પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૬]

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત , રાજ કુમાર અને રાજેન્દ્ર કુમાર, પ્રેમ નાથ, પ્રદીપ કુમાર અને સુનિલ દત્ત માટેનાં ગીતોને યાદ કરી ચુક્યાં છીએ.

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

મન્નાડેની પાર્શ્વગાયક તરીકેની કારકીર્દીમાં ફિલ્મના મુખ્ય અભિનેતા માટેના પાર્શ્વગાયનના અવાજ તરીકેની આગવી ઓળખની શોધની આ સફરના આજના આ પડાવમાં આપણે એવા નાયકથી શરૂઆત કરીએ છીએ જેમની સાથે મન્નાડેના સંગાથની શરૂઆત પરોક્ષ સંબંધથી થઈ અને નાયકની કારકીર્દી પરિપક્વતાની સીમામાં દાખલ થઈ ત્યારે સીધા સંબંધમાં ખીલી રહી.

ધર્મેન્દ્ર સાથે

આપણે વાત કરી રહ્યા હતા ફિલ્મ ‘શોલા ઔર શબનમ'(૧૯૬૨)ની. ધર્મેન્દ્રએ પર્દા પર આ ફિલ્મ માટે અભિનિત કરેલં મોહમ્મદ રફીના સ્વરનાં જાને ક્યા ઢૂંઢતી ફિરતી હૈ યે આંખે અને જીત હી લેંગે બાજી હમ તુમ મોહમ્મદ રફીનાં, ફિલ્મના સંગીતકાર ખય્યામનાં તેમ જ તમામ હિંદી ફિલ્મનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન મેળવે છે.

ફિલ્મમાં મન્ના ડે ના સ્વરમાં ગવાયેલાં ગીતોનો પરોક્ષ સંબંધ દિલ્મના નાયક ધર્મેન્દ્ર સાથે છે.

અગર દિલ દિલસે ટકરાયે – શોલા ઔર શબનમ (૧૯૬૨) – મોહમ્મદ રફી અને ગીતા દત્ત સાથે – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: કૈફી આઝમી

ગીતનો મોટો ભાગ તો પ્રણય ત્રિકોણનાં ત્રણ મુખ્ય પાત્રોનાં પર્તિબિંબ સ્રરખાં તેમનાં ત્રણ મિત્રો પરદા પર ભજવે છે.જોકે @૨.૦થી ૨.૧૬ અને પછીથી @૩.૦૬ થી ૩.૩૬ દરમ્યાન ધર્મેન્દ્ર પણ મોહમ્મદ રફીના સ્વરમાં ગીતની બાગડોર હાથમાં લઈ લે છે. પ્રણય ત્રિકોણના ત્રીજા ખૂણા સમાન મિત્ર પાત્ર ધર્મેન્દ્રની મશ્કરીનો, @૨. ૧૭ પર, મન્ના ડેના સ્વરમાં જવાબ વાળે છે.

ફિર નહીં આનેવાલે પ્યારે ઐસી મિલનકી રાત – શોલા ઔર શબનમ (૧૯૬૨) – આશા ભોસલે સાથે – સંગીતકાર: ખય્યામ – ગીતકાર: કૈફી આઝમી

મુખ્ય પાત્રોના મનના ભાવ જાહેરમાં ગીત ગાતાં પાત્રોના સ્વરમાં કહેવાતા હોય એવાં પ્રકારનાં ગીતોના પ્રકારની અહંઈ ખય્યામે પણ અસરકારકતાપૂર્વક અજમાયશ કરી છે. ગીતને લોકધુનના ઢાળમાં ઢાળીને દિલ ઝુમતું કરી મૂકે તેવો તાલ અને તાલવાદ્યોનો પ્રયોગ પણ દાદ માંગે છે.

હમને જલવા દિખાયા તો જલ જાઓગે – દિલને ફિર યાદ કિયા (૧૯૬૬) – આશા ભોસલે સાથે – સંગીતકાર: સોનિક ઓમી – ગીતકાર: જી એલ રવૈલ

ફિલ્મમાં ધર્મેન્દ્ર માટેનાં ગીત મોહમ્મદ રફીના સ્વરમાં જ રેકોર્ડ થયાં છે. પરમ્તુ અહીં ધર્મેન્દ્ર, તેમ જ નુતન,ને છદ્મવેશમાં રજૂ કરાયાં છે એટલે તેના પાર્શ્વ સ્વરમાં પણ બદલાવ કરાયો છે. કવ્વાલીની શૈલીમાં રચાયેલાં આ ગીત મટે મન્ના ડે અને આશા ભોસલે પણ તેમની નૈસર્ગિક શૈલીમાં ખીલી રહે છે.

અરે ઝીંદગી હૈ ખેલ કોઈ પાસ કોઈ ફેલ, ખીલાડી હૈ કોઈ અનાડી હૈ કોઈ – સીતા ઔર ગીતા (૧૯૭૨) – આશા ભોસલે સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી

ડ્બલ રોલના એક પાત્રમાં હેમા માલીનીનો સાથ ધર્મેન્દ્ર આપે છે. પ્રસ્તુત ગીતમાં તેઓ શેરી ગીતને અભિનિત કરે છે . શેરીમાં ગીત ગાતાં પાત્રોના હોઠ પર જીવનની ફિલસૂફી બહુ જ સરળતાથી રજૂ કરવાની હિંદી ફિલ્મોની પરંપરા રહી છે.

અભી તો હાથમેં જામ હૈ, તૌબા કિતના કામ હૈ – સીતા ઔર ગીતા (૧૯૭૨) – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી

નશામાં ડૂબેલ સ્વરમાં જીવનની ફિલસૂફી કહેવાનું બેવડું કામ મન્ના ડે અસરકારપણે પાર પાડે છે.

બંધુ રે યે મન ડોલે બોલે ક્યા રે કોઈ જાને, જલ ભરા મેઘ યે દિલ કે પ્યાસા યે મન સૂના – અનોખા મિલન (૧૯૭૨) – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: જેકી હમીદ

બંગાળી પૃષ્ઠભૂ પરની આ ફિલ્મમાં ધર્મેન્દ્ર બહુ સહજતાથી નાવીકની ભૂમિકા ભજવી રહ્યા છે. બંગાળી ગાયન શૈલીમાં નાવિકનું ગીત અને સલીલ ચૌધરીનું સંગીત એટલે મન્ના ડેનો મોસાળમાં ભાને બેઠા અને મા પીરસે એવો લાભ મળ્યો.

ધરતી અંબર નીંદ સે જાગે – ચૈતાલી (૧૯૭૫) – લતા મંગેશકર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાન્ત પ્યારેલાલ – ગીતકાર: આનંદ બક્ષી

ઢીસૂમ ઢીસૂમ પાત્રોમાંથી ધર્મેન્દ્રની કારકીર્દીને ગંભીર ભૂમિકાઓનાં પાત્રો તરફ લઈ જવામાં હૃષિકેશ મુખર્જીનો ફાળો બહુ મહત્ત્વનો ગણાય છે. તેમના દ્વારા દિગ્દર્શિત, મૂળ બંગાળીમાં બનેલ ફિલ્મ,માં હવે ધર્મેન્દ્ર પણ સરળતાથી પરાકાયા પ્રવેશ કરી શકેલ જોવા મળે છે.

યે દોસ્તી હમ કભી ન તોડેંગે – શોલે (૧૯૭૫) – કિશોર કુમાર સાથે – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: આનંદ બક્ષી

‘શોલે’ના કેટલાક સાર્વત્રિક લોકપસંદ સંવાદો જેટલું જ આ ગીત પણ લોકચાહના વર્યું હતું.

શશી કપૂર સાથે

શશી કપૂર માટે મના ડેનાં પાર્શ્વગાયનનું એક જ ગીત મને મળ્યું છે.

આયા આયા અબ્દુલ્લા હે અબ્દુલ્લા – જુઆરી (૧૯૬૮) – લતા મંગેશકર સાથે – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: આનંદ બક્ષી

ફિલ્મમાં શશી કપૂર માટે હમસફર અબ યે સફર કટ જાયેગા જેવાં ગંભીર ભાવનાં ગીત માટે મૂકેશનો અને જાને મન અલ્લાહ ખબર જેવાં ચુલબુલાં રોમેન્ટીક ગીત માટે મહેન્દ્ર કપૂરના સ્વરનો ઉપયોગ કરાયો છે. પ્રસ્તુત ગીતમાં શશી કપૂર મંચ પર આરબ પાત્ર અભિનિત કરે છે એટલે તેમના માટે મન્ના ડે પાર્શ્વસ્વર પૂરો પાડે છે !

મનોજ કુમાર સાથે

મનોજ કુમાર માટે પણ મને તેમન અમાટે ગાએલું મન્ના ડેનું એક જ (યુગલ)ગીત મળે છે. તે પણ મનોજ કુમારની બહુ શરૂઆતની ફિલ્મનું જ છે.

ઝુલ્ફોંકી ઘટા લેકર સાવનકી પરી આયી – રેશમી રૂમાલ (૧૯૬૧) – આશા ભોસલે સાથે – સંગીતકાર: બાબુલ – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન

આપણી પસે ફરી એક વાર એવું (યુગલ) ગીત છે જે આજે પણ ચાહકોને મુગ્ધ કરી દે છે, પણ એ ગીતના ગુણી સર્જકને ત્યારે પણ તેમની કાબેલિયત અનુસાર મળવું જોઈતું હતી એટલી ચાહના નહોતી મળી.

મન્ના ડે- મનોજ કુમારના સંબંધનું એક બીજું પાસું છે જે આપણે ખાસ ધ્યાન પર લેવું જોઈએ. મનોજ કુમાર નિર્મિત એક એવી ફિલ્મમાં મન્ના ડે એક ગીત ગાયું જે તત્ક્ષણ લોક્ચાહના મેળવી ગયું, જે ગીતે પ્રાણની બીજી ઈનિંગ્સની આગવી છાપ ઊભી કરવામાં તેમની અભિનયની કાબેલિયતને વધારે નીખારી. એ ફિલ્મને કારણે મનોજકુમાર પણ મિ. ભારત તરીકે ઓળખાવા લાગ્યા.

પ્રાણ સાથે

કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોકા ક્યા – ઉપકાર (૧૯૬૭) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: ઈન્દીવર

આપણે આ ગીતની જ વાત કરી રહ્યા હતા એ તો બધાંને ખ્યાલ આવી જ ગયો હશે.’ઉપકાર’માં પ્રાણનો મંગલબાબા તરીકેનો અભિનય ફિલ્મની સફળતા માટેનું એક પ્રબળ પરિબળ બની ગયું હતું. પ્રસ્તુત ગીતે એ પાત્રને લોકોના હોઠ પર રમતું કરી મૂક્યું.

ક્યા માર સકેગી મૌત ઉસે, ઔરોંકે લિયે જો જીતા હૈ – સંન્યાસી (૧૯૭૫) – સંગીતકાર શંકર જયકિશન – ગીતકાર ઈન્દીવર

આ ગીતમાં પણ બીજી ઇનિંગ્સમાં ચરિત્ર પાત્રોને નીખારતા પ્રાણ મનોજ કુમાર અભિનિત પાત્રને કોઈ મહત્વનો સંદેશ પાઠવે છે.

હવે શંકર (જયકિશન) પણ તેમની બીજી ઇનિંગ્સમાં છે, ફરક માત્ર એટલો છે કે તેમની સાથે રમતમાં જયકિશન અને શૈલેન્દ્ર નથી રહ્યા.

પ્રાણની બીજી ઇનિંગ્સમાં તેમણે લગભગ દરેક ફિલ્મમાં એક ગીત તો ગાયું હશે, જેમાંનાં મોટા ભાગનાં ગીતોમાં સ્વર મન્ના ડેનો રહ્યો . જોકે આપણે બધાં ગીતોને અહીં નહીં સમાવીએ, પણ એક એવાં ગીતને જરૂર યાદ કરી લઈશું જે આજના અંકમાં આવરી લેવાયેલા એક અન્ય મુખ્ય નાયકને ઉદ્દેશીને ફિલ્મમાં ગવાયું છે.

રામ રામ રામ ક્રોધ લોભ માયા મૈં તજ કે – ક્રોધી (૧૯૮૧) – સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર આનંદ બક્ષી

અહીં જે નાયકનાં પાત્રને ઉદ્દેશીને આ ગીત ગવાયું છે તે ધર્મેન્દ્ર છે.

યારી હૈ ઈમાન મેરા યાર મેરી ઝિન્દગી – ઝંઝીર (૧૯૭૩)- સંગીતકાર કલ્યાણજી આણંદજી – ગીતકાર ગુલશન બાવરા

પ્રાણની બીજી ઇનિંગ્સની વાત કરીએ અને આગીતની વાત ન કરીએ તે તો અક્ષમ્ય બાબત જ ગણાય.

જોય મુખ્રર્જી સાથે

જોય મુખર્જી સાથે પાર્શ્વગાયન માટે મોહમ્મદ રફીનો સ્વર જ સામાનયતાઃ પર્યોજાતો રહ્યો છે. એ દૃષ્ટિએ અહીં જે ગીત રજૂ કર્યું છે તે એક બહુ જ નોંધપાત્ર અપવાદ કહેવાય. ગીતમાં મુખ્ય આકર્ષણ કેન્દ્ર જોહ્ની વૉકર છે. આમ પણ જોહ્ની વૉકર, અને એક તબક્કે મહેમૂદ પણ, એટલા મોટા સ્ટાર હતા કે ફિલ્મમાં તેમને કામ આપવું હોય તો તેમની ઘણી બધી શરતોનું પાલન કરવું પડતું. પ્રતુત ગીતમાં પોતા માટે મોહમ્મદ રફીનો સ્વર જ હોવો જોઈએ એવો કદાચ જોહ્ની વૉકરનો આગ્રહ હશે એટલે જોય મુખર્જી ને ફાળે આવતી પંક્તિઓ માટે મન્ના ડેનો સ્વર પ્રયોજાયો હશે.

હમ ભી અગર બચ્ચે હોતે નામ હમારા હોતા બબલુ ગબલુ, ખાનેકો મિલતે લડ્ડુ – દૂરકી આવાઝ (૧૯૬૪) – મોહમમ્દ રફી અને આશ અભોસલે સાથે – સંગીતકાર: રવિ – ગીતકાર: શકીલ બદાયુની

એક સમયે બાળકોના જન્મદિવસમાં અચૂક આ ગીત સાંભળવા મળતું. જોહ્ની વૉકર પણ તેમની અભિનય શૈલીની જાનીપહચાની અદાઓથી ગીતનાં કેન્દ્રસ્થાન હોવાને ન્યાય કરે છે. મન્ના ડે એ જોય મુખર્જી માટે એટલી સાહજિકતાથી ગાયું છે કે જોય મુખર્જી માટે મોહમ્મદ રફીના સ્વરની ખોટ અનુભવાતી નથી.

આજના અંકનો અંત મન્ના ડેનાં પ્રેમ નાથ માટેનાં એક ગીતથી કરીશું, જે અગાઉના પ્રેમનાથના અંકમાં લેવાનું ચૂકાઈ ગયું હતું. જોકે પ્રસ્તુત ગીતનો બહુ જ ઊંડો સંબંધ મનોજ કુમાર સાથે પણ છે એટલે અ ગીતને અહીં લેવાનું સમયોચિત તો બની જ રહે છે.

જીવન ચલનેકા નામ ચલતે રહો સુબહ શામ – શોર (૧૯૭૨)- મહેન્દ્ર કપૂર અને શ્યામા ચિત્તર સાથે – સંગીતકાર: લક્ષ્મીકાન્ત પ્યારેલાલ – ગીતકાર: ઈન્દ્રજીત સિંહ તુલસી

દિઅવ્સરાત અખંડ સાયકલ ચલાવવાના કરતબ એક સમયે ગ્રામીણ અને નાનાં શએરોમાં બહુ પ્રચલિત પ્રથા હતી. પ્રસ્તુત ગીતમાં એ ખેલને વણી લેવાને કાર્ણે ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું.

હવે પછીના અંકમાં આપણે મન્ના ડે એ સંજીવ કુમાર અને રાજેશ ખન્ના જેવા ત્રીજી પેઢીના નાયકો માટે ગાયેલં ગીતો યાદ કરીશું.

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.