બે ગ઼ઝલો

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ ઝવેરી “બેફિકર”

              ગઝલ-૧

એટલે અધ્ધર હજી પણ હું જ છું,
બાણશૈયા પર હજી પણ હું જ છું.

કંટકોને થાપ આપીને સતત,
ફૂલમાં અત્તર હજી પણ હું જ છું.

એટલે ટટ્ટાર ચાલો છો તમે,
પ્રેમમાં પગભર હજી પણ હું જ છું.

એમની કાઢો ખબર તો પૂછજો,
ઘાવ પર હળદર હજી પણ હું જ છું.

કયાં ફરું, ક્યારે ફરું, ના પણ ફરું!
કાળનું ચક્કર હજી પણ હું જ છું.

                     + + +

             ગઝલ –૨

હું કયાં કહું છું વાત જવા દે,
વાત પછી અર્થાત જવા દે.

રંગ તને લે મારો આપું,
મેઘધનુષના સાત જવા દે.

ઝાકળનો મતલબ જાણી લે,
ફૂલોની તું જાત જવા દે.

પ્રેમ તને કરવાનો નક્કી,
નાની નાની ઘાત જવા દે.


વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવમુંબઈના જાણીતા ગઝલકાર શ્રી સુરેશ ઝવેરી હાલ કલાગુર્જરી સ્થાપક સંસ્થામાં સાહિત્ય સમિતિના સહ અધ્યક્ષ છે.તેમણે ગઝલના છંદનો અભ્યાસ ‘બેફામ’ બરકત વિરાણી પાસે કરેલ છે અને પોતે ‘બેફિકર’ના તખલ્લુસથી ગઝલો લખે છે. તેમના “નિતાંત’ નામે પ્રસિધ્ધ થયેલ ગઝલ સંગ્રહમાંથી લીધેલ આ બે ગઝલો પ્રસ્તૂત છે. વે.ગુ. પર પ્રકાશિત કરવાની અનુમતિ બદલ સાહિત્ય સમિતિ આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરે છે.

સંપર્ક સૂત્રોઃ મોબાઈલ નંઃ + ૯૧ ૯૦૦૪૪ ૦૫૯૫૦

Email: sureshnzaveri@gmail.com


વેગુ’ સાહિત્ય સમિતિ વતી…દેવિકા ધ્રુવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *