિત રહે એ નક્કી હતું. આ પરિસ્થિતિમાં સમુદાયના કેટલાક લોકોએ નક્કી કર્યું કે આ શાળાને જીવાડવા માટે બનતું કરી છૂટવું, એટલું જ નહીં, તેને શ્રેષ્ઠ શાળા બનાવવી. એક વાર નિર્ણય લેવાયો એ પછી પેરેન્‍ટ્સ ટીચર્સ એસોસિયેશન અને શાળાના સત્તાવાળાઓએ સરકારનો, સ્વાયત્ત સંસ્થાઓનો તેમ જ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદનો સંપર્ક કર્યો. આ રીતે પોણા બે કરોડનું ભંડોળ એકઠું કરવામાં આવ્યું. આ ઉપરાંત ગામના નિવાસીઓ, વેપારીઓ વગેરેને પણ તેમણે આ કાર્યમાં સાંકળ્યા. આ તમામ પરિબળો એકત્ર થયાં જેનું દેખીતું પરિણામ મળવા લાગ્યું. નવી ઈમારત, આધુનિક વર્ગખંડો, પુસ્તકાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આવા દેખીતા પરિવર્તન પછી ઘણા સ્થાનિકોએ પોતાનાં બાળકોને આ શાળામાં પ્રવેશ અપાવ્યો.

ધરમૂળથી કરાયેલા શાળાના આ પરિવર્તન પછી તેમાં નાગાલેન્‍ડ કેડરના એક આઈ.એ.એસ. અધિકારી મહંમદઅલી શિહાબને વક્તવ્ય માટે નોંતરવામાં આવ્યા. આ વક્તવ્યમાં શિહાબે મલપ્પુરમના એક અનાથાલયથી આરંભાઈને છેક આઈ.એ.એસ.અધિકારી સુધી પહોંચવાની પોતાની જીવનસફરની વાત કરી. આ શાળાની કથળી ગયેલી પરિસ્થિતિ અને તેને જીવાડવાના સ્થાનિકોના પ્રયત્નો વિશે જાણ્યા પછી શિહાબ સતત આ સૌના સંપર્કમાં રહ્યા હતા. અહીંથી ગયા પછી પણ તેમનો સંપર્ક ચાલુ રહ્યો છે અને આ શાળાના બ્રાન્‍ડ એમ્બેસેડર બનવાનું તેમણે સ્વીકાર્યું છે.

2017-18મં કોઝીકોડની આઈ.આઈ.એમ.ના કેટલાક વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમના એક ભાગ તરીકે અહીં આવ્યા અને વિદ્યાર્થીઓનું પ્રત્યાયન કૌશલ્ય બહેતર બને એ માટે કામ કર્યું. માવતરને પણ તેમણે માર્ગદર્શન આપ્યું. સ્વાભાવિકપણે જ આ શાળા હવે સૌની માનીતી બની રહી છે અને પોતાના સંતાનને આ વિસ્તારના સહુ કોઈ અહીં જ ભણાવવા ઈચ્છે છે. આ શાળાનાં આચાર્યા વી.એન.અમ્બિકાના જણાવ્યા મુજબ પેરેન્‍ટ્સ ટીચર્સ એસોસિયેશનના અને શાળાના પ્રયત્નોને કારણે હવે આ શાળા પોતીકી લાગે છે.

સૌના પ્રયત્નો થકી શાળાને મળેલા નવજીવનની વાત આનંદ પમાડનારી છે, પણ સૌથી વધુ ખુશી આ અહેવાલમાં જણાવાયેલા એક પ્રતિભાવ થકી થાય છે. આઈ.એ.એસ.અધિકારીના વક્તવ્ય પછી આ શાળામાં ભણતા બે બાળકોએ તેમના પિતાને જણાવ્યું કે પોતે મોટાં થઈને આઈ.એ.એસ. અફસર બનવા માગે છે. આ બાળકોના પિતા એક રીક્ષા ડ્રાઈવર છે. બાળકોની ઈચ્છા જાણીને અસ્કર કે. નામના એ રીક્ષા ડ્રાઈવરનો પ્રતિભાવ એવો છે કે તેઓ આઈ.એ.એસ. બને કે નહીં એ ગૌણ છે, પણ તેઓ જીવનમાં કંઈક બનવા માગે છે એ મહત્ત્વની બાબત છે.

ચોમેર ઘેરાયેલા કાળાડિબાંગ વાદળો વચ્ચે આવી રૂપેરી કોર ક્યારેક કળાઈ જાય એનો આનંદ જુદો જ હોય છે. સરકારને, શિક્ષણનીતિને દોષ દઈને બેસી રહેવાને બદલે તક મળે ત્યાં જાતે કંઈક કરી છૂટવાની ભાવના કેળવાય એ અગત્યનું છે. વર્ગભેદ દિનબદિન આપણા સમાજમાં હવે તો એકદમ પ્રભાવી બનતો જાય છે ત્યારે એક સરકારી શાળા આવો અવતાર ધારણ કરે એ પ્રશંસનીય બાબત છે. આમ જોઈએ તો શાળાના આ કાયાકલ્પમાં પરોક્ષ રીતે સરકાર અને તેનું તંત્ર કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે. આ હકીકત બન્ને બાબતોનો ચીતાર આપે છે. બધું હોવા છતાં કોઈ વસ્તુ સાવ ખાડે ધકેલી દેવા જેવી સ્થિતિમાં આવી જાય એ બનવું સામાન્ય છે. એમ પ્રબળ ઈચ્છાશક્તિ અને સઘન પ્રયત્નો થકી આ સ્થિતિમાંથી માર્ગ પણ નીકળી શકે છે. આપણે આમાંથી શું ગ્રહણ કરવું એ આપણી પર છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫-૧૧– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.