ફિર દેખો યારોં : માણસ તહેવાર માટે કે તહેવાર માણસ માટે?

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

દિવાળીના તહેવારો નજીક આવે એટલે અમુક અહેવાલો અને તસવીરો નજરે પડવા માંડે. ઘણા સમય સુધી શિવકાશીના ફટાકડાના કારખાનાંમાં કામ કરતા બાળમજૂરોની હથેળીની તસવીરો અખબારોમાં પ્રકાશિત થતી, જે ખૂબ અનુકંપાપ્રેરક હતી. જે ઉત્પાદન સાથે આ પ્રકારની ક્રૂરતા સંકળાયેલી હોય એવાં ઉત્પાદન આપણે ન વાપરવાં જોઈએ એવા સંદેશા પણ ફરતા થતા. વાત તો સાચી છે, પણ તેનો વાસ્તવિક અમલ ઘણો મુશ્કેલ, બલ્કે અશક્ય છે. આ ઉપરાંત પણ ઘણી બધી પેદાશો એવી છે કે જેની સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ક્રૂરતા સંકળાયેલી હોય. તેને વિશે જાણ હોય છતાં એમ કંઈ જે તે પેદાશનો ઉપયોગ બંધ કરી દેવાતો નથી, એ હકીકત છે. આનું શું કારણ?

કોઈ એક કારણને આંગળી ચીંધીને બતાવવું અઘરું છે, પણ સામાન્ય તારણ એ કાઢી શકાય કે અમુક આદતો વરસોની પરંપરાને લઈને સંસ્કાર કે સંસ્કૃતિ બની જાય છે. તેને બદલવી અશક્યવત્‍ બની રહે છે. મનુષ્ય પરિવર્તન ઝંખે છે, પણ પરંપરાઓથી તે એટલી સરળતાથી મુક્ત થઈ શકતો નથી. આથી એક તરફ તેના જીવનમાં વિજ્ઞાનનો પગપેસારો એ હદે જોવા મળે કે એના વિના તેને ચાલે નહીં. બીજી તરફ વિજ્ઞાનની શોધો પરના તેના અવલંબન છતાં વૈજ્ઞાનિક અભિગમ તેનામાં ભાગ્યે જ વિકસતો જોવા મળે છે. રૂઢિવાદી લોકો પણ વિજ્ઞાનની શોધોને વિજ્ઞાનના માધ્યમ થકી જ પડકારે, યા અંધશ્રદ્ધાના પસાર માટે વૈજ્ઞાનિક આવિષ્કારોનો ઉપયોગ કરે ત્યારે સર્જાતી વક્રતા ખરેખર તો હાસ્યાસ્પદ બની રહેવી જોઈએ. તેને બદલે તે ગંભીર અને અમુક વાર તો કરુણ બની રહે છે.

પશ્ચિમી અને પૂર્વ સંસ્કૃતિ તેમ જ સમાજજીવનમાં પાયાના તફાવત છે. ઉત્સવ અને ઉજવણીઓ કોઈ પણ સમાજમાં પ્રવર્તતાં જ હોય છે, કેમ કે, એકધારા નિત્યક્રમમાં તે કંઈક પરિવર્તન પૂરું પાડે છે, જીવનમાં રસ સીંચે છે. આપણો દેશ કૃષિપ્રધાન હતો તેને લઈને આપણે ત્યાં થતી ઉજવણીઓ અસલમાં કૃષિની મોસમો સાથે સંકળાયેલી હતી. તહેવારો પણ એ રીતે જ ગોઠવાયેલા હતા. હવે પરિસ્થિતિ બદલાઈ છે. તહેવારો અને ઉજવણીઓમાં યાંત્રિકતા અને ઘોંઘાટ સતત વધતાં રહ્યાં છે. આટલું ઓછું હોય એમ સરકારને પણ ઉજવણીઓનો ચસકો લાગ્યો છે. ચોમાસાની મોસમને બાદ કરતાં સતત ઉજવણીઓ ચાલતી જ રહેતી હોય છે.

ઉજવણીઓનો અતિરેક અને તેને પગલે અવ્યવસ્થા, અરાજકતા તેમ જ પ્રદૂષણમાં થતો બેફામ વધારો જોઈને ક્યારેક એમ લાગે કે મનુષ્ય તહેવાર માટે છે કે તહેવાર મનુષ્ય માટે? એક તરફ ઉજવણીઓ વ્યક્તિકેન્‍દ્રી બની રહી છે, તો બીજી તરફ તે અસામાજિક પણ બનતી રહી છે. હવે તે શક્તિપ્રદર્શન, ધનપ્રદર્શન કે ગુણપ્રદર્શનનું માધ્યમ બની રહી છે. આ બધામાં સૌથી પહેલો ભોગ નાગરિકધર્મનો અને જાહેર વર્તણૂકની આચારસંહિતાનો લેવાતો જોવા મળે છે. અલબત્ત, આપણે ભારતીયો હાલાકી અને અણધારી તકલીફોથી ટેવાઈ ગયેલા હોવાથી આપણને એ કદી નડતું નથી.

આવા સંજોગોમાં શિવકાશીના કારખાનાંમાં થતી બાળમજૂરી અને તેના થકી બનતાં ઉત્પાદનો વિશે વિચાર કરવાની વૃત્તિ ક્યાંથી કેળવાય? એક અખબારમાં ગયા સપ્તાહે અમદાવાદ નજીક આવેલા ફટાકડાના એક કારખાનાનો સતસવીર અહેવાલ છપાયો. તેમાં વિવિધ આંકડાઓ અને અન્ય વિગતો આપવામાં આવી હતી. આ જ સ્થળે આવેલા અનેક કારખાના પૈકીના એકમાં આ વર્ષના આરંભે જ આગ લાગતાં જાનહાનિ થઈ હતી. ફટાકડાનું ટેસ્ટિંગ અહીં હાથ વડે કરવામાં આવે છે અને દારૂગોળો ચળાતો હોય એવી તસવીરો પણ પ્રકાશિત કરવામાં આવી હતી. તો આ સપ્તાહના એક અંગ્રેજી અખબારમાં થાનગઢ અને મોરબીની આસપાસના સિરામીકનાં કારખાનાંમાં કારીગરો શી રીતે સિલિકોસીસ જેવા જીવલેણ રોગનો ભોગ બની રહ્યા છે તેનો સતસવીર અહેવાલ પ્રકાશિત થયો છે. આવા કિસ્સાઓમાં કારખાનાના માલિકો દ્વારા ભાગ્યે જ વળતર ચૂકવાય છે. ઘણાખરા કિસ્સાઓમાં તો કારીગરોને જાણ હોવા છતાં તેઓ તેના જોખમને અવગણીને કામ ચાલુ રાખે છે. જીવન ચલાવવા માટે તેમણે જીવનનો ભોગ આપવો પડે છે. બીજો કોઈ આરો જ ન હોય ત્યાં તેઓ કરે શું? આવી કામગીરી આખું વરસ ચાલતી રહેતી હોય છે, પણ અખબારના પાને તે ચડે ત્યારે આપણી જાણમાં આવે છે. ઘણી વાર એમ થાય કે શા માટે ફેક્ટરીમાલિકો કામદારો માટેની સુરક્ષાનાં પગલાં નહીં લેતા હોય? શું કામ તેઓ નિયમપાલન નહીં કરતા હોય? હકીકતમાં આ એવું વિષચક્ર છે કે જેના વિષે લખાય એટલું ઓછું. સરકારી તંત્ર, તેના કાયદાકાનૂનો, એ પાલન કરાવવાની સત્તા જેમના હાથમાં છે એ અધિકારીઓ, એ અધિકારીઓ જે ખાતામાં આવે તે મંત્રીઓનો એક કોઠો હોય છે, જેને વીંધવો મુશ્કેલ છે. ફેક્ટરીના માલિકો અને સંબંધિત અધિકારીઓ ત્યાર પછીના કોઠામાં હોય છે. કામદાર આ કોઠામાં ક્યાંય હોતો નથી. તે તેની અંદર હોવા છતાં બહાર હોય છે, અને વક્રતા એ છે કે ભોગ બનવાનો વારો પણ તેનો જ હોય છે.

દિવાળીના સંદેશાઓ કે શુભેચ્છાઓ પાઠવતા હોઈએ ત્યારે એ પણ યાદ રાખવાની જરૂર છે કે શુભેચ્છાની ખરેખરી જરૂર હોય એવો બહુ મોટો વર્ગ પણ આપણી આસપાસમાં જ છે. એ કોઈ બીજી દુનિયામાં વસતો નથી. તેના અસ્તિત્ત્વનો સ્વિકાર કરીએ, તેના વિષે જાણવાનો પ્રયત્ન કરીએ તો એ પણ મોટી વાત છે. આટલું કરીશું તો કદાચ એથી આગળનો રસ્તો પણ સૂઝશે અને તેમની સમસ્યાઓ વિષે વિચાર કરતા પણ થવાશે. અને આમ કરવા માટે દિવાળી યા કોઈ પર્વવિશેષની જરૂર નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪-૧૦– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *