





આલેખન – રાજુલ કૌશિક
ઝીણી ઝીણી કોતરણીથી લગભગ ૪૦ ફૂટ ઊંચા સ્તંભો,
વચ્ચે વચ્ચે મોતીઓની માળાઓની જેમ લટકતાં સુંદર તોરણો,
ગુંબજમાં જડેલ પૂતળીઓ અને સુંદર
કોતરણીયુક્ત લોલકથી શોભિતગુંબજ દર્શકોને મુગ્ધ કરી દે છે.
ભારતની ભૂમિ તીર્થો અને મંદિરોની ભૂમિ ગણાય છે.એમાં પણ જૈન તીર્થો અને મંદિરોનું સ્થાપત્ય મશહૂર છે.કલા-કારીગરી,માંડણી-ઊભણી આદિ અનેકાનેક દ્દષ્ટિએ પણ યુગયુગથી આજ સુધી જૈન તીર્થધામોની અસ્મિતા તો આગવી જ રહી છે.આવા તીર્થધામોની શ્રેણીમાં જે અગ્રગણ્ય રહ્યા છે તેમાનું એક નામ એટલે રાણકપુર.કહેવાય છે કે કોતરણી આબુની અજોડ છે.ઊભણી તારંગાની તોતિંગ છે તો માંડણી રાણકપુરની રાષ્ટ્ર વિખ્યાત છે.
અરવલ્લીની ગિરિમાળામાં મારવાડ-મેવાડની સીમાભૂમિમાં શાંતિ-પ્રશાતિથી છલકતા વાતાવરણમાં શોભતું એક તીર્થ તે રાણકપુર. આ તીર્થનો ઇતિહાસ વિ.સ.૧૪૪૬થી પ્રારંભ થાય છે.આ મંદિરનું નિર્માણકાર્ય યુગપ્રધાન આચાર્ય શ્રી સોમસુંદર સૂરીશ્વરજીના ઉપદેશથી રાણા કુંભાના મંત્રી શ્રી ધરણાશાહ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું.”નલિની ગુલ્મ દેવ વિમાન” તુલ્ય ગગનચુંબી આ ધરણવિહાર મંદિરની નજીક એક વિરાટ નગરીનું નિર્માણ પણ થઈ ચૂક્યું હતું.જેને રાણપૂર કહેતા.બાદમાં એનું નામ રાણકપુર પડ્યું.ધરણશાહની ભાવના સાત માળનું મંદિર બનાવવાની હતી.
પરંતુ પોતાના આયુષ્યનો અંત નજીકમાં છે તેમ લાગતા તેમણે ત્રણ માળનું કાર્ય સંપન્ન કર્યું હતું.કિંવદંતી અનુસાર આ મંદિરના નિર્માણ કાર્યમાં એ જમાનામાં ૯૯ લાખ રુપિયા ખર્ચાયા હતા.
ભારતિય શિલ્પકલાના અદ્વિતિય નમૂના ઉપરાંત તે સમયે વાસ્તુ વિદ્યાની પ્રગતિશીલતા અને દેશના કલાકારોને સિધ્ધહસ્તતાનું આ તિર્થ ક્ષેત્ર ઉત્તમ પ્રમાણ છે. આ મંદિર વિશાળ અને ઉંચું હોવા છતાં આમા દેખાતી સપ્રમાણતા મોતી , હીરા, પન્ના , પોખરાજ અને માણેકની જેમ સ્થાને સ્થાને વિખરાયેલ શિલ્પ સમ્રુધ્ધિ ,વિવિધ પ્રકારની કોતરણીથી સુશોભિત અનેક તોરણૉ અને ઉન્નત સ્થંભો ,અદ્વિતિય શોભા પ્રસારતી શિખરોની વિવિધતા મંત્રમુગ્ધ કરી દે છે.
આ મંદીરને ચાર દ્વારો છે. મંદીરના મૂળ ગર્ભગ્રુહમાં ભગવાન આદિનાથની ૭૨ ઇંચની ઉંચી ચાર દિશાઓમાં ચાર પ્રતિમા બિરાજમાન છે. બીજે અને ત્રીજે માળે પણ આ પ્રકારે ચાર ચાર જીન પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે. આથી આને ચતુર્મુખ જીનપ્રસાદ પણ કહે છે.
૭૬ શિખરબંધ નાની દેવકુલિકાઓ,રંગમંડપ તથા શિખરોથી જોડાયેલ ચાર મોટી દેવકુલિકાઓ અને ચાર દિશાઓમાં ચાર મહાધર પ્રસાદ આમ કુલ ચોર્યાશી દેવકુલિકાઓ છે.ચાર દિશાઓમાં આવેલા ચાર મેધનાદ મંડપોની તો જોડ મળવી જ મુશ્કેલ છે. ઝીણી ઝીણી કોતરણીથી શુશોભિત લગભગ ૪૦ ફૂટ ઊંચા સ્તંભો, વચ્ચે વચ્ચે મોતીઓની માળાઓની જેમ લટકતા સુંદર કોતરણીયુક્ત લોલક્થી શોભિત ગુંબજ દર્શકોને મુગ્ધ કરી દે છે.શિખરોના ગુંબજ અને છતો ઉપર પણ કલાવિજ્ઞાન અને ભકિતશીલ શિલ્પીઓની મુલાયમ છીણીઓએ અનેક પુરાતન પ્રસંગોને સજીવ કર્યા છે.મંદિરમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ તથા સહસ્ત્રફણાના કલાપૂર્ણ શિલાપટ અનોખી ભાવના પેદા કરે છે.એક વિશાળ અખંડ શિલા ઉપર સહસ્ત્રફણા પાર્શ્વનાથની આંટીધૂંટીવાળું શિલ્પ,નાગેન્દ્રની પીઠ ઉપર કાર્યોત્સર્ગ ધ્યાનરુપે ઊભેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ અને એ જ નાગેન્દ્ર બીજા નાગ-નાગણીઓ સાથે આંટી લગાવી ગૂંથાલું ૧૦૦૮ ફણાનું છત્ર ધારણ કર્યુ હોય તેવા પ્રભુનું શિલ્પ છે.મંદિરની સહુથી અદ્વિતીય વિશેષતા એની વિપુલ સ્તંભાવલી છે.
