હુસ્ન પહાડી કા – ૧૭ – લક્ષ્મીકાંત પ્યારેલાલ અને એમના પહાડીની વાત

Facebooktwitterredditpinterestlinkedinmail

– ભગવાન થાવરાણી

પનોતી પુણ્યશાળી આ પહાડીનો ઋણી છું હું

કે વીતેલા જનમ સાથે મને નિત સાંકળે છે એ ..

સાપેક્ષવાદ કેવળ વિજ્ઞાનનો વિષય નથી. સંગીતમાં પણ છે. પચાસેકની વયના એક ભાઈ સાથે વાત થઈ. એમને ક્યાંકથી બાતમી મળેલી કે હું  ‘ જૂના ‘ ગીતોનો શોખીન છું. મને કહે, હું પણ ‘બહુ જૂના’ ગીતો પાછળ ગાંડો છું અને  ‘ મુકદ્દર કા સિકંદર ‘ નું  ‘ ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના ‘ મને બહુ જ ગમે છે !  એ ગીતને  ‘ બહુ જૂના ‘ તરીકે મૂલવવામાં એમનો વાંક પણ નહોતો કારણ કે ૧૯૭૮ની એ ફિલ્મ આવી ત્યારે એ માંડ આઠ વર્ષના હશે ! પણ એ હકીકત પણ એટલી જ સાચી કે મારા અને મારા જેવા અસંખ્ય ભાવકો માટે એ  ‘ નવું ‘ ગીત છે. સાપેક્ષવાદ નહીં તો શું ?

તો આજે  ‘નવા’ સંગીતકારો લક્ષ્મીકાંત પ્યારેલાલ અને એમના પહાડીની વાત. ‘નવા ‘ એટલે ૧૯૬૩માં શરુઆત કરી ૧૯૯૮માં એક સાથીના અકાળ અવસાન બાદ અને ૬૦૦ આસપાસ ફિલ્મોમાં સંગીત આપ્યા બાદ દુકાન વધાવી લેનાર સુરીલી બેલડીની વાત ! લક્ષ્મીકાંત ૧૯૯૮માં ગયા, પ્યારેલાલ હજુ ૮૦ નોટ આઉટ છે. એમના કામની નિરંતર ઉત્કૃષ્ટતા અને એના સાતત્ય વિષે બે મત હોઈ શકે, કામના વ્યાપ અને કદ અંગે નહીં ! લતા મંગેશકર (૭૧૨), આશા ભોંસલે (૪૯૪), કિશોર કુમાર (૪૦૨) અને મુહમ્મદ રફી (૩૮૮) એ એમની કારકિર્દીના મહત્તમ ગીતો એમના સંગીત-નિર્દેશન હેઠળ ગાયા છે !

એમની પહેલી રિલીઝ થયેલી સાવ સામાન્ય કક્ષાની ફિલ્મ  ‘ પારસમણિ ‘ ( ૧૯૬૩ )  થી જ એમણે પોતાના કૌશલ્યનો ડંકો જમાવી દીધેલો અને એ પછી તુરંત આવેલી હરિશ્ચંદ્ર તારામતી, સતી સાવિત્રી, સંત જ્ઞાનેશ્વર, મિ. એક્સ ઇન બોમ્બે અને દોસ્તી એ ધમાકાના પડછંદ પડઘા માત્ર હતા ! છ સો ફિલ્મોમાંથી કેટલાક નામ ગણાવવા ? એ પોતે જેમને પોતાની પ્રેરણામૂર્તિ ગણાવતા અને આ અગાઉના હપ્તામાં જેમની પહાડી બંદિશોની વાત કરી ગયા એ શંકર જયકિશનની કુલ ફિલ્મો હતી  ‘ માત્ર ‘ ૧૭૩ અને એમાં એકલા શંકરે, જયકિશનના અકાળ અવસાન બાદ સહિયારા નામ હેઠળ કરેલી પચાસેક ફિલ્મો પણ આવી જાય ! હા, બેફામ કામને કારણે અને બદલાયેલા યુગની તાસીર અનુસાર એમણે સમાધાનો પણ એટલા જ કર્યા (બલ્કે વેઠ ઉતારી !) પણ એમના ઉત્કૃષ્ટ ગીતોની સંખ્યા એટલી બધી છે કે એમની સર્જકતાને સલામ કર્યા વિના રહી શકાય નહીં !

૧૯૬૩ માં શરુઆત કર્યા પહેલાં એ બન્ને લગભગ એક દશક સુધી કલ્યાણજી આણંદજીના સહાયક રહ્યા ( દિલ ભી તેરા હમ ભી તેરે, છલિયા, બ્લફ માસ્ટર, ફૂલ બને અંગારે ) . રાહુલદેવ બર્મનની પહેલી સ્વતંત્ર ફિલ્મ  ‘છોટે નવાબ’ ( ૧૯૬૧ )માં એ બન્ને સહાયકો હતા. એમણે રેકર્ડ કરેલું પહેલ-વહેલું ગીત રફીનું  ‘ તેરે પ્યારને મુજે ગમ દિયા, તેરે ગમકી ઉમ્ર દરાજ હો ‘ (ફિલ્મ : છૈલા બાબુ) એક અદ્ભુત બંદિશ હતી તો  ‘સતી સાવિત્રી’ ના બે લતા-ગીતો (કભી તો મિલોગે જીવનસાથી અને જીવન ડોર તુમહીં સંગ બાંધી) અને એક યુગલ ગીત (તુમ ગગન કે ચંદ્રમા હો મૈં ધરા કી ધૂલ હું – મન્ના ડે / લતા ) હિંદી ફિલ્મ-સંગીતની બેશકીમતી ધરોહર છે. અને  ‘ સંત જ્ઞાનેશ્વર ‘ નું લતા-શિવરંજિની સર્જન  ‘ખબર મોરી ના લીની રે બહુત દિન બીતે‘ અને બહુ પાછળથી આવેલ  ‘ ઉત્સવ ‘ ( ૧૯૮૪ ) અને  ‘ સુર સંગમ ‘ ( ૧૯૮૫ ) ના નખશીખ શાસ્ત્રીય ગીતો ! અહો ! અહો ! એમની ફિલ્મોની લાંબી-લચક ફેહરિસ્તમા ભૂલા પડી જવાય અને દરેક તબક્કે કોઈક એવું ગીત સ્મરે અને થાય કે અરે ! આનો ઉલ્લેખ કરવો જ રહ્યો ! એક નાનકડું ( કદાચ વિવાદાસ્પદ પણ ! ) વિધાન કરીને આગળ વધું. રાહુલદેવ બર્મન એમના સમકાલીન અને પરમ મિત્ર-કમ-પ્રતિસ્પર્ધી અને એમના જેટલા જ લોકપ્રિય (કેટલાકના મતે એમના કરતાં વધુ તેજસ્વી) સંગીતકાર હતા પણ મારા વિનમ્ર મતે મારી પેઢીને ગમે એવી ધુનો બાબતે એ બન્નેની સરખામણી જ ન થઈ શકે ! વિધાન પૂરું !

એમની પહાડી બંદિશો પણ અનેક છે. એમાંથી બેની પસંદગી અઘરું કામ છે. મને અંગત રીતે  ‘ સાવન કા મહીના ( મુકેશ / લતા – મિલન – ૧૯૬૭ ), ‘કોઈ નહીં હૈ ફિર ભી હૈ મુજકો ( લતા – પત્થર કે સનમ – ૧૯૬૭ ),  ‘ આજ મૌસમ બડા બેઈમાન હૈ ( રફી – લોફર – ૧૯૭૩ ),  ‘ યે મૌસમ આયા હૈ કિતને સાલોં મેં ‘ ( કિશોર – લતા – આક્રમણ – ૧૯૭૫ ) અને  ‘ હમરાહી મેરે હમરાહી હૈ મેરે સંગ તૂ ‘ ( સુરેશ વાડકર / લતા – દો દિલોં કી દાસ્તાન – ૧૯૮૫ ) એ બધી પહાડી રચનાઓ ગમે છે, વિશેષ કરીને એ ધુનોની મીઠાશના કારણે અને કંઈક અંશે એમની સાથે સંકળાયેલી મારી અંગત સ્મૃતિઓના કારણે પણ મૂળભૂત રીતે શ્વેત-શ્યામ યુગનો માણસ હોવાના નાતે આજના બે ગીતો એ યુગના પસંદ કર્યા છે.

પ્રથમ ગીત એમની પહેલી જ ફિલ્મ ‘પારસમણિ’ માંથી. આપણા ગુજરાતી બાબુભાઈ મિસ્ત્રી આ પ્રકારની ચમત્કારી ફેંટેસી ફિલ્મોના બાદશાહ હતા. કોઈ રીતે ગળે ન ઊતરે એવા બેહૂદા ચમત્કારો એ જમાનામાં ગળે ઉતરી જતા. હજી રંગીન ફિલ્મોનો યુગ ઉભરી રહ્યો હતો એટલે આખી બ્લેક એંડ વ્હાઈટ ફિલ્મમાં બે રંગીન ગીતો (હંસતા હુઆ નૂરાની ચેહરા અને વો જબ યાદ આએ) ફિલ્મનું  ‘આગવું આકર્ષણ’ ગણાયા હતા !

ફિલ્મમાં મહિપાલ (આ પ્રકારની ફિલ્મોના એ જમાનાના ચલણી સિક્કા) અને ગીતાંજલિ (મૂળ દક્ષિણ ભારતીય અભિનેત્રી- પહેલાં પણ  ‘પેઈંગ ગેસ્ટ’ માં નૂતનની બહેન તરીકે આવી ચૂકેલી અને વધુ થોડીક હિંદી ફિલ્મો કરી દક્ષિણમાં પાછી ફરી) ઉપરાંત નલિની ચોનકર, મારુતિ અને મનહર દેસાઈ હતાં. રફી દ્વારા ગવાયેલ, અસદ ભોપાલી લિખિત આ દિલકશ પહાડી ગીતના શબ્દો :

रोशन तुम्हीं से दुनिया रौनक़ तुम्हीं जहाँ की
फूलों में पलने वाली  रानी हो गुलसितां की
सलामत रहो

नाज़ुक हो नाज़ से भी तुम प्यार से भी प्यारी
तुम  हुस्न  से  हँसी  हो  क्या बात  है तुम्हारी
आँखों में दो जहाँ हैं मालिक हो दो जहाँ की
सलामत रहो

दिल चाहे टूट जाए  मेरे दिल से युं ही खेलो
जीती  रहो  युं  ही  तुम  मेरी  भी उम्र ले लो
किस दिन दुआ न माँगी  हमने तुम्हारी जाँ की
सलामत रहो ..

 

ગીત પહેલાંની વાત કંઈક આમ છે. જ્યોતિષી ભવિષ્ય ભાખે છે કે રાજા (ઉમાકાંત)નું મૃત્યુ રાજ્યના શ્રેષ્ઠ સંગીતકાર (મહિપાલ)ના હાથે થશે તે એમની કુંવરી (ગીતાંજલિ) નું વરણ કરશે. રાજાના સેનાપતિ (મનહર દેસાઈ) રાજાના મૃત્યુ-વાહકનું કાસળ કાઢવા કારસો ઘડે છે અને રાજદરબારમાં રાજકુમારીને હરાવી દે એવા સંગીતકારને આવાહ્ન આપે છે.

રાજદરબારમાં મહિપાલ સિતાર પર. મિત્ર મારુતિ મૃદંગ પર. સામે કુશળ નૃત્યાંગના રાજકુમારી. રફીના ધીમા આલાપથી આરંભ અને પછી તુરંત શંકર-જયકિશની ઢબના સમૂહ-વાયલીન્સ. મૃદંગ (ખરેખર તો તબલાં !) પર તીનતાલ. રાજકુમારીની સૌંદર્ય – પ્રશસ્તિ અને દીર્ઘાયુની પ્રાર્થના-યુક્ત શબ્દો. કેમેરાના એંગલ, દિગ્દર્શક અનુભવી હોવાની ગવાહી પૂરે છે. મૃદંગ પર મારુતિના હાથ કુશળ રીતે ફરે છે. મહિપાલ પોતે એક સિદ્ધહસ્ત કવિ પણ હતા એ એમના હોઠનું હલનચલન પુરવાર કરે છે.

રફીના કેળવાયેલા અવાજ સાથે લક્ષ્મી-પ્યારેનું સામંજસ્ય પહેલી ફિલ્મથી જ દ્રષ્ટિગોચર થાય છે. મુખડા પછી સિતાર અને વાયલીન્સ અને પહેલા અંતરા બાદ માત્ર રફીનો આલાપ અને સિતાર ગીતની બાંધણીમાં સૌંદર્ય પૂરે છે. ગીત પૂરું થતાં પહેલાં રફી જે રીતે  ‘સલામત રહો’ ને લંબાવીને સમ પર પરત આવે છે એ એમના જ બલબૂતાની વાત છે. ગીતના શબ્દો પૂરા થયા પછી સિતાર અને તબલાંની જુગલબંધી જમાવટ કરે છે અને એમાં થોડો સમય સારંગી પણ જોડાય છે.

રાજકુમારીની હાર અને એ પછીના સાવ અપ્રતિતિકર નાટકીય પ્રસંગો પછી પણ ફિલ્મમાં અનેક નાટકીય ચડાવ-ઉતાર છે જે એ દૌર અને એ ઉમરમાં સહ્ય લાગતા હતા. ફિલ્મમાં અન્ય પાંચ ગીતો હતા અને દરેક બેહદ લોકપ્રિય અને કર્ણપ્રિય ! લતા-રફીનું યુગલ-ગીત  ‘ વો જબ યાદ આએ બહોત યાદ આએ ‘ તો સર્વકાલીન શ્રેષ્ઠ યુગલગીતોની યાદીમાં સ્થાન પામે એવું માતબર છે.

બીજી પહાડી બંદિશ પર આવીએ. ફિલ્મ  ‘ દોસ્તી ‘ ( ૧૯૬૪ ) પારસમણિ પછીના વર્ષે જ આવી. ગીતોએ ધૂમ મચાવી. ફિલ્મમાં નિર્દેશક તરીકે સંવેદનશીલ સર્જક સત્યેન બોઝ હતા. નિર્માણ રાજશ્રી પ્રોડક્શન- તારાચંદ બડજાત્યાનું જે એમની સ્વચ્છ અને સંવેદનાસભર ફિલ્મો માટે જાણીતા હતા. રફીના પાંચ એકસે બઢકર એક ગીતો અને એક લતાનું. પ્રત્યેક ગીતના ફિલ્માંકનમાં એક માહિર સર્જકની મહોર. ગીતો મજરુહના .લક્ષ્મી-પ્યારેના સહાયકો તરીકે એમના ભાઈઓ શશીકાંત-ગણેશ હતા.

બે અપંગ મિત્રો સુધીરકુમાર અને સુશીલકુમાર સંયુક્ત નાયકો છે ફિલ્મમાં. એમની નિર્વ્યાજઅને નિર્દોષ મૈત્રી અહીં કેન્દ્રસ્થાને છે. ફિલ્મ અપ્રતિમ સફળતાને વરી હતી જે એની વાર્તા, દિગ્દર્શન, અભિનય અને સંગીતને આભારી હતું. ફિલ્મનું એક અન્ય અને કદાચ વધુ લોકપ્રિય ગીત  ‘ ચાહુંગા મૈં તુઝે સાંજ સવેરે ‘ પણ પહાડીમાં છે પરંતુ મને પ્રસ્તૂત પહાડી ગીત વધુ પસંદ છે, એના શબ્દો, ધુન અને વિશેષ તો ફિલ્માંકનના કારણે. મજરુહના શબ્દો જુઓ :

जाने वालों ज़रा  मुड़के  देखो  मुझे
एक इंसान   हुं   मैं   तुम्हारी  तरह
जिसने सबको रचा अपने ही रूप से
उसकी  पहचान हुँ  मैं तुम्हारी तरह

इस अनोखे जगत की मैं तक़दीर हुँ
मैं   विधाता  के हाथों की तस्वीर हुँ
इस जहाँ के लिए धरती माँ के लिए
शिव  का  वरदान हुँ मैं तुम्हारी तरह

मन के अंदर छिपाए मिलन की लगन
अपने सूरज से हुँ  एक बिछड़ी किरन
फिर  रहा हुँ भटकता  मैं यहाँ से वहाँ
और  परेशान  हुं   मैं  तुम्हारी  तरह

मेरे पास आओ छोड़ो ये सारा भरम
जो मेरा दुख वही है तुम्हारा भी ग़म
देखता  हुँ   तुम्हें  जानता  हुँ  तुम्हें
लाख अनजान हुँ  मैं तुम्हारी तरह ..

મુંબઈની મુખ્ય સડક. અપંગ સુશીલ માઉથ ઓર્ગન પર પહાડી છેડે છે. (આ અને ફિલ્મના અન્ય ગીતોમાં માઉથ ઓર્ગન રાહુલદેવ બર્મને વગાડ્યું છે ). થોડેક દૂર ઊભેલો એનો પ્રજ્ઞાચક્ષુ  મિત્ર સુધીર એ પહાડીને આલાપથી ઝીલી લે છે. ચોમેરની ઊંચી અટ્ટારીઓમાં ઊભેલા લોકો આ સુરીલી જોડીને નિર્લેપતાથી નીરખે છે. સમૂહ વાયલીન્સ. ઉતાવળે પસાર થતા પચરંગી મુંબઈગરા. રફીના મુખડામાં લોકોને અનુરોધ અને વિનવણી છે. હું પણ એક માણસ છું તમારા બધાની જેમ. ઉપરવાળાએ મને પણ તમો સૌની જેમ નિરાળા રૂપે સર્જ્યો છે. વિદ્યાર્થી જેવો દેખાતો એક છોકરો, પસાર થતી છોકરીઓને નજદીકથી નીરખતો પસાર થઈ જાય છે. એને ગીતમાં રસ નથી, અન્ય કેટલાયની જેમ ! મુખડામાં શરૂઆતમાં ગિટાર તાલ પુરાવે છે, પછી તરત તબલાં તીનતાલમાં.

લોકો, વિશેષ કરીને નાના બાળકો એકઠા થતા જાય છે. સત્યેન બોઝ પાસે નાના ભુલકાઓ પાસેથી કામ લેવાની જબરી હથોટી હતી. મુખડા પછી ફરી માઉથ ઓર્ગન અને તરત વાયલીન્સનો તાર-સ્તરે લઈ જતો ટુકડો. રફી-કવિ-સુધીર કુમાર કહે છે કે આ અપ્રતિમ જગતનું ભવિષ્ય હું છું અને એ જ સમયે એક બાલ્કનીમાંથી એક સંપન્ન દેખાતી ગૃહિણી પોતાના ભવિષ્ય-સમ, કાખમાં તેડેલી બાળકીને નીચેનું દ્રષ્ય દેખાડે છે. સ્વયંને ધરતી માતાએ આપેલું વરદાન લેખાવતો નાયક અને ફરી એ જ માતા-પુત્રી.

મેંડોલીન અને વાયલીન્સનો અંતરાલ. બન્ને મિત્રોને ઘેરીને ઊભેલા લોકો. ભીડમાં રસ્તો કરી ઘુસતી અન્ય એક નિર્દોષ બાલિકા. મનની અંદર મિલનની મહેચ્છા છુપાવી ફરતો હું, ખરેખર તો મારા સૂર્યથી ક્યાંક વિખૂટો પડી ગયેલું તેજ-કિરણ છું. કેમેરા ચોમેર ઊભેલા યુવક-યુવતીઓ પર ફરે છે. હું પણ અહીં-તહીં રઝળતો તમારી જેમ જ પરેશાન છું. બે પ્રેક્ષકો એકબીજા ભણી જોઈ સ્વીકૃતિના લહેજામાં માથું હલાવે છે. ‘ ભલે ગાય છે એ, વાત તો આપણી જ છે ‘

હવે બુલંદ વાયલીન્સ અને એના સુરે પગથી તાલ પૂરાવતા બાળકો. બન્ને નાયકો અને એમને ઘેરીને ઊભેલા ટોળાનો લોંગ શોટ. હવે ત્રીજો અદ્ભૂત અંતરો. મારું અને તમારું દુખ અલગ છે એ ભ્રમમાંથી બહાર આવો. આપણે બધા એક જ દુખ, એક જ પરેશાનીમાંથી પસાર થતા સહયાત્રીઓ છીએ. કવિ જે વાત વણકહી રાખીને કહે છે એ તો એટલી જ કે તમારા આ સહયાત્રીઓ માટે બીજું કંઈ ન કરો અને ખભે કેવળ સહાનુભૂતિનો હાથ મૂકો તો એ પણ મોટી વાત છે ! માથે મોટો ટોપલો લઈને જતા એક મહેનતકશને કદાચ આ વાત સમજાય છે અને એ લગીરેક થંભે છે. શરૂઆતના દ્ષ્યમાં તુર્કી ટોપી પહેરી પસાર થતા એક મુસ્લિમ સજ્જનને પણ આ વાતની પાછળ રહેલું સત્ય સ્પર્શે છે અને એ સફાળા ટોળું વીંધી આગળ આવે છે. ‘ તમારી જેમ અજાણ્યો છું, પણ હું તમારી વ્યથાઓમાં તમારો હમસફર છું ‘ . કેમેરા આજુ-બાજુ-ઉપર ઊભેલાં સમદુખિયા ચહેરાઓ પર ફરે છે.

રફીની ગુનગુનાહટ અને માઉથ ઓર્ગનનો હળવો સાથ અને આ હૃદયસ્પર્શી પહાડી બંદિશ વિરમે છે.

બન્ને વખાના માર્યા નાયકો પણ નાની-મોટી અનેક પછડાટો પછી અંતે સુખ પામે છે.

સુશીલ કુમાર તો પછી પણ થોડીક ફિલ્મોમાં આવ્યા પણ સુધીર કુમાર (ફિલ્મમાં ઉપરોક્ત ગીત રજુ કરનાર અભિનેતા) ક્યાં ખોવાયા એ ખબર નથી. લક્ષ્મી-પ્યારેની સુરીલી ધુનો ઉપરાંત મજરુહના લખેલા બધા જ ગીતો ખરેખર ઉમદા કવિતાઓ હતી. ફિલ્મના અન્ય એક રફી-ગીતની આ પંક્તિ જુઓ. એનાથી જ વિરમીએ :

खरा है दर्द का रिश्ता तो फिर जुदाई क्या ?

जुदा तो होते हैं वो, खोट जिनकी चाह में है ..

આવતા હપ્તે ચિત્રગુપ્ત અને એમની પહાડી રચનાઓ સંગે મળીએ ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

13 comments for “હુસ્ન પહાડી કા – ૧૭ – લક્ષ્મીકાંત પ્યારેલાલ અને એમના પહાડીની વાત

 1. કિશોરચંદ્ર વ્યાસ
  November 2, 2019 at 5:00 pm

  LP ના પહાડી ના શ્વેત શ્યામ જમાના ના બંને ગીતો મારા પ્રિય છે, ખાસ તો દોસ્તી મને, વિશેષ કારણોસર, ખુબ જ ભાવવિભોર કરે છે..દરેક લેખ ની જેમ લખાયેલી વાતો મને વાંચવી નહીં, પણ માણવી ગમી, ફરીવાર વાંચવો ગમશે તેવો સરસ લેખ. Thavrani જી ને ખૂબ અભિનંદન

  • Bhagwan thavrani
   November 3, 2019 at 10:48 pm

   નિયમિત આ કટાર વાંચવા અને પ્રતિભાવ આપવા બદલ ઋણી છું કિશોરભાઈ !

 2. Jayant Jani
  November 2, 2019 at 6:38 pm

  પહાડી રાગ આધારિત ગીતોની તેમજ ગીતોની ધુનની બારીકીઓની અદભુત છણાવટ.

  • Bhagwan thavrani
   November 3, 2019 at 10:48 pm

   નિયમિત આ કટાર વાંચવા અને પ્રતિભાવ આપવા બદલ ઋણી છું કિશોરભાઈ !

  • Bhagwan thavrani
   November 3, 2019 at 10:49 pm

   આભાર જયંતભાઈ !

 3. Samir
  November 7, 2019 at 1:48 pm

  મને હમેશા એક વાત મૂંઝવતી રહી છે કે રાહુલ દેવ બર્મન અને લક્ષ્મી-પ્યારે ને સંગીત ના સુવર્ણ યુગ ના છેલ્લા સંગીતકાર કહેવા કે તે પછી ના યુગ ના પહેલા સંગીત સર્જકો કહેવા . અહી લક્ષ્મી પ્યારે પોતાનો કસબ અને લોકરૂચી ની નાદ પારખવા ની શક્તિ બંને બતાવે છે- પહાડી દ્વારા .ભગવાનભાઈ ને એટલુજ પૂછવાનું કે પછી ના કોઈ ગીત માં આ જોડી એ પહાડી નો જાદુ ફેલાવ્યો નથી ?
  રજૂઆત તો રાબેતા મુજબ ખુબ વાંચવા અને સાંભળવા લાયક છે.
  ખુબ આભાર,ભગવાનભાઈ !

  • Bhagwan thavrani
   November 8, 2019 at 12:10 pm

   આભાર સમીરભાઈ !
   પહાડી એટલો પ્રચલિત છે કે એના પર આધારિત બંદીશો નવા અને અતિ-નવા સંગીતકારો દ્વારા કાયમ થતી રહેવાની ! એ રાગની લોકપ્રિયતા અને સહજતા ( એની બાંધણીના કારણે ) ભૈરવી કરતાં સહેજે ઉતરતી નથી.
   70 પછીના યુગમાં પણ LP એ પહાડીમાં અસંખ્ય ગીતો આપ્યા છે ( RD વિષે વિચાર્યું નથી ! ) અને એમાં મીઠા અને ગુણવત્તાસભર ગીતો પણ ખાસ્સા છે.
   કોક દી’ ચર્ચિશું.

 4. vijay joshi
  November 9, 2019 at 8:22 am

  As an infrequent visitor to this site, although I don’t read the movie synopsis, I enjoy the songs with your insight
  as my guide!

  • Bhagwan thavrani
   November 9, 2019 at 9:06 pm

   Thanks a lot Vijaybhai !

  • નરેશ પ્ર. માંકડ
   November 12, 2019 at 6:57 pm

   ગીત – સંગીતની સાથે ચલચિત્ર નો સંદર્ભ જોડવાથી ઘણી ન જોયેલ ફિલ્મો વિશે જાણવા મળે છે એટલે બમણો આનંદ મળે છે. LP ખરેખર જ “લોંગ – પ્લે” સંગીતકાર રહ્યા, એમના મબલખ આઉટપુટ ની દૃષ્ટિએ. એમાં આપે ઉલ્લેખ કરેલ છે એવા કર્ણમધુર ગીતો પણ ઘણાં છે. છેલ્લે એકવિધતા આવી ત્યારે પણ એમની શ્રેષ્ઠ રચનાઓ યાદ રહી હતી.

   • Bhagwan thavrani
    November 14, 2019 at 8:44 pm

    જી, બિલકુલ સાચી વાત નરેશભાઈ !
    એ લોકોએ યુગની તાસીરની સાથે શોરગુલમાં જોડાવું પડ્યું છતાં મીઠાશની સાથે નાતો ક્યારેય તોડ્યો નહીં !
    આભાર !

 5. mahesh joshi
  November 13, 2019 at 6:53 pm

  Enjoyed Article On Pahadi based both songs of Laxmikant – Pyarelal. Interesting to note that Shanker – Jaikishan had only 173 Films to their credit against nearly 600 of Laxmikant – Pyarelal. As a duo SJ worked for nearly 22 years from 1949 to 1971 . We may add 16 years of shanker under banner of SJ from 1971 to 1987, in all Total 38 years. On other side LP working period was of 35 years from 1963 to 1998. Almost similar working period and almost 3 times more output. This shows the changing environment of
  LP period and demand to work at faster pace.
  Compliments and Thanks.

  • Bhagwan thavrani
   November 14, 2019 at 8:40 pm

   Interesting statistics Maheshbhai !
   Shows your keenness in the subject.
   Be here till the end of the series ( which otherwise also, not too far away ! )
   Thanks !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *