





સુરેશ જાની
લગાવ એવા, કહો કેવા, કે વારંવાર ધક્કા દે?
અરે, લાગ્યું ન લાગ્યું દિલ ને પારાવાર ઝટકા દે!
પડો,વાગે, ને નીકળે લોહી, ઊંડો ઘા ઘણો ચચરે,
પછી થોડા, સમજ કેરા મલમના એ લસરકા દે.
પરોવાયા સમયની સોય ને શ્વાસોના દોરે જીવ,
ગજબનું પોત રેશમનું, વળી મખમલના ભપકા દે.
ભલે કશ્મીરી ટાંકો લો, ભરો સોનેરી સાંકળી પણ,
ન જાણે વસ્ત્ર રુદિયાના, કે ક્યારે ક્યાંથી કટકા દે..
અજબ આસ્તે ભણાવી દે, પલકમાં તો ગણાવી દે.
શીખી લીધું, જરા માનો, નવા ત્યાં કોઈ કકકા દે.
અને મંદિર, મસ્જીદો, ગુરુદ્વારે ફરી આવો,
પછી ઘર પહોંચતા જુઓ ઘડીભર ત્યાં એ મક્કા દે!
કદી ગૂંચળા વળે, ગાંઠો પડે, મુશ્કેલ, હાથોથી.
અગર ઝટકો, જરા મલકો, પછી રસ્તા તો પક્કા દે!
– દેવિકા રાહુલ ધ્રુવ
લગાવની વાત – passion ની વાત. અહીં પ્રયત્ન એનું રસદર્શન કરાવવાનો નથી. પણ ‘બ્લોગર’ હોવાના સબબે આ વાત બરાબર સમજાઈ ગઈ છે. બ્લોગિંગ એ લગાવની વાત છે. જીવનની ઘણી બધી બાબતો પણ લગાવની વાત હોય છે. ખરું પુછો તો, લગાવ વગર કશું થતું જ નથી.
નખશીશ, ગળાડૂબ ભૌતિકતામાં ડૂબેલો, અબજોપતિ માણસ હોય કે, પોતે જણેલા બાળક્ના પ્યારમાં ગાંડી ઘેલી બનેલી માતા હોય કે, કવિતા લખવામાં ખૂંપેલો અને ખુવાર થઈ ગયેલો માણસ હોય , અથવા ભીતરની ખોજમાં સંસાર ત્યજીને દૂર – સુદૂર એક ખૂણામાં ધ્યાન લગાવીને બેસેલ તપસ્વી હોય…એકે એક જણ કાંઈક ને કાંઈક લગાવમાં ફસાયેલો હોય છે!
જે ક્ષણે આપણે આ જગતમાં આવીએ અને પહેલા શ્વાસ સાથે ચીસ પાડીએ , ત્યારથી આપણે જીવન સાથે બહુ જ ઊંડા પ્રેમમાં પડી જઈએ છીએ. એ બાંધે છે, ગૂંચવે છે, ઝાટકે છે, ખુવાર કરી દે છે – અને તારે પણ છે.
લગાવનો મહિમા, પ્રેમનો મહિમા, જીવનનો મહિમા.
પણ … એ લગાવ આપણી અંદર એટલો બધો ઊંડો ઊતરી જાય છે કે, એમાં વિકાર આવી જાય છે! જીવનની કઈ ચીજ વિકાર વિહીન હોય છે વારૂ? મારો લગાવ તમારા લગાવ કરતાં વધારે ઉત્તમ. શ્રેષ્ટતાની હરીફાઈ. ગાંઠ પડી જવાની, ગાંઠ વાળી દેવાની એ વાત બની જાય છે. એને સહેજ ઝટકો મારવાની જરૂર નથી? ગર્વથી ફુંગરાયેલું મોં જરાક ઢીલું કરીને જરીક મલકી જવાની જરૂર નથી વારૂ?
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
અર્થ સભર ગઝલ અને અવલોકન. બન્ને ગમતીલા.
અર્થ સભર ગઝલ અને અવલોકન. બન્ને ગમતીલા.