કુલ ૧૪૪૪ સ્તંભો બતાવાય છે પણ ગણવા મુશ્કેલ છે.આ મંદિરને સ્તંભોનો મહાનિધિ યા સ્તંભોનું નગર કહી શકાય.જ્યાં જયાં નજર પડે ત્યાંત્યાંનાનામોટા, પાતળા,સાદા યા કોતરણીવાળા સ્તંભો જ નજરે પડે.સ્તંભ અને છતનું વૈવિધ્યભર્યુ શિલ્પ લાવણ્ય તો અદ્દભુત છે.
એક જ મસ્તકમાં જોડાયેલી પાંચ પૂતળીઓ,કમલપત્રની બારીક કોતરણી,સભામંડપમાં કોરેલા ઝુમ્મરો વગેરે શિલ્પ કલાના અજોડ નમૂનાઓ છે.
મૂળનાયકના સન્મુખ એક જ પથ્થરમાંથી આરપાર કોરીને અધ્ધર ગોઠવેલાં બે તોરણો આબુની શિલ્પકલાની યાદ અપાવે છે.
મંદિરના ૧૪૪૪ સ્તંભોની સજાવટ શિલ્પીઓએ એવા વ્યવસ્થિત ઢંગે કરેલી છે કે મંદિરના કોઇ પણ ખૂણામાંથી પ્રભુનાં દર્શન થઇ શકે.
આ મંદિરની ઉત્તર તરફ રાયણવ્રુક્ષ તથા ભગવાન આદિનાથનાં ચરણચિહૄનો છે.મંદિરમાં ધણાં ભોયરાં છે. જો કે લગભગ ૮૪માંથી આજે માત્ર પાંચ જ ભોંયરાં ખુલ્લાં છે.લોકોકિત એવી છે કે આ ભોંયરાંમાં અનેક ભવ્ય અને મનોહર જિન પ્રતિમાઓ ભંડારાયેલી છે.
રાણકપુરના મંદિરોની કોતરણી ઉત્ક્રુષ્ટ છે.આ મંદિરની નિર્માણ કલા બિલકુલ નિરાળી છે.પશ્વિમ પ્રવેશદ્વારમાં પ્રવેશીને આગળ વધતા છતમાં વિશાળ વેલો છે.ખૂબ બારીક કોતરણીકામના લીધે તે કલ્પવ્રુક્ષનાં પાંદડાં તરીકે ઓળખાય છે.સ્તંભોના બારીક કોતરકામવાળા તોરણો,શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરુદેવાને આવેલાં ચૌદ સ્વપ્નો,અપ્સરા અને દેવતાનાં શિલ્પ કલાપ્રેમીઓને આકર્ષે છે.મંદિરની ચારે તરફ ક્રીડા યુગલોની કરતી પુરુષ અને સ્ત્રીઓની પૂતળીઓ તે જમાનાનાં યુગલોની રહેણીકરણી બતાવવા આલેખાયેલું સ્થાપત્ય લાગે છે.
ધરણવિહારની સામે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.આ ઉપરાંત શ્રી નેમિનાથ ભગવાનનું અદ્વિતીય શિલ્પકલા ધ્રાવતું મંદિર છે. ૠષભદેવ ભગવાનના અધિષ્ઠાયિકા દેવી શ્રી ચકેશ્વરી દેવીનું મંદિર તેમજ કુંભારાણાએ બંધાવેલું વિપત્તિકાળ સંરક્ષણ સ્થાન સમું શ્રી સૂર્યમંદિર પણ અહીંની શાન છે.
પંદરમી સદીમાં રાણકપૂર ધણું આબાદ અને સમૃદ્વ નગર હતું નગરમાં કૂવા,વાવ,વાડી,હાટ,અને સાત જીનમંદિરો હતાં.રાજસ્થાનમાં આવેલા રાણકપુર પહોંચવા માટે તેનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ફાલના લગભગ ૩૫ કીલોમીટર છે.નજીકનું સૌથી મોટું ગામ સાદડી ૮ કીલોમીટરે,અમદાવાદથી ૩૦૦ કીલોમીટરે આવેલા રાણકપુર માટે ઉદેપુર સૌથી નજીકનું એટલે કે ૯૦ કીલોમીટરના અંતરે આવેલું સ્થળ છે.
સંકલનકાર – બેલા ઠાકર
માહિતી સૌજન્ય – શ્રી મહાવીર શ્રુતિ મંડળ
તસવીરો – નિશિથ શાહ – કલ્યાણ શાહ
શ્રીમતી રાજુલ કૌશિકનાં સંપર્ક સૂત્રો
બ્લોગ રાજુલનું મનોજગત – http://www.rajul54.wordpress.com
ઈ-મેઈલ rajul54@yahoo.com
આભાર વેબગુર્જરી.