પુત્ર તરીકેના રામના પાત્રની મારી નજરે મુલ્યાંકન

Facebooktwitterredditpinterestlinkedinmail

વિમલા હીરપરા

રામાયણના અમર ને આદરણીય રામના પુત્ર તરીકેના પાત્રની મારી નજરે મુલ્યાંકન કરુ છુ.

રામના પાત્રની સૌથી નોંધપાત્ર સિધ્ધી એ એમનો ત્યાગ.પછીએ રાજગાદી હોય કે સીતાનો હોય. એટલુ જ નહિ પણ વાલીના વધ પછી પોતે વિજેતા તરીકે ગાદી પર ન બેસતા વાલીના પુત્રને રાજા બનાવે છે.એ જ પ્રમાણે લંકા પર વિજય મેળવીને વિભીષણને રાજા બનાવે છૈ. ત્યા પણ એ હક્કથી રાજા બની શક્યા હોત. ચૌદ વરસ સામેથી સુખસગવડની તક મળવા છતા એવી લાલચને વશ થયા નથી. એ જ એમની વિશેષતા છે.

હવે વિચારવાનું એ કે દરેક પેઢીને એનું સત્ય  હોય છે. આ  આંધળી આજ્ઞાંકિતતા ને માતૃદેવોભવ કે પિતૃદેવો ભવ’ આવા આર્દશો આપણને બહુ  નડ્યા છે. આપણી નૈતિક હિંમત છીનવી લીધી છે. વડીલો કે માબાપ ખોટુ કરે જ નહિ.અથવા એમની સાચી કે ખૌટી આજ્ઞા શિરોધાર્ય સમજી પાલન કરવાનું. વડીલો સામે બોલાય જ નહિ, દલીલ ન થાય, જે કહે એ બ્રહ્મવાક્ય.  એ ક કારણે આપણે સ્કુલમાં શિક્ષક ખોટુ કરે તો વિરોધ  કરી શકતા નથી. નોકરી પર બોસની ભુલ જાણવા છતા ચુપ રહીએ છીએ. આપણે આપણા નેતાઓને એમની પોલ કે ખામી,બદઇરાદા જાણવા છતા અવાજ ઉઠાવી ન શકતા નથી. માત્ર વડીલ હોવાને નાતે એમનો આગ્રહ કે દુરાગ્રહ, સાચી કે ખોટી આજ્ઞા ને મને કમને પણ પાલન કરીએ છીએ.      હદ વટી  જાય પછી વિદ્રોહના સ્વરુપમાં બહાર આવે છે.

આવી લાંબા ગાળાની મનો દશાનું પરિણામ. આપણા વિવાહીત જીવનથી શરુઆત કરીએ તો પરણનાર પાત્રોની રસરુચિને નજરઅંદાઝ કરાય, અરે જેને આખી જીંદગી સાથે જીવવાનું એને પુછો તો ખરા. !નહિ.એતો માબાપ કે વડીલ કરે તે ખરુ. પછી એ કજોડુ ભલે નિસાસા નાખીને જીવતર પુરુ કરે. એ ગમાણે કે ખીલે બાંધેલા બે પશુ! એક સમયે ઠીક હતુ કે લાયકાતનું ધોરણ કે પરસ્પરની અપેક્ષા મર્યાદીત હતી. પુરુષ પુરતી આજીવિકા રળતો હોય ને સ્ત્રી ઘર સંભાળી શકેએવી સક્ષમ હોય એટલુ પુરતુ હતુ. ઉપરાંતપરસ્પર મળવાના સંજોગો બહુ જ મર્યાદીત હતા. વિવાહ પહેલા એકબીજા ને જોયા જ નહોય એ  સામાન્ય બાબત હતી. માંડવામાં કન્યા પ્રથમ વખત  આવે  એ પણ ઘુંઘટમાં ને એજ વખતે ગોરમહારાજ વરને સાવધાન કરે કે છેલ્લી વાર સામે બેઠેલા યુવતીઓને જોઇ લે પછી તો આવે છે એ જ તારી ને બાકી બચી તે તારી સાળીઓ બની જશે.

એ જ પ્રમાણે વ્યવસાય કે આજીવિકાના રાહ પણ પરંપરાગત હતા. વેપારીનો દિકરો પેઢી સંભાળે ને સંઇનો દિકરો જીવે ત્યા સુધી સીવે. ઉપરથી સંયુક્ત પરિવારમાં મિલ્કતનો વહીવટ બાપા કે વડીલના હાથમાં

આજે સમય બદલાય ગયો છૈ. જીવન જટીલ થઇ ગયુ છૈ. વિકાસની વ્યકિતગત તકો ને વ્યવસાય કે આજીવિકાના સ્ત્રોત માત્ર સ્થાનિક સ્તર પર જ નહિ વિશાળ ફલક ને દેશપરદેશ સુધી વિસ્તરી ગયા છે. હવે પરિવાર કે વડીલો જ માહીતી કે આજીવીકાના આધાર નથી. આજની પેઢી શિક્ષિત ને સાહસીક છે. એમને શિક્ષણમાં માર્ગ દર્શન કે સહાય કરતી સંસ્થાઓ છે. યુવક ને યુવતીઓ એમને એકબીજાને મળવા ને પરિચીત થવાની તક છે. એમની પરસ્પરની લાગણી ને માગણી એ સમજે છે જે એના વડીલોના સમયથી અલગ છે. પોતાના મનગમતા સાથી જોડે પરણવાનો આગ્રહ રાખે છે નહિ કે કોઇએ એને માટે ગોઠવી રાખેલું પાત્ર.આવે સમયે ઘણા વડીલોને સંતાનો બળવાખોર ને નાદાન લાગે છે. પણ હવે એને વડીલોના આશિષની કે સંમતિની જરુર નથી. એમની મિલ્કત કે વારસાની પરવા નથી. કારણ બન્ને પગભર છે.

તો એક સમયે બહુ નાની વયે છોકરી સાસરે આવતી.એટલે એના ઘડતરની જવાબદારી ઘરની વડીલ સ્ત્રી પર રહેતી. એટલે માબાપ સલાહ આપે કે બે કડવા વેણ સાંભળી લેવાના. એ કહેશે પણ કોઇને કહેવા નહિ દે.

ઉપરાંત પ્રસુતિ જેવા નાજુક સમય ને બાળઉછેરમાં પરિવારના રક્ષણ ને સહાયની જરુર પડતી. આજે  કોઇપણ પરિસ્થીતિમાં હોસ્પિટલો,નર્સો ને ડોકટર ને દવાઓ બધી જ સહાય મળે છે. રસોઇ કે ઘરસજાવટ દરેક સમસ્યા માટે ઉકેલ બજારમાં મળે છે. પુસ્તકો ને આવી માહીતી પીરસતી વેબસાઇટ  આજની પેઢી જ્ઞાન ને માહીતીથી સજ્જ છે.

એજ પ્રમાણે કેવું શિક્ષણ લેવુ કે કેવું વાહન લેવુ એમાં પણ  મોટાભાગના માબાપ પોતાનો આગ્રહ  ઠોકી બેસાડતા હોય છે. સંતાનોની રસરુચિને બિલકુલ નજરઅંદાઝ કરાય છે. એની શૈક્ષણિક લાયકાતને બદલે એને માટે અશકય એવું શિક્ષણ લેવા મજબુર કે લાગણીનું બ્લેકમેઇલ કરે છે.સામે સંતાનો જ્યારે પ્રમાણિક પ્રયત્નો પછી પણ માબાપનૂ ધ્યેય સિધ્ધ ન કરી શકે  ત્યારે એ હતાશા એની તીવ્ર કક્ષાએ આત્યહત્યાના રુપમાં સામે આવે છે. કયારેક અણગમતા વ્યવસાય કે નોકરીમાં માણસ આખુ જીવન વીતાવે છે એક અફસોસ સાથે કે કયા જવુ તુ ને કયા નીકળ્યા.

આજના સમયમાં નાતજાતના બંધન ઢીલા પડ્યા છે પણ નાબુત નથી થયા આવા સંજોગોમાં જો માબાપ સંતાનોની પસંદગી નજરઅંદાઝ કરે તો કાંતો એ સંતાનોને હાથથી ગુમાવે ને કા જાનથી. આવા ભગ્ન પ્રેમીઓ ઝાડની ડાળીએ લટકતા કે રેલ્વેના પાટા નીચે કપાઇને પોતાના પ્રેમની પરિક્ષા આપી જાય છે તો માબાપને એક જિવનભરની સજા કરતા જાય છે

આજની પેઢીની આ માંગ છે. તમે માબાપ છો. તમારા અમારી ઉપર અનંત ઉપકાર છે. પણ અમને તમે આંખો આપી પાંખો આપી પણ ઉડવાનું આસમાન ન આપો તો આ પાંખો શું કામની? અમે ભુલ કરીશુ તો સજા પણ ભોગવી લઇશું.      િવચારો કે આજે કોઇ વડીલ એમ કહે કે ઘરડા ગાડા પાછા વાળે કે અમે તમારા કરતા બે દિવાળી કે બે ચોમાસા વધારે જોયા છે કે એવું સાંભવાની તૈયારી રાખજો વડીલો.કે તમારા ગાડા આજે રીલીફ રોડના ભરચક ત્રાફિકમાં બેલગાડીની જેમ ફસાઇ ગયા છે ને કદાચ તમે બે ચોમાસા વધારે જોયા હોય પણ એ દુકાળિયા હશે કે દિવાળીમાં ફટાકડા કરતા સુરસુરીયા જ હશે.

આગળ આપને વાત કરી એ પ્રમાણે આર્દશ પુત્ર  એટલે કોઇ આનાકાની વિના પિતાની ઇચ્છા કે આજ્ઞાનું પાલન કરે. આપણા ધાર્મકિ ઇતિહાસમાં આવા ધણા ઉદાહરણ છે જેમાં પુત્ર કોઇ દલીલ  વિના પિતાનીં આજ્ઞાને શિરોધાર્ય માનીને એ પ્રમાણે વર્તે છે. એક દાખલો પરશુરામ. માતા રેણુકાનો એટલો જ અપરાધ કે જળક્રીડા કરતા મત્સ્યયુગલને જોયું. એની સજા કેવી આકરી કે પિતાએ પુત્રને માતાનો શિરચ્છેદ કરવાની આજ્ઞા કરી! હવે ઋષિ કે મુનિ તો જીતેન્દ્રિય હોય, ક્ષમાવાન હોય, ક્રોધ,મોહ,મદ આવા સાંસારિક નબળાઇથી પર હોય. જો આવા આદરણીય ને પુજ્ય લોકો આવા ક્રોધ જેવા અવગુણને વશ નકરી શકતા હોય તો એ આદરણીય કેમ કહેવાય.? તો બસ,પિતાની આજ્ઞા એટલે પુત્રે માતાનો વધ કરી નાખ્યો. એજ ભુલ જમદગ્નિએ કરી હોત તો?  એવો  દાખલો આપણા ભીષ્મપિતામહ. શાંતનું પિતા તરીકે તો  આદરપાત્ર ન જ ગણાય. પણ રાજા તરીકે પણ પ્રજા માટે સારુ ઉદાહરણ ન ગણાય. જે વ્યકિત જીવનના ઉતરાર્ધમાં કે જયારે મોહ,વાસના જેવી વૃતિઓનો ત્યાગ કરવાનો હોય એ અવસ્થાએ સંસારનો મોહ જાગે એ પણ યુવાન સંતાનના ત્યાગ પર! ભીષ્મ કદાચ આટલો ત્યાગ કરીને પિતૃભકિતનું અજોડ ઉદાહરણ બની ગયા પણ એની એ પ્રતિજ્ઞાએ એને રણભુમીમાં અસત્ય ને અન્નાય પક્ષે લડવા મજબુર બનાવી દીધા.  આજે થોડી પરિસ્થિતિ સુધરી છે પણ એકાદ બે પેઢીપહેલા માતાની આજ્ઞા માથે ચડાવીને પત્નીને કાઢી મુકવા, ઝેર આપવા કે મારઝુડ ને એવા શારીરિક જુલ્મ આચરનારા શ્રવણની ખોટ નહોતી.   

સમજવાનું એ જ છે કે માબાપ પણ આખરે મનુષ્ય છે.એનામાં ખુબી ને ખામી,

માનવસહજ ગુણદોષ હોવાના.એટલે કોઇ પણ વાતને માત્ર વિચાર્યા વિના આજ્ઞા સમજવા કરતા એના સારાનરસા પાસાની સમીક્ષા કરવી એજ વિવેક છે. માત્ર લાગણીથી નહિ પણ બુધ્ધીથી પણ વિચારવાનુઁ એને જ સ્થિતપ્રજ્ઞ કહેવાયને….


વિમલા હીરપરા ( યુ.એસ.એ ) || vshirpara@gmail.com

1 comment for “પુત્ર તરીકેના રામના પાત્રની મારી નજરે મુલ્યાંકન

  1. Bharti
    November 1, 2019 at 11:23 pm

    very nice and interesting Article Vimlaben

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *