આંગણાનો ઉત્પાદક બાગ

Facebooktwitterredditpinterestlinkedinmail

હીરજી ભીંગરાડિયા

કોઇ સંત, ફકીર કે ખુદાના ઓલિયા, અને બીજો ભેજાગેપ- પાગલ માણસ- આ બે સિવાય સુગંધ માણવાની કે સોંદર્ય નીરખવાની ઇચ્છા કોને ન થાય, કહો ! એ તો કુદરત સહજ મનુષ્ય સ્વભાવ ગણાય ભલા !

કહે છે કે તાનસેનનું સંગીત સાંભળવા હરણાં હાજર થઈ જતાં. સંગીતની અસરની જેમ જ પ્રકૃતિની શોભા અને સુગંધની પણ માનવ મન ઉપર દર્દશામક અસર થતી હોય છે. માનવ બીજું બધું ભૂલી જઈ,એનામય થઈ જતો હોય છે. તેનું મન તેમાં તરબતર થઈ, પ્રફુલ્લિતતા અનુભવતું હોય છે. જુઓને, રાત અને દિવસ અડાબીડ વગડે કામ કરનાર શ્રમિક કે ખેડુત થાકેલ જણાયો છે ક્યારેય ? માનો, ન માનો, પણ એની પાછળનું કદાચ આ જ રહસ્ય હોઇ શકે. પળે પળે પરિવર્તન દેખાડતી આ પ્રકૃતિની વચ્ચે જ સતત રહેવાનું થતું હોવાથી, તેને પોતાને તો ખબરે ય ન પડે તેમ, પ્રકૃતિની શોભા,સુગંધ અને વાતાવરણમાંથી ઊભા થતા સંગીતનો એક પ્રકારનો લય – ત્રણેના સહવાસનો કેફ જ એને રહેતો હોવો જોઇએ.

પ્રકૃતિની વચ્ચે રહેવું આપણને ખૂબ ગમે છે. માટે જ રંગબેરંગી પતંગિયાં જેવાં ફૂલો અને અનહદ આલ્હાદ્ક એવી જેની સુગંધ હોય તેવી અનેક વનસ્પતિઓને શોધી શોધીને આપણે આંગણાંમાં ઉગાડતા હોઇએ છીએ ને ! એમાંય જો ઘરે આંગણાંમાં થોડી ઠીક ઠીક કહી શકાય એટલી જગ્યા હોય તો તો જામો પડી જાય ! પણ જેનાં આંગણાંમાં બિલકુલ જગ્યા ન હોય તેઓ પણ એકાદ ફૂલછોડ, એકાદ શોભાનો કેક્ટર્સ કે ક્રોટન, અરે ! એકાદ વેલીને ગમે તેમ કરીને પણ આશરો આપીને જ જંપતા હોય છે. જેથી વનસ્પતિ પ્રત્યેનો માણસના પ્રેમનો લગાવ સ્વભાવગત જ છે, તેવું દેખાયા વિના રહેતું નથી.

ઘર આંગણાંના બગીચામાં જો શોભા અને સુગંધ ન જ મળવાના હોય તો એ બગીચો શા કામનો ? સુગંધ અને શોભાથી મનની ભૂખ ભાંગે છે, તે મનને પ્રસન્નતાથી તરબતર કરી દે છે, સાવ સાચી વાત છે. પણ મિત્રો. ! માણસને એક બીજી પણ ભૂખ લાગે છે, લાગ્યા જ કરે છે, વારંવાર લાગે છે. એ બહુ ભુંડી છે, અને એને ભાંગ્યા વિના હાલતું યે નથી, એ પણ એટલી જ સાચી વાત છે. ભલે ગુણવત્તામાં બહુ ઉત્તમ ન હોય-મધ્યમ હોય તો યે ચાલે, અરે ! ભલેને સાવ નબળો હોય એનો યે વાંધો નથી, પણ અંદર નાખી એને ભાંગવા, ખોરાકનો અમુક જથ્થો તો જોઇએ જ ! એ છે “પેટની ભૂખ !” જેમ મનની શાંતિ માટે રંગ, દેખાવ, સુગંધ જરુરી છે, તેવું જ પેટની શાંતિ માટે કંઇક સત્વિક ખોરાક રૂપી ફળો, શાકભાજી કે અન્ન પણ અત્યંત જરુરી છે જ !

ઘર આંગણાંના બાગના છોડવા સુગંધ, અને શોભા આપવાની સાથે સાથે આરોગ્યાદિક સેવા અને થોડુંકેય સાત્વિક ખોરાકી વજન આપવામાં ફાળો આપી શકે, તો તો છોગું ચડી જાય આંગણબાગની કીર્તિ માથે ! આહા…હા ! સુગંધ, શોભા અને આહાર ! ત્રિવિધ ત્રેવડનો ત્રિવેણી સંગમ ! મન અને શરીર બન્નેની ખેવના ! આ શક્ય છે હોં ! બહુ દૂર લેવા જવું પડે એમ પણ નથી. આપણી આસપાસમાં જ, આપણાં જ પર્યાવરણમાં થઈ શકે તેવી કેટલીય વેલીઓ, કેટલાય છોડવાઓ અને શ્રુપ ટાઇપનાં ઝાડવાઓ-કેટલાંક આરોગ્ય વિષયક, તો કેટલાંક પોષણ વિષયક ઉપયોગિતા પૂરી પાડવાની ત્રેવડ ધરાવનારાં છે. સવાલ છે તેને માત્ર આપણા આંગણાંના બાગમાં બીજા છોડવાઓની સાથે ભાઇબંધી કરાવી, વસાવી દેવા પુરતો જ ! આપણી દ્રષ્ટિ સહેજ ફેરવીએ એટલે કામ થઈ જાય તેમ છે. એને પણ એની અનોખી છટા, ઘટા અને સુગંધ તથા શોભા છે જ. પેટનો ખાડો પૂરવાની ત્રેવડ છે તે તો એની વધારાની છે મિત્રો !

વાત છે માણી જોવાની : આંગણાનાં બગીચાને “વાડોલિયું” બનાવી દઈ, એકલા શાકભાજી ઉગાડવાની વાત નથી કરવી મારે. પણ શોભાની શોભા, સુગંધની સુગંધ અને વધારામાં સાથે સાથે કંઇક નક્કર અર્થ સરી જતો હોય તેને અપનાવવામાં વાંધો શો છે કહો ! આવું કર્યું છે, અને તે ખૂબ ફાવે છે, માટે જ અહીં આટલું લખવાની હિંમત કરી છે. ઘર આંગણામાંની ઉગાડેલ વનસ્પતિ પર પાકેલ ફળ કે તૈયાર થયેલ જડીબુટ્ટીના વપરાશમાં એક અનેરો આનંદ હોય છે.એ તો માણી જોઇએ ત્યારે જ ખરો ખ્યાલ આવે હો !

પૂ. રવિશંકરદાદાએ આદિવાસી વિસ્તારમાં એક ઘરના આંગણામાં ઉગાડેલ છોડવાને ચીંધીને પૂછ્યું હતું, “દીકરી ! આ શું ઉગાડ્યું છે ?” દીકરી બોલી, “દાદા ! એ તો ફૂલના છોડવા છે.” તો દાદા કહે “ તે શા કામમાં આવે બેટા ?” ત્યારે દીકરી કહે, “ દાદા, એ ફૂલ માથાની વેણીમાં ખોસવા થાય.” ત્યારે દાદા બોલ્યા હતા,“ અરે ગાંડી દીકરી ! માથામાં નહીં ખોસીએ તો ચાલશે, પેટમાં થોડુંકેય ખોસાય તેવું કંઇક વાવી દેખાડને !” આ લાગણીનો પડઘો આપણા આંગણાના બગીચામાં શુંકામ ન પાડી શકાય ?

મકાનોનાં આંગણાં દરેકનાં સરખાં હોતાં નથી. જેવી જેની અનુકૂળતા એ પ્રમાણે ફૂલછોડ, જડીબુટ્ટી છોડ, શૃપ અને સાથમાં નાનાં કદનાં ફળઝાડ-આવું કંઇક મિશ્ર આયોજન કર્યું હોય તો ?

[1] આંગણામાં ખુલ્લી જગ્યા જ ન હોય તેવાં મકાનોમાં : જેને બિલકુલ ફળિયું જ નથી તેવાં મકાનોમાં આપણે વનસ્પતિને વસવાટ કરાવવો હોય ત્યારે માત્ર કૂંડાનો જ આશરો એ એકમાત્ર ઉપાય ગણાય. જ્યાં થોડો પણ સૂર્યપ્રકાશ આવી શકે તેમ હોય એવી બારીની ધારેકે આગળ ઝૂલાવેલ રવેશની નાની પારાપેટ પર, કે છેવટ અગાસી ઉપર જવાના દાદરની ધારે , અરે ! મકાનને જો ખૂલ્લી અગાસીની સગવડ હોય તો આવી બધી જગ્યાઓ પર કૂંડાઓ મૂકી તેમાં આવી વિવિધ વનસ્પતિ ઊગાડી શકાય. દા.ત.

તુલસી : રામ અને શ્યામ બન્ને તુલસી કૂંડામાં થઈ શકે. બન્ને ગુણકારી. ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખવાનું કામ તેનું. તેના પાનનું સેવન બહુ જ ગુણકારી. એટલે જ તે પવિત્ર છોડ ગણાયો છે. અરડૂસી : પૂરતી જગ્યા હોય તો છોડ મોટો થાય, પણ કૂંડામાં પણ થઈ શકે. રોપો લાવવાની જરૂર નહી. લીલીડાળીનું કટીંગ ચોટી જાય. રક્તપિત્ત,ક્ષય અને ઉધરસની ઉત્તમ દવા છે.લીલો અજમો : દળવાળા અને બારીક રૂંવાટીવાળા પાનને દબાવતાં જ અજમો પ્રસન્ન પ્રસન્ન,સુગંધની શેડ્ય વછૂટે ! કૂંડામાં લીલાંપાન-ડાંડલીની સરસ શોભા. ઇચ્છા થાય ત્યારે કે સળેખમ-શરદી હોય ત્યારે પાનનાં ભજિયાં બનાવી ખવાય. ડાંડલીજ ચોપાય. અળવી : કૂંડામાં પાનની શોભા તિલકતુલસી જેવી. મોંઘા મહેમાન-વેવાઇ વળોટના આગમન વખતે પાંદને લોટ સાથે બીડું વાળી તળી લેવાના. પરોણાગત સરસ થાય તેના પાતરાથી. કુમ્ક્વાટ લીંબું : લીંબુંવર્ગમાં જાતોનો પાર નથી. આ નાના લીંબુનો નાનો રહેતો છોડ સરસ સુગંધી સરબત થાય તેવાં ફળો આપે છે. કલમ નર્સરીઓમાંથી મળે. મોટા ઝાડનું બચ્ચું હોય તેવો જ દેખાવ,એટલે શોભાય ખૂબ સરસ, જાણે બોનસાય કરેલ લીંબુડી જ જોઇલ્યો ! લીલીચા : બાજરીના પાન જેવાં જ તેનાં પાન.પણ ચોળતાં મસ્તાની સુગંધ અંદરની ! તુલસીના પાનની જેમ આ છોડના પાન ચા બનાવવામાં વપરાય. અને દેખાવ તો સરસ છે જ ! મરવો અને તકમરિયા બન્ને દેખાવે લગભગ સરખા. પણ સુગંધ અને ઉપયોગ અલગ અલગ. મરવાના પાનનો રસ કાનના દુ:ખાવામાં અક્સીર અને તકમરિયાનાબીજને સાકર સાથે પલાળી સરબત પીવાથી ગરમીમાં પૂરી રાહત મળે છે. ઉપરાંત કુંવારપાઠું, રતવેલિયો, અઘેડો, પાણાફાડ, નાગફણી, વિક્સતુલસી, ફુદીનો, લસણવેલી, નાગરવેલ, લાલ અને સફેદ બારમાસી, ઇરેનથીમંમ બાયકલર જેવા ઔષધીય છોડવા ઉગાડી શકાય છે. શિહોરમાં મારી નાનીબહેન વિમળા [મો9429638890]એ જીરો આંગણાંવાળા મકાનમાં-માત્ર કુંડામાં જ કેટલીય જાતની શોભા, સુગંધ અને ઔષધીય ઉપયોગવાળી વનસ્પતિ જે રીતે ઉગાડી છે, એ જોવા જેવું છે.

[2] નાનાં આંગણાવાળા મકાનોમાં : ઉપર જણાવ્યા તે બધા જ છોડવા જેમ કૂંડામાં થઈ શકે,તેનાં કરતાંયે આંગણાની જમીનમાં રોપ્યાં હોય તો બમણા જોરથી બળ કરે અને આપણી સેવા કરે. તે બધાને વ્યવસ્થિત રીતે જમીનમાં લગાડાય અને વધારામાં થોડી જગ્યા વધી હોયતો એક ખૂણામાં લગાડાય મીઠી લીમડી : લીમડો તો કડવો જહોય ને ? પણ ના, એવું નથી. આ લીમડી ભલે ગળી ન હોય, મોળી છે, તૂરી છે, પણ સુગંધ તેની સૌને ભાવે તેવી છે. છોડ પોતે પણ મધ્યમ કદનો ઘેરો લીલો-રૂપાળી અદાવાળો અને દાળ-કઢીનો મસાલો બને તેવા પાંદ. પાંદડાંનો જથ્થો વધુ થઈ જાય તો બજારમાં કિંમત પણ મળે.એ વવાય,બીજું અત્યારની કૌટુંબિક રોજીંદી જરૂરીયાત છે એવું ફળ લીંબુ આપતી લીંબુડી અને જેનાં પાંદ,ફૂલ અને શીંગ-ઉપયોગી એવો સરગવો પણ વવાય

[3] જો આંગણું વિશાળ હોય તો : જો આપણી પાસે બગીચાના છોડવા અને નાનાં ઝાડવાંને જરુરિયાત મુજબ ટપક સિંચાઇ પધ્ધતિથી પાણી પાઈ શકાય તેટલાં પાણીની સુવિધા હોય, અને વ્યવસ્થિત આયોજન કર્યું હોય તો શોભા અને સુગંધની સાથોસાથ કેટલાક ઔષધ, શાકભાજી અને ફળો પણ આપણા આંગણબાગની અંદરથી મેળવી શકીએ છીએ. દરેક આવાસના આંગણાંનો નકશો અને સિચ્યુએશન નિરાળા જ હોવાનાં. એટલે આંગણું કહે તેમ છોડ, વેલાને ફળવૃક્ષની વાવેતરમાં ગોઠવણી કરવાની. ધ્યાન માત્ર એટલું રાખવાનું કે એકબીજાની છાંય એકબીજા પર ઓછી પડે-દરેકને સૂર્યપ્રકાશ પુરતો મળી રહેવો જોઇએ.

[અ] ઓંશરી [પડસાળ] ની કોરે = ઓંશરીની કિનારી પર કુંડા ગોઠવી, તેમાં જુદા જુદા દેખાવના કેક્ટર્સ અને ફૂલછોડની સાથમાં એક મૂકી એક કુંડામાં અજમો, અરડુસી, લીલી ચા, આદુ, તુલસી, મરવો. તકમરિયા, અળવી, ફુદીનો, પાણાફાડ, બ્રાહ્મી જેવા છોડવા ઉગાડી દીધા હોય તો શોભાની સાથોસાથ ઘરગથ્થુ જરુરિયાતોમાં પણ સાથ મળતો થઈ જાય છે.

[2] મકાનના નેવાં નીચે = નળિયાં વાળું મકાન હોય તો નેવાની ઉંચાઇએ અને સ્લેબ વાળું હોય તો આગલા છજાની ઉંચાઇ જેટલે, જ્યાં સૂર્યનો પ્રકાશ ભરપૂર આવતો હોય છે ત્યાં બે ત્રણ લોખંડના તાર બાંધી દીધાં હોય તો કેટલીક વેલીઓ શોભા ઉપરાંત કુટુંબની જરુરિયાતોમાં ફાળો નોંધાવી જાણે છે. દા. ત. લાલ-લીલી અને કાળી-ત્રણ રંગનાફળોની લૂમો ઝુલાવતી દ્રાક્ષનીવેલી. લીલો વેલો ને રંગીન ફૂલો, ઉત્તમ શાકનું યોગદાન આપનારી વાલપાપડી [વાળોળ] વેલ, અરે ! ટીંડોરી અને કંટોલી ઉપરાંત જૈનો માટેના ખાસ શાક માટેની બટેટાવેલીને પણ નેવા નીચે રોપણી કરી, ઉંચેથી કંઇક ને કંઇક ઉપયોગી હેતુ સિધ્ધ કરનારા મિત્રો છે મારી જાણમાં ! આપણે પણ આમાંથી કોઇ એક કે બે વેલીને જરુર આશરો આપી શકીએ.

અને પડસાળની કોરે,એટલે કે પ્લીંથના ચણતરને અડીને દોઢે-બે ફૂટની પટ્ટીમાં પારવા પારવા ગુલાબ, ડોલર, જાસુદ જેવાની વચ્ચે વચ્ચે જીનિયા,તનમનિયા, મરઘામાંઝર, જેવા,જાતજાતનારંગીન ફૂલવાળા છોડવા જગ્યાના પ્રમાણમાં રોપી દેવાય

[3] દરવાજો-પ્રવેશદ્વાર હોય ત્યાં = દરવાજા પર લોખંડ કે લાકડાની કમાન બનાવી, તેના પર બોગનવેલી, કૃષ્ણવેલી, કે ચમેલી જેવી કોઇ વેલી ચડાવતા હોઇએ, એની સાથે સાથે બગલમાં જો જીવંતી [ખરખોડી] લગાડી દીધી હોય તો જામો પડી જાય ! તેના પાન,ફૂલ, ફળ અને કુણાં ડોકાં-બધું જ ખવાય. સ્વાદ સરસ, અને ડાયાબીટીસ,તથા આંખના દર્દોનું ઉત્તમ ઔષધ ! એવી જ વેલી છે પોઇવેલી. દેખાવમાં લાલ-લીલી ઝાંયવાળાં પાનાં, વેલોએ લાલ અને ડોડવાએ રંગીન, સરસ દેખાવ અને ઇચ્છા થાય ત્યારે પાનને અજમાની જેમ લોટમાં રગદોળી, તળી નખાય, બની જાય ભજિયાં ! અરે ! લસણવેલી વળી લીલાં પાન માર્ફતે ઉત્તમ એવી લસણની કુદરતી સુગંધ આપવાની ત્રેવડ ધરાવનારી વેલ છે. જેની ઇચ્છા થાય તેને ઉછેરી શકાય.

[4] કંપાઉંડ વોલને અડીને = વિદ્યાર્થીઓની પી.ટી.ની તાલીમમાં જેમ ઉંચાઈ પ્રમાણે ક્રમસર, લાઇનબધ્ધ ઊભા રખાતા હોય છે તેમ દિવાલથી અમુક અંતર અંદરની બાજુ બે-ત્રણ હરોળમાં વાવેતર કરવું જોઇએ. [અ]…….દિવાલને અડીને છેલ્લી હરોળમાં વેલાવાળા શાકભાજી-તૂરિયાં, ગલકાં, કારેલી, દૂધી જેવાનાં બીજ લગાડાય. જે મોટાં થતાં જરા આધાર આપવાથી દિવાલે ચોટીને ટીંગાય જાય.[બ]……..એની આગલી હરોળમાં ઉંચા થતા શાકભાજીના છોડ-રીંગણી, ટામેટી, મરચી, ભીંડો, ગુવાર જેવાની વચ્ચે પાછા વરિયાળી, સૂવાદાણા, ઢેબલીતૂવેર જેવા છોડની રોપણી શો અને શાકભાજી બન્ને હેતુ બર લાવવા શક્તિમાન છે. અને [3]…….એનાથી આગલી હરોળમાં ગલગોટા, જીનિયા, તનમનિયા, જેવા નાના રહેતા વિવિધ રંગના છોડ લગાડી દેવાય.

અને જો અતિ વિશાળ જગ્યા હોય તો એવાં ઘણાં ફળઝાડ છે કે જેને વચ્ચે વચ્ચે લગાડી દીધા હોય તો ઉપરના માળનો સૂર્યપ્રકાશ તે વાપરી શોભા અને ફળો રૂપી સાત્વિક આહાર પણ આપે. દા.ત.સીતાફળી, લીંબુડી, દાડમી, જામફળી, મોસંબી, સરગવો, બદામડી, શેતૂરડી, કલમીઆંબો, અંજીર,. જેવા પ્રદેશને અનુકૂળ એવા મધ્યમ કદનાં ફળઝાડોને રોપી શકાય.અરે ! અમે ફળિયામાં ઉગેલા દેશી બોરડીના એક થડિયાં પર ગોલા,ઉમરાન, સેબ અને એપલ.-ચાર જાતનાં, બધાં મળી આગળ પાછળ પાક્યે રાખતાંગાડીએક બોર ખાઇએ છીએ અને સંબંધીઓને ખવરાવીએ છીએ.

[5] પાણી વધુ નીકળતું હોય ત્યાં = સ્નાનઘર કે કપડા ધોવાની ચોકડી પાસે પાણી નીકળવાનું પ્રમાણ સહેજે વધુ રહેવાનું.ત્યાં લીંબુડી ન ફાવે, પણ ત્યાં ક્યારો બનાવી અળવીના બચલાં અને કેળ ના બે પીલા લગાડી દીધા હોય તો, કેળ તો ઉત્તમ શોભા અને ફળો ઉપરાંત તેના થડના રસમાંથી પાપડ સરસ બને. અરે ! પપૈયાનો છોડ પણ દેખાવે રૂડો રૂપાળો અને ફળો આપે કીલોની નહીં, મણની ગણતરીમાં હો ! પૌષ્ટિક ખોરાકની ગાંસડી જ બાંધી લ્યો ને ! એવું જ બે-ચાર કાતળાં શેરડીનાં ચોપી દીધાં હોય તો સાંઠાનો ઘેરો થાય બળુકો, જેના પર બાળકોનું વહાલ હોય બીજી ભાત્યનું !

અંતે કહેવાનું = એટલું જ કે આ વાત થઈ તે છોડ,વેલાને ઝાડવાં-બધાં જ ના લગાડી શકીએ, પણ આપણાં મકાનના આંગણાંના પ્રમાણમાં શક્ય હોય તેટલાને જો વસાવી શકીએ તો અનેક હેતુઓ પાર પડી રહે છે. આપણાં કુટુંબના સભ્યોને વનસ્પતિ સાથેનું-કુદરત સાથેનું તાદાત્મ જળવાઇ રહે, થોડોઘણો શરીરશ્રમ ચાલુ રહે, બાળકોને જીવંત શિક્ષણ મળે, અને તન અને મનની તંદુરસ્તીની ચિંતા ટળે એ મૂળ વાત છે. એટલે આમાંથી સિધ્ધ થતાં હેતુઓનું રૂપિયા-આના-પાઈમાં ગણીએ તો ખાસ વજન ના નીકળે, પણ તેની સાથેના તાદાત્મથી, તેના સહવાસથી મળતો આનંદ, તથા “આપણી જાત મહેનતના અને આપણાં આંગણાંનાં ફળ-શાકભાજી છે” , તે જાતનો આપણને મળતો સંતોષ એ શું નાની સૂની વાત છે !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

1 comment for “આંગણાનો ઉત્પાદક બાગ

  1. નિરંજન બૂચ
    October 24, 2019 at 7:39 am

    વાહ સુંદર વાત કહી ,

    કમનસીબે આપણે ત્યાં જગ્યા ની અછત થતી જાય છે , ને માનવ વસતી વધતી જ જાય છે , તેમાં પણ ઔધૌગિક વિકાસ થતા , ખેતરો કપાતાં જાય છે એમા જે જમીન ઘર આસપાસ મળે તેનો સદઉપયોગ કરવો જ જોઇયે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *