ફિર દેખો યારોં : નાગરિકનો પરાજય નિશ્ચિત છે

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

સૌ પ્રથમ એક લખાણ વાંચીએ.

– ‘કોઈ પણ આધુનિક શહેરની કામગીરીને કાર્યક્ષમ રીતે કરવા માટે ચાર મૂળભૂત માળખાકીય પ્રણાલિઓની જરૂર હોય છે- પીવાનું પાણી પૂરું પાડવાની પ્રણાલિ, વરસાદી પાણીના નિકાલની પ્રણાલિ, ગટરની તેમજ ગટરના નેટવર્કની પ્રણાલિ, અને ઘન કચરાના વ્યવસ્થાપનની પ્રણાલિ. આ ચારેય માપદંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ ગયું છે.’

– ‘આ શહેરે મૂકપણે પોતાના અંદરના અને બહારના ભાગમાં ગેરકાનૂની અને અનિયંત્રિત બાંધકામોનો સમાંતર વિકાસ થતો નિહાળ્યો છે. હકીકતમાં યોગ્ય આયોજનના અભાવે પટણાનું આધુનિક શહેર વસવા માટેનું મુશ્કેલ સ્થાન બની રહ્યું છે.’

– ‘તાજેતરમાં કોર્પોરેશન કાર્યલક્ષીતાની તથા સંસ્થાકીય એમ બન્ને રીતે સદંતર નિષ્ક્રીય બની રહ્યું છે અને આ સ્થિતિની સુધારણા માટે ગંભીર રીતે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. નબળી માનવ સંસાધન પ્રણાલિને લીધે અહીંના કર્મચારીઓમાં કામ કરવાની કોઈ સંસ્કૃતિ જ નથી…’

આ એક એફિડેવીટનું લખાણ છે. આ કબૂલાતને આક્ષેપ યા ફરિયાદ ગણવાને બદલે તેમાં રહેલી પ્રામાણિકતાને પિછાણવા અને પ્રીછવા જેવી છે. કેમ કે, આ એફિડેવીટ બીજા કોઈએ નહીં, પણ ખુદ મ્યુનિસિપલ કમિ‍શ્નર વતી અધિક મ્યુનિસિપલ કમિશ્નરે વડી અદાલતમાં કરેલી છે. તેમાં જેનો ઉલ્લેખ છે એ બિહારનું પાટનગર પટણા.

આ વર્ષે ચોમાસામાં ત્રણેક માસ અગાઉ પટણામાં ભયાનક વરસાદ વરસ્યો. કહેવાય છે કે 1975 પછીનો આ સૌથી વધુ વરસાદ હતો. આ વરસાદ દરમિયાન પાણીના નિકાલની સૌથી મોટી સમસ્યા ખડી થઈ ગઈ. વડી અદાલત દ્વારા કાઢવામાં આવેલા હુકમને પગલે આ એફિડેવીટ ‘પટણા મ્યુનિસિપલ કોર્પોરેશન’ (પી.એમ.સી.) દ્વારા કરવામાં આવી હતી. વરસાદની આ અસર ઓછી હોય એમ 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન પટણામાં 400 મિ.મી. જેટલો અધધ વરસાદ પડ્યો, જેણે પરિસ્થિતિને બદથી બદતર બનાવી દીધી. શહેરના સાઠ ટકા વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો અને દિવસો સુધી પાણી ભરાયેલું રહેવાના કારણે રોગચાળો પ્રસરવાની વકી ઊભી થઈ. ખુદ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના નિવાસસ્થાન રાજેન્‍દ્રનગર વિસ્તારમાં પણ આ સ્થિતિ ઊભી થઈ અને તેમણે પોતાનું નિવાસસ્થાન ખાલી કરીને સ્થળાંતર કરવું પડ્યું.

શહેરી વિકાસ મંત્રાલયે પી.એમ.સી. પર, રાજ્યના શહેરી આયોજન વિભાગ પર અને બિહાર અર્બન ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્‍ટ કોર્પોરેશન (બીડકો) પર દોષનો ટોપલો ઓઢાડ્યો છે. આને પરિણામે પી.એમ.સી.એ પ્રામાણિકપણે શહેરની વાસ્તવિકતાનું બયાન પોતાની એફિડેવીટમાં કરવું પડ્યું છે. અનેક પુરાવાઓ પોતાના દાવાના સમર્થનમાં ટાંકીને તેણે પટણાને ‘સમસ્યાજનક શહેર’ ગણાવ્યું છે, તેમ જ તેને ‘ફોલ્સ અર્બન મેમરી સિન્‍ડ્રોમ’થી પીડાતું એવું શહેર કહ્યું છે કે જ્યાં પ્રાચીનતા માટે પૂજ્યભાવ અને નવિન બાબતો પ્રત્યે તિરસ્કાર હોય. પટણાને એક મૃત શહેર બનતાં અટકાવવું હોય તો તેણે પોતાના આ લક્ષણમાંથી બહાર આવવું પડશે અને વ્યાવસાયિક તેમ જ બિનઉપદ્રવી અભિગમ થકી બહેતર શહેરી આયોજન અને વિકાસ તરફની દિશામાં કામ કરવું પડશે.

બીજી પણ અનેક ક્ષતિઓનો તેમાં નિર્દેશ કરવામાં આવ્યો છે, જેમાં ખુદ મ્યુનિસિપલ કમિશ્નરે કોર્પોરેશનની કાર્યશૈલીની, કંગાળતાની ઝાટકણી કાઢી છે. આ વાત પટણાની છે અને આપણે તેમાં શું લાગેવળગે એમ માનીને તેને અવગણવાની જરૂર નથી. લેખના આરંભે દર્શાવેલી ચાર મૂળભૂત માળખાકીય સવલતો ખરેખર તો વિકાસનો નહીં, જરૂરિયાતનો મૂળભૂત માપદંડ ગણાય. આપણાં કેટલાં નગરો કે શહેરોમાં આ ચાર સુવિધાઓ ટકોરાબંધ છે એ વિચારવા જેવું છે.

આ વરસે અતિશય વરસાદ વરસ્યો તેની આડમાં કામગીરીની ઘણી બધી ક્ષતિઓનો દોષ તેને માથે નાખી દેવો સરળ બન્યો. પણ વાસ્તવિકતાને નાગરિકોથી વધુ કોણ જાણતું હોય? વરસાદી પાણીનો નિકાલ સૌથી મોટી સમસ્યા બની રહી છે. રોડ અને પુલના બાંધકામને વિકાસ ગણતા-ગણાવતા શાસકો, અધિકારીઓ કે નાગરિકો એ હકીકતને નજરઅંદાજ કરે છે કે આવાં આડેધડ બાંધકામોને લઈને શહેરની નૈસર્ગિક ભૂગોળ બદલાઈ જાય છે, અને દરેક વર્ષે નવા નવા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતો રહે છે. કોઈ એક સ્થળે નવા બનેલા રોડ કે પુલને કારણે શહેરના કયા વિસ્તારમાં પાણી ભરાશે એની જાણ વરસાદ વરસ્યા પછી જ થાય છે, અને જાણ થયા પછી એ અંગે ભાગ્યે જ કંઈ થઈ શકે છે.

હવે તો વધુ વરસાદને પણ શહેરમાં પાણી ભરાવા સાથે કોઈ સંબંધ નથી રહ્યો. માંડ અડધા કલાકના ઝાપટામાં પૂરતું પાણી ભરાઈ જાય એવો વિકાસ આપણે સાધી લીધો છે. ક્યારેક તો એમ વિચાર આવે કે વરસાદી પાણીના સંગ્રહ માટે બંધ બાંધવાની કે અગાશીમાં કોઈ અલાયદી વ્યવસ્થા કરવાની જરૂર જ શી છે? શહેરના માર્ગોના પડખાંમાં જ એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે એ પાણીનો યોગ્ય રીતે સંચય થઈ શકે. આપણી વિકાસપ્રણાલિ એ રીતની બની રહી છે કે પહેલાં એક સુચારુ પ્રણાલિ હોય તેને તહસનહસ કરીને આધુનિકતાના નામે નવા વાઘા પહેરાવવાના. પૂરતા આયોજન વિના પહેરાયેલા આધુનિકતાના વાઘા એકાદ વરસાદ ન આવે ત્યાં સુધી રૂપાળા જણાય, પણ વરસાદનું ઝાપટું પડતાં જ ફોટો એક્સ-રે જેવો જણાવા લાગે છે. આ હાલતને સુધારવા માટે વળી પાછી મૂળ વ્યવસ્થા તરફ વળવાનો વ્યાયામ ચાલે છે. અને આ માત્ર નવા રોડ કે પુલને જ લાગુ પડે છે એમ નથી. કોઈ પણ માળખાકીય મૂળભૂત પ્રણાલિને તે લાગુ પડે છે. માત્ર ચાર લીટીમાં સમાવાઈ ગયેલી વિકાસની આ કાર્યપદ્ધતિ એવી હોય છે કે ઘણા નાગરિકોની જિંદગીનો આખેઆખો હિસ્સો તેમાં પૂરો થઈ જાય છે.

પી.એમ.સી.ના મ્યુનિસિપલ કમિશ્નર જેવા કોઈક અધિકારી હશે તો બહુ બહુ તો તંત્ર ખાડે ગયું હોવાનું પ્રામાણિક કબૂલાતનામું આપશે. આવા અધિકારીઓની પ્રામાણિકતા જોઈને નાગરિક તરીકે આપણે રાજી થવું કે પછી સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને સંસ્કૃતિ માનીને જીવ બાળવો એ પસંદગી આપણે કરવાની છે. કેમ કે, બેય વિકલ્પમાં નાગરિકોની હાર જ છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૧૦– ૨૦૧૯ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : નાગરિકનો પરાજય નિશ્ચિત છે

  1. નિરંજન બૂચ
    October 24, 2019 at 7:32 am

    આપણા ઉચ્ચ શાસકો સદંતર નિષ્ફળ ગયા છે , એ ચુટાયેલા નેતા ઓ ને લોકો ની કાઇજ પડી નથી , માત્ર પોતાનો પક્ષ સતા પર કેવી રીતે ચીટકી રહે એમા જ રસ છે ને એ માટે ના બધા જ હથકંડા અજમાવતા અચકાશે નહિ

    ખુબ જ દુખ થાય છે , પણ લાચાર છીયે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *