‘આરએસવીપી’(RSVP)!

Facebooktwitterredditpinterestlinkedinmail

ચીમન પટેલ ચમન

લગ્નની કંકોતરી લખવાનો જેને ત્યાં પ્રસંગ આવ્યો છે એને જ પૂછો કે ‘આરએસવીપી’ના કડવા-મીઠા અનુભવો કેવા થયા છે !

‘આરએસવીપી’ નું કાર્ડ ભરી મોકલનારને ટિકિટ ચોટાડવાની ચિંતા નથી, કે સામાવાળાનું શિરનામું કરવાની માથાકૂટ નથી છતાં એમની ન સમજાય એવી કેટલીક વર્તણૂંકની વાતો સાંભળી દિલ દ્રવી જાય છે, અને પ્રશ્ન થાય છે કે કંકોતરી મેળવનાર તો સગાઓ ને નજીકના મિત્રો છે, તો આ કામમાં કડવાશ કેમ ઉભી થતી હશે?!

સગા સબંધીઓને બાદ કરતાં મોટા ભાગના મિત્રો તો પંખીઓના મેળાની જેમ આટલે દૂર આવી મળેલા હોય છે. મન મળી જતાં મિત્રતા ગાઢ બને છે અને આવા પ્રસંગે એમને ખાસ યાદ કરીને આમંત્રિત કરવામાં આવે છે. આ મિત્રોને કદાચ ખબર નહિ હોય કે તેઓ કેટલા નસીબદાર છે! ઘરમાં પહેલીવાર આમંત્રિતોનું લિસ્ટ જ્યારે તૈયાર થાય છે ત્યારે હોલની ‘કેપેસીટી’ થી ઘણું જ મોટું બની જાય છે. કોને લિસ્ટમાંથી કાપવા ને કોને ન કાપવામાં જ પતિ-પત્ની વચ્ચે, આવા સારા પ્રસંગે, ઘર મેદાનમાં વગર હથિયારે યુધ્ધ લડાઈ જવાય છે! બંને ઠંડા પડી, મન મનાવી(કે મનાવડાવી) આ લિસ્ટમાં જરુરી કાપાકૂપી) કરવામાં આવે છે. કંકોતરી મેળવારને હવે સમજાશે કે એઓ નસીબદાર ખરા કે પેલી કાપાકુપીમાંથી એ બચી જવા પામ્યા છે! આ નસીબદાર મિત્રોએ સહકારનો હાથ લંબાવા માટે આંખ આડા કાન ન કરવા જોઈએ. યથાયોગ સહકાર ન આપવામાં એવું ન બની જાય કે બીજા અવસરે તમારું નામ લિસ્ટમાંથી સદાને માટે કપાઈ જાય અને એ જાણીને-અનુભવીને દુઃખી થઈ, તમારી અંદરની વેદના વાણી વાટે ‘વીક એન્ડ’માં વહેવા માંડે!

આ અંગે એક પ્રસંગ અત્રે યાદ આવી જાય છે!

એક કુટુંબના વડાએ બેજણા આવીશું ભરીને ‘આરએસવીપી’નું કાર્ડ સમયસર મોક્લ્યું, પણ અવસરના દિવસે એમના બે દિકરા હોસ્ટેલમાંથી ઘેર આવેલા એટલે એમને સાથે લઈ જવા કે ન લૈ જવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો! દિકરાની મા પતિને કહે છે; ‘એમાં વિચાર શો કરવાનો? એ બિચારાઓને આવો ચાન્સ ક્યારે મળવાનો છે? રમેશભાઈ તો તમારા લંગોઠીયા મિત્ર છે એ ઓછા વાંધો ઉઠાવવાના છે?’ આ સાંભળી એક દિકરો બોલ્યો; ‘ના મમ્મી, બે જણનું લખ્યું છે તો તમે ને પપ્પા જાવ, અને અમારી ચિંતા ના કરો!

‘પણ તમારું સાંજનું જમવાનું શું?

‘એની ચિંતા ન કર મમ્મી, અમે અમારું કરી લઈશું!”

બંને દિકરાઓ માબાપના દબાણમાંથી ન નિકળી શક્યા ને કચવાતા મને માબાપ સાથે જોડાવવું પડ્યું. હોલ પર પહોચી પ્રથમ ટેબલની વ્યવસ્થા કરનારને મળ્યા. ઘરના વડીલે કહ્યું; ‘આમતો અમે બે જણાનું જણાવ્યું હતું, પણ અમારા આ બે દિકરાઓ અચાનક આવી ગયા તો એમને પણ લેતા અવ્યા છીએ તો એમની વ્યવસ્થા કરી આપશોને?

‘સાથમાં લઈ આવ્યા છો તો વ્યવસ્થા તો અમારે કરવી જ પડ્શે.’ માં બગાડી વ્યવસ્થાપકે કહ્યું.

એમને તો અમારી સાથે બેસવું છે.’ આરબ ને ઊંટની જેમ એમની માગણીઓ વધી રહી હતી.

“એ શક્ય નથી.’ કડકાઈથી વ્યવસ્થાપકે કહ્યું.

‘તો… મારે રમેશને મળવું પડશે. એ મને ક્યાં મળશે?’

‘મને ખબર નથી. તમે જ એને ખોળી કાઢોને?’ વાત ટૂંકાવતાં વ્યવસ્થાપકે કહ્યું.

આવા વખતે રમેશને ખોળી એના કામમાં ખલેલે પહોચાડવાનો અને પોતાની બે સીટો માટે બીજા બેને ‘બમ્પ’ કરી અવ્યવસ્થા ઊભી કરવાનો વિચાર ગરજવાનને એ ક્યોંથી આવવાનો!

રમેશને ખોળી કાઢી વડીલે હૈયા વરાળ કાઢી એની સાથે પેલા વ્યવસ્થાપકની થોડી ટિકા પણ કરી લીધી. ઠંડા કલેજે રમેશે કહ્યું; ‘તું મારો લંગોટિયો મિત્ર ખરો, પણ જેને જે કામ સાંપવામાં આવ્યું છે એની સંપૂર્ણ જવાબદારી એમના ઉપર છોડીને કામની વહેચણી મેંજ કરી છે એટલે આ બાબતમાં હું કંઈ પણ કરી નહિ શકું. આઈ એમ સોરી! રમેશને આમ છેલ્લે પાટલે બેસી જતાં અને પોતાના બઘા પાસાં આજ ઉલટાં પડતાં એ અવાક બની ગયા. પેલા વ્યવસ્થાપકને ફરી મળવાની એમની હિમ્મત નો’તી એટલે પત્નીને જ એકામ કરવાનું સાંપીને મિત્રો સાથે ગામ ગપાટા મારવા એ ગાયબ થઈ ગયા!

આજ વ્યક્તિને બીજા વર્ષે રમેશ તરફથી કંકોતરી ન મળતાં સામે ચડીને એમણે રમેશને ફોન કર્યો; ‘અલ્યા રમેશ, આગલા અવસરે તો તે મને કંકોતરી મોકલી હતી, પણ આ વખતે તું મને ભૂલી ગયો છે કે પછી કંકોતરી ટપાલમાં ક્યાંક ગૂમ થઈ ગઈ છે?’

‘ટપાલની ગફલત નથી, પણ પહેલા અવસરમાં તારી પાસેથી જે શિખવા મળ્યું એનું આ પરિણામ છે,’ સ્પષ્ટ વક્તા રમેશે કહી દીધું.

આવી તો ઘણી વાતો તમને સાંભળવા મળી હશે જ, પણ આ અંગે દરેકે પોતાની સગવડ-અગવડ્નો વિચાર છોડીને સામાવાળાનો વિચાર કરે તો લગ્ન પ્રસંગે સોનામાં સુગંધ જરુંર ભળે. એટલે જ, આ અંગે કેટલીક વાતો કે જે આપણા સમાજમાં બની રહી છે એને વીણી વીણીને અહિ મૂકી છે જેથી સૌ એને વાંચી, વિચારીને સમજે ને અમલમાં મૂકીને આવા અવસરમાં અભિવૃદ્ધિ લાવે.

૦ કેટલાક તો કંકોતરી સમસર ખોલતા જ નથી. જે ખોલે છે એ હજુ ઘણૉ સમય છે વિચારીને એના પ્રત્યુત્તરને પાછો ધકેલી મૂકે છે ને એ કંકોતરી એમના કામના બીજ કાગળૉ નીચે દબાઈ જતાં પ્રત્યુત્તર આપવાનો સમય વહી જાય છે. પરિણામે યજમાનને ફોન કરીને એમને જગાડવા પડે છે. એ કરતાં કંકોતરી ખોલીને જવું છે કે નથી જવાનો નિર્ણય સામેની વ્યક્તિનો ખ્યાલ કરીને કરવામાં આવે તો કેવું સારું જો કોઈ એમેરિકનના લગ્ન અવસરમાં જવાનું હોય તો જવું છે કે નથી જવાનો નિર્ણય તુરતજ લેવાય છે, પણ દેશીના અવસરમાં જવા ન જવાના નિર્ણય કરવામાં ન જાણે આળસ આપણામાં ક્યાંથી આવી ધૂસી જાય છે.

૦ કંકોતરીમાં બે જ વ્યક્તિઓને આમંત્રણ જો મળ્યું હોય તો એ ચેકીને ચાર કે છ લખીને પ્રત્યુત્તર આપતાં વધારાની વ્યક્તિઓની વ્યવસ્થાનો સામાવાળાનો વિચાર કરજો. જો બધા જ આમ કરવા લાગે તો અવ્યવસ્થા જ ઊભી થવાની છે.

૦ કેટલા ‘ગેસ્ટ’ આવશે એનો અર્થ એ નથી કે તમારી સાથે તમારા બહાર ગામના સગાઓ કે મિત્રો એ દિવસે સમાવી લેવાની વાત છે. તમે અને તમારા પરિવાર ને ગેસ્ટ તરીકે ગણવામાં આવ્યા છે. લગ્નસમારંભ, રીસેપ્શન, રાસ-ગરબા વગેરે આઈટેમ્પની સામે પરિવારની સંખ્યા લખવાની હોય છે જેથી સામાવાળાને કુલ સંખ્યાની ખબર પડૅ ને એ પ્રમાણે ચા-નાસ્તાની વ્યવસ્થા કરી શકાય.

૦ પ્રસંગના ત્રણ થી ચાર દિવસ અગાઉ જો ન જવાની પરિસ્થિતિ ઊભી થાય તો સમાવાળાને જણાવી દેવું ખૂબ મહત્વનું છે. તેવીજ રીતે ન જવાનું જણાવ્યા પછી અવસરના દિવસે સહકુટુંબ હાજર થઈ જવું પણ શોભાસ્પદ તો નથી જ. આમ કરવાથી ખતર ઉપર દિવેલની જેમ સામાવાળાને વ્યક્તિદીઠ ડોલર ૭૦+ (સારી હોટલમાં) કે એથી ઓછા સામાન્ય હોટલના ખાડામાં ઉતારી દઈએ છીએ એનો ખ્યાલ સ્વઘેર અવસર આવ્યા પછી જ આવે છે. ૧૫ કે ૨૦નો ચાંલ્લો કરતાં આપણે કેટલોયે વિચાર કરીએ છીએ, પણ સામાવાળાને ખોટા ખર્ચના ખાડામાં ઉતારી દેતાં વિચાર કરતા નથી>

૦ જોઈતી હકિકત ટપકાવ્યા વિના ને તમારું નામ-ઠામ લખ્યા વગર ઉતાવળમાં પરત કરેલા ‘આરએસવીપી’ ના કાર્ડનો અર્થ સરતો નથી એ સમજવું જરુંરી છે.

સંખ્યા ને સગવડને કારણે બધાને બધી જ ‘આઈટેમ્પ’માં બોલાવી શકાતા નથી. તમારી પડખેના બધા મિત્રોને લગ્ન ને રીસેપ્શન બંનેમાં બોલાવ્યા હોય ને તમને એક જ ‘આઈટેમ્પ’માં બોલાવ્યા હોય એ જાણી દુઃખી થવાની જરુર ખરી? પહેલા અવસર પછી સામાવાળાના સગાસબંધીઓની સંખ્યા પણ વધી છે એટલે કાપતો એમને કરવો જ પડશે એનો જો વિચાર કરશો તો તમારું દુઃખ જરુંર ઓછું થઈ જશે.

લગ્નપ્રસંગે સમયસર પહોચવું, પ્રસંગોનુસાર કપડા પહેરવા, બોક્સ ગીફટ ન લાવવાનું લખેલા સામે આંખ આડા કાન કરવા વગેરેની વાત આજે નથી કરવી. સાથે સાથે આ બધી બાબતોમાં વાતો કરવાથી આ પ્રથામાં ફેરફાર આએ એવું મને તો લાગતું નથી. એટલે જ, સુરેશને આ અંગે કંઈક નવું જ કરવાનો વિચાર આવ્યો.

કંકોતરીઓ મોકલવાનું ને રીસેપ્શનની વ્યવસ્થાનું કામ એણે એક અમેરિકન કંપનીને સાંપી દીધું.

આ અમેરિકન કંપનીએ કંકોતરીના પેકેજની સાથે એક પત્ર મૂકીને આપેલા લીસ્ટની યાદી પ્રમાણે સૌને ટપાલમાં કંકોતરીઓ રવાના કરી.

કંકોતરી ખોલતાં સૌને પત્ર જોઈ નવાઈ જરુર લાગી એટલે જ સૈએ પત્રને પ્રથમ વાંચ્યો.

શ્રીમાન/શ્રીમતિ,

અમને જણાવતાં આનંદ થાય છે કે લગ્નના ‘રીસેપ્શન’ની વયવસ્થાનું કામ અમારી કંપનીને સાંપવામાં આવ્યું છે (આજ સુધી આ વ્યવસ્થાનું કામ આપ મેળે જ થતું આવ્યું છે!). આ પ્રસંગનો સૌને સારી રીતે સુખાનંદનો લાભ મળે એ માટે નીચે ટપકાવેલા થોડાક નિયમો પાળવાના આપના સહકારની અમે અપેક્ષા રાખી એ છીએ.

૧. ‘આરએસવીપી’નું કાર્ડ જણાવેલ સમયમાં જો અમને નહિ મળે તો અમે માની લઈશું કે આપ આવી શકો એમ નથી. આ અંગે અમારા તરફથી ફોનના સંપર્કની અપેક્ષા રાખતા નહિ. સાથે સાથે નક્કી કરેલ આમંત્રિત સંખ્યામાં ફેરફાર ન કરવા અને જરુરી હકિકતો પેનથી ટપકાવવા માટે ખાસ વિનંતિ કરવામાં આવે છે.

૨. બોક્સ ગીફ્ટ નહિ લાવવાના અમારા સુચનને વળગી રહેવા વિનંતિ. તેમ છતાં, બોક્સ ગીફ્ટ લઈ આવનાર્ને બોક્સ ગીફટને બારણાની બહાર મૂકીને જ પ્રવેશ મળશે. બોક્સ ગીફટ ચોરાઈ જવાની જવાબદારી અમારી રહેશે નહિ.

૩. અવસરને યોગ્ય પોશાક પહેરવાની વિનંતિ. ટીશર્ટ ને જીનનેતો અમે ચલાવી નહિ લઈએ એની ખાસ નોંધ લેશો.

૪. પોગ્રામ ‘ઈન્ડીઅન’ ટાઈમ પ્રમાણે નહિ, પણ અમેરિકન ટાઈમ પ્રમાણે શરું થશે એની ખાસ નોંધ લેવા વિનંતિ. આ કારણે, ૧૫ મિનિટથી વધારે માંડા પડનારને પ્રવેશ મળશે નહિ ( આ ૧૫ મિનિટને અમે ધીરે ધીરે ૦ (ઝીરો) મિનિટપર લાવીશું)

૫. ‘આરએસવીપી’થી જાણ કર્યા પછી કોઈ કારણે જો ન પધારવાનું થાય તો મોડામાં મોડા પ્રસંગના પાંચ(૫) દિવસ અગાઉ ખબર આપનારને કદર પેટે ઘેર બેઠાં ગીફ્ટ મોકલાવીશું.

૬. ‘આરએસવીપી’થી જણાવેલ વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિને પ્રવેશ મળશે નહિ અને સીટીંગની વ્યવસ્થામાં છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર કરવામાં નહિ આવે એની ખાસ નોંધ લેશો. અમારી સીટીંગની વ્યવસ્થામાં ખુરશીઓને આપમેળે અંદર આઘાપાછી કરનારને અટકાવતાં અમે અચકાઈશું નહિ.

૭. નાના બાળકોને પ્રવેશ મળશે નહિ એ નોંધ વાંચવી ન રહી જાય.

આ કંપની કોઈ ઈન્ડીઅનની હોત તો ઘણા બધાએ ઉપર જણાવેલ કેટલીક બાબતો તરફ આંખ આડા કાન કર્યા હોત, પણ અમેરિકન કંપનીનું નામ આવતાં ઘણાબધાએ ઉપરની હકિકતોને ન્યાય આપ્યો. કેટલાક તો ઉપરની બાબતો વાંચી મનોમન હસ્યા ને એમની દેશી ટેવોને અમેરિકામાં રહીને પણ છોડવા તૈયાર નો’તા! એટલે જ મનોમન એ બબડ્યા; ‘એ તો થઈ પડ્શે. બંદા કંઈ બદલાવવાના નથી!’

પોગ્રામનો સહુને પ્રથમ વાર સારો અનુભવ થયો અને એની ચર્ચાઓ પોગ્રામમાંથી છૂટા પડતાં પડતાં અંદરો અંદર સૌએ કરી.

બીજા દિવસે આ સારા પોગ્રામની વાતો બીજાઓને પણ સાંભળવા મળી. સાથે સાથે પોગ્રામમાં મોડા પડનારને પાછા જવું પડ્યું. છોકરાઓને લઈ આવનારાઓને અપમાનિત થવું પડ્યું, બોકસ ગીફટ લઈ આવનારની મુરાદો પાર ન પડી વગેરે વાતો પણ વિઘ્નસંતોષીઓએ અંદરો અંદર ફોન કરીને ભેળવી હતી.

મિત્રોને ત્યાં જમવા ભેગા થનારાઓમાં, મંદિરોના મહાપ્રસાદ માણતા મિત્રોમાં, સાંજનું ભોજન પતાવી રસોડાની રસોઈમાં મદદ માટે ઉભરાયેલી નારીગણમાં ને સ્મશાનની ક્રિયામાંથી છૂટા પડતા ટોળાઓમાં રમેશના આ પગલાની સારી નરસી વાતો થોડા દિવસ તો થઈ. ગામને મોંએ ગરણું થોડું બંધાય છે!

ગમેતેમ, રમેશે પાડેલા ચીલે ચડનારાની સંખ્યા આ શહેરમાં ધીરે ધીરે વધવા માંડી એટલું જ નહિ, પણ એ પ્રથા બીજા શહેરોમાં પ્રવેશવી શરું થઈ ગઈ હતી!!


સંપર્કસૂત્રો :

બ્લોગ – chimanpatel.gujaratisahityasarita.org
ઈ મેઈલ –chiman_patel@hotmail.com
મોબાઈલ – 1- 832-372-3536

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *