પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં ૧૫…

Facebooktwitterredditpinterestlinkedinmail

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ.

પ્રિય નીના,

સમય કેવો ઉડે છે? જોતજોતામાં તો આ મહિને,આ દેશમાં ૩૬ વર્ષ વીતી ગયા!!

તારો પત્ર વાંચીને ઊંડા વિચારોમાં ડૂબી જવાયું. તેં વર્ણવેલી ઘટના અતિશય દુઃખકારી છે. એમ લાગે છે કે જીવનની પાયાની સમજણ જ્યાં કાચી હોય છે ત્યાં આવા અનેક બનાવો બનતા હોય છે. એક વાત તો સાચી જ છે કે, માણસ એટલે માણસ+ સંજોગોનો સરવાળો. વિદેશની ધરતી લપસણી તો છે જ અને એવી ભૂમિકા પર પ્રલોભનોની મેનકા પ્રવેશે ત્યારે સંયમનું પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે. કુમળી વયના ભારતીય છોકરા-છોકરીઓના સંસ્કારો ઉપર સ્વતંત્રતાને નામે જાણે અજાણે પાશ્ચાત્ય રંગોના લેપ રોજ ચડતા રહેતા હોય છે. પરિણામે આવી દુર્દશા સર્જાય છે. આનો ઉકેલ તો માત્ર અને માત્ર વ્યક્તિની પોતાની અંગત સજાગતા જ હોઈ શકે. કોઈ કંઈ કરી ન શકે. હા, આવા દાખલાઓ નજર સામે દીવાદાંડીની જેમ રાખી કે બતાવીને ભાવિ પેઢીને કદાચ બચાવી શકાય.

ચાલ નીના, હવે આમાંથી બહાર આવી જઈએ?  દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો બાંધવા ન દેવાય. એને તો  સમજણપૂર્વક ઉડાડી દેવાનું હોય. બરાબર ને ? બાકી તો  “ઝુલ્ફ કેરા વાળ સમી છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.”

સાંભળ. એક જુદી વાત કરું. જેમ અન્ય દેશો કરતાં આપણે ત્યાં ( ભારતમાં) પાયાની શિક્ષણ-પધ્ધતિ પાકી છે; તેમ મેં જોયું કે અમેરિકાની શિક્ષણ પધ્ધતિમાં એક વાત ખૂબ આવકારદાયક છે. તે એ કે અહીં વિદ્યાર્થીઓમાં જે સારી આવડત છે તેને ખૂબ સરસ રીતે ખીલવવામાં આવે છે. નાનામાં નાની સારી આવડત, સૂઝ કે કલાને યોગ્ય રીતે વિકસાવવામાં આવે છે. કોઈની વાંચનશક્તિ સારી હોય, કોઈની આંકડા સાથે ફાવટ હોય કે કોઈને ઈતિહાસ-ભૂગોળમાં વધુ રસ હોય તો તેને તે તરફ પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલું જ નહિ તેને માટેની યોગ્ય તકો પણ ઊભી કરી, પૂરી પાડવામાં આવે છે. આને કારણે વિદ્યાર્થીઓને મોકળું મેદાન મળે છે. કદાચ એટલે જ America is a land of opportunity ગણાય છે.આને કારણે શૈક્ષણિક રીતે તેજસ્વી ભારતીયો ઝડપથી દરેક ક્ષેત્રો સર કરવા માંડ્યા છે, વિકસવા અને વિસ્તરવા માંડ્યા છે. ઘણા બધા દાખલા અને નામો નજર સામે આવે છે ત્યારે ગૌરવની લાગણી અચૂક થાય છે જ.

એ ઉપરાંત, નીના, અહીં માનસિક અને શારીરિક જન્મજાત ખામીયુક્ત બાળકોને માટે પણ ખૂબ સુવિધાઓ આપવામાં આવે છે. કશી જ આશા ન હોય અથવા તો લગભગ અશક્ય હોય તેવી ખામીઓને અહીં ખૂબ ખૂબીપૂર્વક સુધારવામાં આવે છે અને ધીરે ધીરે પણ વ્યવસ્થિત રીતે એવા બાળકો ઘણી રીતે વિકસિત થતા આંખ સામે જોયા છે. આ આખો એક એવો નવો મુદ્દો છે એ વિશે તો જેટલું લખાય તેટલું ઓછું છે. એટલાં બધા આવા પ્રસંગોની વિવિધતા વહેંચી શકાય  કે  જાણે એક પુસ્તક લખી શકાય! અમારા જ શહેરમાં એવી સુંદર સેવા બજાવનાર શિક્ષિકાઓના અનુભવો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં પણ લખાતા રહે છે.ત્યાં યુકે.માં પણ

હવે છેલ્લે એક મઝાની વાત.. હમણાં નેટસર્ફીંગ કરતા કરતા બકુલ ત્રિપાઠી વિષે વાંચવા મળ્યું. ગુજરાત સમાચારમાં ૪૩ વર્ષ સુધી તેમણે કોલમ લખી હતી.  તને યાદ હશે જ કે તેઓ ‘ઠોઠ નિશાળિયો ‘અને ક્કકો અને બારાખડી” ના શિર્ષક હેઠળ લખતા.  બકુલભાઈને યાદ કરીએ ને એમનો ચહેરો નજર સામે આવે તો પણ હસવું જ આવે.  એ હાસ્ય લેખક જ નહિ પરંતુ પૂરેપૂરા હાસ્યના અવતાર હતા. કહેવાય છે કે, તેઓનાં હંમેશાથી ત્રણ સ્વપ્ન રહ્યા હતાં. બેંક લૂંટવી, સફેદ અરબી ઘોડાં પર સવારી કરવી અને દાઢી- મૂછ રાખવી. પરંતુ બેન્ક લૂંટવા માટે બંદૂક ચલાવવી પડે અને તે માટેની હિંમત ને આવડત  તેમનામાં ન હતી. તેઓ અઢી વાર ઘોડાં પર બેઠા હતાં પરંતુ ઘોડાનાં દગાને કારણે  ઘોડેસવારી પણ કરી શકે નહિ. દાઢી-મૂછ રાખવી હતી પરંતુ પત્નીને ન ગમે તેથી તેમનું દાઢી-મૂછનું સ્વપ્ન પણ પૂરુ થઇ શક્યું ન હતું.આથી તેમણે વિચાર્યુ આખરે એક જ સ્વપ્ન એવું કયું? એ થ્રી ઇન વન સ્વપ્ન હતું “ગુજરાતી ફિલ્મ માં હીરો થવાનું”. હીરો થાય તો ભલે શૂટિંગ પૂરતી પણ દાઢી-મૂછ તો લગાવી શકાય! દબડાક-દબડાક ઘોડેસવારી કરી શકાય અને એ ઘોડે ચઢીને પ્લોટમાં ગોઠવણ હોય તો બેન્ક પણ લૂંટી શકાય! આ તેમનું થ્રી ઇન વન સ્વપ્ન ‘વીર ફિલ્મ એક્ટર‘ થવાનું!

આશા રાખું કે મૂડને બદલવાનો મારો આ પ્રયાસ તને શાતા આપશે અને તારા પ્રત્યેની મારી આ લાગણીસભર છાલક  થોડી  આનંદપૂર્વક ભીંજવશે!

દેવીની યાદ.


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

1 comment for “પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં ૧૫…

  1. November 5, 2019 at 8:18 pm

    મુ. દેવિકાબેન: તમારો “પત્રશૃંખલા” નો #15 મણકો વાંચીને મઝા આવી અને જરાક અમસ્તું દુઃખ પણ। કારણ એ કે હું બકુલ ત્રિપાઠી નો લઘુબંધુ-હિમાંશુ। દુઃખ એ કે બકુલભાઈ આજે આપણી વચ્ચે નથી અનેસુખ એ છે કે તોયે તમારા જવા સાહિત્યકાર એમને યાદ કરે છે ! Please write to me at hptripathi@gmail.com. Rahul knows me very well. Lets keep in touch. ખુબ આભાર।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *