વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : મારગ છે શૂરાનો

જગદીશ પટેલ

વાત અમેરિકાની છે. જૂની છે પણ દમદાર છે. ર(હો)ડ આઇલેન્ડ અમેરીકાના જમણા કાંઠે ઉત્તરમાં આવેલું રાજ્ય છે. ત્યાંની બ્રાઉન યુનીવર્સીટી સંલગ્ન મેડીક્લ કોલેજના એક સત્યપ્રિય, બહાદુર તબીબની બહુ પ્રેરક કથા છે તબીબી વ્યવસાયના ઊંચા નૈતિક ધોરણોને વળગી રહે છે અને નોકરીનું બલિદાન આપી દે છે. અમે અગાઉ “સલામતી”નાં નવેમ્બર ૨૦૦૧નાં અંક નંબર ૫૭માં આ લેખ પ્રગટ કર્યો હતો પણ આ લેખમાં તે પછીની ઘટનાઓ પણ સમાવી છે.

36 વર્ષના એક કામદારને તકલીફ થતાં પોતાના તબીબ પાસે ગયો. તબીબે તેને તપાસ્યો. તબીબને એમ લાગ્યું કે આ કામદારને હાઇપર સેન્સિટિવ ન્યુમોનાઇટીસ નામનો રોગ થયો છે. પોતાની શંકાના નિવારણ માટે તબીબે કામદારને ર(હો)ડ આઇલેન્ડની હોસ્પિટલના નિષ્ણાત પાસે મોકલ્યો. આ હોસ્પિટલના વ્યવસાયિક આરોગ્યના વિભાગમાં ડોક્ટર ડેવિડ કરન નિષ્ણાત તરીકે સેવા આપતા હતા. ડોક્ટર ડેવિડે તે કામદારના કારખાનામાં વપરાતા રસાયણો અને તેના જોખમોની માહિતી મેળવી લીધી. રસાયણોમાંથી એક એક પણ રસાયણ એવું ન હતું જે કારણે આ રોગ થઇ શકે. પરંતુ પ્રક્રીયાના વર્ણન પરથી જણાતું હતું કે આ રોગ થવાની શક્યતા છે ખરી. જો કે કામદારના ટેસ્ટ રિપોર્ટ જોતા ડોક્ટરને લાગ્યું કે આ તકલીફ કામને કારણે થઈ જણાતી નથી. છતાં પોતાનો આખરી અભિપ્રાય આપતા પહેલા કારખાનાની મુલાકાત લેવાનું તેમણે નક્કી કર્યું.

કંપનીને પત્ર લખીને તેમણે મુલાકાતની પરવાનગી માંગી. તેમણે કરેલી દલીલોને ધ્યાનમાં લઈ કંપનીએ પરવાનગી આપી. તે મુજબ 2 ડિસેમ્બર 1994 રોજ હોસ્પિટલમાં તબીબી શિક્ષણ લઈ રહેલા થોડા વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રીયલ હાજીનીસ્ટ સાથે ડેવિડે માઈક્રો ફાઈબર્સ ઇન્ક.ના પ્લાન્ટની મુલાકાત લીધી. કંપની નાયલોનના દોરાઓને ખૂબ ઝીણાં કાપીને એનો લોચો બનાવતી હતી. આ લોચાનો ઉપયોગ ઓટોમોબાઈલ, તૈયાર કપડા અને ગાદી-તકિયા ભરવામાં થતો હતો. કંપનીએ સૌ પ્રથમ ગુપ્તતા અંગેના એક કરાર ઉપર સૌના હસ્તાક્ષર લીધા અને પછી પ્લાન્ટમાં જવા દીધા. ડોક્ટર ડેવિડના સાથીએ કારખાનાની હવાના થોડા નમૂના એકઠા કર્યા તે પછી સૌ નીકળી ગયા. તે પછી ડોક્ટર ડેવિડે પેલા કામદારના તબીબને પોતાનો અભિપ્રાય મોકલ્યો કે કામદારની તકલીફ કામને કારણે થતી જણાતી નથી. કામદારના ફેફસાની બાયોપ્સી લેવાની તેમણે ભલામણ કરી. બાયોપ્સી લેવાય તે પહેલા જ કંપનીએ કામદારને કાઢી મૂક્યો. પછી એક વર્ષ સુધી દવાઓ લીધા પછી તે સાજો થઈ ગયો.

આ બનાવના એકાદ વર્ષ પછી બીજા એક કામદારને બીજા એક તબીબે ડોક્ટર ડેવિડ પાસે અભિપ્રાય માટે મોકલ્યો. આ કામદારને પણ ફેફસાની તકલીફ હતી. તેના ફેફસાની બાયોપ્સી કરવામાં આવી હતી. કામદારના તબીબને તેની બીમારી હાઇપર સેન્સિટિવ ન્યુમોનાઇટીસ હોવાની શંકા ગઈ હતી. કામદારના ટેસ્ટ રિપોર્ટ પણ એવું સૂચવતા હતા પણ ચોક્કસપણે નહીં. ડોક્ટર ડેવિડને જ્યારે ખબર પડી કે આ કામદાર પણ માઈક્રો ફાઈબર્સ કંપનીમાં જ કામ કરે છે ત્યારે તે ચોંકી ઉઠ્યા. વર્ષે 3000 માણસોમાંથી એક કામદારને આ રોગ થવાની સંભાવના હોય છે જ્યારે અહીં 100-150 કામદારોમાંથી બે જણને એકાદ વર્ષના ગાળામાં એકસરખી તકલીફ જોવા મળી. ચોંકી ઉઠવા માટે આ કારણ પૂરતું હતું.

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી માટેની અમેરિકાની રાષ્ટ્રીય સંસ્થા “નાયોશ” (NIOSH- National Institute of Occupational Safety & Health)ના ફેફસાના રોગોના નિષ્ણાત (એપીડેમીઓલોજીસ્ટ) ડૉ જોન પાર્કરનો સંપર્ક ડોક્ટર ડેવિડે કર્યો અને વિગતે વાત કરી. ચર્ચાને અંતે નક્કી થયું કે કંપની નાયોશને પોતાના કારખાનામાં અભ્યાસ કરવા માટે વિનંતી કરે તે માટે ડેવિડે કંપનીને સમજાવવી અને જો તેમ થાય તો સહકાર માટે યુનિયનને વિનંતી કરવી. કંપની જો નાયોશને વિનંતી ન કરે તો યુનિયન નાયોશને વિનંતી કરી આમંત્રણ આપે તે માટે યુનીયન સાથે વાત કરવાનું પણ ડેવિડે સ્વીકાર્યું. ત્યાના કાયદા અનુસાર કંપની કે યુનિયન નાયોશને પોતાના કારખાનામાં અભ્યાસ કરવા વિનંતી કરી શકે છે.

કંપનીને આ વાત સમજાવતો પત્ર ડેવિડે 6 ફેબ્રુઆરી 1996ના રોજ લખ્યો. પછી આ રોગ અંગેનું તબીબી સાહિત્ય તપાસવા માંડ્યું. 90-91 વર્ષમાં માઈક્રો ફાઈબર્સ કંપનીના ૮૮માંથી પાંચ કામદારોને આ રોગ લાગુ થયાનું જણાવતો એક લેખ તેમને મળ્યો. આ વાત કંપનીના કેનેડાના પ્લાન્ટના કામદારોની હતી.

ડોક્ટર ડેવિડ 26 ફેબ્રુઆરી 96એ કંપનીના જવાબદાર અધિકારીઓને મળ્યા. પરિણામે કંપની નાયોશને અભ્યાસ કરવાનું આમંત્રણ આપવા તૈયાર થઈ. નાયોશના અભ્યાસ દરમિયાન કંપની તરફથી તબીબી સહાય અને રજૂઆતો માટેનું કામ ડો.ડેવિડને સોંપવાનું નક્કી થયું. ડોક્ટર ડેવિડે તે સંદર્ભમાં નીતિવિષયક સૈદ્ધાંતિક માર્ગદર્શિકા સ્વીકારવાનો કંપનીને આગ્રહ કર્યો. કંપનીએ સિદ્ધાંતમાં તેનો સ્વીકાર કર્યો અને આ બાબતે પોતાના કાનૂની સલાહકારની સલાહ લઈ લેખિત સ્વીકૃતિ આપશે તેમ જણાવ્યું.

બીજા દિવસે કંપની અને ડેવિડની હોસ્પિટલના વડા રીક ડીઝ વચ્ચે નાણાકીય અને અન્ય બાબતો અંગે સમજૂતી થઈ પણ લેખિત કરારો કરવાનું કંપની ટાળતી રહી.

તે પછીના આઠ મહિના દરમિયાન ડેવિડ અને તેમના સાથીઓએ 900 કલાક કામ કર્યું અને તે પેટે કંપનીએ એક લાખ ડોલર હોસ્પિટલને ચૂકવવાના થયા. માર્ચ મહિના સુધીમાં આ કંપનીના બીજા બે કામદારો આ રોગથી પીડાતા હોવાનું ધ્યાનમાં આવ્યું. માર્ચની પાંચમી તારીખે ડેવિડ કંપનીના અધિકારીઓને મળ્યા અને કામદારોને આ બાબતે શિક્ષણ આપવાની પોતાની યોજનાથી વાકેફ કર્યા. બીજા દિવસે કામદારોના પાંચ જૂથોને એક એક કલાકનું શિક્ષણ તેમણે આપ્યું.

શિક્ષણને અંતે કંપનીના અધિકારીઓએ ડો.ડેવિડને જણાવ્યું કે કેનેડાના પ્લાન્ટમાં અગાઉ થયેલા રોગ અંગે અને યુનિયનને આમાં સંડોવવાના ડેવિડે કરેલા પ્રયાસથી કંપની નારાજ થઈ છે. આ ઉપરાંત ડેવિડને નામે કંપનીએ કેટલાક ખોટા આક્ષેપો પણ કર્યા. એપ્રિલ, 96ના અંત સુધીમાં કંપનીના કુલ 6 કામદારો મળ્યા જે એક સરખી બીમારીથી પીડાતા હતા. કેનેડાના કામદારોની બીમારીના તબીબી અહેવાલો કામદારોના અને આ કામદારોના અહેવાલોની ચકાસણી બાદ ડો.ડેવિડ અને સાથીઓને જણાયું કે આ રોગના લક્ષણો હાઇપર સેન્સિટિવ ન્યુમોનાઇટીસ નહીં પણ “નોનસ્પેસિફિક ઇન્ટરસ્ટીશીયલ ન્યુમોનિયા”ને મળતા આવે છે. કંપનીએ પોતાને ત્યાં વપરાતા પદાર્થોનો ક્રમિક ઉપયોગ અને ઉત્પાદન પ્રક્રિયા વિશે હજુ સંપૂર્ણ માહિતી પૂરી પાડી ન હતી.

એપ્રિલમાં ડોક્ટર ડેવિડે પોતાના કામનો પહેલો અહેવાલ રજૂ કર્યો એ પછી ૩૦મી એપ્રિલે કંપનીના અધિકારીઓ સાથે મિટિંગ થઈ ત્યારે કંપનીએ આ અહેવાલની નકલ યુનિયનને આપી હોવા બાબત નારાજગી જાહેર કરી. ડોક્ટર ડેવિડે આ બાબત સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અમારી આ નીતિ બાબત આપને અગાઉ જણાવી ચૂક્યા છીએ. તે પછી થયેલી ચર્ચામાં એવો નિર્ણય લેવાયો કે બીજો અહેવાલ તૈયાર થાય ત્યારે યુનિયનને મોકલતા અગાઉ કંપનીને જોવા મોકલવો. ચર્ચા દરમિયાન ડોક્ટર ડો.ડેવિડે પોતે અગાઉ આપેલી લેખિત નીતીને હજુ સહમતી આપી ન હતી અને કામદારો વાંચી શકે તે રીતે ચોંટાડી ન હતી તે અંગે પણ કંપનીનું ધ્યાન દોર્યું. કંપનીએ જણાવ્યું કે એમાં થોડા નાના મોટા સુધારા કરવાના છે તે કરીને બતાવવામાં આવશે.

3 મે, 1996ને દિવસે ડોક્ટર ડેવિડે કંપનીના અધિકારીઓને નાયોશના અભ્યાસ બાબત માહિતી આપી. નાયોશ વ્યક્તિગત તપાસના અહેવાલ જે તે વ્યક્તિની અંગત સંમતિ સિવાય બીજા કોઈને આપે નહીં. એમાંથી રસ્તો કાઢી વ્યક્તિગત અહેવાલો પોતે મેળવી શકે તે માટે ડોક્ટર ડેવિડે નાયોશના વકીલ સાથે ચર્ચા કરી વ્યક્તિગત સંમતિ મેળવવા એક ફોર્મ તૈયાર કર્યું અને તે ફોર્મ કંપનીના અધિકારીઓને બતાવવામાં આવ્યું. 6 મે, 96ને દિવસે નાયોશની તપાસ શરૂ થઈ. થોડા કલાકોમાં જ યુનિયને વાંધો ઉઠાવી અભ્યાસનું કામ બંધ કરાવ્યું. કંપનીના અધિકારીઓએ કામદારોને એક બીજું સંમતિપત્ર ભરવા આપ્યું જેમાં નાયોશની તપાસના અહેવાલ કંપનીને આપવા સામે પોતાને વાંધો ન હોવા બાબત હતું. આ એવા અહેવાલની વાત છે જેના આધારે કામદારની શ્વસન ઉપકરણ એટલે કે માસ્ક પહેરવાની શારીરિક ક્ષમતા આકારી શકાય. નાયોશના અધિકારીઓ આ ફોર્મ પર સહી ન કરવા કામદારોને સમજાવતા હતા. કેટલાક કામદારોને શંકા ગઈ કે ડોક્ટર ડેવિડે કંપનીને આ ફોર્મ પર સહી લેવા સલાહ આપી છે. ડોક્ટર ડેવિડે યુનિયનને જણાવ્યું કે આ વાત સાવ ખોટી છે અને પોતાને આ બાબત કંઈ ખબર નથી.

ડેવિડે તે પછી કંપની અધિકારી સાથે ફોન પર વાત કરી કે તબીબી અહેવાલો નાયોશ પાસેથી મેળવવાની પોતાની યોજનાને આનાથી ફટકો પડશે અને નાયોશના તબીબી અહેવાલો બિન તબીબી વ્યક્તિઓને આપવા તે ગેરકાનૂની અને અનૈતિક છે. તે પછી ડેવિડે કંપનીના તમામ કામદારોને વ્યક્તિગત પત્રો લખી માહિતી આપી.

31 મે, 96ના પોતાના બીજા અહેવાલમાં ડો.ડેવિડે પોતાની નીતિને કંપનીએ હજુ સુધી સ્વીકૃતિ આપી ન હોવાની તેમજ બધા કામદારો વાંચી શકે તે રીતે એને ચોંટાડી ન હોવા બાબત તેમજ કંપનીએ પોતાને ત્યાં વપરાતા કાચા માલ અને પ્રક્રિયા અંગે માહિતી આપી ન હોવાની બાબત પણ નોંધી હતી. ડેવિડનીની ધારણા હતી કે આ અહેવાલ અંગે જ્યારે કંપની સાથે ચર્ચા થશે ત્યારે કંપની એવી માગણી કરશે કે ડેવિડે યુનિયન સાથેના સંબંધો કાપી નાખવા. એવી માગણી થાય તો તે સ્વીકારવી કે કેમ એ અંગે ડેવિડે યુનિયન સાથે ચર્ચા કરી અને યુનિયનને ખાતરી આપી કે એમ કરવાથી પણ યુનિયનને ખોટ નહીં જાય. કારણ 3 કામદારો ડેવિડની સારવાર હેઠળ હતા તેથી એમને માહિતી મેળવવાનો અધિકાર હતો અને એ કામદારો દ્વારા યુનિયનને માહિતી મળી શકશે.

ધારણા મુજબ કંપનીએ 21 જૂનની મિટિંગમાં જણાવ્યું કે ડોક્ટર ડેવિડે આપેલી નીતિ કંપની સ્વીકારતી નથી તેમજ અહેવાલની નકલ યુનિયનને આપવામાં આવે તે વાત પણ સ્વીકારતી નથી. કંપની વર્ષો સુધી યુનિયનને નબળું રાખવામાં સફળ થઈ હતી પણ છેલ્લા થોડા મહિનામાં બધી બાજી ઉંધી પડી ગઈ. તેથી હવે કંપની એ બાબત બેદરકાર રહેવા માગતી ન હતી. ડેવિડે નારાજગી બતાવીને પણ કંપનીની શરતો સ્વીકારી.

ઓગસ્ટના અંતમાં ત્રીજો અહેવાલ તૈયાર થયો ત્યાં સુધીમાં સાત કામદારોને એકસરખી તકલીફ હોવાનું નોંધાયું હતું. સપ્ટેમ્બરની મધ્યમાં એક કામદાર ડેવિડને મળવા આવ્યો અને સારવાર પછી હવે પોતે સાજોસમો છે તેથી કામ પર ચડવા માંગે છે તેમ જણાવ્યું. કામદારે એવો ડર જાહેર કર્યો કે પોતે ફરી કામે જશે તો ફરીથી તકલીફ થશે તેમ તેને લાગે છે તેથી માસ્ક પહેરવાની પરવાનગી તેને મળવી જોઈએ. એવી પરવાનગી નહીં મળે તો પોતે “ઓશા” (ઓક્યુંપેશનલ સેફટી એન્ડ હેલ્થ એડમીનીસ્ત્રેશન –OSHA; આપણા દેશમાં ફેક્ટરી એકત છે તેવો ત્યાં ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ એક્ટ છે અને તેના અમલની જવાબદારી ઓક્યુંપેશનલ સેફટી એન્ડ હેલ્થ એડમીનીસ્ત્રેશનની હોય છે)ને ફરિયાદ કરશે એમ પણ કહ્યું. કામદારે એવી માહિતી આપી કે જ્યાં માસ્ક પહેરવા જરૂરી લાગે છે ત્યાં કંપની માસ્કનો વિરોધ કરે છે. ડેવિડને લાગ્યું કે આ માગણી વાજબી છે. તેથી કામદારને યોગ્ય પ્રકારનો માસ્ક આપવાની ભલામણ કરતો પત્ર ડેવિડે કંપનીને લખ્યો.

પત્ર મળતાં જ કંપનીના અધિકારી ગુસ્સે થઈ ગયા અને ડેવિડને જણાવ્યું કે કામદાર જે માગે તે બધું જ આપવાનું ન હોય. આ કામદારને માસ્કની કશી જરૂર નથી. માસ્ક આપવાથી વ્યવસાયિક રોગ માટે વળતરના દાવા થવા સંભવ છે, એવા દાવા થાય તો કંપની દાવો હારી જાય તેવી સંભાવના છે અને તે માટે ડેવિડ જવાબદાર છે. ડેવિડને કારણે જ છ-સાત કામદારો લાંબી માંદગીની રજા ભોગવી રહ્યા છે. અંતમાં અધિકારીએ જણાવ્યું કે કંપની પેલા કામદારને માસ્ક આપવાની નથી. કામદાર કામે જોડાયો તે પછી રોજ સતત પાંચ દિવસ સુધી તેને તકલીફ થતી રહી અને છઠ્ઠા દિવસે તો છાતીમાં દુખાવો શરૂ થતાં હોસ્પિટલમાં મોકલવો પડ્યો.

સપ્ટેમ્બરમાં ડેવિડે પોતાના કામનો ચોથો અહેવાલ રજૂ કર્યો જેમાં 1989માં નિવૃત્ત થયેલા કામદાર વિશે પણ માહિતી હતી. આ કામદારની શ્વાસની તકલીફ ઘણી વકરી હતી અને તેની ફેફસાની કાર્યશક્તિ ૫૦ ટકા ઘટી ગઈ હતી. સપ્ટેમ્બરમાં કંપની એ કંપનીના કેનેડાના પ્લાન્ટના જુદા જુદા કન્સલ્ટન્ટ સાથે ડોક્ટર ડેવિડના સહકાર્યકર ઇન્ડસ્ટ્રીયલ હાયાજીનીસ્ટ સાથે ફોન પર મુલાકાત કરાવી આપી. ડેવિડના સાથીએ નાયોશ પાસે કેટલીક માહિતી માગી જે આપવાનો નાયોશે ઇનકાર કર્યો. પાછળથી જાણવા મળ્યું કે કંપનીએ જ નાયોશને કહ્યું કે આ માહિતી ડેવિડને આપવી નહીં. કંપનીને પોતાના જ કન્સલ્ટન્ટ પર વિશ્વાસ ન હતો. નાયોશે કંપનીની સાથે એકબીજાની સંમતિ વગર આ માહિતી ન આપવાના કરાર કર્યા હતા તેથી નાયોશના અધિકારીઓ મજબુર હતા.

ઓક્ટોબરના અંતમાં કંપનીએ પોતાના અધિકારીઓ, યુનિયનના હોદ્દેદારો, નાયોશ અને ડોક્ટર ડેવિડ અને તેમના સાથીઓ સાથે મિટિંગ ગોઠવી. મિટિંગમાં ડોક્ટર ડેવિડે જાહેર કર્યું કે આ કામ સાથે સંકળાયેલી બધી સંસ્થાઓ એકબીજા સાથે માહિતીની ખુલ્લી આપલે કરી શકે તે માટેની છૂટ ન હોય તો પોતે કન્સલ્ટન્ટ તરીકે ચાલુ રહી શકે તેમ નથી.

આ મિટિંગને અંતે ડોક્ટર ડેવિડે પોતે તૈયાર કરેલા અભ્યાસ નિબંધનો મુસદ્દો કંપનીને આપ્યો. મે, 97માં યોજાનાર અમેરિકન થોરેસિક સોસાયટીની વાર્ષિક અંતરરાષ્ટ્રીય પરિષદમાં આ નિબંધ રજૂ કરવાનો તેમનો ઈરાદો હતો.

બે દિવસ પછી કંપનીએ જણાવ્યું કે આ નિબંધ રજૂ કરવાની પરવાનગી કંપની તેમને આપતી નથી. તેમ છતાં જો નિબંધ રજૂ કરશે તો કંપની ડેવિડ અને તેમની હોસ્પિટલ સામે કાનૂની પગલાં ભરશે. ડો.ડેવિડને લાગ્યું કે કામદારોના આરોગ્યના હિતમાં હોય તો આ નિબંધ રજૂ કરવાનું માંડી વાળવું. પોતાના સાથીઓ સાથે ચર્ચા કરીને ડેવિડે કંપનીને જણાવ્યું કે કંપની જો માહિતીની આપ-લે માટે ખુલ્લાપણાની નીતિ સ્વીકારશે તો પોતે ઓછામાં ઓછું એક વર્ષ સુધી આ અંગે કોઈ જાહેર ચર્ચા કરશે નહીં. જોકે ડેવિડે જાહેર ચર્ચાના ફાયદા પણ કંપનીને સમજાવ્યા.

બીજા દિવસે ડેવિડે નિબંધના મુસદ્દામાંથી કેનેડા પ્લાન્ટ અને નાયલોન ફ્લોક ઇન્ડસ્ટ્રી એવા ઉલ્લેખો કાઢી નાખીને ફરીથી મંજૂરી માટે કંપનીને મોકલ્યો. કંપનીએ આ મુસદ્દો પણ સ્વીકાર્યો નહીં. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું કે માહિતીની આપ-લે માટેની ખુલ્લી નીતિ પણ સ્વીકારી શકાય તેમ નથી. ડેવિડે 31 ઓક્ટોબર 1996ના દિવસે કંપનીની કન્સલ્ટન્સીનું કામ બંધ કરી કંપનીને તેની જાણ કરી અને પરિષદમાં પોતાનો નિબંધ રજૂ કરવાનો ઇરાદો જાહેર કર્યો.

તે પછી ડેવિડે પોતાની યુનિવર્સિટીનો સંપર્ક કર્યો અને પોતાના ઈરાદા અને કંપનીની ધમકી અંગે માહિતી આપીને માર્ગદર્શન માગ્યું. યુનિવર્સિટીના સંશોધન વિભાગના વડા ડો. શંકે જણાવ્યું કે કંપનીની પરવાનગી વગર ડોક્ટર ડેવિડ પોતાનો નિબંધ જાહેર કરી શકે નહીં.

ડેવિડે તેમની રૂબરૂ મુલાકાત લઈને શૈક્ષણિક સ્વાયત્તતા, વ્યવસાયિક જવાબદારી અને જાહેર આરોગ્ય અંગેની મહત્વની વૈજ્ઞાનિક માહિતી દબાવી દેવાના પ્રયાસો અંગે ચર્ચા કરી. ડેવિડે સ્પષ્ટતા કરી કે કેનેડામાં એક કામદારનું મૃત્યુ થયું છે અને બે કામદારોની સ્થિતિ ગંભીર છે ત્યારે એ બાબત વ્યવસાયિક વર્તુળોને માહિતગાર કરવા જોઈએ. વળી, કંપની સાથે થયેલા કરારોની જોગવાઈઓ બાધક નથી. ડો.ડેવિડે એવી ખાતરી પણ આપી કે કંપનીની વ્યવસાયિક ગુપ્તતાને જાહેર કરવામાં આવશે નહી. ડોક્ટર શંકે જવાબ આપ્યો કે તમારી વાત સમજી શકાય તેવી હોવા છતાં પગલું ભરતા અગાઉ યુનિવર્સિટીના વકીલની સલાહ મેળવી લેવી જોઈએ.

એ પછીના અઠવાડિયે ડેવિડે કંપનીને કરાર રદ કર્યાનું સૂચવતો વિધિસરનો પત્ર તૈયાર કરી હોસ્પિટલના મુખ્ય ફિઝિશિયન ડોક્ટર સ્કોટને જોવા મોકલ્યો. સ્કોટે જણાવ્યું કે હું અને હોસ્પિટલના પ્રમુખ ફ્રેન્ક ડીઝ કંપનીના માલિકને રૂબરૂ મળ્યા પછી પત્રનું નક્કી કરીશું. ડિસેમ્બરનાં પહેલા અઠવાડિયામાં એ લોકોની મુલાકાત થઈ તે પછી સ્કોટે ડેવિડને જણાવ્યુ જે કરાર રદ કર્યા સિવાય છૂટકો નથી પરંતુ પત્ર મોકલવાનું કામ અમે કરીશું. દરમિયાન ડેવિડે કંપનીના કામદારોને સંબોધીને એક વિગતવાર પત્ર તૈયાર કર્યો જે સપ્ટેમ્બરમાં મોકલવો હતો પણ ઓક્ટોબરમાં વધુ માહિતી મળે એ પણ સમાવી લેવા પત્ર મોકલ્યો ન હતો. આ પત્ર પણ મોકલવો હમણાં રહેવા દો એમ સ્કોટે ડેવિડને વિનવ્યા. હોસ્પિટલ સત્તાવાળાઓએ આ પત્ર ન મોકલાય તે માટે વારંવાર પ્રયત્ન કર્યા પણ આખરે ડો.ડેવિડને લાગ્યું કે આ પત્ર મોકલવો અત્યંત જરૂરી છે તેથી 13 ડિસેમ્બરે ટપાલમાં રવાના કર્યા.

હવે વાત રહી ડો.ડેવિડના નિબંધનો સાર (Abstract) પરિષદમાં મોકલ્યો હતો તે પાછો ખેંચવા અંગે કંપનીએ આપેલી ધમકીની. સ્કોટે ડેવિડને જણાવ્યું કે આ બાબત હોસ્પિટલના કાનૂની સલાહકારને સોંપવામાં આવી છે. બીજા દિવસે ફ્રેન્ક ડીઝે ડેવિડને બોલાવી કહ્યું કે જાહેર આરોગ્ય જોખમાંવાનો ભય જણાતો ન હોવાથી નિબંધ વાંચવાનું પડતું મૂકવું જોઈએ. એવો ભય શા માટે નથી જણાતો એવો સવાલ ડેવિડે કર્યો ત્યારે ફ્રેન્કે જવાબ આપ્યો કે વિશ્વમાં બીજી એકપણ કંપની આ બનાવતી નથી અને નાયોશની તપાસ તો હજુ ચાલુ છે. ડેવિડે જણાવ્યું કે ર(હો)ડ આઇલેન્ડમાં જ બીજા બે કારખાના આ બનાવે છે અને આખા વિશ્વમાં 50 કારખાના છે. આ સાંભળી ફ્રેન્ક એકદમ ગુસ્સે થઈ ગયા અને કહેવા માંડ્યા કે તમે તો કારખાનું બંધ કરાવવા જ પાછળ પડ્યા છો. આમાં જાહેર આરોગ્યના જોખમનો સવાલ જ નથી વિગેરે.

હોસ્પિટલની હિસ્ટોલોજી લેબોરેટરીના બાંધકામમાં આ કંપનીએ નાણાકીય મદદ આપી હતી અને કંપનીના માલિકના ત્રણ કુટુંબીજનો હોસ્પિટલમાં નોકરી કરતા હતા. વળી હોસ્પિટલના વિસ્તરણ માટે સહાય કરવાની પણ કંપનીને વિનંતી કરવામાં આવી હતી. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખે વિસ્તરણ કામની જવાબદારી લીધી હતી અને હોસ્પિટલના વકીલ પણ એ જ હતા.

18 ડિસેમ્બરે સ્કોટ અને ફેંકે ડેવિડને બોલાવ્યા. ફ્રેન્કે ડેવિડને જણાવ્યું કે ડેવિડે કામદારો ગભરાઈ જાય એવો પત્ર લખ્યો છે તેથી કંપની ખુબ ગુસ્સે ભરાઈ છે અને યુનિયન પણ હચમચી ગયું છે. ફ્રેન્કે જણાવ્યું કે વિધિવત રીતે હું પરિષદમાં નિબંધ ન વાંચવા તમને વિનંતી કરું છું. વળી કંપનીના કામદારો સાથે ડેવિડે કશું કામ કરવું નહીં. હોસ્પિટલમાં ઇન્ડસ્ટ્રીયલ હાયાજીનીસ્ટની જગ્યા રદ કરવામાં આવી છે અને વ્યવસાયિક આરોગ્ય અંગેનો વિભાગ હવે હોસ્પિટલમાં ચાલતો નથી. આ બધી વાતો લેખિત સ્વરૂપે પાછળથી તેમને આપી.. ચર્ચા દરમિયાન ડોક્ટર સ્કોટ મૌન રહ્યા હતા.

બે દિવસ પછી ડેવિડ સ્કોટને મળ્યા અને પૂછ્યું કે જો પોતે નિબંધ વાંચવાનું પડતું નહીં મૂકે તો શું થશે. જવાબમાં સ્કોટે કહ્યું કે એ સંજોગોમાં કંપની હોસ્પિટલ પર દાવો કરશે તો હોસ્પિટલ ડેવિડ ઉપર દાવો કરશે. ડેવિડે કહ્યું કે પોતે પોતાની નોકરીનું શું થશે એ સંદર્ભે પ્રશ્ન પૂછતા હતા. સ્કોટે કહ્યું કે એ બાબત પોતે કંઈ જાણતા નથી. ડેવિડે પૂછ્યું કે વ્યવસાયિક આરોગ્ય અંગેનું શિક્ષણ તબીબી વિદ્યાર્થીઓને આપવાનું કામ તેઓ ચાલુ રાખી શકશે કે કેમ ત્યારે સ્કોટે હા પાડી. સ્કોટે જણાવ્યું કે ડેવિડ કંપનીના કામદારોને તપાસી શકશે નહીં. બીજા સ્થળેથી વ્યવસાયિક રોગની ફરિયાદ લઈને આવતા કામદારોને પોતે તપાસી શકશે કે કેમ તેમજ વ્યવસાયિક આરોગ્ય અંગે સંશોધનનું કામ કરી શકશે કે કેમ તે બાબતે તેમણે ફ્રેન્કને પૂછવું.

તે પછી ડેવિડે સ્થાનિક અને બહારની બીજી હોસ્પિટલો, યુનિવર્સિટીઓ અને બીજા સાથીઓ સાથે આ બાબતે ચર્ચા કરી, સલાહ માગી. વ્યવસાયિક આરોગ્યના ક્ષેત્રના તબીબોએ ભારપૂર્વક જણાવ્યું કે નિબંધ વાંચવાનું પડતું મૂકવું નહીં. તે દરમિયાન પર્યાવરણીય આરોગ્ય જોખમોની આકારણી કરનાર ખાતાના (એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સી – ઈ.પી.એ.) વડાએ ડો.ડેવિડને પત્ર લખીને અમુક કાયદાની જોગવાઈ અનુસાર કંપનીમાં થતાં રોગ અંગેની સંપૂર્ણ માહિતી મોકલવા વિનંતી કરી. સ્કોટની પરવાનગી લઇ ડેવિડે તે મોકલી આપી. તે પછી એ ખાતા તરફથી ફરીથી પત્ર આવ્યો કે અમેરિકાના જાહેર આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણ કેન્દ્ર દ્વારા પ્રકાશિત “મોર્ટાલીટી એન્ડ મોરબીડીટી વીકલી રિપોર્ટ” નામના અઠવાડિકમાં આ વિગતો છપાય તે જરૂરી જણાય છે.

માર્ચમાં યુનિવર્સિટીના 6 પ્રાધ્યાપકોએ ફેકલ્ટી એક્ઝિક્યુટીવ કમિટીને સ્કોટ અને ફ્રેન્ક ડીઝ સામેના આક્ષેપો લખી મોકલ્યા. સમિતિએ આ બંનેને ડો.ડેવિડની શૈક્ષણિક સ્વાયત્તતા રૂંધાવા બાબત ચિંતા વ્યક્ત કરી. જવાબમાં મેડિસિનના વિભાગીય વડાએ બે સભ્યોની તપાસ સમિતિ નીમી. બેમાંથી એક – પીટર શંક- તો અગાઉ નિબંધ વાળી વાત પડતી મુકવા ડેવિડને વિનંતી કરી ચૂક્યા હતા. છ અધ્યાપકોને જ્યારે ખાતરી થઈ કે સત્ય શોધવાના પ્રયત્નો થઈ નથી રહ્યા ત્યારે તેમણે વિધિવત ફરિયાદ નોંધાવી. તે દરમિયાન જુદી જુદી 2 યુનિવર્સિટીના વ્યવસાયિક આરોગ્યના નિષ્ણાતોએ “સાયન્સ” નામના સામયિકને બધી માહીતી પુરી પાડતાં સાયન્સમાં આ અંગે લેખ છપાયો.

અંતે 21-5-97 ને દિવસે ડેવિડે અમેરિકન થોરાસીક એસોસીએશનની કોન્ફરન્સમાં પોતાનો નિબંધ વાંચ્યો અને હકીકતો રજૂ કરી. ત્યાં હાજર વિવિધ સંસ્થાઓએ ડો.ડેવિડને ટેકો કરતાં નિવેદન પ્રગટ કર્યા અને આરોગ્ય અંગેની માહિતી દબાવાવાને પરિણામે અન્ય કેટલાય કામદારોના મૃત્યુ થતાં હોવાના ઐતિહાસિક બનાવોને યાદ કરી, માહિતીને દબાવવાના પ્રયાસોનો વિરોધ કરવાની અપીલ કરી. રોડ આઇલેન્ડની મેડીકલ સોસાયટી અને રાજ્યના મહત્વના કામદાર સંગઠન એ.એફ.એલ.- સી.આઈ.ઓ. દ્વારા પણ ડેવિડના સમર્થનમાં નિવેદન થયા.

કોન્ફરન્સના અઠવાડિયા પછી હોસ્પિટલના વડા ફ્રેન્ક ડીઝ અને યુનિવર્સિટીના પ્રમુખ ગ્રેગોરીયન તરફથી બે જુદા પત્રો ડેવિડને મળ્યા જેમાં જણાવાયું હતું કે 1999માં પૂરા થતાં તેમની નોકરીના કરાર ફરીથી નવીનીકરણ થશે નહીં. એ સમય દરમિયાન ડેવિડને સંશોધન ચાલુ રાખવાની છૂટ અપાઈ અને ડેવિડ જો વચ્ચે નોકરી છોડી દે તો ઈસવીસન 2000 સુધીનો પગાર આપવાની તૈયારી બતાવાઈ. પોતાના એસોસિયેટ પ્રોફેસરના નોકરીના કરાર ફરીથી તાજા ન કરવાની જોગવાઈ હોસ્પિટલના યુનિવર્સિટી સાથેના જોડાણ ના કરારમાં હતી કે નહીં એ બાબત ડેવિડના સવાલનો ખુલાસો કોઈએ કર્યો નહીં. યુનિવર્સિટીના વડાએ આ સમાધાન કરાવ્યું તે બદલ ડેવિડ નારાજ થઈ જણાવે છે કે યુનિવર્સિટીના વડાએ તો મૂલ્યોની સાચવણીના ઝંડાધારી બનવાને બદલે આવા સમાધાનોના રચયિતા બને છે.

દરમિયાન ડેવિડની ફરિયાદને આધારે “ઓશા”એ ઓશા કાયદાની કલમ “11-સી” ના ભંગ માટે કંપની, હોસ્પિટલ અને યુનિવર્સિટી પાસે ખુલાસો માગ્યો. ઓશાએ આ ફરીયાદની તપાસ ઓક્ટોબરમાં પૂરી કરી અને કાયદા વિભાગને જરૂરી કાર્યવાહી માટે અહેવાલ મોકલી અપાયો.

૧૯૨૬માં સ્થપાયેલી માઇક્રોફાઈબેર્સને ફેબૃઆરી,૨૦૧૭માં ઈલ્કીઝ ગ્રુપે ખરીદી લીધી. હાલ તેના અમેરિકાના નોર્થ કેરોલીના રાજ્ય અને ચીનના નાન-ફેંગમાં કારખાના છે. ચીનના ફોશાનમાં આવેલા કારખાનામાં ૬૦૦થી વધુ કામદારો કામ કરે છે.

એ અગાઉ 2016ના જાન્યુઆરીમાં કંપનીએ એવી જાહેરાત કરી હતી કે કંપની પોતાના અમેરિકાના પ્લાન્ટ બંધ કરે છે અને કદાચ પરદેશના પણ. અમેરિકામાં એ ફડચામાં ગઈ હોવાની અરજી કરવાની છે. યુનિયન સાથે એણે આ અંગે ચર્ચા કરી. યુનિયનના આગેવાનોએ જણાવ્યું કે તેમના આ પ્લાન્ટમાં 57 કામદારો છે અને નોર્થ કેરોલીના પ્લાન્ટમાં 125 કામદારો છે. થોડા સમય પહેલા જ કમ્પનીએ ઘણા કામદારોને છુટા કરેલા જેમાં કેટલાક તો એવા હતા જેમની નોકરી ૩૦ વર્ષની હતી. ચીન અને બેલ્જીયમના પ્લાન્ટ બંધ થશે કે નહી તે સ્પષ્ટ ન હોવાનું યુનિયને જણાવ્યું. 6 મહિના અગાઉથી કંપની કામદારોને એક એક અઠવાડીયાના લે ઓફ આપતી હતી. તે દરમિયાન કામદારો વીમા માંથી બેકારી ભથ્થું લેતા હતા. જે કામદારો કામ પર હતા તેમને 12-12 કલાકની પાળીમાં બોલાવતા હતા. યુનિયને કહ્યું કે છેલ્લા 10 વર્ષથી કંપની આ રમત રમી રહી છે, બીલ ભરવાના પણ ફાફા છે. બ્રાઉન યુનીવર્સીટીનાં સંશોધક દ્વારા 9 કામદારોને કામને કારણે ફેફસાનો રોગ થયાની વાત જાણવા મળી હતી તે સમયે 170 કામદારો હતા. કંપનીના કેનેડાના પ્લાન્ટમાં બીજા 7 કામદારોમાં આ બીમારી જોવા મળી હતી.

ડો.ડેવિડના 27 કરતાં વધુ સંશોધન પત્રો પ્રગટ થયા છે.હાલ તેઓ મેઈન રાજ્યમાં રોક પોર્ટ ખાતે એવા આપે છે.

સલામતીમાં લેખ પ્રગટ થયા પછી અમે એમને પત્ર લખ્યો. એમણે જવાબ પણ આપ્યો અને નાની રકમ સલામતી માટે મોકલી. એમણે લખ્યું, “તમારા પત્ર બદલ આભાર. આજના યુગમાં તમારા દેશવાસી મહાત્મા ગાંધીનું દર્શન આપણને આફતોથી દુર રાખવા જરૂરી છે. તમારી પત્રિકાની નકલ મોકલવા કૃપા કરશો. બે વર્ષ અગાઉ હું અને મારું કુટુંબ મેઈનનાં દરિયાકાંઠે સ્થાયી થયા છીએ, જે અમેરિકામાં બોસ્ટનથી 200 માઈલને અંતરે અગ્નિખુણે આવેલું છે. દરિયા કિનારા પરથી ટેકરીઓ ઉપરનું અહીંનું જીવન શાંતિભર્યું છે. સ્થાનિક હોસ્પીટલમાં હું જનરલ મેડીસીન વિભાગમાં કામ કરું છું અને અઠવાડિયે દોઢ દિવસ ઈજાગ્રસ્ત કામદારોની સારવાર કરું છું. સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિ ભર્યા મારા દિવસો વીતી ગયા છે અને તેથી પણ વધુ મહત્વનું મેં ગુમાવ્યું છે. તમારા સુંદર કામ માટે મારા અભિનદન સ્વીકારશો.”

સવાલ છે આ પ્રકારનું સાહિત્ય આપની પોતીકી ભાષામાં આપણા પોતાના અનુભવો પર આધારિત હોય તેવું કેમ નથી ?


સંદર્ભ

૧. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓક્યુપેશનલ એન્વાયરમેન્ટલ હેલ્થ, અંક 4, 1998, પાન 19-32

૨. https://turnto10.com/news/local/pawtucket-manufacturer-to-file-bankruptcy-closes-shop-after-90-years-in-business

૩. http://scientific-misconduct.blogspot.com/2007/07/more-on-david-kern-affair-at-brown.html

૪. http://www.microfibres.com/

૫. https://annals.org/aim/article-abstract/711617/flock-worker-s-lung-chronic-interstitial-lung-disease-nylon-flocking

૬.NIOSH Health Hazard Evaluation Report 96-0093-2685, April, 1998, Rita Washko et al https://www.cdc.gov/niosh/hhe/reports/pdfs/1996-0093-2685.pdf

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : મારગ છે શૂરાનો

 1. Subhash Yaday
  October 24, 2019 at 11:10 am

  Thank you Jagdishbhai for bringing out this story. I shall share it with my students.
  best wishes

 2. RAJENDRA KUMAR JAISWAL
  October 24, 2019 at 12:06 pm

  Dear Sh Jagdishbhai

  Greetings and thank you for compilation and circulation, it is eye opener compilation, no one favoring the workers health only needs the work…

  With Best Regards

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.