પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં.૧૪

નયના પટેલ, લેસ્ટર, યુકે.

પ્રિય દેવી,

ઘણા સમયથી લખવાની  અંતઃપ્રેરણા ન્હોતી મળતી અને આ પત્રશ્રેણીના વિચારે મને ઢંઢોળી છે. ન જાણે સ્મૃતિના કંઈ કેટલાયે પડળો ખૂલી રહ્યાં છે.

ચાલ તારા પત્ર તરફ વળું. તારે જેમ ‘વન દો’ નું થયું હતું તેવો જ એક મારો અનુભવ કહું. હું પણ ૧૯૬૮માં ઈંગ્લેંડ આવી ત્યારે અમારી પાસે કાર તો ક્યાંથી હોય? તેથી સ્વાભાવિક રીતે જ બસમાં જતાં. અને દરેક વખતે કંડકટર ‘ઓલ ટાઈટ’ બોલે. થોડા દિવસ તો સાંભળ્યું પછી એકવાર મેં મારા હસબન્ડને પૂછ્યું કે એ શું બોલે છે? ત્યારે ખબર પડી કે એ ‘હોલ્ડ ટાઈટ’-ઊભા હોઈએ તો હેન્ડલ ટાઈટ પકડીને ઊભા રહેવાનું કહેતાં હતાં!

ફાધર વાલેસની વાતના સંદર્ભમાં કહું તો તેમની વાત ખૂબ જ સાચી છે પણ ઘણીવાર અઘરી પણ થઈ પડે છે. જેમકે અમુક વ્યક્તિઓમાં વાત ને અસરકારક રીતે કહેવાની કળા ઓછી હોય ત્યારે વાતને ક્યાં તો એટલી લંબાવે કે સામેની વ્યક્તિને કંટાળો આવી જાય અથવા મૂળ મુદ્દો ક્યાંય રહી જાય અને વાતનો સંદર્ભ પણ ઘણીવાર તો બદલાય જાય. ત્યારે સાચે જ ધ્યાનથી સાંભળવું મુશ્કેલ બની જાય. પરંતુ આ તો સામાન્ય સંજોગોની વાત થઈ, દેવી, હું જે સંદર્ભે કહું છું એ છે જ્યારે કોઈ પોતાની અંતરવ્યથા કહેતું હોય ત્યારે કાનથી, દિલથી, અને સહાનુભૂતિથી સાંભળવાનું અને તે આપણી બૉડી લેગ્વેજથી વાત કહેનાર વ્યક્તિને દિલાસો મળે એ રીતે.

હમણાં જ બની ગયેલી મારા next door neighbor ની અનહદ કરુણ વાત કહું. મારા પાડોશી પણ એશીયન અને આપણા ગુજરાતી જ છે. તેમને બે દિકરીઓ. ત્રણ વર્ષ પહેલા મોટી દિકરીના લગ્ન થયા. નાની દિકરી મીરાંનો બોયફ્રેંડ એશીયન જ છે પરંતુ શરુઆતથી મા-બાપનો એ છોકરા માટે સખ્ખત વિરોધ. કારણ એમની જ ન્યાતનો હોવાથી એના બેકગ્રાઉંડ વિશે એ લોકો સારી રીતે પરિચિત. ડ્રગ ડિલિંગ અને બીજા ગુન્હા માટે જેલમાં જઈ આવેલો એ છોકરો અને મીરાં ગળાબૂડ એના પ્રેમમાં. મીરાંના ડેડીએ એને પસંદગી આપી કે, ક્યાં તો એ છોકરો અથવા અમે!

મીરાં તો મા-બાપને છોડીને બોયફ્રેંડ સાથે રહેવા ગઈ. ડોમેસ્ટિક વાયોલન્સ થતું હોવાથી થોડા મહિનામાં મીરાં પાછી મા-બાપને ત્યાં આવી. પ્રેમને આંધળો કહ્યો છે તે સાંભળ્યું હતું, દેવી, પરંતુ આ સગી આંખે જોયું કે આ અનુભવ પછી પણ ફરી એ પાછી જતી રહી. બીજી વખત એને એના બોયફ્રેંડના ઘરમાંથી પહેરેલે કપડે ભાગી જવું પડ્યું. કારણ એકલું ડોમેસ્ટિક વાયોલન્સ જ નહી પછી તો એ એટલો બધો પઝેસીવ થઈ ગયો કે એ છોકરીને કોઈની સાથે બોલવાનું નહી અને આખો દિવસ ફોન કરીને ચેક કર્યા કરે કે એ કોઈની સાથે વાતો તો નથી કરતીને, મળતી તો નથીને!!

ટૂંકમાં એ છોકરી ડિપ્રેશનનો ભોગ બની અને ૨૫/૨૬ વર્ષની ઉંમ્મરે એ સાવ નિષ્પ્રાણ, દેખાતી હતી. અને તું માનીશ ગયા મહિનાની ૧૫મી તારીખે ફાંસો ખાઈને માનસિક યાતનામાંથી મુક્ત બની ગઈ!!! તેના મા-બાપ અને બહેનનું દુઃખ જોયું જતું નથી…..

મીરાંની મમ અને ડેડને કઈ રીતે અને કયા શબ્દોમાં આશ્વાસન આપું? મને પોતાને જ મારા શબ્દો ઠાલા લાગે! એની મમ્મી એટલી ડિપ્રેસ છે કે વાતો કરે ત્યારે બે વાતોની વચ્ચે ઘણીવાર કોઈ મેળ ન લાગે. શું સાંભળું? મને લાગે છે કે માત્ર બૉડી લેંગ્વેજ જ, આવા સંજોગોમાં સૌથી વધુ મહત્વની બની રહે છે.

આ કહેવા પાછળ મારા બે આશયો છેઃ-

  • ·એક તો આપણે ઘણીવાર કૂવામાંના દેડકા બની રહેતા હોઈયે છીએ એમ તને નથી લાગતું, દેવી? આપણે અને આપણી આજુબાજુ બધું સારું એટલે આખી દુનિયામાં બધું એટલું જ સારું ન પણ હોય તેની આ વાત સાક્ષી છે.
  • ·બીજું, વિશ્વમાં આટલા આધુનિક ગણાતા દેશમાં પણ આવું થાય કારણ સંવેદના. લાગણી, પ્રેમ એ વાતો અને આધુનિકતાને કાંઈ જ લાગે વળગે નહીં. એ તો દરેક વ્યક્તિની મૂળભૂત માંગ છે. કોઈ મને ચાહે, ગમે અને મારી કાળજી રાખે! પરંતુ આવા અંજામ જોઈને મનમાં ભારે અજંપો થાય. આજનુ યુવા ધન આ રીતે વેડફાય તેમાં વાંક કોનો? એ વિચાર મનમાંથી ખસતો નથી.

આ વાત જ એટલી આઘાતજનક છે કે હમણાં તો કોઈ હળવી વાત મગજમાં અવતી જ નથી. દેવી, તેં જ ક્યારેક લખ્યું છે ને કે,આંચકા ભૂતળને લાગે તો ધરતીકંપ થઈ જાય છે ને ધક્કા ભીતરને વાગે તો ધિક્કારકંપ થઈ જાય છે. આવી ગોઝારી ઘટના સાંભળીએ ત્યારે સાવ સાચું લાગે.

ચાલ, આ વખતે વાત ખૂબ લંબાઈ ગઈ…તારા તરફથી નવી વાતની રાહ જોઈશ.

નીનાની સ્નેહ યાદ


ક્રમશ:


દેવિકા રાહુલ ધ્રુવ : હ્યુસ્ટન ::  ddhruva1948@yahoo.com ||  નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે. : ninapatel47@hotmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.