ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૮) જગો જિરાફ અને ભરત હાંકણહારો

Facebooktwitterredditpinterestlinkedinmail

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.

પીયૂષ મ. પંડ્યા

—————*—————-*——————-*——————-*——————*—————-

હવે જ્યારે ભાવનગરમાંની એ.વી. સ્કૂલના દિવસોની વાત માંડી છે ત્યારે આ કડીમાં એ જ સમયગાળાના કેટલાક ચૂનંદા મિત્રો પૈકીના બેની વાત અહીં રજુ કરું છું.

આજથી વીશેક વરસ પહેલાં ભાવનગર ગયેલો, ત્યારે મારા મોટાભાઈ જગત સાથે ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં અમે બન્નેએ મુખ્ય બજારના વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ચા પીવાનું નક્કી કર્યું. ભાવનગરી બોલચાલ મુજબ રહેવા માટેની તેમ જ/કે કોઈ પણ પ્રકારની ખાણીપીણી માટેની જાહેર સુવીધા હોય, એ સ્થળ ‘હોટેલ’ તરીકે જ ઓળખાય છે. ભલે પછી એ ‘નીલમબાગ પેલેસ‘ કે ‘લોર્ડ્સ રીસોર્ટ’ જેવી અતિશય ઊંચી કક્ષાની કોઈ હોટેલ હોય, કે ફૂટપાથ ઉપરની લારીમાં ચલાવાતી ચાની કીટલી હોય. ભાવનગરમાં અન્ય સ્થળેથી આવેલા કોઈ મહેમાને ખાસ યાદ રાખવા જેવી એક વાત જણાવું. યજમાન રાત્રે અસહનીય આગ્રહપૂર્વક જમાડ્યા પછી “હાલો, મે’માન હોટલે જતા આવીએ” એમ કહે તો મે’માન મૂંઝાઈ જાય કે પેટમાં દવાની ટીકડીની ય જગ્યા નથી અને હજી આ હોટેલમાં લઈ જાય છે! પણ આ લખનાર અસલી ભાવનગરીનું ભાવભેર સૂચન છે કે કોઈ જ બીક વિના હરખભેર યજમાન સાથે જવું. રસ્તે જતાં એકાદી પાનની દુકાને ઉભા રહી, યજમાન “કાં, બાપુ! ( મધ્ય ગુજરાતનો ‘બોસ્સ’ ભાવનગરમાં ‘બાપુ’ બની જાય છે!) પાન જમશો કે પછી કાચી પાંત્રી કિમામ પાવડરનો માવો હાલશે? ને આવડો આ પાન/માવો બનાવે ન્યાં લગી સોડાયું ઠોકશું ને!” એમ કહેશે. એ સમયે જાણવું કે યજમાન તો આ સોડા-પાનની ‘હોટલ’ની વાત કરી રહ્યા હતા! ભાવનગરમાં આવી જગ્યાએ જે બૌધ્ધિક ચર્ચાઓ ચાલે છે, એનો જોટો અન્યત્ર ક્યાંય નહીં મળે. અહીં દેશ-વિદેશના ટોચના નેતાઓ, રાજકારણીઓ, વિચારકો, ફિલસુફો, ધાર્મિક વડાઓ, કલાકારો, સંગીતમાર્તંડો, સાહિત્યકારો કે પછી વૈજ્ઞાનિકોનાં અંગત જીવનની એવી એવી વાતો કાને પડશે, જેનાથી કદાચ એ મહાનુભાવો પોતે પણ અજાણ હશે! હા, એ વાતોની સત્યચકાસણીમાં પડવાની કોશિશ ન કરવા ભલામણ છે. બહેતર એ છે કે આવી ‘વાત્યું’ સાંભળીને “હોય નહી!”, ‘હું નો માનું!” “જાઓ જાઓ, મારા હમ?” જેવા આશ્ચર્યોગારો કાઢવાથી તાત્કાલિક ધોરણે બહોળું મિત્રમંડળ મળે છે અને ઉક્ત મંડળીમાં સંજાણ બંદરે ઉતરેલા પારસીઓ જેવો આવકારો પણ પ્રાપ્ત થાય છે.

હવે મૂળ વાત ઉપર આવી જાઉં. અમે જ્યાં ચા પીવાનું નક્કી કર્યું માટે એ હકીકતે તો એ એક ચા-કોફી પીવા માટેની સીધી સાદી રેસ્ટોરાં હતી. બિલકુલ મુખ્ય રસ્તા ઉપરની આ જગ્યામાં સાંકડા દરવાજાથી અંદર પ્રવેશીએ, એટલે એક નાનકડી ઓરડી જેવી જગ્યામાં થોડાં ટેબલ ખુરશી મૂકેલાં હોય, જે લગભગ ભરચક જ હોય. ત્યાંથી ડાબી બાજુએ સહેજ અંદર જતાં ‘ફેક્ટરી’ કહેવાતી નાનકડી કોટડી આવે, જ્યાં મોટા સ્ટવ ઉપર સતત ચા બનતી રહેતી હોય. એ ફેક્ટરી તરીકે ઓળખાતા ઘોંસલામાં એક ઉભી બારી હતી, જે રોડની સાઈડ ઉપર ખુલતી હતી. અંદર જગ્યા મળવાની શક્યતા ઓછી હોવાથી મોટા ભાગના લોકો આ બારીની બહારના રોડ ઉપર ઉભા ઉભા જ ચા પીવાનું પસંદ કરે. ભાઈ જગત અને હું પણ ત્યાં ઉભા રહીને ચાની રાહ જોતા હતા, ત્યાં અચાનક ફેક્ટરીની બારીમાંથી એક લાંબું ડોકું બહાર ફૂટી નીકળ્યું અને એની સાથે જોડાયેલ મોઢાએ ત્રાડ નાખી, ” કાં પીયૂસીયા, ક્યાં મરી ગ્યો ‘તો, આટલાં વરહથી?” સહેજસાજ ડઘાયેલો હું આંચકામાંથી બહાર આવું, એના પહેલાં ડોકું અંદર જતું રહ્યું અને બીજી જ ક્ષણે એ ડોકાની સાથે જોડાયેલ સમગ્ર શરીરે મુખ્ય દ્વારમાંથી બહાર આવી, પોતાની ઓળખાણ આપી, “બસ, ભૂલી ગ્યો ને? હું જગો જિરાફ! આપડે એ.વી.સ્કૂલમાં હારે ભણતા! હું અહીં સા(ચા)નો કારીગર સઉં.” આટલું સાંભળતાં મારી સ્મૃતિની આડેનાં પડળો હટી ગયાં અને મને યાદ આવી ગયો મારો છઠ્ઠા-સાતમા ધોરણનો સહાધ્યાયી મિત્ર જગજીવન સોલંકી.

અતિશય ગરીબ કુટુંબમાંથી આવતો જગજીવન શરીરે એકદમ દૂબળો પાતળો હતો અને ઉમરના પ્રમાણમાં વધારે ઊંચો હતો. વળી એની વધારે પડતી લાંબી ગરદન એની ઊંચાઈમાં વધારો કરતી હતી. આવાં બાહ્યાકાર લક્ષણોને લઈને મેં એનું નામ ‘જગો જિરાફ’ પાડી દીધું હતું. એ સમયે કોઈ પણ છોકરો એના વિશેષ નામથી જ ઓળખાતો. આવાં નામાભિધાન એના દેખાવ, કૌટુંબીક વ્યવસાય ઉપરાંત જ્ઞાતિ તો ઠીક, અમુક કિસ્સામાં તો શારીરિક ખોડને આધારે પણ થતાં રહેતાં અને એ બાબતે ક્યારેય કોઈની લાગણીઓ દુભાતી નહીં. કૌટુંબીક ગરીબી જગાના દેખાવમાં અને વસ્ત્રોમાં તેમ જ દફતર તરીકે ઉપયોગે લેવાતી તૂટેલા નાકાવાળી થેલીમાં તો ખરી જ, ઉપરાંત એ થેલીમાં ભરાયેલાં‘સેકનેન્ડ’ (સેકન્ડ હેન્ડ) પાઠ્યપુસ્તકોમાં અને પૂંઠાં વગરની નોટોમાં પણ વ્યક્ત થતી રહેતી. જગો એકદમ સીધો સાદો અને કહ્યાગરો હોય એવી એની પ્રારંભિક છાપ અમારા સૌ ઉપર પડી. પણ એનો દેખાવ ખાસ્સો છેતરામણો હતો એવું અમને સહાધ્યાયીઓને થોડા જ અનુભવ પછી સમજાઈ ગયું. સૌરાષ્ટ્રમાં જેને ‘ઝીણખદો’ કહે એવો એ હતો. દેખાવે એકદમ ગંભીર, સીધાસાદા અને નિર્દોષ જણાતા પણ પ્રચ્છન્ન રીતે ખાસ્સા તોફાની અને ટીખળી હોય એવા વ્યક્તિ માટે આ શબ્દપ્રયોગ થાય છે. અમારો જગજીવન બહુ સિફતથી અન્યોની નકલ ઉતારી શકતો હતો. એમાં પણ એ સાહેબોની નકલ કરતી વખતે પોતાની મૌલિકતાના ચમકારા પણ ઉમેરતો જાય એ તો અમારે માટે ખાસ્સું મનોરંજક બની રહેતું. કોઈ કોઈ વાર વર્ગમાં સાહેબ ભણાવતા હોય ત્યારે એકદમ ઝીણા અવાજે કોઈ એવી ટીપ્પણી કરી મૂકે કે જેને કાને એ પડે એ હસવું રોકી ન શકે. સાહેબની નજરે એ હસનારાઓ પડે અને એમના મગજની ગરમીના સમપ્રમાણની સજા એ બધાને મળે. જગજીવન તો એકદમ સાક્ષીભાવે આ સમગ્ર ઘટનાક્રમ નિહાળી રહે! હા, રીસેસના અવકાશમાં એ સજા પામનારાઓને જગજીવન “તે ચાલુ કલાસે એટલા બધા ખખડીને દાંત નો કાઢવી ને!” એમ કહી, “લ્યો હાલો, એક બીજી ટોપ વાત હંભળાવું” કહીને ફરીથી કોઈ નવી વાત કરી, સૌને હસાવી મૂકતો.

એના બાપા દરજીકામ સારું જાણતા, પણ સ્વતંત્ર વ્યવસાયની પહોંચ ન હોવાથી એ નોકરી કરતા હતા. એમાં પણ સમયસમયે ‘શેઠ’ બદલાતા રહેતા. હા, દીવાળીની ‘સીઝન’માં એમને એટલું કામ મળી રહેતું કે દિવસોના દિવસો એમને મદદ કરવામાં વ્યસ્ત રહેતો જગજીવન નિશાળે ન આવી શકતો. પોતે અને ચાર બહેનો એમ પાંચ સંતાનોમાં એ સૌથી મોટો હતો. આથી પોતાની કૌટુંબીક જવાબદારી સમજીને એ ઉમરે એ ગાજ-બટન કરવાનું શીખી ગયો હતો અને બાપાને ‘ખભો કરતો’ થઈ ગયો હતો. ભણવે જો કે બહુ હોંશિયાર તો નહતો, પણ એ માટેની ધગશ અને નિસબત એનામાં દેખાઈ આવતી. એને હતું કે જેમતેમ કરીને પોતે સારું ભણે તો સારી નોકરી મેળવી, ઘરની જવાબદારીઓ વહેંચી, બાપાને ટેકો કરી શકે. જો કે બહુ જ ટૂંકા સમયગાળામાં એનો સ્વપ્નભંગ થઈ ગયો. અમે સાતમા ધોરણમાં હતા એ અરસામાં એના પિતા ટૂંકી માંદગીમાં અવસાન પામ્યા. જગજીવન જેમને વ્યવસાયમાં ખભો કરતો હતો, એ પિતાને કાયમી વળામણાં માટે ખભો કરવાનો વારો અચાનક જ આવી ગયો. માંડ તેરેક વર્ષની ઉમરે છત્ર ગુમાવી દેતાં જગજીવન ઘરના મોભની અવસ્થામાં જઈ ચડ્યો! અમે કાંઈ સમજીએ વિચારીએ એ પહેલાં તો ભણવાનું છોડી, જગો માથે આવી પડેલી જવાબદારીઓ વેંઢારવામાં પરોવાઈ ગયો. છેલ્લે અમને મળવા આવ્યો ત્યારે એ જાણતો નહોતો કે આગળ જઈને શું કરવું છે. “ મારી બા આજુબાજુનાં ઘરનાં કામ કરશે ને હું જ્યાં મળે ન્યાં દાડીયું ભરીશ. બસ, અમ પાંચ ભાંડરડાં ને બા, એટલાંને ભગવાન ભૂખ્યાં હૂવા નો દે એટલે હાંઉ!” કહેતો જગજીવન ભાંગી પડેલો.

બસ, પછી તો કાળક્રમે એ સાવ ભૂલાઈ ગયેલો. ત્યાર પછી લગભગ ત્રીશ વર્ષે જોયો એ ભેગો એ મને ઓળખી ગયો. આટલા સમયે મળ્યાનો અને અમે બન્ને પરસ્પર ઓળખી ગયા એનો આનંદ જગાના ચહેરા ઉપર છલકાતો હતો. જ્યારે એણે જાણ્યું કે હું અમદાવાદની કૉલેજમાં ભણાવતો હતો, ત્યારે એ હદ ઉપરવટ ખુશ થયો અને અમને હોટેલની અંદર લઈ ગયો. ત્યાં એક ટેબલ આગળ જઈ, ત્યાંની ખૂરશીઓમાં બેસી રહેલા યુવાનોને સીધા ખખડાવ્યા, “હાલો એય્ય્ય્ય્ય! તે આમ ક્યારુના બેહી રીયા સો તે કામધંધા સે કે નઈ? ઊભીના થાઓ ને આ સાયબુંને બેહવા દ્યો.” એ યુવાનો કશો જ વિરોધ બતાડ્યા વિના ઊભા થઈને હસતા હસતા બહાર નીકળી ગયા. કદાચ એમને માટે આ રોજીંદી ઘટના હશે! પછી જગતની અને મારી સાથે એ પણ ત્યાં ખૂરશીમાં ગોઠવાઈ ગયો. થોડી વાર પછી અંદર ફેક્ટરીમાં જઈને અમારી માટે ‘બાદછાઈ’ ચાનો ઓર્ડર આપી આવ્યો. આવીને કહે, “મારો આસિનન(આસિસ્ટન્ટ) ટોપ બનાવશે હો, કે પછી હું બનાવી આવું?” મેં આગ્રહ રાખ્યો કે એ અમારી સાથે બેસીને અલકમલકની વાતો કરે. ચા ભલે આસિનન બનાવે. પછી અમારી વાતો ચાલી, એમાં અચાનક એણે પાછું જોઈને ત્રાડ નાખી, “એય્ય્ય્ય્ય! ઓલી તારી માથે વાળી બઈણીમાંથી ઓલાં ટોપ હારાં ગુલબી ભિસ્કુટ આવવા દેજે.” મેં એ દિશામાં જોયું તો ખ્યાલ આવ્યો કે એણે આ ઓર્ડર થડે બેઠેલા શેઠને કરેલો! એનો અમલ થતાં થડા ઉપરની બરણીમાંથી નીકળી, ઊંચી ગુણવતાનાં ગુલાબી ક્રીમ વાળાં બિસ્કીટ અમારા ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં. જગાએ ચોખવટ કરી કે એ સમયે થડે બેઠેલો યુવાન તો શેઠનો દીકરો હતો. મૂળ શેઠ જગાના બાળગોઠીયા હતા અને પોતે અહીં નોકરી કરતો હતો પણ દોસ્તીનો સંબંધ યથાવત હતો. એ દિવસે શેઠ બહારગામ ગયા હોવાથી ‘હોટેલ’ જગાને ભરોસે હતી. એ બાબતની યથાર્થતા પૂરવાર કરતો જગો મારા ભાઈ જગતને કહે, “અમદાવાદની કૉલેજનો જેવો પીયૂસીયો સાયેબ સે ને, એવો આ ફેક્ટરીનો હું આજે સાયેબ સઉં, હો ભાઈ!” ચા-ભિસ્કુટને ન્યાય આપી, અડધીએક કલાક જગજીવન સાથે વાતો કરી, અમે ત્યાંથી નીકળ્યા, તો શેઠપુત્રએ “ઈ જગાકાકાના મે’માન ઈ અમારા ય મે’માન જ કે’વાય” કહીને પૈસા લેવાનો સાફ ઈન્કાર કરી દીધો. જગાએ પણ એકદમ આત્મવિશ્વાસથી કહ્યુ, “ નહીં લે ઈ, નો લે ભાઈ ઈ તારા પૈશા! એનો બાપ ધોકાવી નો નાખે, મારા ભાઈબંદના પૈશા લે તો!” બસ, જગાના સૌજન્યથી ચા માણી, ફરી મળવાના વાયદા સાથે એ દિવસે અમે છૂટા પડ્યા.

એ પછી આઠેક મહિના બાદ ફરીથી ભાવનગર જવાનું થયું ત્યારે જગાને મળવાની ઈચ્છા થઈ. એનાવાળી ‘હોટેલ’ ઉપર જઈ, એને વિષે પૃચ્છા કરી, તો શેઠે જણાવ્યું , ‘જગાકાકા તો ત્રણેક મહિના પહેલાં દેવ થઇ ગયા’! હા, અમારો જગો એકદમ મોટું પ્રમોશન પામ્યો , એ તો જીરાફ્માંથી સીધો દેવ થઇ ગયો!

—————*—————-*——————-*——————-*——————*—————-

હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારની વાત છે. પાંચમી સપ્ટેમ્બરના રોજ સ્વયં શિક્ષણ દિનની ઉજવણી નિમિત્તે અમને પ્રાથમિક સ્કૂલના છોકરાઓને વહેલા આવી જવાની સૂચના હતી. એના અમલરૂપે હું અમારા જ મકાનમાં સવારે ચાલતી હાઈસ્કૂલના વર્ગો હજી ચાલુ હતા એવામાં નિશાળે પહોંચી ગયો. ત્યાં એક વર્ગની અંદર હાઈસ્કૂલના તેમજ બહારના ભાગે અમારી પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હર્ષનાદો થઈ રહ્યા હતા. કુતૂહલવશ મેં ત્યાં જઈ, વર્ગની અંદર ડોકિયું કર્યું તો ત્યારે નવમા ધોરણમાં ભણતો ભરતસિંહ શિક્ષકના પાત્રમાં હતો. એને અમે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ ઓળખતા. ભણવામાં ત્રણ ચોપડી આગળ, પણ ઉમરમાં એ મારી કરતાં આઠેક વર્ષે મોટો હતો. એની છાપ ‘બાપુ બઉ દાંત કઢવે શ’ વાળી હતી. એકદમ બેફિકરો, આનંદી પણ એની હડફેટે નો ચડાય એવું બધા જ સ્વીકારતા. મેં ડોકિયું કર્યું તે સમયે હર્ષનાદોનો પ્રભાવ અટ્ટહાસ્યો વડે બેવડાયો હતો. ત્યારે ભરતસિંહ એણે અગાઉ આપેલું દિવ્ય જ્ઞાન આકૃતિ વડે સમજાવવાની તૈયારીમાં હતો. અમારી નિશાળમાં છોકરીઓ ન હોવાથી ભરતસિંહના વાણીપ્રવાહને કોઈ જ બંધન રોકતાં ન હતાં. એ ઉમરે મને ઝાઝી ખબર તો ન પડી પણ એક જાણકાર મિત્રએ એટલું સમજાવ્યું કે ‘મોટા થવી ને તિયારે આપડે સોકરાં શેણે થાય ઈ બાપુ હમજાવે સ્સ.’ જો કે આવા આનંદદાયી ઉપક્રમમાં વિઘ્નો આવી જ પડતાં હોય છે એ ન્યાયે આટલા શોરબકોરથી સતર્ક થયેલા અમારા છોટુભાઈ સાહેબ ત્યાં અણીના મોકે ધસી આવ્યા અને ભરતસિંહ બોર્ડને એના જ્ઞાનથી વિભૂષિત કરે એ પહેલાં એમણે ધાક, ધમકી અને થપાટોના પ્રયોગથી સોપો પાડી દીધો. ભરતસિંહ, અલબત્ત સાહેબ એની સુધી પહોંચે એ પહેલાં એની જ્ઞાનધારા અટકાવી ને ભાગી ગયેલો.

પછી તો હું હાઈસ્કૂલમાં દાખલ થયો ત્યારે ય એ ત્યાં નવમા ધોરણમાં જ હતો! અમારી વચ્ચે આછી પાતળી ભાઈબંધી પણ થયેલી. મેં મેટ્રિક પાસ કરી લીધા પછી અમારી મુલાકાતો બંધ થઈ ગઈ અને હું લગભગ એને ભૂલી ગયો હઈશ એવામાં પાંચેક વરસ પછી એક દિવસ મને ભાવનગરના S.T. સ્ટેન્ડે ભટકાઈ ગયો. હું ઉમરાળા નામના ગામે જવા માટે બસની રાહ જોતો હતો ત્યાં “કાં. . . . . આં. . . . આં, ક્યાં જવાં?” કરતો આવી ઉભો. મેં ઉમરાળા કીધું ત્યાં તો રાજી થઈ ગયો. “લે! તે ઈ બસ તો આપડે હાંકવાના શ.” બોલીને મને જોરદાર ધબ્બો લગાવ્યો.

સમય થયે ‘ભાવનગર – ઉમરાળા’નું પાટીયું લગાડેલી બસ ડેપોમાંથી પ્લેટફોર્મ ઉપર આવી. ભરતસિંહ તો મારી સાથે અને બસ ભરાવાની શરુ થઈ. જ હતો. જેવી બસ પ્લેટફોર્મ ઉપર યોગ્ય સ્થાને ઉભી રહી, એટલે એ મને કહે, “હાલ્ય ભેરુ, આપડી હારે કેબિનમાં બેહી જા.” ત્યારે મેં જાણ્યું કે બસને પ્લેટફોર્મ સુધી તો એનો કોઈ ફોલ્ડર લઈ આવેલો! ખેર, હું એની પડખે ‘કેબીન’માં બેઠો. જેવો કંડકટરે બસમાં પગ મૂક્યો એ ભેગો ભરતસિંહે એને પોતાની પાસે બોલાવી, મારી ટીકિટ ન કાપવાની તાકિદ કરી દીધી. મેં જો કે ટીકિટ લેવાનો આગ્રહ રાખ્યો. કંડકટરે અમારી વચ્ચેના મતભેદો આગળ ન વધે એ માટે બહુ વ્યવહારુ રસ્તો કાઢ્યો. એણે મારું માનીને ભાડા જેટલા પૈસા લઈ લીધા અને ભરતનું માનીને ટીકિટ ન કાપી! ધીમે ધીમે બસ ભરાવા લાગી અને યથાસમયે ઉપડી પણ ખરી. કંડકટરે ઉતારુઓની ટીકિટો કાપવાનું શરુ કર્યું. બસ થોડી ચાલી હશે એવામાં અંદરથી કોયલના ટહુકા જેવો અવાજ આવ્યો, “તે ભરતશી બાપુ, તમી હાંકણહારા સો!” ભરતસિંહે પાછળ જોઈને હા પાડી. જ્યારે કંડકટર એ કોયલકંઠી પાસે પહોંચ્યો, ત્યારે એણે ચોગઠ નામના એક નાનકડા ગામની ટિકીટ માંગી. કંડક્ટરે એને સવિનય જણાવ્યું કે બસ ચોગઠ નહીં જાય, કારણકે આ તો ભાવનગર-ઉમરાળા ‘ડાયરેક’ બસ હતી અને અને ત્યાં જવા માટે આ બસે રસ્તો ચાતરવો પડે એમ હતું. થઈ રહ્યું! કોયલકંઠીનું રૂપાંતર હવે ઢેલકંઠીમાં થઈ ગયું. “તી પે’લેથી કે’વું જોવી ને કે ડાયરેક સે! અમીં કાંઈ નો જાણવીં, અમને ચોગઠ પૂગાડો.” કહેતીકને એ આક્રમક મૂડમાં આવવા લાગી. એટલામાં બસ ચલાવી રહેલા ભરતસિંહના ધ્યાને આ ચર્ચા આવી. “લે! તે એમાં શ્યું? આપડે ચોગઠ થઈને જાશ્યું” બોલી ને એણે વાત ઉપર પૂર્ણવિરામ મૂક્યું. ખરેખર એણે બસ ચોગઠના રસ્તે લીધી. કેટલાક મુસાફરોએ આ બાબતે વાંધો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ એમને દાબી દેવા ભરતસિંહની કરડી નજર પૂરતી હતી.

બસ હાંકતાં હાંકતાં ભરતસિંહે મારી ઉલટતપાસ લેવી શરૂ કરી. મેં એને જણાવ્યું કે હું માઈક્રોબાયોલોજી વિષયમાં અનુસ્નાતક કક્ષાએ ભણી રહ્યો હતો, ત્યારે એણે એક લાંબો ‘ઓહોહોહોહોહોહોહો………..હોહોહો’ જેવો ઉદ્ ગાર કાઢી, એ વિષયમાં શું ભણવાનું આવે એ બાબતે પૃચ્છા કરી. મેં એ સમજાવવા પ્રયત્ન કર્યો અને એણે ફરી એક વાર લાંબો ‘ઓહોહોહોહોહોહોહો………..હોહોહો!’ કર્યું. તે પછી વાતનો દોર ચાલુ રાખવા એણે પૂછ્યું, “તે ભેરુ! તું ઓલુ બધું બોલતો ને પછી દર વખતે ઈનામું જીતી લાવતો ઈ કાંક વક્રુત્વ-બક્રુત્વ હજી કર શ?” મેં સમજાવવા કોશિશ કરી કે એ ‘વક્તૃત્વ’ કહેવાય અને એમાં મને એક જ વાર ઈનામ મળ્યું હતું., દર વખતે નહીં. એણે સમગ્ર વાર્તાલાપનો ટૂંકસાર એમ કહીને કાઢ્યો કે “ઈનામું બીનામું તો ઠીક, પણ તું હતો બાકી હુશીયાર, કાં?” મેં નીચે પોપચે અત્યંત વિવેકપૂર્ણ અંદાજમાં “ ઈ તો બધું ઠીક છે બાપુ! તમે તમારી કહો” કહેતાં ભરતે જણાવ્યું કે અમે છૂટા પડ્યા એ પછીના સમયગાળામાં એનાં લગન થઈ ગયાં હતાં અને એ ત્રણ સંતાનોનો બાપ બની ચૂક્યો હતો. એની કારકીર્દીમાં આ બે બાબતોને છોડીને અન્ય ઉલ્લેખનીય સીમાચિહ્ન હોય એવું લાગ્યું નહીં.

એવામાં ગામ ચોગઠ આવી ગયું. નીચે ઉતરતાં એ સન્નારીએ આભાર વ્યક્ત કરવા માટે લાક્ષણિક કાઠિયાવાડી શૈલીમાં અડાળી અડાળી ચા પીવાનું આમંત્રણ આપતાં જ ભરતસિંહે એનો સહર્ષ સ્વીકાર કર્યો. એણે મને પણ ભેગો લઈ, એ યુવતીના ઘરે આરામથી ચા-નાસ્તો સ્વીકાર્યાં. ભરતસિંહે યજમાન કુટુંબના વડીલો સાથે કુશળ-મંગળની આપલે કરી ત્યારે એ બધાને મારો એટલો તો અતિશયોક્તિભર્યો પરિચય આપ્યો કે થોડી ક્ષણો માટે તો હું પણ મારી જાત ઉપર અભિભૂત થઈ ગયો! જો એણે કરેલાં મારી હોંશિયારીનાં અને વૈજ્ઞાનિક ક્ષમતાનાં વખાણમાં અંશમાત્ર પણ સત્ય સમાયેલું હોત તો હું નજીકના ભૂતકાળમાં જ હાથ ધરાયેલા ચંદ્રયાન પ્રકલ્પનો વડો હોત અને ‘વિક્રમ’ સફલતાપૂર્વક ચંદ્રની સપાટી ઉપર ઉતરી શક્યું હોત!

આ પૂરા સમયગાળા દરમિયાન ઉમરાળા જવા માટે બસમાં બેસી રહેલા ઉતારુઓ લાચારીથી અમને તાકી રહેલા. આખરે બસ ઉમરાળા તરફ આગળ વધી ખરી. રસ્તામાં ભરતસિંહે મને જે કહ્યું એ તો માન્યામાં જ ન આવે એવું હતું…. હકીકતે એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનો કર્મચારી હતો જ નહીં! એના એક સગા ભાવનગર-ઉમરાળા વાળી બસ નિયમીત ધોરણે ચલાવતા હતા. જે તે દિવસે એમને કોઈ રોકાણ આવી જતાં કોર્પોરેશનને એમની ખોટ ન પડે એ માટે ભરતસિંહે પોતાની અમૂલ્ય સેવાનો લાભ ઉક્ત બસને આપ્યો હતો. હવે એ ફરજ ઉપર પાછા ફરે ત્યાં સુધી આ બસ પોતે હલાવી લેવાનો હતો. ઉપરના અધિકારીઓને આ બાબતની ખબર પડી જશે તો શું એવા મારા પ્રશ્નનો જવાબ બહુ સ્પષ્ટ હતો….”જો ભેરુ, આપણને પૂછે ને ઈને ભગવાન પૂછે!”

આ ઘટનાના દાયકાઓ પછી એકવાર મારે ગાંધીનગરના સચિવાલયમાં એક મીટિંગના સંદર્ભે જવાનું થયું ત્યારે ત્યાંની લોબીમાં ભરતસિંહ મળી ગયો. એ મને તરત જ ઓળખી ગયો અને એની લાક્ષણીક છટાથી “કાં..આં..આં..આં……..આં ભેરુ!” કહીને મને ભેટી પડ્યો. મેં સામો ઉષ્માભેર પ્રતિસાદ વાળ્યો પણ એ શું કામ ત્યાં આવ્યો હતો એ પૂછવાની મારી હિંમત ન ચાલી. ક્યાંક એવું હોય કે કોઈ પ્રધાનને કોઈ સામાજિક રોકાણ આવી ગયું હોવાથી ભરતે એમને કહ્યું હોય કે થોડાક દિ’ એમનું ખાતું પોતે હલાવી લેશે. જેણે ક્યારેક કોઈની બદલીમાં બસના હાંકણહારા તરીકે કામ કર્યું હોય, એ એકાદા પ્રધાનની બદલીમાં જે તે ખાતાનો ય હાંકણહારો બની જાય તો નવાઈ નહીં! એમ પણ આ બાબતે એને કોઈ ચિંતા કરવાની તો જરૂર જ ક્યાં હતી? ભરતસિંહને પૂછે એને તો ભગવાન પૂછવાના હતા!


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *