બાળવાર્તાઓ : ૧૨ : જાદુઈ માછલી

Facebooktwitterredditpinterestlinkedinmail

પુષ્પા અંતાણી

ગંગુ નામે એક માછીમાર હતો. એ દરરોજ સવારે દરિયામાં માછલી પકડવા જતો. એક દિવસ રોજની જેમ સવાર પડતાં જ એ હોડી લઈને દરિયામાં આવ્યો. એણે માછલાં પકડવાની જાળ પાણીમાં ફેંકી. પછી બબડ્યો: “જોઈએ, આજે કેટલાં માછલાં મળે છે.” બપોર નમ્યા પછી એ પાણીમાંથી જાળ ખેંચવા લાગ્યો. જાળ થોડી ભારે લાગી. એને થયું, આજે ઘણાં માછલાં પકડાયાં લાગે છે.

એને જાળમાં ઘણાં બધાં માછલાંની વચ્ચે એક મોટી માછલી દેખાઈ. એ સોનેરી રંગની બહુ જ સુંદર માછલી હતી. એ આટલાં વર્ષોથી માછલાં પકડતો હતો, પણ એણે આ પહેલાં આવી સુંદર માછલી કદી જોઈ નહોતી. એ જાળને પાણીમાંથી બહાર કાઢે તે પહેલાં એ માછલી બોલી:

“ભાઈ, તું મને પાણીમાંથી કાઢજે નહીં, હું મરી જઈશ. તું મને દરિયામાં પાછી જવા દે.”

ગંગુએ કહ્યું: “હવે હું તને થોડો જ પાછી જવા દેતો હોઈશ!”

માછલી બોલી: “જો તું મને જવા દેશે તો તને બહુ મોટો લાભ થશે.”

ગંગુ માછીમારીના કામથી કંટાળી ગયો હતો. એથી જો કોઈ લાભ થતો હોય તો એને આ માછલીને જવા દેવાનો વિચાર આવી ગયો. પછી થયું, ના, ના… આવી સુંદર માછલીને જવા ન દેવાય. એણે માછલીની વાત માની નહીં. એ જાળ પાણીમાંથી બહાર ખેંચવા લાગ્યો.

ત્યાં તો માછલી બોલી ઊઠી: “સારું, સારું… તું મને પાછી જવા ન આપે તો કંઈ નહીં, પણ તું મને જીવતી તારી સાથે લઈ જા. મારી પાસે જાદુઈ શક્તિ છે. હું એનાથી તારી કોઈ પણ એક ઇચ્છા પૂરી કરી શકું. જો એવું થાય તો તું મને દરિયામાં પાછી મૂકી જજે.”

ગંગુએ માછલીની આ વાત માન્ય રાખી. એની હોડીમાં એક નાનો પીપ હતો. એ પીપમાં પાણી ભરી ગંગુએ સોનેરી માછલીને એમાં મૂકી. ઘેર પહોંચીને એણે પત્નીને બધી વાત કરી. પત્ની તો આવી સુંદર માછલી જોઈને રાજી થઈ ગઈ. એ બોલી: “આને તો આપણે આપણી પાસે જ રાખશું, ક્યારેય પાછી જવા નહીં દઈએ.”

ગંગુ કહે: “ના, ના, એમ ન થાય. એ આપણી એક ઇચ્છા પૂરી કરે તો મેં એને દરિયામાં પાછી મૂકવાનું વચન આપ્યું છે.”

માછલીએ ગંગુને પૂછ્યું: “મારે તારી કઈ ઇચ્છા પૂરી કરવાની છે?”

ગંગુ કહે: “હું વર્ષોથી મહેનત-મજૂરી કરું છું ત્યારે ઘરનાં લોકો માંડ બે ટંક ખાવા ભેગાં થાય છે. હું મહેનત કરીને થાકી ગયો છું. તું અમને એટલું ધન લાવી આપ કે મારે હવે કોઈ કામ કરવું ન પડે અને અમે બાકીની જિંદગી સુખચેનથી જીવી શકીએ.”

માછલીએ કહ્યું: “સારું, એવું જ થશે.”

બીજે દિવસે ચોરોએ રાજમહેલમાં ખાતર પાડ્યું. રાજાએ ઢંઢેરો પિટાવ્યો: “રાજતિજોરીનું બધું ધન લુટાઈ ગયું છે. જે કોઈ વ્યક્તિ લુટારા અને રાજધનનો પત્તો આપશે એને રાજા તરફથી બહુ મોટું ઈનામ આપવામાં આવશે.”

માછલીએ ગંગુને કહ્યું: “તૈયાર થઈ જા ઈનામ લેવા.”

ગંગુએ કહ્યું: “પણ મને ચોરોની ક્યાં ખબર જ છે! હું ઈનામ લેવા કેવી રીતે જાઉં?”

‘’લુટારાની ખબર હું તને આપું છું,” એમ કહીને માછલીએ લુટારા અને એમણે રાજધન ક્યાં છુપાવ્યું હતું એ વિશેની બધી માહિતી ગંગુને આપી.

ગંગુ રાજા પાસે ગયો અને એને બધી મહિતી આપી. રાજાએ ગંગુએ જણાવેલી જગ્યાએ સિપાઈઓને મોકલ્યા. ત્યાં લુટારા અને રાજનું બધું જ ધન સિપાઈઓના હાથ લાગ્યું. રાજાએ ગંગુને ખૂબ ધન-દોલત આપીને માલામાલ કરી દીધો. ગંગુ બધું જ ધન લઈને ઘેર આવ્યો. ઘરનાં લોકો ખુશખુશ થઈ ગયાં. ગંગુએ માછલીનો આભાર માન્યો અને એને દરિયામાં પાછી મૂકી આવવા તૈયાર થયો.

આ બાજુ ગંગુ ગયો પછી રાજાને વિચાર આવ્યો કે લુટારા અને લુટાયેલા ધન વિશેની આ બધી માહિતી ગંગુને ક્યાંથી મળી? ક્યાંક એવું તો નથીને કે એ પણ ચોર-લુટારા સાથે ભળેલો હોય. એથી રાજા સિપાઈઓ સાથે ગંગુને ઘેર આવ્યો. રાજા અને સિપાઈઓને જોઈ ગંગુ ગભરાઈ ગયો.

રાજાએ ગંગુને કડકાઈથી પૂછ્યું:

“તને ચોર-લુટારાની ભાળ કેવી રીતે મળી? મને તો લાગે છે કે તું પણ એમની સાથે ભળેલો છે. સાચું બોલજે, ખોટું બોલીશ તો તારું માથું વાઢી નાખીશ.”

ગંગુએ રાજાને નાછૂટકે માછલીની વાત કહેવી પડી. રાજાએ માછલી જોઈ. એણે પણ આવી સુંદર માછલી ક્યારેય જોઈ નહોતી. રાજાએ કહ્યું: “આ માછલી તો મારા રાજમહેલમાં જ શોભે. એને હવે દરિયામાં પાછી જવા દેવાય નહીં.”

ગંગુ બે હાથ જોડી વિનંતી કરવા લાગ્યો: “મેં માછલીને વચન આપ્યું છે. મારે એને દરિયામાં પાછી લઈ જ જવી પડે.” રાજાએ ગંગુની વાત માની નહીં. એણે સિપાઈઓને હુકમ કર્યો: “આ માછલીને રાજમહેલમાં લઈ આવો.”

સિપાઈઓ માછલીવાળો પીપ ઉપાડવા લાગ્યા ત્યાં જ માછલી બોલી:

“રાજા, તમે મને ભલે તમારા રાજમહેલમાં લઈ જાઓ, પણ હું દરિયા વગર જીવી શકીશ નહીં. જો હું તમારી કોઈ પણ એક ઇચ્છા પૂરી કરું તો તમે મને દરિયામાં પાછી જવા દેશો?”

રાજાને તરત યાદ આવ્યું કે એની પાસે બધું જ છે, પરંતુ એકેય સંતાન નથી. એણે માછલીની વાત સ્વીકારી. રાજાએ માછલીને સોનાની કૂંડીમાં પાણી ભરીને મૂકી. માછલીએ રાજાને પૂછયું: “બોલો, હું તમારી કઈ ઇચ્છા પૂરી કરું?”

રાજાએ કહ્યું: “મારી પાસે ધન-દોલત-રાજપાટ બધું છે, પણ મને એકેય સંતાન નથી. બસ, તું મને આ રાજગાદીનો એક વારસદાર આપી દે તો હું તને દરિયામાં પાછી જવા દઈશ.”

માછલીએ રાજાને એક સંતનું નામ આપ્યું અને બોલી: “એ સંત તમને એક ફળ આપશે. એ ફળ તમારી રાણીને ખવરાવશો તો રાણી પુત્રને જન્મ આપશે.”

રાજા એ સંત પાસે ગયો. સંત રાજાને ફળ આપવા તૈયાર પણ થયો, ત્યાં જ એને વિચાર આવ્યો. એણે રાજાને પૂછ્યું: “તમને કેમ ખબર પડી કે રાણી મારું આ ફળ ખાશે તો મા બનશે?” રાજાએ પણ સંતને માછલી વિશે વાત કરવી પડી.

એ સાંભળી સંતનો વિચાર ફરી ગયો. એણે રાજાને કહ્યું: “જો તમે માછલીને મારી પાસે લઈ આવો તો જ હું તમને આ ફળ આપું.” રાજા મહેલમાં પાછો આવ્યો અને માછલીને બધી વાત કરી.

માછલી બોલી: “મારે તમારી આ ઇચ્છા તો પૂરી કરવાની જ છે. તો ચાલો મને લઈને સંત પાસે.”

રાજા માછલીને લઈને સંત પાસે આવ્યો. માછલીને જોતાં જ સંતના મનમાં લાલચ જાગી. એણે રાજાને કહ્યું: “તમે આ માછલી મને આપો તો જ હું તમને ફળ આપું.”

રાજા મૂંઝાયો. એણે કહ્યું: “ જો માછલી મારી એક ઇચ્છા પૂરી કરે તો મેં એને દરિયામાં પાછી મૂકવાનું વચન આપ્યું છે.”

સંતે કહ્યું: “તમને ફળ જોઈતું હોય તો તમારે માછલી મને આપવી પડશે.”

રાજાએ માછલી સામે જોઈને પૂછ્યું: “હવે હું શું કરું?”

માછલીએ સંતને પૂછ્યું: “જો હું તમારી પણ કોઈ એક ઇચ્છા પૂરી કરું તો તમે મને દરિયામાં પાછી જવા દેશો?” સંતે એની વાત મંજૂર રાખી. રાજા સંત પાસેથી ફળ લઈ મહેલમાં આવ્યો.

સંતને વર્ષોથી એક અસાધ્ય રોગ હતો. એ રોગને કારણે એને ખૂબ કષ્ટ પડતું હતું. એનાથી છૂટવા એણે એક વાર આપઘાત કરવાનો વિચાર પણ કર્યો હતો. પરંતુ એવું પાપ કરવાને બદલે એ સંન્યાસને માર્ગે વળી ગયો હતો. એણે ખૂબ સાધના કરી હતી. બીજાનાં દુ:ખ દૂર કરી શકે એવી શક્તિ એને મળી, પણ એ પોતાનો રોગ મટાડી શક્યો નહોતો.

સંતે માછલીને બધી વાત કરી અને કહ્યું: “જો તું મારો આ રોગ મટાડે તો હું તને દરિયામાં પાછી જવા દઈશ.” માછલીએ સંતને એક ખૂબ મોટા વૈદ્ય પાસે જવા કહ્યું: “એ વૈદ્ય તમને જે જડીબુટ્ટી આપશે એનાથી તમારો રોગ મટી જશે.”

સંત એ વૈદ્ય પાસે ગયો. વૈદ્યે સંત માટે દવા તૈયાર કરી. ત્યાં જ વૈદ્યને વિચાર આવ્યો, મારું નામ આ સંતને કોણે આપ્યું? સંતે પણ વૈદ્યને માછલીની વાત કરવી પડી. વૈદ્યને માછલી વાળી આ વાત પર વિશ્ર્વાસ બેઠો નહીં. એણે સંતને કહ્યું: “ચાલો, હું તમારી સાથે આવું છું, મને એ માછલી બતાવો.”

સંત વૈદ્યને પોતાની સાથે લઈ ગયો. એણે વૈદ્યને માછલી બતાવી. માછલીને જોતાં જ વૈદ્યને વિચાર આવ્યો, આ જાદુઈ માછલી જો મારી પણ ચિંતા દૂર કરે તો મારો બેડો પાર થઈ જાય.

એણે સંતને કહ્યું: “તમે મને આ માછલી આપો તો જ હું તમને દવા આપું.”

સંતે કહ્યું;” “હું માછલીને દરિયામાં મૂકી આવવાના વચનથી બંધાયેલો છું. એથી હું તમને આ માછલી આપી શકું નહીં.”

માછલી સંત અને વૈદ્ય વચ્ચે થઈ રહેલી વાત સાંભળતી હતી. એણે વૈદ્યને કહ્યું: “હું તમારી સાથે આવવા તૈયાર છું, પણ જો હું તમારી એક ઇચ્છા પૂરી કરી આપું પછી તમારે મને દરિયામાં મૂકી આવવી પડશે.”

વૈદ્યે માછલીની શરત સ્વીકારી. એણે સંતને દવા આપી અને માછલીને લઈને ઘેર આવ્યા. ઘેર પહોંચતાં જ માછલી બોલી: “બોલો, મારે તમારી કઈ ઇચ્છા પૂરી કરવાની છે?”

વૈદ્યે પોતાની પુત્રીને બોલાવી: “પદ્મા, અહીં આવ.” વૈદ્યની બૂમ સાંભળી એક છોકરી બહાર આવી. એના એક હાથમાં લાકડી હતી, બીજો હાથ લાંબો કરીને એ રસ્તો માપતી હતી. એની આંખો પટપટ થતી હતી.

વૈદ્યે માછલીને કહ્યું: “આ મારી દીકરી છે. એ રૂપરૂપનો અંબાર છે, પણ આંધળી છે. એ દેખતી થાય તે માટે મેં કેટલીય દવા કરી. હું પોતે આટલો મોટો વૈદ્ય, કેટલાય રોગીઓના ગંભીર રોગ મટાડી શક્યો છું, પણ મારી આવી ફૂલ જેવી દીકરીને દેખતી કરી શક્યો નથી. બસ, તું એની આંખોનું તેજ લાવી દે.”

માછલી બોલી: “અહીંથી દૂર દક્ષિણ દિશામાં એક જંગલ આવેલું છે. એ જંગલમાં બધાં જ ઝાડપાન લાલ રંગનાં છે. એ જંગલનું નામ જ ‘રાતું જંગલ’ છે. એ જંગલની વચ્ચોવચ્ચ એક જ લીલા રંગનું વૃક્ષ છે. એ વૃક્ષનાં લીલાં પાન તોડીને એનો રસ તારી દીકરીની બંને આંખમાં નાખજે એટલે એ દેખતી થઈ જશે.”

વૈદ્ય તો પળનોય વિલંબ કર્યા વિના ચાલી નીકળ્યો. એને એ જંગલ અને એ ઝાડ મળી ગયાં. એ લીલા ઝાડનાં પાન તોડીને ઘેર આવ્યો. પછી એણે જલદી જલદી પાંદડાંનો રસ કાઢ્યો. એનાં ટીપાં પદ્માની બંને આંખમાં નાખ્યાં. તે સાથે જ પદ્માનો અંધાપો દૂર થયો અને એ દેખતી થઈ ગઈ. “બાપુ, હું બધું જોઈ શકું છું… બધું જોઈ શકું છું” એમ બોલતી ખુશીની મારી નાચવા લાગી. એ પિતાને વહાલથી ભેટી પડી. વૈદ્યની આંખોમાં પણ હર્ષનાં આંસુ આવી ગયાં. એ દીકરીના માથા પર પ્રેમથી હાથ ફેરવતો બોલ્યો:

“બેટા, આ બધો પ્રતાપ આ માછલીનો છે. એણે જ તને દેખતી કરી છે.”

પદ્મા માછલી તરફ ફરી. એ તો માછલીને જોઈ જ રહી. પછી બોલી: “વાહ, કેવી સુંદર છે આ માછલી!” એ પોતાને રોકી શકી નહીં. એ માછલી પર ધીરેથી હાથ ફેરવવા લાગી. પદ્માના હાથનો સ્પર્શ થતાં જ માછલી એકાએક મત્સ્યકન્યા બની ગઈ. એનું માથું અને ધડ છોકરીનાં હતાં અને બાકીનું અર્ધું શરીર માછલીનું હતું. એ જોઈ પદ્મા બોલી ઊઠી: “અરે, તું તો માછલી હતી, આ શું બની ગઈ?” વૈદ્ય પણ માછલીમાંથી બનેલી મત્સ્યકન્યાને આશ્ર્ચર્યથી જોઈ રહ્યો.

મત્સ્યકન્યા લાંબી ઊંઘમાંથી જાગી હોય એમ ચારે બાજુ જોવા લાગી. એ પણ પોતાના શરીરને નવાઈ પામીને જોતી હતી. એણે પદ્મા સામે જોયું તે સાથે જ અને એને બધી વાત યાદ આવી ગઈ.

પદ્માએ પૂછ્યું: “તું કોણ છે?”

એ બોલી: “હું એક મત્સ્યકન્યા છું. અમે મત્સ્યકન્યાઓ જળદેવીની સાથે દરિયામાં રહીએ. મત્સ્યકન્યાઓ જળદેવીની સેવા કરે. અમારે એમનું માન જાળવવાનું હોય અને કાયદામાં રહેવાનું હોય. હું ખૂબ ચંચળ અને નટખટ હોવાને કારણે મારી મસ્તીમાં જ રહેતી હતી. એક વાર જળદેવી દરિયામાં નહાતાં હતાં. એમણે એમનાં વસ્ત્રો અને ઘરેણાં કિનારા પર ઊતાર્યાં હતાં. મેં મસ્તીમાં ને મસ્તીમાં જળદેવીનાં વસ્ત્રો અને ઘરેણાં પહેરી લીધાં અને ઊછળતી કૂદતી નૃત્ય કરવા લાગી.

“થોડી વારે જળદેવી નહાઈને આવ્યાં. એમનાં વસ્ત્રો અને ઘરેણાં મેં પહેર્યાં હતાં તે જોઈને એ ગુસ્સે થઈ ગયાં અને બોલી ઊઠ્યાં: “મારાં વસ્ત્રો અને ઘરેણાં પહેરવાની તારી હિંમત કેમ ચાલી? તેં બહુ મોટો અપરાધ કર્યો છે. હું તને શાપ આપું છું કે તું મત્સ્યકન્યામાંથી માછલી બનીને દરિયામાં ભટકતી રહેશે.” હું રડવા લાગી. મેં જળદેવીની માફી માગી. ફરીથી આવું ક્યારેય નહીં થાય એની ખાતરી આપી. મેં એમને શાપ પાછો ખેંચવા બહુ આજીજી કરી.

“મને દુ:ખી થતી જોઈ એમનું મન થોડું પીગળ્યું. એ બોલ્યાં: “હું એક વાર આપેલો શાપ પાછો તો ખેંચી શકું નહીં, પણ જા, હું તને એમાં થોડી રાહત આપું છું. તું લોકોની એક એક ઇચ્છા પૂરી કરી શકે એવી જાદુઈ શક્તિ તને આપું છું. એમ કરતાં કરતાં જ્યારે તું તારી એ શક્તિથી કોઈ આંધળી છોકરીને દેખતી કરશે અને એ છોકરી ખુશ થઈને તારા શરીર પર હાથ ફેરવશે ત્યારે તું ફરીથી મત્સ્યકન્યા બની જશે.” આટલું બોલી જળદેવી ત્યાંથી ચાલ્યાં ગયાં અને હું માછલી બનીને દરિયામાં ભટકતી રહી.”

મત્સ્યકન્યાનાં આંખમાં આંસુ આવી ગયાં હતાં. એણે પદ્માને કહ્યું: “તેઁ મારા શરીર પર હાથ ફેરવ્યો અને હું મારા મૂળ સ્વરૂપમાં પાછી ફરી શકી છું. એ માટે તારો ખૂબ ખૂબ આભાર.”

વૈદ્યે કહ્યું: “ખરેખર તો અમે તારા આભારી છીએ. તેં જ પદ્માને આંખો આપી.”

ત્રણેય ખૂબ ખુશ હતાં. મત્સ્યકન્યા દરિયામાં જવા અધીરી બની હતી. તેઓ દરિયાકિનારે ગયાં. ત્યાં પહોંચીને જોયું તો બીજી મત્સ્યકન્યાઓ એમની બહેનપણીનું સ્વાગત કરવા ઊભી હતી. પદ્મા અને વૈદ્યે મત્સ્યકન્યાને વિદાય આપતાં કહ્યું: “સુખેથી તારા ઘેર જા” મત્સ્યકન્યાએ પણ એમને વિદાય આપી. પછી જોતજોતામાં એ પણ બીજી મત્સ્યકન્યાઓની સાથે ભળી ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *