સાયન્સ ફેર : ઇન્ફ્રાસાઉન્ડ ચક્રવાત વિષે આગોતરી ચેતવણી આપશે.

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

થોડા સમય પહેલાં પોરબંદર નજીકના એક ગામે બનેલી અજાયબ ઘટના ઘટી હતી, જેમાં હળવા ચક્રવાતને કારણે તળાવનું પાણી ઘૂમરી ખાતું વાદળા સુધી પહોંચ્યું હતું. હવે વિચારો કે હળવો ચક્રવાત પાણીના વજનદાર જથ્થાને હવામાં આટલે ઉંચે સુધી પહોંચાડી શકતો હોય, તો પૂરજોશમા ત્રાટકતો ચક્રવાત (ટોર્નેડો) કેવડો વિનાશ કરે?! એક અંદાજ મુજબ એકલા અમેરિકા ખંડમાં જ દર વર્ષે નાના-મોટા મળીને લગભગ ૧૩૦૦ ટોર્નેડો ત્રાટકે છે, જેમાં આશરે ૯૪ માણસો જીવ ગુમાવે છે! (સોર્સ : ‘સ્ટોર્મ પ્રીડીક્ષન સેન્ટર, યુએસએ’) ટોર્નેડોની વિનાશક શક્તિ સામે માણસ લાચાર છે. પણ જો ટોર્નેડો અંગે આગોતરી જાણ થાય, તો કમસે કમ આપણે સાવચેત થઇ શકીએ, અને આગોતરા પગલા લઈને નુકસાનનો આંકડો ઘણો નીચો જરૂર રાખી શકીએ. પણ આવી આગોતરી માહિતી મેળવવી કઈ રીતે? કેટલાક વિજ્ઞાનીઓ ઇન્ફ્રાસાઉન્ડ ‘સાંભળી’ને આવનારા ચક્રવાતની આગોતરી માહિતી મેળવવા અંગે પ્રયત્નો કરી રહ્યા છે.

હવે થોડી સાદી સમજ મેળવવા માટે આ ઉદાહરણ જોઈએ. તમે ક્રિકેટના દડાને જમીન પર પછાડો, તો એ જમીન પર ટપ્પો ખાઈને હવામાં ઉછળશે. થોડો સમય હવામાં ગતિ કર્યા બાદ એ ફરીથી જમીન પર ટપ્પો ખાશે. જો ક્રિકેટના દડાની ગતિને અવરોધવામાં નહિ આવે, તો એ અમુક ટપ્પા ખાધા પછી ધીમો પડી જશે અને જમીન પર કોઈ એક જગ્યાએ થોભી જશે. અહીં દડો બે ટપ્પા વચ્ચે જેટલો સમય હવામાં રહે, એને આવૃત્તિ કાળ ગણવામાં આવે છે. તમે માર્ક કરજો, આવૃત્તિકાળ જેટલો લાંબો હશે, (દડો જેટલો સમય હવામાં રહેશે) એટલું જ વધારે અંતર કાપશે. વળી આ અંતરની દિશા એક ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલી હશે. અહીં દડાએ કાપેલું અંતર એટલે તરંગ લંબાઈ. હવે જરા વિચાર કરતાં સમજાશે કે નિયત સમય દરમિયાન દડો જેમ વધુ ટપ્પા ખાશે, એમ એ ઓછું અંતર કાપશે અને વધુ ઝડપે સ્ટેડી થઇ જશે. અને જો નિયત સમય દરમિયાન દડો ઓછા ટપ્પા ખાશે તો એણે કાપેલું અંતર વધશે. આ પરથી ફલિત થશે કે આવૃત્તિ જેમ ઓછી એમ તરંગ લંબાઈ વધુ. આ જ નિયમ ધ્વનિ તરંગોને પણ લાગૂ પડે. જેમ ધ્વનિ તરંગોની આવૃત્તિ ઓછી, એમ ધ્વનિ તરંગો વધુ અંતર કાપે અને દૂર સુધી ફેલાય. એનો અર્થ એ કે સામાન્ય ધ્વનિ તરંગો કરતાં ઇન્ફ્રા સાઉન્ડના તરંગો વધુ દૂર સુધી પહોંચી શકે. અણુ ધડાકાને પરિણામે પણ ઇન્ફ્રાસાઉન્ડ તરંગો ઉત્પન્ન થાય છે. અમુક વાર તો અણુ ધડાકાને કારણે પેદા થતાં ઇન્ફ્રાસોનિક તરંગો એટલા શક્તિશાળી હોય છે કે આખી પૃથ્વીના એક થી વધુ ચક્કર કાપી નાખે! ઇન્ફ્રાસાઉન્ડની આવૃત્તિ ૨૦ હર્ટઝ કરતાં ઓછી હોવાને કારણે એને લો-ફ્રીકવન્સી સાઉન્ડ પણ કહી શકાય. હાથી વધુ સૂક્ષ્મ અવાજો (અંદાજે ૧૪ હર્ટઝ જેટલી લો ફ્રીકવન્સી ધરાવતા અવાજો) સાંભળી શકે છે. હોમીંગ પીજીયન તરીકે જાણીતી કબૂતરની એક પ્રજાતિ તો પોતાની મુસાફરીનો માર્ગ નક્કી કરવા માટે પણ ઇન્ફ્રાસાઉન્ડ વેવ્સનો ઉપયોગ કરે છે. પરંતુ એક તંદુરસ્ત યુવાન વ્યક્તિ ૨૦ હર્ટઝથી માંડીને ૨૦,૦૦૦ હર્ટઝની ફ્રીકવન્સીના ધ્વનિ તરંગો જ સાંભળી શકે છે. આમ મનુષ્ય કુદરતી રીતે ઇન્ફ્રાસાઉન્ડ સાંભળી શકતો નથી.

બીજી તરફ, જ્વાળામુખી ફાટવો, હિમપ્રપાત થવો, ભૂકંપ આવવો… આ તમામ કુદરતી ઘટનાઓ ધ્વનિના ઇન્ફ્રાસોનીક વેવ્ઝ પેદા કરે છે. માનવે બનાવેલ પવન ચક્કીઓ પણ ઇન્ફ્રાસાઉન્ડ ઉત્પન્ન કરે છે. પણ અહીં વાત ટોર્નેડો, એટલે કે ચક્રવાતને ધ્યાનમાં રાખીને કરવાની છે. ટોર્નેડોની ખાસિયત એ છે કે એ પેદા થતા પહેલાથી જ ઇન્ફ્રાસાઉન્ડના તરંગો વાતાવરણમાં વહેતા મૂકી દે છે! ચક્રવાત એટલે કે ટોર્નેડો ઉત્પન્ન થવાની ઘટના થોડી પેચીદી છે, જે ‘ટોર્નેડોજીનેસીસ’ તરીકે ઓળખાય છે. વાતાવરણ અને હવાના દબાણમાં આવતો પલટો ટોર્નેડોજીનેસીસની પરિસ્થિતિ ઉભી કરતો હોય છે. અને વિજ્ઞાનીઓ માને છે કે આ ટોર્નેડોજીનેસીસ દરમિયાન જ ઇન્ફ્રાસાઉન્ડના તરંગો વહેતા થઇ જાય છે. ટોર્નેડોજીનેસીસ દરમિયાન પેદા થતા ઇન્ફ્રાસાઉન્ડ તરંગો પણ દૂર સુધી ફેલાઈ શકે છે. જો સમયસર આ તરંગો ‘રીડ’ કરવામાં આવે, તો ટોર્નેડો ઉત્પન્ન થાય એ પહેલા જ આપણે એના વિષેની માહિતી મેળવી શકીએ!

યુએસએની ઓકલાહામા સ્ટેટ યુનિવર્સીટીના મિકેનીકલ એન્ડ એરોસ્પેસ એન્જિનીયરીંગ ડિપાર્ટમેન્ટના વિદ્વાન પ્રોફેસર બ્રાયન એલ્બીંગ માને છે કે ઇન્ફ્રાસાઉન્ડ ‘સાંભળી’ને ટોર્નેડોને સેંકડો માઈલ દૂરથી જ મોનીટર કરી શકાય છે. આ માટે પ્રોફેસર એલ્બીંગ અને એમની ટીમે ખાસ માઇક્રોફોન્સની મદદ વડે પ્રાયોગિક ધોરણે એવા શ્રવણયંત્ર (લીસનીંગ ડિવાઈસ) બનાવ્યા છે, જે ટોર્નેડોને કારણે પેદા થયેલા ઇન્ફ્રાસાઉન્ડ તરંગો સાંભળી શકે. અત્યારે હવામાનખાતું ટોર્નેડો અંગે જે કંઈ આગાહીઓ કરે છે, એમાં પોણા ભાગની આગાહીઓ ક્યાંતો ખોટી ઠરે છે અથવા તો એમાં અચોક્કસતા રહેલી હોય છે. કારણકે ઘણીવાર તેજ હવાઓને પણ આવનારા તોફાનની આગાહી ગણી લેવામાં આવે છે. હકીકતમાં એ વાવાઝોડું હોતું જ નથી! પ્રોફેસર એલ્બીંગની ટીમે જે લીસનીંગ ડિવાઈસ બનાવી છે, એ સામાન્ય તેજ હવાના તરંગો અને ટોર્નેડોજીનેસીસને પરિણામે પેદા થયેલા ઇન્ફ્રાસાઉન્ડ તરંગો વચ્ચેનો ભેદ પારખી શકશે. કારણકે સામાન્ય તરંગોમાં કોઈ ચોક્કસ પેટર્ન નથી મળતી. જ્યારે ઇન્ફ્રાસાઉન્ડ તરંગોમાં (ક્રિકેટના દડાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું એ રીતની) એક ચોક્કસ પેટર્ન જોવા મળે છે. આથી ઇન્ફ્રાસાઉન્ડ તરંગોના અભ્યાસ દ્વારા ચોક્કસ માહિતીનો ડેટા પ્રાપ્ત થઇ શકે છે. જો પ્રોફેસર એલ્બીંગને સંપૂર્ણ સફળતા મળશે તો ભવિષ્યમાં ટોર્નેડોને પ્રતાપે થતાં જાનમાલના મોટા નુકસાનથી બચી શકાશે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *