સાયન્સ ફેર : આવી ટેક્નોસેવી હેલ્મેટ્સ ખરીદવા માટે પડાપડી થશે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

‘To be or Not To Be’

વિશ્વવિખ્યાત નાટ્યકાર શેક્સપિયર દ્વારા લખાયેલ સુપ્રસિદ્ધ નાટક ‘હેમ્લેટ’માં મુખ્ય પાત્ર પ્રિન્સ હેમ્લેટ દ્વારા બોલવામાં આવતી સ્વગતોક્તિ (soliloquy)ની શરૂઆત ઉપરના વાક્યથી થાય છે. શેક્સપિયર અને હેમ્લેટની સાથે સાથે આ વાક્ય પણ એટલું લોકપ્રિય થઇ ગયું કે જ્યારે પણ ‘શું કરવું અને શું ન કરવું’ની દ્વિધાજનક પરિસ્થિતિ ઉભી થાય, ત્યારે ‘ટુ બી ઓર નોટ ટુ બી’ વાક્ય ફટકારી દેવામાં આવે છે. જો કે આપણે માટે આ વાક્ય ‘હેમ્લેટ’ નહિ પણ ‘હેલ્મેટ’ સાથે જોડાયેલું છે. કેમકે હેલ્મેટ પહેરવો કે ન પહેરવો, એ આપણા માટે હમેશા દ્વિધાત્મક બાબત રહી છે. હેલ્મેટ પહેરવાના ફાયદા આપને સહુ જાણીએ જ છીએ, માટે એના વિષે બહુ લખવું નથી. ટૂંકમાં કહેવું હોય તો હેલ્મેટ પહેરવાથી એકસીડન્ટ સમયે હેડ ઇન્જરી થવાની શક્યતાઓમાં ૭૦%નો જબ્બર ઘટાડો નોંધાયો છે. પરંતુ કદાચ સાચવણીની કડાકૂટ અને ચહેરો નોન-ગ્લેમરસ થઇ જતો હોવાને કારણે આપણે હેલ્મેટ પહેરવાનું ટાળીએ છીએ. પરંતુ જો આ જ હેલ્મેટ કોઈક જબરદસ્ત ફીચર્સ સાથે ઉપલબ્ધ હોય, તો આપણી પ્રજા કાળાબજારમાં બમણા ભાવે ય હેલ્મેટ ખરીદવા માટે લાઈન લગાવી દે! અત્યારે હેલ્મેટ મેન્યુફેક્ચરિંગમાં જે રીતના સંશોધનો થઇ રહ્યા છે, એ જોતા લોકોમાં હેલ્મેટ વાપરવાનું આકર્ષણ વધે એમ બને. સહુથી પહેલા વાત કરીએ હેલ્મેટ કેમેરાઝની.

તમે ટ્રેકિંગ કરતા હોવ, સાયકલીંગ કરતા હોવ, બાઈક પર લોંગ ડ્રાઈવ માટે જતા હોવ કે પછી ક્રિકેટમાં બેટિંગ કરતા હોવ ત્યારે જો તમારો હેલ્મેટ આજુબાજુની સીનરીનું વિડીયો રેકોર્ડીંગ કરી લે, તો જલસો થઇ જાય ને?! અત્યારે ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં તમે જોયું હશે કે સ્ટમ્પમાં મૂકેલો કેમેરો દરેક બોલનું વિડીયો શૂટિંગ-રેકોર્ડીંગ કરે છે. હવે જો આ જ પ્રકારનો વાયરલેસ કેમેરો બેટ્સમેનના હેલ્મેટમાં ગોઠવી દીધો હોય તો વિશ્વના શ્રેષ્ઠ બોલર્સની બોલિંગને બેટ્સમેનની નજરે જોવાનો કેવો જલસો થઇ પડે! આ પ્રકારે સ્પોર્ટ્સમાં હેલ્મેટ કેમેરાનો સૌપ્રથમ ઉપયોગ છેક ઇસ ૧૯૯૧માં ફૂટબોલની એક મેચ દરમિયાન થયેલો. પણ એ સમયે વાંકદેખા ક્રિટિક્સે ચીટીંગની શક્યતા અંગેનો ઉહાપોહ કરીને કેમેરાવાળી હેલ્મેટ પર પ્રતિબંધ મૂકાવેલો. પરંતુ હવે અનેક સ્પોર્ટ્સ એકટીવીટીઝમાં હેલ્મેટ કેમેરાનું ચલણ વધતું જવાનું છે.

જો કે હેલ્મેટ કેમેરાનો કન્સેપ્ટ જરાય નવો નથી. આ ક્ષેત્રમાં પાયોનીયર તરીકે માર્ક શુલ્ત્ઝ નામના માઉન્ટેન બાઈકરનું નામ લેવાય છે. પર્વતોના ઊંચા-નીચા રસ્તાઓ પર બાઈક રાઈડિંગ કરતી વખતે માર્ક પોતાની હેલ્મેટ સાથે કેમરા બાંધતો, જે એક કેબલ વાયર દ્વારા વીસીઆર સાથે જોડાયેલ રહેતો. માર્કે માથા ઉપર બાંધેલા કેમેરાની સાથે સાથે જ પીઠ પરની બેકપેકમાં વીસીઆરનું વજન પણ ઉઠાવવું પડતું! જો કે હવે વાયરલેસ ટેકનોલોજી અને લાઈટ વેઈટ કેમેરાઝને કારણે પહેલાની સખામણીમાં આ બધું સાવ સહેલું થઇ પડ્યું છે. હવે ભારેખમ વીસીઆરને બદલે હલકા-ફૂલકા મેમરીકાર્ડમાં ઘણો વધુ ડેટા રેકોર્ડ થઇ શકે છે. હેલ્મેટ કેમેરા સ્પોર્ટ્સ, મિલીટરી, લો-એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ તેમજ 108 (એમ્બ્યુલન્સ) પ્રકારની ઈમરજન્સી સર્વિસીઝમાં વગેરેમાં બહોળા પ્રમાણમાં ઉપયોગી સાબિત થઇ શકે એમ છે. નિષ્ણાંતો એવા વાયરલેસ હેલ્મેટ કેમેરાઝ બનાવવા પાછળ મહેનત કરી રહ્યા છે જે કમસેકમ ૪-૫ કલાક લાંબી હાઈ રીઝોલ્યુશન વિડિયોઝ શૂટ કરી શકે, જેની બેટરી ૫-૬ કલાક ચાલી શકે એવી હોય અને આવા કેમેરા માઈક્રોફોન તેમજ વાઈફાઈથી સજ્જ હોય. અને હા, આ કેમેરા વોટરપ્રૂફ તો હોવા જ જોઈએ.

અને હવે વાત જરા જુદા પ્રકારની હેલ્મેટની. ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી (DARPA), એ અમેરિકી રક્ષા મંત્રાલયની એવી શાખા છે, જે મિલીટરીને ઉપયોગી ટેકનોલોજીમાં સતત શોધખોળ કરતી રહે છે. તાજેતરમાં DARPAએ જે પ્રોજેક્ટ હાથ ધર્યો છે, એ જો સફળ થશે તો ભવિષ્યના અમેરિકન સૈનિકો યુદ્ધમેદાનમાં ‘એક્સ્ટ્રા ઇન્ટેલીજન્સ’ સાથે ઉતરશે. DARPA સૈનિકોના મગજમાં ‘ઘૂસણખોરી’ કરીને, અમુક ચોક્કસ પ્રકારની ન્યુરોલોજીકલ પ્રોસેસને કાબૂ કરવાની તજવીજમાં છે, જેને માટે અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. એરિઝોનામાં આવેલા DARPAના સંશોધન મથકમાં તજજ્ઞો “ટ્રાન્સક્રેનિયલ પલ્સડ અલ્ટ્રાસાઉન્ડ”(TMS) ટેકનોલોજી દ્વારા વિવિધ પ્રયોગો કરી રહ્યા છે. સૈનિકોના મગજમાં ‘દાખલ’ થવા માટે કોઈ સર્જરી કરવાને બદલે તેઓ ‘હેલ્મેટ’નો ઉપયોગ કરવા માટે વિચારી રહ્યા છે. હેલ્મેટમાં બેસાડેલી ટ્રાન્સક્રેનિયલ પલ્સડ અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમની મદદથી સૈનિક પોતાના મગજને વધુ ચપળ અથવા રિલેક્સ રહેવા માટે સંદેશો મોકલી શકશે. એટલુંજ નહિ, પણ માથામાં ગંભીર ઇજા પહોંચે, એ સમયે પણ જે-તે સૈનિક પોતાની હેલ્મેટ દ્વારા મગજ ને નિયંત્રિત કરી શકશે!

તજજ્ઞોના મત મુજબ આ પદ્ધતિથી સૈનિકોને કોઈ લાંબા ગાળાનું નુકસાન થતું નથી. સૈનિકોની હેલ્મેટમાં વણી લેવાયેલી આ ટેકનોલોજી, યુદ્ધમેદાને ‘કી-એલીમેન્ટ’ સાબિત થશે. દરેક સૈનિકની હેલ્મેટમાં કેટલીક ‘સ્વિચ’ આપેલી હશે, જે મગજના અલગ અલગ હિસ્સાઓ ઉપર અસર કરતી હશે. જ્યારે સૈનિક આરામ કરી શકે એવી સ્થતિમાં હોય ત્યારે હેલ્મેટ મગજના જ્ઞાનતંતુઓને ‘રિલેક્સ’નો મેસેજ મોકલશે. તે જ પ્રમાણે જ્યારે સાવધાન રહેવાનું હશે, ત્યારે લાંબા સમય સુધી ઊંઘ લીધા વિના, માત્ર હેલ્મેટની મદદથી મોકલાયેલા સંદેશાઓ દ્વારા સૈનિક પોતાના મગજને ચુસ્ત-એલર્ટ રાખશે! યુદ્ધ સમયે જો કોઈ ગંભીર ઇજા થાય તો આ ટેકનોલોજીની મદદથી, કોઈ પણ પ્રકારની પેઈન કિલર દવાઓ લીધા સિવાય પીડા ઓછી કરી શકાશે. વળી ટ્રાન્સક્રેનિયલ પલ્સડ અલ્ટ્રાસાઉન્ડ (TMS) ટેકનોલોજીનું સૌથી અગત્યનું પાસુ એ છે, કે કોઈ ઈજાને કારણે મગજને થતું નુક્સાન પણ નિવારી શકાશે અથવા તો તેની અસરો ઓછી કરી શકાશે! ભવિષ્યમાં આ પ્રકારની હેલ્મેટ્સ પોલીસ ડીપાર્ટમેન્ટ માટે પણ ઉપયોગી નીવડશે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *